
ગેરકાયદેસર ઘુસણખોરીને લઈ ગુજરાત સહિત દેશભરમાં કાર્યવાહી થઈ રહી છે. રાજ્યમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ઘુસેલા અને રહેતા પાકિસ્તાની તથા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. એવામાં ગીર સોમનાથના નાળિયા માંડવી ખાતેથી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, ઉના વિસ્તારના નાળિયા માંડવી ખાતે આવેલા ન્યુ પર્પલ ઓર્ચીડ સ્પામાંથી બાંગ્લાદેશી યુવતીને પોલીસે તપાસ દરમિયાન ઝડપી પાડી છે. મોબાઈલ તપાસ દરમ્યાન યુવતી બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાંગ્લાદેશ યુવતીને ઝડપી પાડી છે.
વડોદરામાં પાકિસ્તાની ઝંડાનું સ્ટિકર લાગતા તંત્ર દોડતું થયું
સુરક્ષા એજન્સીઓ દેશમાં સજાગ બની છે. જેને અનુક્રમે વડોદરા શહેરમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. આવા સંવેદનશીલ સમયગાળામાં શહેરમાં ફરી એકવાર લોકોના આકર્ષણના કેન્દ્ર બની રહેલા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર જાહેર માર્ગ પર લગાવાતા ચકચાર મચી ગઈ છે. શહેરના ફતેહગંજ નરહરિ હોસ્પિટલથી કાશીબા હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર પાકિસ્તાનના ધ્વજ દર્શાવતા પોસ્ટર લગાવાયા છે. જેમાં “પાકિસ્તાન મુર્દાબાદ” અને ફ્લેગ પણ ચોટાડ્યા લખાયું હતું. વિશેષ વાત એ છે કે આ પહેલાં પણ કારેલીબાગ વિસ્તારમાં આવા જ ધ્વજના પોસ્ટર લાગ્યા હતા, જેના કારણે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તરત તેનું દુરસ્તિકરણ કરાયું હતું.