
- હોરાઈઝન
- અવનવા રેકોર્ડ સર્જતા કોહલીના હાથમાં બેટ કરતા આજકાલ ભગવાનના જાપ ગણવાનું ટચુકડું કેલ્ક્યુલેટર વધુ જોવા મળે છે
- અનુષ્કા અને કોહલીને પ્રેમાનંદ મહારાજે મનની શાંતિ પ્રાપ્ત કરવા માટેનું કોચિંગ આપ્યું : આ જ્ઞાન આપણા સૌ માટે પણ એટલું જ ઉપયોગી છે
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક જ નિવૃત્તિ જાહેર કરીને ક્રિકેટ વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું છે. હજુ ઓછામાં ઓછું બે ત્રણ વર્ષ રમી શકે તેવી તેની ફિટનેસ છે. ઘણા યુવા ખેલાડીઓ કરતા પણ તે ફિટ છે. આઇ.પી.એલ.ની આ સીઝનમાં પણ તે ટોચના બેટ્સમેનોની યાદીમાં સ્થાન ધરાવે છે. રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હોઇ ભારતીય ક્રિકેટને પણ ઈંગ્લેન્ડના પાંચ ટેસ્ટના કઠિન પડકાર ધરાવતા પ્રવાસમાં કોહલી જેવા અનુભવીની જરૂર હતી.
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી પછી તેની પત્ની અનુષ્કાની પોસ્ટ પરથી વિરાટ કોહલી અંદરખાનેથી કેવી વેદના ધરાવતો હશે તેની ઝલક ડોકાતી હતી.
અનુષ્કાએ પોસ્ટમાં કોહલીને સંબોધીને જે જણાવ્યું છે તેનો ભાવાનુવાદ જોઈએ તો તે જણાવે છે કે 'ક્રિકેટ જગત તારા રેકોર્ડ્સ અને સીમાચિહ્નોની વાત કરતું રહ્યું છે પણ હું તારા એ આંસુઓ અને મનોયુદ્ધને યાદ કરું છે જે ક્યારેય તે કોઈને બતાવ્યા નથી. તારા ક્રિકેટ પ્રત્યેના અનહદ પ્રેમ અને નિષ્ઠાને લીધે તારે કઈ હદે શારીરિક અને માનસિક થાક સહન કરવો પડયો છે તે પણ હું જાણું છું. પ્રત્યેક ટેસ્ટ શ્રેણી પછી તું વધુને વધુ નમ્ર અને સમજદાર થયો છે તે જોવું પણ મારા માટે ગૌરવ સમાન રહ્યું છે.
મને પણ એવી ધારણા હતી કે તું પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી જ ( વ્હાઇટ્સ) નિવૃત થઈશ (પણ આટલું જલ્દી નહીં). પણ તું હંમેશા તારા હૃદયથી મળેલ પ્રેરણાને અનુસર્યો છે. તો મારા લવ, તું જે સ્તરે પહોંચીને નિવૃત્ત થયો છે તે માટે તે તારું સર્વસ્વ આપી દીધું છે અને આ ઊંચાઇ તેની કમાણી કે ઉપલબ્ધિ છે.'
વિરાટ કોહલી માટેની અનુષ્કાની પોસ્ટમાંથી 'બીટવીન ધ લાઇન' એવું સ્પષ્ટ થાય છે કે બહારથી આક્રમક અને તરવરાટ તેવર બતાવતો કોહલી અંદરખાનેથી હતાશ છે. 'તુમ ઇતના ક્યોં મુસ્કુરા રહી હો ક્યા ગમ હૈ જિસ કો છુપા રહી હો'ની પંક્તિ જેમ તે વર્તતો હોય તેવું લાગે છે. બહારથી જોશ અને અંદરથી ખામોશ હોઈ તે રીતે તેનું દર્દ છુપાવે છે.
