
IMD Forecast For Gujarat : ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીના માહોલ વચ્ચે મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હોવાનું સામે આવ્યું છે. આજે રવિવારે (4 મે, 2025) વહેલી સવારથી જ અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
મળતી માહિતી પ્રમાણે, આ દરમિયાન હવામાન વિભાગે આગામી 8 મે, 2025 સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા પડવા અને 60-80ની સ્પિડે પવન ફૂંકાવવાની આગાહી કરી છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં કેવું રહેશે હવામાન.
આવતીકાલે ભારે કમોસમી વરસાદ-કરા પડવાની ચેતવણી
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે 4 મે, 2025ના રોજ અનેક વિસ્તારોમાં માવઠું થયું. હવામાન વિભાગની આગાહી મુજબ, 4-5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના, કરા પડવા, પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે મહેસાણા, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી છે.
6 મેની આગાહી
રાજ્યમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં 6 મેના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, અને છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ, 70-80 કિલો.મી. પ્રતિ કલાકની સ્પિડે પવન ફૂંકાવવો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે કમોસમી વરસાદની આગાહીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લામાં મધ્યમ મેઘગર્જનાની આગાહી હવામાન વિભાગે કરી છે.
26 જિલ્લામાં ભારેથી અતિભારે માવઠાની આગાહી
આગામી 7 મેના રોજ રાજ્યના 26 જિલ્લામાં ભારેથી અતિભારે માવઠાની આગાહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે કમોસમી વરસાદને પગલે હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, પોરબંદર, ગીર-સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. આ સિવાયના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, ડાંગ, વરસાડ અને મહેસાણા જિલ્લામાં પણ 60-80 કિલો.મી. પ્રતિ કલાકની સ્પિડે પવન ફૂંકાવવાની સાથે વીજળીની ચેતવણી છે.
8 મેની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 8 મેના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્મ-દક્ષિણ ગુજરાતના 14 જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા જિલ્લાના અનેક સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે કમોસમી વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત અને તાપી જિલ્લામાં ભારે કમોસમી વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની મહત્ત્વપૂર્ણ સૂચના
રાજ્યમાં 5 દિવસ દરમિયાન વીજળી, કરા પડવા, પવન ફૂંકાવવાની સાથે હળવાથી ભારે કમોસમી વરસાદની આગાહીને પગલે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગે લોકોને સજાગ રહેવા માટે મહત્તપૂર્ણ સૂચના આપી છે.