Home / GSTV શતરંગ : GSTV શતરંગ / Hearing Lucky's screams, the neighbors came running

GSTV શતરંગ / લકીની ચીસો સાંભળીને પડોશીઓ દોડી આવ્યા

GSTV શતરંગ / લકીની ચીસો સાંભળીને પડોશીઓ દોડી આવ્યા

- ક્રાઈમવૉચ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- ઘરના નિરીક્ષણ ઉપરથી પોલીસને ખાતરી થઈ ચૂકી હતી કે ઘરના એકેય કબાટમાં કોઈ તોડફોડ કે ફેંદાફેંદી થઈ નથી, એટલે કે ચોરીની વાત તો તદ્દન ઉપજાવી કાઢેલી છે

- ઉષાસિંગ

- રવિસિંગ

- લકી

દુનિયાની દરેક માતા પોતાના સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેવા તત્પર હોય છે. એમાં પણ પતિના અવસાન પછી જ્યારે સંતાનના ઉછેરની જવાબદારી પોતાના એકના જ માથે આવી પડે ત્યારે પોતાની જાતની પરવા કર્યા વગર મહેનત-મજૂરી કરીને પણ સંતાનના લાલનપાલનમાં જનેતા કોઈ કસર છોડતી નથી. આવી જનેતાને પોતાના સંતાન પાસેથી બહુ મોટી આશા હોય છે, પરંતુ એ સંતાન સાવ છેલ્લે પાટલે બેસે ત્યારે કેવી કરૂણાંતિકા સર્જાય એની આજે વાત કરવાની છે.

ઉત્તરપ્રદેશના લખનૌ શહેરના ચિનહટ વિસ્તારમાં સેમરા કોલોનીમાં રહેતી ઉષાસિંગ ઈ.સ. ૨૦૧૫માં માત્ર ત્રીસ વર્ષની હતી, એ જ વખતે એના પતિનું અવસાન થયું. વિધવા ઉષાસિંગને જીવવા માટે એક માત્ર સહારો હતી એની પાંચ વર્ષની દીકરી લકી. લકીને ઉછેરવા માટે માતા અને પિતા- એ બંને ભૂમિકા ઉષાસિંગે બજાવવાની હતી. આવકનું કોઈ સાધન હતું નહીં અને સારી નોકરી મળે એવી કોઈ શૈક્ષણિક લાયકાત પણ ઉષાસિંગની પાસે નહોતી. દૂરના એક સગાએ પોતાની ઓળખાણ વાપરીને લખનૌ હાઈકોર્ટના ઑડિટ વિભાગમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી અપાવી દીધી. નાનકડી લકીને સારું શિક્ષણ મળે અને એ ભણીગણીને સારી નોકરી મેળવે એવી આશા સાથે ઉષાસિંગ લકીનો ઉછેર કરી રહી હતી.

ઈ.સ. ૨૦૨૩ના ડિસેમ્બર મહિનામાં ઉષાસિંગના માથે આભ તૂટી પડયું. લકી ઘેરથી ભાગી ગઈ. કોઈ શાહિદ નામના છોકરા સાથે લકી ખૂબ વાતો કરતી હતી, એટલે માતાને શંકા હતી કે શાહિદ જ લકીને ભોળવીને ભગાડી ગયો હશે! ઉષાસિંગ પોલીસસ્ટેશને પહોંચી અને રડીને પોતાની વાત કહી. પોલીસે તાબડતોડ કાર્યવાહી કરીને એ રાત્રે જ આ કિશોર પ્રેમીપંખીડાને પકડી પાડયા. છોકરી હિંદુ હતી અને ભગાડી જનાર છોકરો મુસ્લિમ હતો, એટલે વાતનું વતેસર ના થાય અને શહેરમાં કોમી ડખો ના થાય, એ માટે પોલીસે લકીને એની માતાને સોંપી દીધી અને શાહિદને ધમકાવીને-ધોલધપાટ કરીને ભગાડી દીધો!

