Home / GSTV શતરંગ / Jay Vasavada : GSTV શતરંગ/ The story of 'Kaan': A flashback to world's glamorous film festival

GSTV શતરંગ /કહાની 'કાન' કી : વિશ્વના સૌથી જાણીતા ગ્લોરિયર ને ગ્લેમરસ ફિલ્મ ફેસ્ટિવલનો ફ્લેશબૅક

GSTV શતરંગ /કહાની 'કાન' કી : વિશ્વના સૌથી જાણીતા ગ્લોરિયર ને ગ્લેમરસ ફિલ્મ ફેસ્ટિવલનો ફ્લેશબૅક

- અનાવૃત

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- આયોજકોએ નક્કી કર્યું કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મોને સેન્સર નહિ કરવાની.દરેક સર્જકને મૂળ રીતે વ્યક્ત થવા દેવાના.એને લીધે વિશ્વના ઉત્તમ સર્જકોને ત્યાં મોકળાશનો અનુભવ થયો

ઇતિહાસમાં ઘણી વાર એવું બને છે કે મૂળ એક જગ્યાએ હોય અને ફળ કોઈ બીજી જગ્યાએ પડે. જેને ઇવેન્ટસની દુનિયાનો અઝીમોશાન શહેનશાહ કહેવાય છે એવા કાન ફિલ્મ ફેસ્ટિવલની આરંભકથા પણ ફ્રાન્સથી નહિ,ઇટાલીથી શરૂ થાય છે. અત્યારે ૭૮મો કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલુ છે,ત્યારે ડોકિયું કરીએ એના મૂળિયામાં અને વિચારીએ કે વિશ્વમાં સૌથી વધુ (એ પણ સર્વાધિક ભાષાઓમાં) ફિલ્મો બનાવતા આપણા દેશના ફિલ્મ ફેસ્ટિવલ્સને બિગ ફાઇવ ફેસ્ટિવલ્સમાં કેમ ફિલ્મ જગત ગણતું નથી? બિગ ફાઇવ એટલે કાન (ફ્રાન્સ),બર્લિન (જર્મની),વેનિસ (ઇટાલી),ટોરેન્ટો (કેનેડા) અને સનડાન્સ (અમેરિકા)

***

૧૯૩૨માં ઇટાલીમાં ફાસિસ્ટ રાષ્ટ્રવાદી એવા બેનિટો મુસોલિનીનો દબદબો હતો,જેની જર્મનીના એવા જ નાઝી નેશનાલિસ્ટ એડોલ્ફ હિટલર સાથે ઘનિષ્ઠ ઘરોબો !એ વખતે ૧૯૩૦ના કાળમાં હોલિવૂડ સાયલન્ટ ફિલ્મના જમાનાને ક્રોસ કરી ગયેલું હતું.અને અમેરિકન ફિલ્મો યુરોપમાં પોપ્યુલર થતી જતી હતી,ખાસ કરીને ઇટાલીમાં.

મુસોલિની મંડળીને થયું કે આ તો ખોટું કહેવાય.આપણી અસ્મિતા અને ગૌરવનું શું ? સારું થયું હજુ સિનેમાને જ પાપ ગણીને પ્રતિબંધિત કરવા જેટલા જડસુઓ એ થયા નહોતા એટલે એમને ઉલટો ક્રિએટિવ વિચાર આવ્યો કે આપણે આપણો ફિલ્મ ફેસ્ટિવલ શરૂ કરીએ, દુનિયાનું ધ્યાન ખેંચીએ અને ભલે એમાં અગ્રેજી ફિલ્મો પણ આવતી,સામે આપણી ફિલ્મોમાં પણ લોકોને રસ વધે.જગતના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર વેનિસ તો હતું જ.એટલે ત્યાં ઓગસ્ટ ૧૯૩૨માં ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન નક્કી થયું.ઓગસ્ટના અંતે સમર વેકેશન યુરોપનું પૂરું થવામાં હોય ત્યારે એનું આયોજન જીયુસ્પે વોલ્પી નામના મુસોલિનીના સમર્થક બિઝનેસમેને શરૂ કરાવ્યું.એની ઓપનિંગ ફિલ્મ તો અમેરિકન જ હતી : ડૉ. જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ.જે જોઈને ઝવેરચંદ મેઘાણીએ એની પટકથા વાર્તારૂપે ગુજરાતીમાં ઉતારી નામે :આત્માનો અસુર!

