સુરત શહેરમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ફરી એક વખત ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે ક્લેક્ટર અને ડીઈઓ દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે સવાર પાળીમાં ગયેલા વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા હતાં. તે વખતે વિદ્યાર્થીઓને તેડવા પીક અપ પોઈન્ટ પર આવેલા વાલીઓના જીવ તાળવે ચોંટયા હતાં. અમૂક જગ્યાએ બસ અટવાઈ જતાં વાલીઓને ભરેલા પાણીમાં દોટ લગાવવી પડી હતી. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. શહેર પાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સલામતી રાખવા અપીલ કરવામાં આવી છે.