ઉષાસિંગે લકીને ખૂબ સમજાવી અને કહ્યું કે આ ઉંમરે આવા ધંધા તને શોભતા નથી. આટલું સમજાવ્યા પછી પણ ઉષાસિંગને દીકરીની ચિંતા હતી. મુગ્ધ ઉંમરે એ કોઈ મૂર્ખામી કરી બેસશે તો? એ ચિંતાને લીધે એણે બીજા જ દિવસથી લકીને સ્કૂલે જવાનું બંધ કરાવી દીધું અને સ્કૂલમાંથી એનું નામ પણ કઢાવી નાખ્યું. આમ નવમા ધોરણમાં ભણતી લકીનો અભ્યાસ અટકી ગયો. પોતાના બાર હજારના પગારમાં જ ઘર ચાલતું હતું, એટલે ઉષાસિંગ નોકરી છોડી શકે એમ નહોતું. પોતે નોકરી પર જાય અને લકી ઘરમાં એકલી રહે એ વાત પણ એને મંજૂર નહોતી. કોઠાસૂઝ વાપરીને એણે રસ્તો વિચારી લીધો. ઑફિસના સાહેબોને કરગરીને એમની સંમતિ પણ મેળવી લીધી. હવે દરરોજ એ નોકરી પર જાય ત્યારે લકીને પોતાની સાથે લઈ જતી હતી!

મુગ્ધાવસ્થામાં પ્રથમ પ્રેમમાં પાગલ બનેલી લકી પોતાના પ્રેમીને મળવા તડપતી હતી. એમાં ફેબ્રુઆરી, ૨૦૨૪માં એને તક મળી ગઈ અને શાહિદ તો આવા મોકાની રાહ જોઈને જ બેઠો હતો. બંને ફરી વાર ભાગી ગયા! ઉષાસિંગ પોલીસસ્ટેશને પહોંચી અને ફરિયાદ નોંધાવીને ઈન્સ્પેક્ટરને વિનંતિ કરી કે આ વખતે તો પાકા પાયે કામ કરજો. એ છોકરો મારી છોકરીને ભગાડી ગયો છે એટલે એને પકડીને જેલમાં જ પૂરી દેજો! પોલીસે એફ.આઈ.આર. નોંધી અને ત્રીજા દિવસે શાહિદ અને લકીને પકડી પાડયા. લકીનો હવાલો ઉષાસિંગને આપી દીધો અને શાહિદને પકડીને જુવેનાઈલ જસ્ટિસ બાર્ડમાં રજૂ કર્યો. બાળ અદાલતે એને જુવેનાઈલ હોમમાં ધકેલી દીધો!

ઘરમાં મા-દીકરીનો સંબંધ હવે સ્વાભાવિક નહોતો રહ્યો. શાહિદ જેલમાં છે, ત્યાં સુધી શાંતિ છે, પરંતુ એ બહાર આવશે, એ પછી પણ એ સખણો તો નહીં જ રહે એવી ઉષાસિંગને દહેશત હતી એટલે એણે લકી ઉપર ચોકીપહેરો તો સતત ચાલુ જ રાખ્યો હતો.

તારીખ ૧૮-૫-૨૦૨૫, રવિવારે પરોઢિયે સાડા ત્રણ વાગ્યે લકીએ ચીસાચીસ કરી મૂકી. એણે એના મામા રવિસિંગને ફોન કર્યો કે મામા, તમે જલ્દી આવો, મારી મમ્મી ઉઠતી નથી, કંઈ બોલતી પણ નથી, કંઈક ના બનવાનું બની ગયું છે!

લકીની ચીસો સાંભળીને પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. ઓરડાના બારણેથી અંદરનું દ્રશ્ય જોઈને પાડોશીઓ ડઘાઈ ગયા હતા. એક અનુભવીએ તરત પોલીસને ફોન કર્યો અને બધાને કહ્યું કે ખૂનનો મામલો છે, એટલે પોલીસ આવીને તપાસ ના કરે ત્યાં સુધી કોઈએ અંદર જવાનું નથી.

ઓરડાની વચ્ચોવચ ઉષાસિંગની લાશ લોહીના ખાબોચિયામાં પડી હતી અને લાશ ઉપર એક પણ વસ્ત્ર નહોતું! બાજુમાં દારૂની બોટલ પડી હતી. ઉષાસિંગનો ભાઈ રવિસિંગ આવી ગયો અને આવી હાલતમાં બહેનની લાશ જોઈને એ ફસડાઈ પડયો! 

