
- અંતરનેટની કવિતા
લોગઇન:
વાત કપડાંની નથી, રંગની છે
હું ઘણીવાર કપડાં ધોઉં છું
અમુક કપડામાંથી રંગ નીકળે છે
આપણે કહીએ છીએ કે
રંગ કાચો છે.
પણ એ રંગ સાથે રહેલા બીજા કપડામાં લાગી જાય છે
એવો કે પછી નીકળે જ નહીં
જાણે કે રંગને હવે એ મળ્યું,
જેના પર એને લાગવું હતું.
રંગ કાચા નથી હોતા
આપણને જે કાચા લાગે છે
એમને સાચું પાત્ર નથી મળ્યું હોતું
કે જેના પર સરખું લાગી શકાય
વ્હેલા મોડા આપણને પણ પોતાનો રંગ મળશે
ને જ્યારે એ મળશે ત્યારે એ છૂટશે નહિ- ચંદન યાદવ
(ભાવાનુવાદ : યાજ્ઞિાક વઘાસિયા)
ચંદન યાદવે બહુ સરળ શબ્દોમાં ગહન વાત કરી આપી છે. ઘણી વાર બધાં કપડાં એક સાથે ધોવા નાખીએ ત્યારે પલળેલાં કપડામાં પરસ્પર રંગ લાગી જતો હોય છે. અને આપણે કહ્યા કરીએ છીએ કે આ કપડાનો રંગ ખરાબ છે, એના લીધે બીજાં કપડાં બગડયાં, એનો રંગ અન્ય વસ્ત્રો પર લાગ્યો. આ ઘટના મોટાભાગના માણસોના જીવનમાં બની હશે. પણ કવિ અહીં માત્ર કપડાના રંગની વાત નથી કરતા. એ તો કપડાંને પ્રતીક બનાવીને મનુષ્યના આંતરમનની વાત કરે છે.
કાચો રંગ અન્ય કપડામાં લાગી જાય છે, વળી લાગે તો એવો લાગે કે નીકળે જ નહીં, જેને પાકો સમજતા હોઈએ એને પણ ઢાંકી દે એટલો ઘટ્ટ રીતે ઊપસી આવે. ત્યારે પ્રશ્ન થાય કે જે કપડાં પર એ હતો ત્યાં તો ટક્યો નહીં હવે નવાં વસ્ત્ર પરથી જતો કેમ નથી? કદાચ એ રંગ આ કાપડને લાગવા ઇચ્છતું હતું, પણ રંગારાએ તેને અન્ય કપડાં પર રંગી દીધું. દરેક રંગને પોતાની પસંદગીનું કપડુંં હોય છે, દરેક કપડાને ગમતીલો રંંગ. એ મળી જાય તો ઉમંગ.
માણસોનું પણ આવું જ હોય છે. ઘણી વાર વિરોધાભાષી પાત્રો મળી જાય છે, જોડાય છે. કવિએ અહીં કપડાં અને રંગની વાત કરી છે તેમ જ. બંને એકબીજામાં એકરૂપ થવા પ્રયત્ન કરે છે, પણ અંદરથી રંગ નથી ચડતો. મથામણ વધતી જાય છે તેમ રંગ ઝાંખો થતો જાય છે. કપડુંં પોતાનો રંગ શોધે છે અને રંગ પોતાનું ઇચ્છિત કપડું. પછી જ્યારે સમયના પ્રવાહમાં બંને પરિસ્થિતિ નામના વોશિંગ મશીનમાં પડે ત્યારે એકમેકના રંગ છૂટા પડી જાય છે અને જ્યાં લાગવા ઇચ્છતા હતા તે તરફ ગતિ કરવા લાગે છે. વૃક્ષો પોતાના પરથી પસાર થતાં વાદળોને ખેંચીને વરસાદ લાવી દે, એવી રીતે આ રંગોનું આકર્ષણ પોતાનું કપડું પામીને તેમાં ભળી જવા પ્રયત્ન કરે છે.
અમુક રંગો એવા ચુપચાપ આવીને હૃદયમાં ઊતરી જાય છે કે ગમે તેવા કાળના થપેડા વાગે, ઘસારા આવે, પણ તે ઉખડતા જ નથી. તે રક્તમાં ભળી જાય છે, રક્ત બનીને વહેતા રહે છે.
આ માત્ર બે પુરુષ-સ્ત્રીનાં બે પાત્રો પૂરતું સીમિત નથી. એ રંગના છાંટણા પ્રત્યેક સંબંધમાં થતા રહે છે. દરેક લાગણીનો રંગ પોતાના ગમતા સંબંધનું વસ્ત્ર ઇચ્છે છે, જ્યાં તે પોતાના અસ્તિત્વને ઓગાળી શકે. દરેક વ્યક્તિત્વ આવા રંગની શોધમાં હોય છે. હૃદયમાં ઊંડાણમાં પાંગરતી ઇચ્છાઓ રંગ જેવી હોય છે, તે અન્ય રંગની શોધમાં હોય છે. ભૂલમાં ક્યાંક લાગી જાય તો તે સંજોગોના ઘસારા સાથે ઊખડી જાય છે અને પોતાને અનુરૂપ અન્ય વસ્ત્ર શોધવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે યોગ્ય વસ્ત્ર મળી જાય ત્યારે આયખું ખપાવી દે છે એને ઉજાગર કરવામાં. દરેક રંગની આ જ તો નિયતિ છે - અને દરેક વસ્ત્રની પણ.
- અનિલ ચાવડા
લોગઆઉટ:
ખબર એ તો નથી
અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે,
મજાનો રંગ લાગ્યો છે.
ભલે ના ના કહો,
એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું,
માનો ન માનો રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી
આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત,
છાનો રંગ લાગ્યો છે.
નથી લાલાશ આંખોમાં
હૃદય કેરી બળતરાથી,
પડયા ચરણોમાં એના કે
હિનાનો રંગ લાગ્યો છે.
અહીં ને ત્યાં,
બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ,
કોને કેની પાનો રંગ લાગ્યો છે?
થયો રંગીન વાતો લાવતો
ગઝલોમાં તું 'ગાફિલ' !
તને આ અંજુમન કેરી
હવાનો રંગ લાગ્યો છે.
- મનુભાઈ ત્રિવેદી