
MGNREGA: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપના એક મંત્રીના દીકરાએ કરોડોનું કૌભાંડ કરી નાખ્યું. ગરીબોનું ઘર ચાલે અને ગરીબોને 100 દિવસની રોજગારી મળે તે માટે મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને ગરીબો સુધી આ યોજનાનો લાભ પહોંચે તેની જવાબદારી મંત્રીની હોય છે. પરંતુ મંત્રીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી અને એજન્સીઓ બનાવીને કરોડો રૂપિયા ઉપાડી લીધા પરંતુ કામ જ ન કર્યું.
આ મંત્રી પર અગાઉ પણ વારંવાર આરોપો લાગ્યા છે અને આ મંત્રીના એક પુત્રની હાલ ધરપકડ કરવામાં આવી છે, હવે થોડા દિવસમાં આ લોકોને જામીન મળી જશે એટલે એ કેસ હવે રફેદફે થઈ જશે કારણ કે મંત્રી હજુ પણ પોતાના પદ પર ચાલુ છે.
મંત્રી બચુ ખાબડની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ: ઈસુદાન ગઢવી
મંત્રીના કહ્યા વગર કયા અધિકારીઓ દીકરાની વાત માનવાના હતા? મંત્રીના દીકરાએ અને અધિકારીઓએ મીલીભગત કરીને કરોડો રૂપિયા જે ગુજરાતના ગરીબ લોકોને મળવાના હતા તે મનરેગા યોજના ના પૈસા ખાઈ ગયા. અને પાછું કામ કર્યા વગર પૈસા ખાઈ ગયા તો અમારો સવાલ છે કે શું મંત્રીના છુપા આશીર્વાદ વગર આ કામ શક્ય છે? તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ પરંતુ મંત્રી હાલ પોતાના પદ પર ચાલુ છે. તો હવે આ કેસમાં કઈ રીતે કામ આગળ વધશે? આપણે સાંભળ્યું છે કે 25-50 લાખ રૂપિયાના વ્યવહારમાં પણ ED સીબીઆઈની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા 100થી 200 કરોડનું કૌભાંડ થયું છે એવું સંભળાઈ રહ્યું છે તો હવે ED ક્યાં છે? અને મંત્રી હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવા માગું છું કે તમે ઈડીને ગુજરાતમાં મોકલો અને તપાસ કરવો. મંત્રી પદ ચાલુ છે તો તપાસ કઈ રીતે યોગ્ય રીતે થશે કારણ કે મંત્રી પદ ચાલુ હોવાથી 15 દિવસમાં જે લોકોની ધરપકડ થઇ છે તે લોકો છૂટી જશે. અને હજુ બીજો દીકરો તો પકડાયો પણ નથી.
ગરીબ લોકોને રોજગાર મળે એ માટે મનરેગા યોજના શરૂ કરવામાં આવી હતી અને 100 દિવસની ગરીબોને રોજગારીની બાંયધરી આપવામાં આવી હતી પરંતુ આજે એક મંત્રીના પુત્ર દ્વારા મનરેગા યોજનામાં 100 કરોડથી વધારેનું કૌભાંડ કરવામાં આવ્યું છે. ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્રએ મનરેગા યોજનામાં આ 100થી 200 કરોડનું કૌભાંડ કર્યું. આ કૌભાંડમાં સીધી રીતે એક મંત્રીના પુત્રની સંડોવણી છે તેમ છતાં પણ મંત્રીનું હજી સુધી રાજીનામું લેવામાં આવ્યું નથી અને હજુ સુધી ઇડીએ પણ આ મુદ્દે કોઈ તપાસ શરૂ કરી નથી.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન
દાહોદ જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બચુ ખાબડના પુત્રની મનરેગા કૌભાંડમાં સંડોવણી બાબતે સરકારમાં કહ્યું હતું. આજે બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે તેનાથી મને સંતોષ થયો છે કે, સરકારે તેમના પુત્ર પર કાર્યવાહી કરી છે.ચૈતર વસાવાએ કહ્યું કે બચુભાઇ ખાબડે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ
250 કરોડના પુરાવા છે મારી પાસે તે રિકવર થવા જોઈએ: ચૈતર વસાવા
નર્મદા અને છોટાઉદેપુરમાં બચુ ખાબડ પ્રભારી મંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની જલારામ એન્ટરપ્રાઇઝે નર્મદા જિલ્લામાં 400 કરોડનું કૌભાંડ કર્યું છે તેની તપાસ કરવામાં આવે તો બચુભાઇ ખાબડની સીધી સંડોવણી બહાર આવે એવું છે. કોઈપણ ચમરબંધી હોય અને હજુ પણ એજન્સીના કોઈપણ લોકોની ધરપકડ કરવામાં નથી આવી તેની સામે પણ સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ ચૈતર વસાવાએ કરી છે.
શું છે સમગ્ર મામલો
5 વર્ષથી મંત્રીપુત્રની એજન્સીને જ કોન્ટ્રાક્ટ અપાયો
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ તળાવ ઊંડા કરાયાં છે. આજ વિસ્તારમાં ગટર ઉપરાંત આરસીસીના માર્ગો, ચેકડેમ પણ બનાવાયા છે. નાણાંપચ અને એટીવીટી હેઠળ વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ બધાય કામોનો રાજ કન્ટ્રકશનને આપવામાં આવ્યો છે. આ માનીતી એજન્સીના માલિક એક મંત્રીના પુત્ર છે. વર્ષ 2020થી માંડીને વર્ષ 2024-25 સુધીમાં રાજ કન્સ્ટ્રકશનના માલિક બળવંત ખાબડના ખાતામાં 211 કરોડ રૂપિયા ચૂકવાયાં છે. જ્યારે હજુ 20 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ ઉપરાંત રાજ ટ્રેડર્સના ખાતામાં 42 કરોડ રૂપિયાનું પણ ચુકવણુ થયુ છે.