
Godhra news: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે બે દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ખુશીના અતિરેકમાં કરવામાં આવેલા ગોળીબાર કરવાના કેસમાં એસઓજીઓ બે શખ્સની ધરપકડ કરી છે. વરઘોડા દરમિયાન ઉતારવામાં આવેલા વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી બંદૂક અને કારતૂસ કબ્જે લીધા છે.
મળતી વિગતો અનુસાર, પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા તાલુકાના ખોબા જેવડા પોપટપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં આસિફ ખાન બેલીમના પુત્રના લગ્નનાં વરઘોડા દરમિયાન જાહેરમાં હવામાં ફાયરિંગ કરાયું હતું. જો કે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ આ વાયરલ વીડિયો પોલીસને મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ
ધરવામાં આવી હતી.આરોપીઓએ ખેતરમાં પાક રક્ષણ માટે વપરાતી 12 બોર સિંગલ બેરલ બંદૂક વડે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, જેનાથી જાહેર જનતાનું જીવન જોખમાયું હતું. જેના લીધે એસઓજી પોલીસે આસિફખાન બેલીમ અને સમીર શેખની ધરપકડ બાદ તેમની પાસેથી બંદૂક અને કારતૂસ કબજે કર્યા છે.