
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને ભાજપના પૂર્વ સાંસદ ગૌતમ ગંભીર (Gautam Gambhir) ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગંભીરને આ ધમકી ISIS કાશ્મીર દ્વારા આપવામાં આવી છે. આ પછી, આવી ધમકીઓ મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચે દિલ્હી પોલીસ પાસેથી સુરક્ષાની માંગ કરી છે.
આતંકવાદી જૂથ ISIS કાશ્મીર તરફથી ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ, તેણે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને FIR નોંધાવી અને તેના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી. તમને જણાવી દઈએ કે ભૂતપૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર (Gautam Gambhir) હાલમાં ભારતીય ટીમનો હેડ કોચ છે. 2024ના T20 વર્લ્ડ કપ પછી તેને ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. અગાઉ તે IPL ફ્રેન્ચાઈઝી KKR સાથે સંકળાયેલો હતો.
https://twitter.com/ANI/status/1915242977993293850
ગંભીર કોચ બન્યા પછી, ભારતની શરૂઆત સારી નહતી રહી અને ભારતને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવવી પડી હતી, જ્યારે ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પણ 5 મેચની ટેસ્ટ સિરીઝ હારી ગઈ હતી, પરંતુ તે પછી ભારતે સારી વાપસી કરી અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો.
ગૌતમ ગંભીર (Gautam Gambhir) 5 વર્ષ સુધી પૂર્વ દિલ્હીથી ભાજપનો સાંસદ પણ હતો, પરંતુ 2024ની ચૂંટણીમાં તેની ટિકિટ કપાઈ ગઈ હતી. ગંભીર હાલમાં ભારતીય ટીમનો હેડ કોચ છે, પરંતુ આ પહેલા તે કોમેન્ટેટર તરીકે પણ ક્રિકેટ સાથે સંકળાયેલો હતો. ગંભીરે પોતાની કેપ્ટનશિપમાં KKRને બે વાર ચેમ્પિયન બનાવ્યું હતું, જ્યારે એક મેન્ટર તરીકે તેણે 2024 માં આ ટીમને ફરીથી ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.