
ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતા, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતા. જો કે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે.
આ જ તો મિર્ઝાપુર છેઃ અલ્પેશ કથિરિયા
અલ્પેશ કથિરિયાએ આ વિરોધ અને હુમલા વિશે વાત કરતાં કહ્યું કે, 'જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના. તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.'
ચેલેન્જ સ્વીકારી પહોંચ્યા ગોંડલ
રાજકોટના ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા (ગોંડલ) અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. ત્યારે MLA પુત્ર ગણેશ જાડેજા બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી. જેને લઈને હવે અલ્પેશ કથિરિયાએ ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી...” આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ.' આજે અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે પહોંચ્યા છે.
માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં: ગણેશ જાડેજા
બે દિવસ પહેલાં સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ જાડેજાએ ચીમકી ઉચ્ચારતો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ પડકાર આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલ માટે હતો. ગણેશ ગોંડલે કહ્યું હતું કે, હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં જ રહીએ છીએ. માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. મારી ગાડી 2 વાગે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો. 200 કિલોમીટર દૂરથી વીડિયો બનાવીને રમત ન રમશો. આ કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, વરૂણ પટેલ, મેહુલ બોઘરા અને જિગીશા પટેલ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા.
કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલની પ્રતિક્રિયા
ગોંડલ જયરાજસિંહના કોંગ્રેસ પર આક્ષેપ અંગે પ્રવક્તા હેમાંગ રાવલની પ્રતિક્રિયા સામે આવી છે. ગોંડલ કે ગુજરાત બધી જગ્યા પર કાયદો વ્યવસ્થાની જવાબદારી ગૃહમંત્રીની છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનું રટણ સરકાર બંધ કરે. બંનેના ઝઘડામાં સામાન્ય જનતા ભોગ બની રહી છે. ગોંડલમાં કાયદો વ્યવસ્થા નિભાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. ભાજપની યાદવસ્થાલી નીચલા સ્તરે પહોંચી હોય એવું લાગે છે. ગૃહમંત્રી ચમરબંધીને નહીં છોડવાનું રટણ બંધ કરે, ભાજપમાં ભડકો થઈ રહ્યો છે એનો ભોગ ગોંડલની જનતા બની રહી છે.
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું નિવેદન
ગીતાબા જાડેજાએ કહ્યું કે, વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે. તેમને છુટ છે તો તેઓ કર્યા રાખે મને તેનાથી કોઈ ફેર પડતો નથી. મારી ગોંડલની જનતાને તે લોકોના વિરોધથી કોઈ ફરક પડતો નથી અને ફરક પડશે પણ નહીં. લોકોનું સમર્થન સ્વયંભુ આવ્યું છે. ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે કોઈએ તેમને બોલાવ્યા નથી તેઓ સ્વયંભુ આવ્યા છે.