કોહલીને માનસિક શાંતિ અને હિલિંગ માટે પત્ની અનુષ્કા તેને ધર્મ અને આદ્યાત્મ તરફ વાળતી હોય તેમ જોઈ શકાય છે. કોહલીને સંબોધીને પોસ્ટમાં 'મેં તારા આંસુ અને મનોયુદ્ધ નજીકથી જોયા છે' તેમાં ઘણું ખરું સમજાઈ જાય તેમ છે. આંસુ શા માટે? મનોયુદ્ધ (બેટલ) કેમ? તે તો અનુષ્કા વધુ જાણે અને સમજે.
પણ જે રીતે કોહલીને છેલ્લા કેટલાક વર્ષોમાં અનુષ્કા વૃંદાવન સ્થિત કેલી કુંજ આશ્રમમાં ખૂબ જ આદરણીય અને જ્ઞાની એવા ગુરુ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા લઈ જાય છે અને બંને જે રીતે ગુરુજી સામે જે અર્જ ભાવ સાથે બેસે છે તેના પરથી એવું લાગે કે તેઓ માત્ર દર્શન કરવા નથી જતા પણ કંઈક માર્ગદર્શન અને કૃપા મેળવવાની ઇચ્છા ધરાવે છે. તેઓ કંઈક સમાધાન માટે જતા હોય તેવું લાગે.
અગાઉ કોહલી અને અનુષ્કા ઇસ્કોનના ભારત અને લંડનના મંદિરના પણ દર્શન કરવા ગયેલા અને બંને 'હરે રામા હરે ક્રિષ્ના'ની ધૂનમાં પણ બેઠા હતા. ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન પણ તેઓ કરી આવ્યા છે.
અનુષ્કા વધારે ધાર્મિક અને શ્રદ્ધાળુ હોય તેમ જણાય છે અને કોહલી આદર્શ પતિની જેમ તેને સાથ આપે છે. કોહલીને માનસિક શાંતિની જરૂર હોય તેમ લાગે છે.
તેઓની જ્યારે છેલ્લી મુલાકાત થઈ ત્યારે પ્રેમાનંદ મહારાજ વાતની શરૂઆત એવી રીતે કરે છે કે 'હવે કેવું લાગે છે? (તેનો અર્થ એમ કે અગાઉની મુલાકાત વખતે તેઓ કંઈક માનસિક શાંતિ માટે ઈચ્છા વ્યક્ત કરીને ગયા હશે અને તે વખતે પ્રેમાનંદ મહારાજે તેઓને સત્સંગ થકી શાંતિ અને ઉપાય પણ બતાવ્યો હશે.) કોહલી પ્રેમાનંદ મહારાજના પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે 'અબ ઠીક હૈ.'( પહેલા કરતાં સારું તેમ તેનો કહેવાનો અર્થ હતો.)
પ્રેમાનંદ મહારાજ તે પછી સુખ અને શાંતિ માટેનો રાજમાર્ગ સમજાવતા ઉપદેશ આપે છે કે 'તમને જે ધન, વૈભવ, યશ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેને તમે ઇશ્વરની કૃપા કે ઇશ્વરના આશીર્વાદ છે તેમ ન સમજતા. ભૌતિક પ્રાપ્તિ પુણ્યનું ભાથું છે પણ ઇશ્વરની કૃપા નથી. ઈશ્વરની ખરી કૃપા તો મનની સ્થિતિ ઉદ્વેગ અને ઉચાટ વિનાની શાંત અને દિવ્ય પ્રસન્નતા સભર હોય તે જ કહી શકાય. જો તમે તમારી જાત અને ભીતર જોડે સંવાદ કરતા થાવ અને સતત આત્મ ચિંતન કરતા તમારી સોચ બદલો. સુખ બહારથી નહીં અંદરથી આવે છે તેમ સમજ કેળવો તો માનવું કે ઈશ્વરની કૃપા થઈ છે.'