ખાસ લિડો થિયેટર જેના માટે બંધાયું ને બેસ્ટ ફિલ્મને 'મુસોલિની કપ' (વોટ એલ્સ ? સરમુખત્યાર શાસનમાં નામો એમ જ અપાય ને) અપાવાનો શરૂ થયો, ત્યારે હજુ વિશ્વયુદ્ધ શરૂ નહોતું થયું. આ કાન ફિલ્મ ફેસ્ટિવલ (કાન્સ ખોટું બોલાય ને લખાય છે, સાચો ઉચ્ચાર વિશ્વવ્યાપી છે : કાન.) માં વેનિસનો ઈતિહાસ શું શરૂ થઈ ગયો ? તો વાત જાણે એમ થઈ કે એમાં જ ૧૯૩૮માં 'મોસ્ત્રા'નામથી ઇન્ટરનેશનલ કોમ્પિટિશન શરૂ થઈ. ફિલ્મો બનાવતા જાણીતા રાષ્ટ્રોએ એન્ટ્રીઝ મોકલી. ફ્રાન્સમાંથી રાજદ્વારી આગેવાન ફિલિપ આર્લેન્ગર હાજર રહ્યા.ત્યાં બધાને એવું હતું કે,અમેરિકન ફિલ્મને જ એવોર્ડ મળશે,પણ દરેક એવોર્ડની જેમ આમાં પણ વ્હાલાંદવલાવાળો દાવ થયો.છૂપો નહિ,પણ જગજાહેર.હિટલર અને મુસોલિનીની વાહવાહી કરતી બે ફિલ્મોને (ઓલમ્પિયા અને લુસિયાનો સેરા,પાઇલોટ) એવોર્ડ મળ્યો.પ્રોપેગન્ડાના આ જાહેર એજન્ડા સામે તત્કાળ વિરોધ થયો.અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનના પ્રતિનિધિઓએ તત્કાળ છોડી દીધી વેનિસ ફિલ્મ ફેસ્ટિવલની જગ્યા !

એ વખતે સ્વદેશ પાછા ફરતા ફ્રેન્ચ ડિપ્લોમેટ ફિલિપ અર્લેન્ગરને વિચાર આવ્યો કે ફિલ્મ ફેસ્ટિવલ તો રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોય,તો જ આર્ટનું સાચું એપ્રિસિએશન થાય.જર્મની ને ઇટાલીની રાજકીય સ્થિતિથી એ વાકેફ હતો.ફ્રાન્સ તો પરંપરાગત રીતે 'લિબર્ટી ધામ.'કળાનો ઓરિજીનલ અડ્ડો. તો પછી ફ્રાન્સમાં ફિલ્મ ફેસ્ટિવલ કેમ નહિ? એણે ફ્રેન્ચ સરકારને આ વાત કરી.એ સમયના ફ્રેન્ચ વિદેશમંત્રી જ્યોર્જ બોને વિરોધમાં હતા કે બીજા દેશો સાથે સંબંધ બગડશે, પણ ફ્રાન્સના તત્કાલીન શિક્ષણમંત્રી જ્યાં ઝાઇને થયું કે, આ તો ફ્રેન્ચ વિરાસતનો હિસ્સો બની શકે એમ છે.

