Home / GSTV શતરંગ : Will human's immortality be fulfilled by nanobots?

GSTV શતરંગ/ શું માનવજાતની સદીઓ જૂની અમરત્વની ખ્વાહિશ નેનોબોટ્સથી પૂરી થશે?

GSTV શતરંગ/ શું માનવજાતની સદીઓ જૂની અમરત્વની ખ્વાહિશ નેનોબોટ્સથી પૂરી થશે?

- સાઈન-ઈન

- ડીએનએમાં એડિટિંગ કરીને વય ઘટાડવાથી લઈને નેનો રોબોટ્સ સુધીની કેટલીય ટેકનિક વિકસી રહી છે. સાયન્સ-ટેકનોલોજીના સમન્વયથી માણસને અમરત્વ આપવા વિજ્ઞાનિકોની લેબોરેટરીઓમાં મથામણ...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માનવજાત સદીઓથી અમર થવા મથામણ કરે છે. આમ તો ભારતીય દર્શનોમાં સેંકડો વર્ષ પહેલાં કહી દેવાયું હતું કે શરીરનો નાશ થાય છે, આત્મા અમર છે. આત્માનો કોઈ રીતે નાશ થતો નથી. એનો મોક્ષ થાય છે. વેદો-પુરાણોનો અર્ક આપતા ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતામાં આત્માની અમરતાનો વિચાર રજૂ કર્યો હતો. આદિ શંકરાચાર્ય ભગવાને પણ પુર્નજન્મનો દૃષ્ટિકોણ રજૂ કરીને આત્માના અમરત્વનો ખયાલ આપ્યો હતો.

ભારતીય ફિલસૂફીમાં માનવશરીરની ચાર અવસ્થા વર્ણવાઈ છે - જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ. જન્મ થાય એને વૃદ્ધાવસ્થા છે, બીમારી છે અને આખરે મૃત્યુ છે, પણ એ શરીરની અવસ્થા છે. આત્મા અજરામર છે. આત્મા નવા શરીર સાથે ફરીથી જન્મ લે છે, પરંતુ નવું શરીર લેવું ન પડે અને ગમતા શરીરમાં જ આત્મા રહે એ માટેના પ્રયાસો સેંકડો વર્ષ જૂના છે.

ભારતીય પૌરાણિક કથાઓમાં સમુદ્રમંથન પછી પ્રાપ્ત થયેલું અમૃત મેળવવા દેવો-દાનવો વચ્ચે લડાઈઓ થઈ હોવાની કથા છે. કથાઓમાં અસંખ્ય દેવ-માનવ-દાનવોએ અમર થવાના વરદાનો માગ્યાનું આપણે સાંભળ્યું છે. આકરા તપથી પ્રસન્ન થયા પછી ક્યારેય કોઈ દેવ-દાનવ-માનવને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ કે શક્તિએ સીધું અમરતાનું વરદાન આપ્યું હોય એવી એક કથા નથી. આડકતરી રીતે અમર થવાના વરદાનો મેળવનારાઓનો પણ કોઈને કોઈ રીતે વિનાશ થઈને જ રહ્યો છે.

માત્ર ભારત કે ભારતીય ઉપખંડમાં જ નહી, દુનિયાભરની પૌરાણિક કથાઓમાં માણસની અમર થવાની મહેચ્છા નજરે ચડે છે, પણ અત્યાર સુધીમાં કોઈ માનવી શારીરિક રીતે અમર થઈ શક્યો નથી. સદીઓથી જે વિષય કલ્પના કે પૌરાણિક કથા, દંતકથાનો હતો એમાં છેલ્લાં દશકામાં વિજ્ઞાન-ટેકનોલોજીનો પ્રવેશ થયો હોવાથી અમરત્વનો વિષય વૈજ્ઞાનિક બન્યો છે, પરિણામે માનવીને અમર થવાની ઝંખનાય વધી છે.

***
એઆઈ ટેકનોલોજીના વિકાસ પછી માણસને અમર બનાવતા સંશોધનો ધ્યાનાકર્ષક બન્યા છે. છેલ્લાં મહિનાઓમાં એક દાવો ટેકનોલોજીના ક્ષેત્રમાંથી થયો છે ને બીજો દાવો વિજ્ઞાનની શાખામાંથી થયો છે. જો સાયન્સ-ટેકનોલોજી સંયુક્ત રીતે દાવા પ્રમાણેની શોધ કરી લેશે તે ખરેખર માણસ એક દશકામાં અમરત્વ તરફ આગળ વધી જશે!