ચિનહટ પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટર દિનેશચંદ્ર મિશ્રા એમની ટીમ સાથે આવી ગયા અને એમણે જાણ કરી એટલે ડીસીપી શશાંકસિંગ પણ દોડી આવ્યા. ચાલીસ વર્ષની ઉષાસિંગની આવી ક્રૂર હત્યા કોણે કરી હશે? આ પ્રશ્નનો જવાબ તો માત્ર લકી જ આપી શકે એમ હતું, એટલે એમણે લકીને પાસે બેસાડીને સહાનુભૂતિપૂર્વક પૂછપરછ શરૂ કરી. લકીએ રડીને કહ્યું કે મમ્મીના એક ઓળખીતા ભાઈ ઘણી વાર અહીં આવીને મમ્મી સાથે બેસીને દારૂ પીવે છે. કદાચ એ આવ્યા હશે અને એમણે મમ્મી ઉપર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ મમ્મી એમને તાબે નહીં થઈ હોય, એટલે એમણે મમ્મીને મારી નાખી હશે.

આટલું કહીને એ અટકી ગઈ. સહેજ વાર પછી એણે કહ્યું કે ઘરમાં ચોર આવેલા. એમને લૂંટફાટ કરવી હશે અને એમણે મમ્મી ઉપર બળજબરીથી રેપ કરીને મમ્મીને મારી નાખી છે. તમે એમને પકડીને મારી મમ્મીને ન્યાય અપાવજો.

પંદર વર્ષની આ છોકરીએ જે રીતે નિવેદન બદલ્યું એને લીધે ડીસીપી શશાંકસિંગને શંકા પડી. એમણે તરત જ પૂછયું. 'ઘરમાં કેટલા ચોર આવ્યા હતા? એમની પાસે હથિયાર હતા? ક્યા હથિયાર હતા? એ બધા ચોર ઘરમાં ઘૂસ્યા ત્યારે તું એક્ઝેટ કઈ જગ્યાએ હતી?' સવાલો સાંભળીને લકી થોથવાઈ ગઈ એટલે શશાંકસિંગે કહ્યું કે ઉતાવળ નથી, શાંતિથી યાદ કરીને જવાબ આપજે. આટલું કહીને એમણે લકીને એકલી છોડી દીધી. એ દરમ્યાન નાઈટ પેટ્રોલિંગના એક ઑફિસરે આવીને જાણકારી આપી કે રાત્રે લગભગ અઢી વાગ્યે આ છોકરી એકલી રોડ પર આંટા મારતી હતી, એટલે અમે એને રોકીને પૂછેલું ત્યારે એણે જવાબ આપેલો કે મારી મમ્મીની તબિયત ખરાબ છે, એને દવા આપી છે, ઘરમાં બહુ ઉકળાટ થાય છે એટલે હું હવા ખાવા માટે બહાર આવી છું!

પોલીસે લકીનો મોબાઈલ લઈ લીધો. એના મોબાઈલની કોલ ડિટેઈલ્સ ચકાસી તો ખબર પડી કે રાત્રે અગિયારની બારની વચ્ચે લકીએ શાહિદને બે વાર ફોન કર્યો હતો! ઘરના નિરીક્ષણ ઉપરથી પોલીસને ખાતરી થઈ ચૂકી હતી કે ઘરના એકેય કબાટમાં કોઈ તોડફોડ કે ફેંદાફેંદી થઈ નથી, એટલે કે ચોરીની વાત તો તદ્દન ઉપજાવી કાઢેલી છે. આસપાસના સીસીટીવી ફૂટેજમાં પણ કોઈ આવતું દેખાયું નહોતું.

પંચનામું કરીને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને મૃતક ઉષાસિંગના ભાઈએ એફ.આઈ.આર. નોંધાવી. પોતાની ફરિયાદમાં રવિસિંગે ચોખ્ખું જ લખાવેલું કે મારી બહેનની હત્યા મારી ભાણી લકી અને એના પ્રેમી શાહિદે જ કરી છે!