તાબડતોબ વેનિસની બ્યુટીને ટક્કર મારે એવા સ્થળની શોધ ચાલી. જાણીતા નામોને બદલે દરિયાકિનારાના કોઈ રળિયામણા ગામની પસંદગી થાય તો એ બ્હાને એ વિસ્તારમાં અલાયદું ટુરિઝમ પણ ડેવલપ થાય (અમેરિકાએ રણમાં કેસિનો સિટી લાસ વેગાસ બનાવ્યું એ રીતે) અને આયોજનની વ્યવસ્થામાં બીજી કોઈ ભીડભાડ નડે નહિ,એ રીતે કાનની પસંદગી થઈ.વેનિસના સુંદર શહેરથી નજીક ફ્રેન્ચ સિવિએરાના બ્લુ સમુદ્રના કાંઠે આવેલું કાન તો કેલિફોર્નિયાના ફિલ્મી પાટનગર એલએ જેવું લાગતું હતું. ત્યાં ફેસ્ટિવલ માટે જૂન ૧૯૩૯માં ઓફિશ્યલ આમંત્રણ શરૂ થયેલા. પહેલો રિસ્પોન્સ વેનિસમાં થઈ ગયેલા દાવથી દુભાયેલા અમેરિકાએ આપ્યો.ત્યારની ધુરંધર ફિલ્મ નિર્માતા કંપની એનજીએને તો વેનિસની જ તારીખે ૧ સપ્ટેમ્બરના રોજ યોજાનાર પ્રથમ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આખું એક લક્ઝરી ક્રૂઝને જહાજ સિતારાઓ સંગાથે મોકલવાનું નક્કી કર્યું.બારિત્ઝ નગર સામે કાનની નગરપાલિકા અને હોટલ એસોસિએશને પૂરા સપોર્ટની ખાતરીથી બાજી મારી લીધી હતી.ઓપનિંગ ફિલ્મ જ સિનેમા બાબતે ફ્રાન્સ ને અમેરિકાના કોમ્બિનેશન જેવી હતી :વિક્ટર હ્યુગોની ફ્રેન્ચ નવલકથા 'હંચબેક ઓફ નોત્રદામ'પરથી બનેલી હોલીવૂડ મૂવી !

આમે સિનેમાની શોધ જ બે ફ્રેન્ચ બંધુઓએ કરેલી લુમિયે (લુમિયર બોલાય છે આપણે ત્યાં) બ્રધર્સની એ અદ્ભુત ખોજ વળી અમેરિકન ઇન્વેન્ટર થોમસ આલ્વા એડિસન વિના સંપૂર્ણ ના બની હોત.માટે ફિલ્મ ક્ષેત્રે ફ્રાન્સ ને અમેરિકાનું સહિયારું સર્જન એ ઐતિહાસિક સત્ય છે!પહેલો ફિલ્મ ફેસ્ટિવલ નેચરલી વિશ્વના પ્રથમ સિનેમેટોગ્રાફર એવા ફ્રાન્સના લુઈ લુમિયેને સમર્પિત હતો ત્યાંના પ્રસિદ્ધ એવા નગરપાલિકાના કસિનોમાં કોમ્પિટિશનના એવોર્ડથી દાઝેલી યાદોને ધ્યાનમાં લઈ દરેક દેશ પોતાની ફિલ્મો લઈ આવે, જ્યુરીમાં એકલા ફ્રાન્સ નહિ પણ બધા જ દેશોના પ્રતિનિધિઓ હોય અને છેલ્લે તમામ મેઈન કોમ્પિટિશન રાઉન્ડ સુધી પહોંચેલી ફિલ્મોને ''ગ્રાં પ્રિ'' સન્માન મળે એટલે કોઇ વિવાદ જ ન થાય હારજીતનો એવું ફોર્મેટ હતું.

પણ મંગળ શરૂઆતની કુંડળીમાં મંગળ વક્રી થયેલો જાણે!૨૩ ઓગસ્ટે હિટલર- સ્ટાલિન સંધિ બાદ ટેન્શન વધતા પ્રવાસીઓ કાન છોડી ભાગવા લાગ્યા.ફેસ્ટિવલના ઉદ્ઘાટન દિને જ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું ને પરિણામે ઓપનિંગ ફિલ્મ પછી કોઇ સ્ક્રીનિંગ ના થયું ને શરૂ થતા જ એક રંગબેરંગી મેળાનો બ્લેક એન્ડ વ્હાઈટ સંકેલો થઇ ગયો! એમાં વિઝાર્ડ ઓફ ઓઝથી યુનિયન પેસિફિક જેવી કેટલીય ફિલ્મો દેખાડી ન શકાઈ, જેને પાછળથી છેક ૨૦૦૨માં સન્માનિત કરાઈ!

પણ યુરોપમાં વિશ્વયુદ્ધના વાદળો ઘેરાવા લાગેલા.ફેસ્ટિવલ જીવંત રાખવા માટે ફિલિપભાઈએ મુસોલિનીની મદદ માંગી.ઇટાલીના એ સિનેપ્રેમી સરમુખત્યારે કહ્યું કે અમારા વેનિસના જ સમયે એ શરૂ ના કરો તો અમને વાંધો નથી.

એમ એનો સમય મે મહિનામાં યુરોપિયન સ્પ્રિંગ યાને વસંતમાં સેટ થયો.

