
France Forest Fires: દક્ષિણી ફ્રાન્સમાં લાગેલી ભીષણ આગ દિન-પ્રતિદિન ઘાતક સ્વરૂપ લઈ રહી છે. આ આગ 2000 હેક્ટર સુધી ફેલાઈ ગઈ છે અને ભયાનક થઈ ચુકી છે કે, તેનો પ્રભાવ ફ્રાન્સના માટો શહેર માર્સિલે સુધી જોવા મળી રહ્યો છે. જોકે, સરકારે આગના વધતા પ્રભાવને જોતા માર્સિલે એરપોર્ટ બંધ કરાવી દીધું છે, આ સિવાય તમામ ફ્લાઇટ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, આ આગ પિન-મિરાબો નામની જગ્યાએથી શરૂ થઈ હતી, જે માર્સિલે શહેર પાસે સ્થિત છે. આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે, રેલ સેવા પણ રોકી દેવામાં આવી છે અને અનેક પ્રમુખ રસ્તા પણ બંધ કરી દેવાયા છે.
આગ પર કાબૂ મેળવવાની તૈયારી
નોંધનીય છે કે, વધતી આગ પર નિયંત્રણ મેળવવા માટે સરકારે 720 ફાયર ફાઇટર અને 220થી વધુ ફાયર બ્રિગેડની ગાડી અને મશીન તૈનાત કર્યા છે. આ મામલે તંત્રનું કહેવું છે કે, અત્યાર સુધી આશરે 700 હેક્ટર જંગલ બળીને ખાક થઈ ગયું છે. પરંતુ, સ્થિતિ ધીમે-ધીમે કાબૂમાં લાવવામાં આવી રહી છે.
તુર્કીયેના જંગલમાં પણ આગ
આ પહેલાં તુર્કીયેના જંગલમાં પણ આગના સમાચાર સામે આવ્યા છે. તુર્કીયેના કૃષિ અને વન મંત્રી ઇબ્રાહમ યુમાકલીએ એક જુલાઈએ જણાવ્યું હતું કે, દેશભરમાં છેલ્લાં અમુક દિવસોમાં 342 જંગલમાં આગ લાગી છે. જેમાંથી અનેક આગ મનીસા, ઇજમિર, હાતાય અને અંતાક્યા જેવા વિસ્તારોમાં હજુ પણ છે. ત્યારબાદ 4 જુલાઈએ મંત્રીએ જાણકારી આપી હતી કે, 9માંથી 6 મોટી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
કેમ વધી રહી છે દાવાનળની ઘટના?
નોંધનીય છે કે, ફ્રાન્સ અને તુર્કીયેમાં દાવાનળની વધતી ઘટના આબોહવા પરિવર્તન, તેજ ગરમી, શુષ્ક વાતાવરણનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતો અનુસાર, તેજ ગરમ હવા, શુષ્ક હવામાન અને વધતું તાપમાન દાવાનળનું મુખ્ય કારણ બની રહ્યા છે. જોકે, સરકારો સતત સ્થિતિ પર નજર રાખે છે અને રાહત કાર્યમાં તેજી લાવી રહી છે. જોકે, આ ઘટનાઓ પર્યાવરણ અને માણસના જીવન બંને માટે ચિંતાનો વિષય છે.