ગૂગલના પૂર્વ સાયન્ટિસ્ટ રે કુર્ઝવીલે 'ધ સિગ્યુલારિટી ઈઝ નિયર' નામનું પુસ્તક લખ્યું હતું. એ દાવા સૌથી ચર્ચાસ્પદ બન્યાં છે. અમરત્વની વાત નીકળે કે તરત જ કુર્ઝવીલનો વિચાર ટાંકવામાં આવે છે. કુર્ઝવીલે લગભગ પંદરેક વર્ષ પહેલાં એવો દાવો કર્યો હતો કે સાયન્સ નહીં, પરંતુ ટેકનોલોજી માણસને અમર બનાવશે. તે વખતે કુર્ઝવીલના સ્ટેટમેન્ટને ખાસ ગંભીરતાથી લેવાયું ન હતું. મોટાભાગના વૈજ્ઞાનિકો માનતા હતા કે ડીએનએમાં ફેરફાર કરીને માણસને અમર બનાવવાનું કામ વિજ્ઞાનનું છે, ટેકનોલોજી એમાં મદદ કરશે, પરંતુ ટેકનોલોજી સ્વયં એ કામ કરી શકશે નહીં.

રે કુર્ઝવીલે અગાઉ ઘણી મહત્ત્વની સચોટ સાયન્ટિફિક આગાહીઓ કરી છે. તેમની ૧૪૭માંથી ૮૬ ટકા આગાહીઓ સાચી પડી ચૂકી છે, જેમાં ૨૦૦૦ના વર્ષ પછી રોબોટ ચેસમાં માણસને હરાવી દેશે એવી આગાહીનો પણ સમાવેશ થતો હતો. વાયરલેસ ટેકનોલોજી અને ઈન્ટરનેટના વિકાસના ઘણાં દૂરગામી નિવેદનો આ કમ્પ્યૂટર સાયન્ટિસ્ટે કર્યા હતા, જે પછીથી સાચા ઠર્યા હતા એટલે માણસ એક દશકાની અંદર જ અમર બની જશે એવી તેમની આ આગાહીથી આ ક્ષેત્રમાં કાર્યરત સંશોધકોમાં નવી આશા જાગી છે.

તાજેતરમાં ૭૭ વર્ષના આ કમ્પ્યુટર સાયન્ટિસ્ટે ફરીથી નેનો રોબોટિક્સની ટેકનોલોજીને ટાંકીને ૨૦૩૦ સુધીમાં માણસ અમર થઈ જશે એવો દાવો કર્યો છે. ૫૦થી ૧૦૦ નેનોમીટરની સાઈઝના આ રોબોટ્સ માનવશરીરના નિદાન અને ઈલાજમાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે. પરિણામે નેનોબોટ્સ માનવજીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવશે. ૨૦૩૦ સુધીમાં નેનોબોટ્સ માણસને અમર બનાવવાની દિશામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા થઈ જશે.

માનવ શરીરમાં ખૂબ જ નાનકડી નસોમાં ટચૂકડા નેનોબોટ્સ દોડશે અને નિદાન ઉપરાંત ઈલાજ પણ કરી દેશે. તેનાથી સેંકડો માણસોની આવરદા વધશે. હાર્ટસર્જરીમાં બલૂન્સ વપરાય છે એ એક રીતે નેનો રોબોટ્સનું એક ઉદાહરણ છે. એવી જ રીતે બીજા રોગોમાં પણ નેનો રોબોટ્સ મેડિકલ ક્ષેત્રમાં ઉપયોગી થશે અને તેનાથી ડોક્ટર્સને રોગનું નિદાન-ઉપચાર કરવામાં ઘણી સરળતા રહેશે. શરીરમાં કોઈ નસ બ્લોક હશે કે મગજમાં કોઈ સંવેદનશીલ એરિયામાં સર્જરી શક્ય નહીં હોય તો નેનો રોબોટ્સ ખૂબ જ ઉપયોગી થશે. એ એવા એરિયામાં પહોંચીને શરીરમાં સાયન્ટિફિક સમારકામ કરશે! 