પણ પછી તો ફ્રાન્સ પર જ હિટલરે આક્રમણ કરી દીધું. ફેસ્ટિવલ ફરીથી થઇ જ ન શક્યો ને છ વર્ષો તો યુદ્ધમાં ખર્ચાઈ ગયા. આર્થિક સંકડામણ પણ યુદ્ધ પછી ઉભી થઈ. અંતે ૧૯૪૬માં ફરીથી એ સપ્ટેમ્બરમાં જ શરૂ થયો. યુદ્ધ પુરૂ થયું અને મિત્ર રાષ્ટ્રોના વિજયનો ઉત્સવ હોય એવો માહોલ હતો. એટલે શાંતિના કબૂતરો ઉડાડયા, એર શો થયો, ફ્લાવર શો થયો, ફેશન શો થયો ને ''મિસ ફેસ્ટિવલ'' જાહેર થઈ, ટૂંકમાં આરંભે જ કાન ફેસ્ટિવલ સાથે સિનેમા સિવાયના ઉત્સવનો માહોલ જોડાઈ ગયો.

અને ધીરે ધીરે સ્કેલ મોટો થતો ગયો. એનું મૂળ કારણ કલ્ચર અને આર્ટ બાબતે ફ્રાન્સની જન્મજાત ઉદારતા. કેસિનોના કામચલાઉ થિયેટરને બદલે મોટી હોટલમાં એનું સ્ક્રીનિંગ શરૂ થયું ને દીર્ઘદ્રષ્ટા ફિલિપ અર્લેન્ગર ને એમના સાથીઓને થયું કે અલાયદું થિયેટર જ હોવું જોઇએ આ માટે. સોફિયા લોરેનથી બ્રિજેટ બાર્ડોટ, કિર્ક ડગ્લાસથી કેરી ગ્રાન્ટ જેવા સિતારાઓ મુક્તિના સમર્થનમાં જોડાતા ગયા. એમાં ય તોફાની તેજસ્વી ચિત્રકાર પાબ્લો પિકાસોએ જેન્ટલમેન ડ્રેસકોડની ''ધજ્જિયા'' ઉડાવીને મેટ ગાલા જેવા અવનવા વસ્ત્રોનું ચલણ શરૂ કર્યું, જે પાછળથી આજે પણ દુનિયા આખીનું ધ્યાન ખેંચતો રેડ કાર્પેટ ફેશન ટ્રેન્ડ બની ગયો.

જો કે, આ સફર પણ સરળ તો નહોતી જ. વર્લ્ડ વોર પૂરી થઇ તો કોલ્ડ વોર અમેરિકા- રશિયાની શરૂ થઇ. બેઉ દેશો ને એમના સમર્થક દેશો એકબીજાની કાપવા માટે અને પોતાનો ઝંડો ઉંચો રાખવા માટે ફિલ્મોને પ્રચારનું હથિયાર બનાવવા લાગ્યા. એમાં કેટલીક ફિલ્મોને સ્પર્ધામાંથી બાતલ કરી દેવાતી. જેની સામે આર્ટિસ્ટિક ફ્રીડમ ઓફ સ્પીચનો મુદ્દો આવ્યો. શરૂઆતમાં ફ્રેન્ચ સેલિબ્રિટીઝની જ્યુરીમાંથી વિશ્વભરની જ્યુરીની ગોઠવણી તો શરૂ થઇ જ ગઈ હતી. અંતે વિવાદ ટાળવા આયોજકોએ નક્કી કર્યું કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મોને સેન્સર નહિ કરવાની. દરેક સર્જકને મૂળ રીતે વ્યક્ત થવા દેવાના. એને લીધે વિશ્વના ઉત્તમ સર્જકોને ત્યાં મોકળાશનો અનુભવ થયો.