ત્યાર પછી પ્રેમાનંદ મહારાજ ઉમેરે છે કે 'યશ માટે દોડવાનું બંધ કરવું જોઈએ તો જ શાંતિ અનુભવી શકાશે. ખરેખર તો ઈશ્વરને આવું બધું માંગવા કરતા એમ આજીજી કરવી જોઈએ કે બહુ જન્મો એકનું એક માંગીને નીકળી ગયા હવે મારે બીજું કંઈ નહીં પણ તમે જ મારે સંગ રહો તે જોઈએ છીએ. તમે જ મને દિવ્ય સુખ આપી શકશો.'
આટલી વાત કરીને પ્રેમાનંદ મહારાજ અટકે છે તે સાથે જ અનુષ્કા લગભગ ભાવાવેશમાં રડમશ થતા પુછે છે કે 'કયા નામ જાપ સે હો જાયેંગા?'
ત્યારે પ્રેમાનંદ મહારાજ અનુષ્કાને આત્મ વિશ્વાસ આપે છે કે 'બિલકુલ થઈ જશે.હું સાંખ્ય યોગ, અષ્ટાંગ યોગ, કર્મ યોગના અનુભવમાંથી પસાર થયો છું પણ ભક્તિ યોગ મારા મતે શ્રેષ્ઠ છે. રોજ દસ હજાર વખત ઈશ્વરનું નામ જપવાથી ઘણો જ ફાયદો થશે.'
અનુષ્કા - કોહલીનો આ સત્સંગ પૂરો થયો પછી તેઓ જ્યારે દિલ્હી જવા એરપોર્ટ પર ઉતર્યા ત્યારે કોહલીના હાથમાં જાપ નામ કરવાનું અને કેટલા જાપ થયા તે બતાવતું ટચૂકડું કી ચેન જેવું ગેજેટ હતું. એટલે કે કોહલી હવે કેલ્ક્યુલેટર સાથે જાપ નામ કરવા માંડયો છે.
આ એ જ કોહલી છે જેને થોડા વર્ષો પહેલા એક પત્રકારે પૂછયું હતું કે તમે પાઠ પૂજા કરો છો? ત્યારે કોહલી જાણે પત્રકારની મજાક ઉડાવતો હોય તેમ જવાબ આપ્યો હતો કે 'શું હું તમને પાઠ પૂજા કરતો હોઉ તેવો લાગુ છું?' એટલે કે કોહલી પોતાને આધુનિક અને પાઠ પૂજા તો વેદિયા કે વયસ્કો કરે તેમ માનતો હતો.
પ્રેમાનંદ મહારાજે અનુષ્કા અને કોહલીને જે જ્ઞાન આપ્યું તે માત્ર કોહલીને જ નહીં પણ આપણને સૌને લાગુ પડે તેવું અલ્ટિમેટ છે. વિશેષ કરીને ભૌતિક રીતે જેઓ પોતાને સુખી અને ઇશ્વરની કૃપાના હકદાર માને છે તેઓનો ભ્રમ તોડી નાંખે છે કેમ કે ધન,સત્તા,તાકાત અને યશ પ્રાપ્ત કરવા છતાં આ બધા લોકો અંદરથી એવા દુ:ખી હોઈ શકે છે કે એના કરતાં તે નહોતું ત્યારે સુખી હતા તેમ તેઓને લાગે છે. એટલે જ યશ અને વૈભવના અભરખા સુખની ગેરંટી નથી બનતા. તે પુણ્ય તરીકે જ જોઈ શકાય, ઈશ્વર કૃપા નહીં. ઈશ્વર કૃપા તો ભીતરની શાંતિની સ્થિતિ છે. આથી જ ગરીબ કે યશ, કીર્તિ વગરની વ્યક્તિ પણ જો અંતર્મુખ હશે તો દિવ્ય સુખનો એહસાસ કરશે. જાપ નામ બીન જરૂરી આસક્ત વિચારોથી દૂર રાખે છે.
કોહલીએ અચાનક નિવૃત્તિ લીધી તેનું એક કારણ એમ પણ મનાય છે કે તેણે પસંદગી સમિતિ સમક્ષ એવી માંગણી મૂકી હતી કે તેને કેપ્ટન બનાવવામાં આવે તો જ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવા તૈયાર થશે બાકી તે નિવૃત્તિ લેવાનું વિચારે છે.