***
૨૦૩૦ સુધીમાં માણસનું સરેરાશ આયુષ્ય વધવાનું શરૂ થશે એમાં એઆઈ ટેકનોલોજીનો ચાવીરૂપ ફાળો હશે. ૨૦મી સદીના મધ્યાહ્ન પછી માણસનું સરેરાશ આયુષ્ય વધ્યું હતું. ૧૯૫૦માં માણસનું સરાસરી આયુષ્ય ૪૬.૫ વર્ષ હતું. ૨૦૦૦ના વર્ષ સુધીમાં એ વધીને ૬૬.૮ વર્ષ થયું હતું. ૨૫ વર્ષ પછી ૨૦૨૫ના અંતે સરેરાશ વય ૭૩ વર્ષ થઈ જશે. છેલ્લાં ૭૫ વર્ષમાં સરેરાશ માનવવયમાં આવેલું પરિવર્તન મેડિકલ સાયન્સને આભારી છે. નિદાન અને સારવારમાં ક્રાંતિ થઈ તેના પરિણામે ઉંમરમાં વધારો નોંધાયો છે. પરંતુ હવે પછી જે આયુષ્ય વધશે તેની પાછળ મેડિકલ સાયન્સ નહીં, પરંતુ એઆઈની ટેકનોલોજી જવાબદાર હશે એવી ધારણા બાંધવામાં આવી રહી છે.

ડીએનએમાં એડિટિંગ, સેલ ઈમેજિંગ વગેરેમાં એઆઈ ટેકનોલોજીથી સજ્જ નેનોરોબોટ્સનો ઉપયોગ શરૂ થયો છે. આગામી પાંચ-સાત વર્ષમાં આ ટેકનોલોજી ખૂબ જ ઝડપથી વિકસશે અને અસરકારક પણ સાબિત થશે. એક્સપર્ટ્સ એકમત છે કે નેનોરોબોટ્સ માનવશરીરને ઉર્જાવાન રાખવામાં મદદ કરશે. ફિટ રાખવામાં મદદ કરશે. ખોરાક પચાવવાથી લઈને શરીરમાંથી બિનજરૂરી તત્ત્વોને દૂર કાઢવામાં પણ ઉપયોગી થઈ પડશે. પરિણામે માનવશરીર રોગમુક્ત થશે.

***
અમરત્વનો એક દાવો ટેકનોલોજીમાંથી આવ્યો અને બીજો દાવો વિજ્ઞાનિકોએ કર્યો છે. સાયન્સ જર્નલ સેલના અહેવાલ પ્રમાણે ઉંદરોમાં રિવર્સ એજિંગના પ્રયોગો સફળ રહ્યા છે. તેનાથી સંશોધકોને આશા છે કે હવે માણસને યુવાન કરનારી ટેકનિક હાથવેંતમાં છે. ૨૦૪૫ સુધીમાં માનવજાત અજર-અમર બની જશે. સાયન્ટિફિક સંશોધનોથી ૨૦૩૫ સુધીમાં પૃથ્વી પર માનવોની સરેરાશ વય વધી જશે એવું પણ અહેવાલમાં કહેવાયું હતું.

હાર્વર્ડ અને બોસ્ટન યુનિવર્સિટીની લેબમાં વિજ્ઞાનિકોએ ઉંદરોમાં રિવર્સ એજિંગના સફળ પ્રયોગો કર્યા હતા. ડીએનએમાં મહત્ત્વના ફેરફાર અને સુધારા કરીને ઉંદરોની ઉંમર ઘટાડાઈ હતી. વૃદ્ધ ઉંદરોના ડીએનએમાં ફેરફાર કરીને એ ઉંદરોને યુવાન બનાવાયા હતા. તે એટલે સુધી કે જેના પર પ્રયોગ થયો હતો એ ઉંદરોની ઉંમરના કારણે નબળી પડેલી આંખો પણ યુવાન ઉંદર જેવી થઈ ગઈ. પહેલી વખત એવો દાવો થયેલો કે ડીએનએમાં એડિટિંગ કરીને ઉંમરને રિવર્સ કરી શકાય છે. ડીએનમાં ફેરફાર થઈ શકે છે તેનું આ ઉદાહરણ છે. ઉંમરને માત્ર પાછળ જ લઈ જઈ શકાય એવું નથી, ડીએનએમાં ફેરફાર કરીને ઉંમરને વધારી પણ શકાશે. યુવાનના શરીરમાં ફેરફાર કરીને તેને ૭૦ વર્ષના વૃદ્ધ બનાવી શકાશે.