આસપાસના પાડોશીઓએ પણ પોલીસને જાણકારી આપી કે ઉષાસિંગ અને એમની દીકરી લકીના સંબંધો સતત તણાવપૂર્ણ જ હતા. અગાઉ બે વાર શાહિદ સાથે ભાગી ગયેલી દીકરી ઉપર માતા કડક વૉચ રાખતી હતી.

પોલીસની જીપ મટિયારી વિસ્તારમાં આદર્શનગર પહોંચી અને ત્યાં શાહિદના ઘરમાંથી શાહિદને પકડી લીધો.

ત્રણ કલાક સુધી ગોળ ગોળ જવાબ આપીને લકીએ પોલીસને ગોથે ચડાવવા પ્રયત્ન કરેલો, પરંતુ બાહોશ અધિકારીઓએ લકી અને શાહિદને સામસામે બેસાડીને જે પૂછપરછ કરી એમાં ટકી રહેવાની શાહિદ (૧૭ વર્ષ) અને લકી (૧૫ વર્ષ)ની તાકાત નહોતી. બંનેએ ગુનાની કબૂલાત કરી લીધી.

એ બંનેને એવું લાગતું હતું કે ઉષાસિંગ અમારી જિંદગી બરબાદ કરી રહી છે. એમાંય ઉષાસિંગની ફરિયાદના આધારે શાહિદને જુવેનાઈલ હોમમાં ધકેલી દેવાયેલો હતો એટલે ત્યાંથી છૂટીને બહાર આવ્યા પછી એણે લકીને કહી દીધેલું કે તારી અમ્મા આપણી દુશ્મન છે, ચાન્સ મળશે ત્યારે હું એને મારી નાખીશ! પ્રેમમાં પાગલ લકી પણ એની વાતમાં સંમત થઈ ગયેલી. પ્લાન બનાવીને નક્કી કર્યું કે હત્યા પછી ભાગીને થોડા દિવસ બેંગલોરમાં રહીશું. ઓગણીસમી તારીખે વહેલી પરોઢની ટ્રેનની ટિકિટો પણ બૂક કરાવી લીધી હતી.

શનિવાર, તારીખ ૧૭-૫-૨૦૨૫ની રાત્રે ઉષાસિંગ ઊંઘી ગઈ એ પછી શાહિદ ઘરમાં આવી ગયો. એણે અને લકીએ મળીને દુપટ્ટાથી ઉષાસિંગની ગરદન ભીંસી નાખી. એ પછી પણ શ્વાસ ચાલુ હોય એવું લાગ્યું એટલે ઘરમાં હતો એ મોટો અરીસો તોડીને એના કાચથી ઉષાસિંગની ગરદન કાપી નાખી! દારૂના નશામાં બળાત્કારના પ્રયાસ પછી ઉષાસિંગની હત્યા કરવામાં આવી છે- એવું પોલીસને અને લોકોને બતાવવાનું હતું. એટલે લકીએ માતાની લાશ ઉપરથી તમામ વસ્ત્રો કાઢી નાખ્યા અને લાશની પાસે દારૂની બાટલી પણ મૂકી દીધી! આટલું કર્યા પછી એમને લાગ્યું કે પોલીસ આ વાત માની જશે અને અમે આરામથી બેંગલોર પહોંચી જઈશું! શાહિદ એના ઘેર જતો રહ્યો અને સાડા ત્રણ વાગ્યે લકીએ ચીસાચીસ શરૂ કરી.

બંને આરોપી સગીર વયના હોવાથી એમને બંદોબસ્ત હેઠળ શેલ્ટર હોમમાં મોકલી દેવાયા છે. હવે પછી એ બંનેને ત્યાંથી જુવેનાઈલ જસ્ટિસ બૉર્ડમાં રજૂ કરાશે.

લખનૌના હિંદુ-મુસ્લિમ પરિવારોમાં અત્યારે આ પ્રકરણની ચર્ચા ચાલે છે. સહુ એમ જ કહે છે કે ઉપરવાળો આવી ઔલાદ કોઈ દુશ્મનને પણ ના આપે!

-  મહેશ યાજ્ઞિક

Related News

Icon