પસંદગી સમિતિ અને હેડ કોચ ગૌતમ ગંભીરે વિચાર્યું કે આમ પણ સિનિયરો હોય છે તો પણ ભારત વિદેશમાં સંઘર્ષ કરતું હોય છે તો પછી હવે ટીમને યુવા યુગમાં લઈ જઈએ આથી નવા કેપ્ટનની જ નિમણૂક થશે તેમ તેઓએ નિર્ણય લીધો હોવાનું મનાય છે. કોહલીની માંગણી ન સંતોષાતા તેણે ઇંગ્લેન્ડ નહીં જવું તેવું નક્કી કર્યું અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી.
કોહલીને કારકિર્દીમાં આ હદે યશ મળ્યો છતા તેની ફરી કેપ્ટન બનવાની લાલસા ન સંતોષાતા અહમ ઘવાયો અને નિવૃત્તિ જાહેર કરી દીધી.
કદાચ આથી જ કોહલીની માનસિક અશાંતિ અને હતાશા વધુ યશની અપેક્ષા ન સંતોષાતા છે તેમ પ્રેમાનંદ મહારાજ પામી ગયા હશે એટલે જ તેમણે કોહલીને કહ્યું કે 'યશની ખેવનાથી ઈશ્વર કૃપા અને મનની શાંતિ પ્રાપ્ત ન થાય.'
અનુષ્કા આદર્શ પત્ની હોય તેમ પતિ કોહલી માટે પૂછે છે કે 'કયા જાપ નામ સે હો જાયેગા?'
આ તો સારું છે કે તેઓ પ્રેમાનંદ મહારાજ જેવા સાચા માર્ગદર્શક પાસે આવ્યા છે. બાકી ભારતના લાખો દંપતી સુખ શાંતિની શોધમાં કે ભૌતિક સમસ્યાના ઉકેલ માટે આવી જ સ્થિતિ સાથે કોઈને કોઈ ગોડ મેન કે છેતરપિંડી કરતા કેટલાક તાંત્રિકોના સંકજામાં આવી જાય છે અને બરબાદ થઈ જતા હોય છે.
કોહલીને જે બોધ પાઠ પ્રેમાનંદે આપ્યો તે આપણા માટે પણ છે.
એ પણ ખરું કે કોહલી આ હદની સિદ્ધિ અને સંપત્તિ છતાં માનસિક રીતે બેચેન છે. કોહલીએ જ અગાઉ એક વખત કહ્યું હતું કે 'તે બેટિંગ કરવા ઉતરતો હોય ત્યારે સતત ચાહકો અને વિવેચકોની બાજ નજર હેઠળ આવી જતો. દરેક ઈનિંગમાં સફળ થવું જ પડે તે દબાણ ભયંકર હોય છે. જ્યારે રન ન બનાવી શકાય તેવા સમયગાળામાં ભારે દોષની લાગણી અનુભવાતી હોય છે. હોટલના રૂમમાં નિષ્ફળતા સાથે મેચના દિવસે રાત્રી ગુજારવી ભારે વિષમ હોય છે. આથી જ હું ઇચ્છું છું કે ક્રિકેટ બોર્ડ પ્રવાસ દરમ્યાન પત્નીને સાથે રાખવાની છૂટ આપે કેમ કે મેદાન પરથી નિષ્ફળ થઈને હોટલના રૂમમાં પરત ફરે ત્યારે આશ્વાસન આપવા પત્નીનો સાથ તો હોય.'
આથી જ અનુષ્કા કહે છે કે 'દુનિયાએ નથી જોયા તે તારા આંસુ મેં જોયા છે.'
અનુષ્કા અને કોહલી સત્સંગના યોગ્ય માર્ગે છે. સમય સમયની વાત છે એક વખત રન મશીન મનાતો કોહલી હવે જાપ નામનું ટચૂકડું મશીન હાથમાં લઈને ફરે છે.. ઓલ ધ બેસ્ટ કિંગ કોહલી.