અત્યારે ડીએનએની જે શોધ થઈ છે તે પ્રમાણે માણસને આગામી દશકામાં ૩૦ વર્ષ યુવાન બનાવી શકાશે. સ્કિન સેલનું ડીએનએની મદદથી રિપ્રોગ્રામિંગ થઈ શકશે. બીજી રીતે કહીએ તો જેમ સોફ્ટવેર અપડેટ કરવાથી મોબાઈલ કે કમ્પ્યૂટર્સમાં લેટેસ્ટ સગવડ મળી જાય છે અને માર્કેટમાં નવા મળતા ફોન જેવો જ ફોન થઈ જાય છે - કંઈક એવું જ આ સ્કિન સેલ પ્રોગ્રામિંગથી થશે. સાયન્સ-ટેકનોલોજીમાં એઆઈની મદદ મળતાં આગામી એકાદ દશકામાં જ સરેરાશ માનવવયમાં ૨૫-૩૦ વર્ષનો વધારો થાય તો સરાસરી આવરદા ૧૦૦ થઈ શકશે.

વેલ, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ, નેનો રોબોટિક્સ, વૈજ્ઞાનિક શોધોના કારણે માણસની સરેરાશ વય તો વધશે જ, પરંતુ નિરોગી આયુષ્ય પણ મળશે. રિવર્સ એજિંગની વ્યવસ્થિત ટેકનિક વિકસી જશે અને નેનો રોબોટિક્સની ટેકનોલોજી પણ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે પછી એક તરફ ઉંમર ઘટાડી શકાશે ને બીજી તરફ શરીરને રોગમુક્ત બનાવી શકાશે.

પણ તેમ છતાંય એક વાત તો સ્પષ્ટ છે, ગમે એટલા પ્રયાસો થાય માનવજાત ક્યારેય અમર થઈ શકશે નહીં. મૃત્યુને પાછું ઠેલીને વધારે વર્ષ જીવી શકાશે ખરું, પરંતુ અમરત્વની સદીઓ જૂની ખ્વાહિશ ખ્વાહિશ જ રહેશે. 

અમરત્વ સામે ત્રણ પડકારો

અજર-અમર શબ્દો જર અને મરના વિરોધી શબ્દો છે. મૃત્યુ પર વિજય એટલે અમરત્વ. માણસ મૃત્યુ ન પામે તો અમર રહી શકે. પણ મૃત્યુ અફર સત્ય છે એટલે અમર રહી શકાતું નથી. વળી, મૃત્યુ આવે છે એના ત્રણ મહત્ત્વના કારણો છે. એ રીતે અમરત્વ સામે ત્રણ પડકારો છે. એક છે - વધતી વય. ઉંમર ઉંમરનું કામ કરે છે. દિવસો, મહિનાઓ, વર્ષો વીતે છે ને માણસને વૃદ્ધાવસ્થા આવે છે. વધતી વય કેમેય કરીને હજુ સુધી અટકાવી શકાઈ નથી. હવે ડીએનએમાં એડિટિંગ કરીને ઉંમર વધતી અટકાવી શકાશે એવો દાવો થયો છે ખરો, પરંતુ એ માનવશરીરમાં અપ્લાય થાય ત્યાં સુધી આ અવરોધ ઉભો રહેશે. બીજો અવરોધ છે - શરીરમાં રોગોનું આક્રમણ. સાવ સ્વસ્થ શરીર હોય પરંતુ કોઈ રોગ કે સંક્રમણ આવી જાય તો શરીર નબળું પડે છે. મૃત્યુનું જોખમ વધે છે. મોટી વયે 'ઉંમરને લગતા' રોગો શરીરમાં પ્રવેશે છે અથવા માથું ઉંચકે છે. વધતી વયના કારણે વૃદ્ધ થયેલું શરીર એની સામે ઝીંક ઝીલી શકતું નથી એટલે મૃત્યુ આવે છે. ત્રીજો અવરોધ છે - જીવલેણ ગંભીર ઈજા. અકસ્માત કે બીજા કોઈ પણ કારણથી શરીરને ઈજા થાય તો એ મૃત્યુનું કારણ બને છે. આ ત્રણ અવરોધો પાર પાડવા માટે સાયન્ટિસ્ટ અને ટેકનોક્રેટ્સ મેદાને પડયા છે.

- હર્ષ મેસવાણિયા

Related News

Icon