પહેલા એવોર્ડ ખાસ અપાતા નહિ પણ ૧૯૫૪ બાદ ''ગોલ્ડન પામ'' (પામ ઓ ડોર) બેસ્ટ ફિલ્મને મળવાની ''માટી'' ફિલ્મથી શરૂઆત થઈ. દરિયાકાંઠાના પાત્ર ટ્રીઝના ત્યાં આસપાસ લહેરાતા પાનને જ ક્લાસિક નીવડેલો સિમ્બોલ બનાવી દેવામાં આવ્યો. એમાં ત્રુફોંથી ફેલિની જેવા અનેક યુરોપિયન ફિલ્મમેકરની અમેરિકાના ઓસ્કારની સાપેક્ષે ઝડપભેર કદર થવા લાગી. વિશ્વની કેટલીક ફોરએવર ક્લાસિક ગણાતી યાદગાર ફિલ્મોના પ્રીમિયર યાને ફર્સ્ટ શો કાનમાં થવા લાગ્યા. ધીરે ધીરે આ પણ એક પરંપરા થઇ ગઇ, એકબાજુ પ્યોર આર્ટહાઉસવાળી સામાન્ય પ્રિમેકને ધીમી, કંટાળાજનક, ટોકેટિવ લાગે એવી ફિલ્મો ને બીજી બાજુ શીન કોનેરીની બોન્ડ ફિલ્મો કે હિચકોકની સસ્પેન્સ ફિલ્મો કે ટિન્ટો બ્રાસની ઇરોટિક ફિલ્મો - બધાનો સ્વીકાર કાનમાં થાય. આજે પણ એવું જ છે. મિશન ઇમ્પોસિબલનો છેલ્લો ભાગ પણ ત્યાં પ્રીમિયર થાય ને રશિયન સરમુખત્યારશાહીની બોઝિલ ટુ પ્રોસિક્યુટર્સ કે સો વર્ષના ગાળે પથરાયેલી હોટ ફેવરિટ જર્મન ફિલ્મ સાઉન્ડ ઓફ ફોલિંગ પણ.

એમાં  જ કાનને ગ્લોબલ બનાવતો માસ્ટર સ્ટ્રોક આવ્યો ત્યાં ! મેળા હોય ત્યાં દુકાનો ભરાવા જ લાગે. માણસો ભેગા થાય એમ ઘરાકી જામે. ૧૯૫૯માં 'માર્ચે' યાને માર્કેટને કાયદેસર જગ્યા જ ફાળવી દીધી કાન ફિલ્મ ફેસ્ટિવલે! વિવિધ પ્રોડયુસર્સ, ઇન્ડિપેન્ડન્ટ મેકર્સ, દેશદેશાવરની સરકાર કે ફિલ્મ કંપનીઓ બધા ત્યાં સ્ટોલ લગાવી શકે! મુખ્ય સિલેકશનમાં ના હોય પણ સિનેરસિયા ઉભરાતા હોય ત્યાં પોતાની જાહેરાતો કરી શકે. ભારતની મોટા ભાગની ફિલ્મોને સેલિબ્રિટીઝ એમ જ ત્યાં જાય છે. આ વર્ષે સત્તાવાર એ પણ કોમ્પિટિશન બહાર પણ નોંધપાત્ર પસંદગીરૂપે ભારતની એક જ ફિલ્મ છે, નીરજ ઘેવાનની હોમગ્રાઉન્ડ. ગયા વર્ષ પાયલ કાપડિયાની ''ઓલ વી ઇમેજીન ઈઝ લાઈટ''ને વિજય સન્માન મળેલું, જેને સરકારી વાજીંત્ર બનેલા દકિયાનૂસી ગજેન્દ્ર ચૌહાણે ભારતમાં ફિલ્મ ઈન્સ્ટ્ટીટયૂટમાંથી કાઢી મૂકેલી! આ વખતે એ જ્યુરીમાં છે. ચાર્લી ચેપ્લીનની ગોલ્ડરશ સાથે સત્યજીત રાયની અરણ્યેર દિનરાત્રિ પણ ફોરકે રિસ્ટોર થઇ રજૂ થવાની છે ને શર્મિલા ટાગોર તથા આપણા ગુજરાતી પેન નલિન સત્તાવાર આમંત્રિત છે.

ગ્રાન્ડ લૂમિયે થિયેટર નવા પેલેસ દ ફેસ્ટિવલમાં બન્યા પછી કાનમાં ભપકો શાનદાર નિખર્યો છે. પણ આવો કલામેળો કરવો હોય તો પહેલા સેન્સરના કેન્સરને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કીમોથેરાપીથી બાળવું પડે. ફ્રીડમ માટે કમિટેડ રહેવું પડે! વધુ વાતો આવતા રવિવારે સ્પેક્ટ્રોમીટરમાં.

ઝિંગ થિંગ

લવ. મેડનેસ. સેડનેસ. લવ. (ડાઈ માય લવ. ફિલ્મનો બ્રોશરમાં છપાયેલ પરિચય)

-  જય વસાવડા

Related News

Icon