
SURAT Textile -Diamond Markets : સિલ્કસીટી અને ડાયમંડ સીટી તરીકે વિશ્વભરમાં ઓળખાતા સુરતના કાપડ અને હીરાબજારમાં વર્ષ 2024 માં જ નોંધાયેલી વિશ્વાસઘાતની રૂ.173 કરોડથી વધુની 250 થી વધુ પોલીસ ફરિયાદને લીધે લાગી રહ્યું છે કે સુરતના કાપડ અને હીરાબજારમાં "વિશ્વાસઘાત" નું પ્રમાણ ઘણું ઊંચું છે. પોલીસ, વિવિધ વેપારી સંગઠનોની નક્કર કામગીરીનો અભાવ તેમજ વેપારીઓની પણ નિષ્ક્રિયતા ઠગબાજોને મોકળું મેદાન પૂરું પાડે છે.
વર્ષ-2024માં 173 કરોડથી વધુની છેતરપિંડીની 250થી વધુ ફરિયાદ નોંધાઇ
સિલ્કસીટી અને ડાયમંડ સીટી તરીકે વિશ્વભરમાં ઓળખાતા સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વિશ્વાસઘાતની ઘટનાઓનું પ્રમાણ મોટી સંખ્યામાં વધ્યું છે. કાપડબજાર સલાબતપુરા વિસ્તારમાંથી વધીને સારોલી,ભાઠેના, ગોડાદરા જેવા વિસ્તારો સુધી પહોંચતા વેપાર તો વધ્યો છે પણ સાથે ઠગાઈનું પ્રમાણ પણ વધ્યું છે. આવી જ પરિસ્થિતિ હીરાબજારની પણ છે. મહિધરપુરા અને વરાછાના હીરાબજારમાં અગાઉની જેમ જ હાલ પણ હીરાનો મોટાપાયે વેપાર થાય છે. પરંતુ અહીં પણ ઠગાઈના કિસ્સા ઘણા વધ્યા છે. કાપડ બજાર અને હીરા બજારમાં થતી ઠગાઈ અંગે જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમાં હવે લાખો અને કરોડો રૂપિયાના ઉઠમણાની ફરિયાદ હોય છે.
કાપડ બજારની ઠગાઈ અંગે કુલ 194 પોલીસ ફરિયાદ નોંધાઈ
વીતેલા વર્ષ 2024 માં સુરતના વિવિધ પોલીસ મથકોમાં અને ક્રાઈમ બ્રાન્ચમાં કાપડ બજારની ઠગાઈ અંગે કુલ 194 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.તેમાં ઠગાઈનો આંક અધધ કહી શકાય તેવો રૂ.124,54,63,688 નો હતો. જયારે હીરાબજારની ઠગાઈ અંગે 64 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમાં ઠગાઈનો આંક રૂ.48,23,24,322 નો હતો. આમ, બંને બજારમાં કુલ 258 પોલીસ ફરિયાદ ઠગાઈની નોંધાઈ હતી અને તેનો કુલ આંક રૂ.172,77,88,010 નો હતો.આ તો સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ તેની વિગતો છે.
બંને બજારમાં ઉઠમણું અને ઠગાઈના કિસ્સાઓ સતત બનતા રહે છે અને તેમાં ઘણી વખત વેપારીઓ અને ઠગબાજો સેટલમેન્ટ કરી લેતા હોય છે.જો તેની ગણતરી કરીએ તો ઠગાઇનો આંક ત્રણ ગણો થાય તેમ છે.
નાના વેપારીઓને સૌથી વધુ નુકસાન
કાપડ બજાર અને હીરા બજારમાં આ પરિસ્થિતિ માટે પોલીસ, વિવિધ વેપારી સંગઠનોની નક્કર કામગીરીનો અભાવ તો જવાબદાર છે પણ તેની સાથે વેપારીઓની નિષ્ક્રિયતા પણ જવાબદાર છે. ઠગબાજો વિરુદ્ધ ત્વરીત કાર્યવાહી થતી નથી. પરિણામે તેમને મોકળું મેદાન મળે છે. વેપારીઓ પણ પોતાના હિતને જ ધ્યાનમાં રાખી બીજા વેપારી અંગે વિચારતા નથી. આથી ઠગબાજો સમયાંતરે સક્રિય થઈને કરોડો રૂપિયાની ઠગાઈ કરે છે અને તેમાં સૌથી વધુ નુકશાન નાના વેપારીઓને થાય છે.
કાપડબજારમાં ઠગાઈના સૌથી વધુ ગુના સલાબતપુરા, સારોલીમાં નોંધાયા
સુરતનું કાપડબજાર પહેલા સલાબતપુરા રીંગરોડ વિસ્તારમાં હતું. જે હવે સારોલીમાં વધુ વિસ્તરણ પામ્યું છે. એટલે કાપડબજારમાં ઠગાઈ અંગે સૌથી વધુ ગુના સલાબતપુરા, સારોલીમાં નોંધાય છે. જોકે, કાપડબજારની સાથે સંકળાયેલા ગ્રે કાપડનું ઉત્પાદન કરતા યુનિટ, જરીના કારખાના, એમ્બ્રોઈડરીના કારખાના, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ યુનિટ, રોલપોલિશના કારખાના અન્ય વિસ્તારોમાં હોય સલાબતપુરા અને સારોલી ઉપરાંત શહેરના પાંડેસરા, ચોકબજાર, વરાછા, પુણા, ઉધના, સચીન, સચીન જીઆઈડીસી, ખટોદરા, અમરોલી, કાપોદ્રા, ગોડાદરા, સરથાણા પોલીસ મથકમાં ગુના નોંધાય છે.
હીરાબજારમાં સૌથી વધુ ગુના મહિધરપુરા, વરાછામાં નોંધાયા
જયારે હીરાબજરની લેવડદેવડ મોટાભાગે મહિધરપુરા અને વરાછા મીનીબજારમાં થતી હોય મહિધરપુરા અને વરાછા પોલીસ મથકમાં ગુના નોંધાય છે.ઉપરાંત, હીરા મેન્યુફેક્ચરીંગ યુનિટ અન્ય સ્થળોએ હોવાથી કાપોદ્રા, કતારગામમાં ગુના વધુ પ્રમાણમાં નોંધાય છે.