
Gandhinagar news: ગાંધીનગર શહેરને અડીને આવેલા વાવોલ ગામના બાળરોગના તબીબ એવા 39 વર્ષીય નીરવ બ્રહ્મભટ્ટ પોતાની 6 વર્ષની દીકરીને ગૌરી વ્રત પૂર્ણ થયા બાદ જવેરા અડાલજને અડીને આવેલી નર્મદા કેનાલમાં પધરાવવા ગયા હતા. જ્યાં તેઓનો પાણીમાં પગ લપસી જતા દીકરીની નજર સામે પિતા કેનાલમાં ખાબક્યા અને ડૂબી જતા મોત થયું હતું. આ દ્રશ્ય જોઈને 6 વર્ષની દીકરી ચોંધાર આંસુએ રડી હતી. દીકરીએ બુમો પાડી ત્યારે આસપાસના લોકોએ પોલીસ અને 108ને ફોન કરી જાણ કરીને તબીબના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢયો હતો. જે બાદ ડૉકટર નીરવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર મહાનગરના અને જાણીતા પીડિયાટ્રિક ડૉકટર 39 વર્ષીય નીરવ બ્રહ્મભટ્ટ જેઓ વાવોલ ગામમાં રહે છે અને તેમની પત્ની પણ ડૉકટર છે. ગત રોજ જ્યારે ગૌરી વ્રત પૂર્ણ થયું હતું. જે બાદ તબીબ પોતાની દીકરીને લઈ બપોરના સમયે અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલ આવ્યા હતા. દીકરી સાથે નર્મદા કેનાલની પાળે આવી જવેરા હાથમાં લઈ તબીબ નર્મદા કેનાલના પગથિયાંથી પાણીમાં ઉતર્યા હતા. જ્યાં અચાનક ડૉકટર નીરવનો પગ લપસી જતા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જે બાદ કિનારે ઊભી રહેલી 6 વર્ષની દીકરી પિતાને પાણીમાં ડૂબતા જોઈ બૂમો પાડતા આસપાસના વાહનચાલકોએ કેનાલમાં પડી ડૉક્ટરને બહાર કાઢ્યા હતા. જે બાદ ડૉક્ટરને અડાલજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા પણ ફરજ પરના તબીબે ડૉકટર નીરવ બ્રહ્મભટ્ટને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર બાબતે અડાલજ પોલીસે અકસ્માતનો ગુનો નોધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને મૃતદેહ સોંપ્યો હતો. ડૉક્ટર નીરવના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છે.