
Botad News: બોટાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં સંપત્તિ મામલે બે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો, અને ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતાં મારામારી થઈ જેમાં એક ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સીતાપર ગામે આ બનાવ બન્યો હતો જેમાં વડિલોપાર્જિત જમીનનાં ભાગને લઈને વિજયભાઈ ઓળકિયા અને તેના ભાઈ નિરુભાઈ ઓળકિયા નામના ભાઈઓ વચ્ચે ગઈકાલે સાંજે મારામારી થઈ હતી.
મારામારી થતાં મોટાભાઈ છુટા પડાવવા વચ્ચે પડતાં ઝપેટમાં આવ્યા
મારામારી થતાં મોટાભાઈ કરમશીભાઈ વચ્ચે પડી છુટા પડાવવા આવ્યા હતા, જ્યાં તેમને લોખંડના પાઈપ વડે મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. કરમશીભાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.
ચારેય આરોપીઓ પણ ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ
તો સામે પક્ષે ચારેય આરોપીઓને પણ ઈજાઓ થતાં તે ચારેયને અમરેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. મૃતકના ભાઈ વિજયભાઈએ તેના સગા ભાઈ, ભાભી અને બે ભત્રીજા મળી કુલ ૪ સામે ફરીયાદ નોંધાવી છે. ઢસા પોલીસ દ્વારા આ મામલે નીરુભાઈ ભીખાભાઈ ઓળકિયા, રસીલાબેન ભીખાભાઈ ઓળકિયા, રાહુલ નીરુભાઈ,અનિલ નિરુભાઈ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.