
Gold price today: ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારત-પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા ઘર્ષણ અને યુદ્ધ જેવી સ્થિતિમાં સોનાના ભાવમાં આવેલા ઘટાડા બાદ આજે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ફેરફાર આવ્યો હતો. આ અઠવાડિયે જોરદાર ઉછાળો નોંધાયો છે. ઘરેલું બજારમાં એમસીએક્સ ગોલ્ડના રેટ ચાર ટકાથી વધુ વધ્યા છે.એમસીએક્સ પર શુક્રવારે સોનું 96,535 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જે ગત અઠવાડિયે 92,700 રૂપિયાની સરખામણીએ 3,835 રૂપિયાનો વધારો છે.
રૂપિયાના ઘટતા જતા મૂલ્યને લીધે બજારમાં તેજી
મળતી માહિતી અનુસાર, સોનાના વધતા ભાવમાં ભારતીય રૂપિયાના ઘટાડાએ મહત્ત્વની ભૂમિકા ભજવી. ગત અઠવાડિયે રૂપિયો ડોલરની સરખામણીએ એક ટકાથી વધુ નબળો થયો જેનાથી ઘરેલું બજારમાં સોનું મોંઘું થયું. આ કારણથી રોકાણકારો સલામત વિકલ્પ તરીકે સોનું ખરીદતા હોય છે.
અમેરિકાની સ્થિતિ મોટું કારણ
અમેરિકી ફેડરલ રિઝર્વએ વ્યાદ દરમાં 4.5 ટકા સ્થિર રાખ્યા છે. આ ઉપરાંત અમેરિકામાં આર્થિક અસ્થિરતા અને વધતા ટેરિફની અસર સોનાની માંગ ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડની બેંકે 25 બેસિસ પોઈન્ટસના કાપે સોનાના ભાવને ટેકો આપ્યો છે.
ભારત-પાકિસ્તાન સરહદે તણાવ અને ટેરિફ વૉર કારણ બન્યું
વર્તમાન સમયે રોકાણ બજારની અનિશ્ચિતાથી ડરેલું છે. અમેરિકા તરફથી વિદેશી ફિલ્મો અને ફાર્મા સેકટર પર ટેરિફની ધમકીએ વૈશ્વિક બજારમાં તણાવ વધારી દીધું છે. જ્યારે ભારત અને પાકિસ્તાની બોર્ડર પર વધતા તણાવે ઘરેલું માર્કેટમાં સોનાની માંગને વધારી છે. જો કે, અમેરિકા-ચીન ટ્રેડ ટોક્સ અને અમેરિકા-યુકેએ નવા ટ્રેડ ડીલની ખબરોએ બજારને થોડી સ્થિરતા આપી છે, પરંતુ વૈશ્વિક કારણ હજી યથાવત્ છે.