રાજસ્થાનના ઝુનઝુનુનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ACB અધિકારી રાજસ્થાનના એક સરકારી કર્મચારી પાછળ દોડતા જોવા મળી રહ્યા છે. વિડિયોમાં દોડી રહેલ વ્યક્તિ સરકારી અધિકારી છે, જે ACB દ્વારા લાંચ લેતી વખતે પકડાઈ ગયો હતો. આ દરમિયાન સરકારી અધિકારી ACB ટીમને ચકમો આપીને ભાગવા લાગ્યો. તેને જોઈએ ACB ટીમના અધિકારીએ પીછો કર્યો. પકડાઈ જવાના ડરથી સરકારી અધિકારીએ તેના હાથમાં રહેલી નોટોનું બંડલ ખાલી પ્લોટમાં ફેંકી દીધું. જોકે, તે પછીથી પકડાઈ ગયાનો વિડિયો પણ સામે આવ્યો છે.
રાજસ્થાનના ઝુનઝુનુના ચિદાવામાં કાર્યરત વિદ્યુત નિગમના AEN આઝાદ સિંહ અને સહાયક વહીવટી અધિકારી નરેન્દ્ર સિંહને 30,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ACB એ પકડી લીધા છે. કાર્યવાહીનો સંકેત મળતાં જ સહાયક વહીવટી અધિકારી નરેન્દ્ર સિંહ લાંચના પૈસા લઈને ત્યાંથી ભાગવા લાગ્યો.
તે નજીકની રસ્તા ઉપર દોડતા દોડતા ખિસ્સામાંથી પૈસા કાઢીને ખાલી પ્લોટમાં ફેંકી દીધા. પરંતુ તેનો પીછો કરી રહેલા ACB અધિકારીએ તેને પકડી લીધો. આ સમગ્ર ઘટના શેરીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના ડાયરેક્ટર જનરલ ડૉ. રવિ પ્રકાશ મહેરદાએ જણાવ્યું હતું કે ઝુનઝુનુ એસીબીને ફરિયાદ મળી હતી કે, ફરિયાદી પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ કામ કરે છે. ચિદાવામાં કાર્યરત આઝાદ સિંહ (સહાયક ઇજનેર) અને નરેન્દ્ર સિંહ (સહાયક વહીવટી અધિકારી) તેમની ફાઇલો મંજૂર કરવા બદલ 40,000 રૂપિયાની લાંચ માંગીને હેરાન કરી રહ્યા છે.
આ અંગે ઝુનઝુનુ એસીબીએ અધિક પોલીસ અધિક્ષક ઇસ્માઇલ ખાનના નેતૃત્વમાં કાર્યવાહી કરી હતી અને આરોપી આઝાદ સિંહ અને નરેન્દ્ર સિંહને 30,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી લેવામાં આવ્યા હતા.