
- કેમ છે,દોસ્ત
- પ્રિયતમા લાગણીના શબ્દો સાંભળી સત્વમાં નવું જોમ પ્રગટયું હતું. એના જીવનમાં એક નવો સૂર્યોદય થયો હતો.
મિ. ઉજ્જવલકુમારનું મન હંમેશાં ભર્યું ભર્યું છે. જીવન પ્રત્યે તેમને કશો ફરિયાદનો ભાવ નથી. જીવન પાસે તેમણે જે કાંઈ માગ્યું, જીવનદેવતાએ ઉદાર હાથે તેમને આપ્યું. નહીં તો યૌવનના આરંભિક દિવસોમાં મહેતાજી તરીકે કામ કરતો માણસ આજે પ્રતિષ્ઠિત વેપારીઓની પંક્તિમાં બેસી શકવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે ખરો ? નામું લખતાં લખતાં નાણાંકીય કોઠાસૂઝ કેળવવાને લીધે ઉજ્જ્વલકુમારે ચાલુ નોકરીએ કરેલા સોદાઓમાં અદ્ભુત સફળતા મેળવીહતી. અને નામુ લખવાની નોકરી છોડીને ઉજ્જ્વલકુમારે પોતાની આગવી ટ્રેડીંગ કંપની શરૂ કરી હતી.
ત્યારબાદ ઉજ્જવલકુમારના પાસાં સવળાં જ પડતાં ગયાં. ત્રીસ વર્ષની વયે જ્યારે તેમણે આલિશાન બંગલો બનાવી ધામધૂમથી લગ્ન કર્યું, ત્યારે તેમની ગણના શહેરના પ્રતિષ્ઠિત અમીર વહેપારીઓમાં થઈ ચૂકી હતી.
સફળતાનાં ઉત્તુંગ શિખરો સર કરતા ઉજ્જવલકુમારની જીવનની વાડી પણ બે સંતાનોની પ્રાપ્તિથી મહેકી ઊઠી હતી. પુત્ર સત્વ અને પુત્રી ઉર્જાને જોઈને તેમની આંખ ઠરતી હતી.
પચ્ચીસ વર્ષો વહીં ગયાં... ઉજ્જવલકુમાર અને તેમનો પરિવાર આજે સુખસાહ્યબીની સુંવાળી સેજમાં પોઢીને ઉલ્લાસભેર જિંદગી જીવી રહ્યો છે.
સત્ત્વ સ્વભાવે ધીર-ગંભીર, પણ ઉર્જા ચંચળ અને સ્વચ્છંદી...તેને પોતાના પપ્પાના નામ અને દામનું મનમાં અભિમાન હતું. સત્ત્વનો જીવ કલાકારનો હતો. તેને અભિનયમાં રસ હતો તેને સાદુ, સરળ, નિર્દંભ અને નિષ્પાપ જીવન પસંદ હતું . તેને પોતાના પપ્પાની સંપત્તિનું અભિમાન નહોતું, પણ તેનામાં પોતાના પપ્પા જેવું કામ કરવાની ધગશ પણ નહોતી. જીવન પ્રત્યે એ શ્રધ્ધાશીલ હતો, પણ આર્થિક ક્ષેત્રે કશું નવું કરવામાં માનતો નહોતો. કલાકારનો જીવ હતો એટલે નાટકોમાં કામ કરવાનો નિર્ણય કર્યો હતો. એની સાથે જ કામ કરતી લાગણી સાથે એનો પરિચય થયો હતો. જોતાની સાથે જ ગમી જાય તેવું આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી હતી લાગણી, ગૌર વર્ણ, ભૂરી આંખો, નિર્દોષ સ્મિતરેખા, મિલનસાર સ્વભાવ. અને કલાકારનો જીવ એટલે એનું હૃદય પણ કોમળ હતું. સત્ત્વ અને લાગણી વચ્ચેનો પરિચય પ્રેમમાં પરિણમ્યો.
લાગણી સ્વભાવે ખૂબ જ ઠરેલ, સમજુ અને સહિષ્ણુ હતી. એણે સત્ત્વને કહ્યું : 'સત્ત્વ, મારી સાથે લગ્ન કરવાં હોય તો સૌ પ્રથમ તારાં મમ્મી-પપ્પાની રજા લઈ લેવી જોઈએ. તું તારા પપ્પાને આપણાં વિષે વાત કર. પછી જ આપણે લગ્ન અંગેનો નિર્ણય લઈશું.' સત્ત્વને લાગણી પ્રત્યે અનહદ પ્રેમ હતો પણ પોતાના પપ્પાને લગ્ન વિષે વાત કરવાની તેની હિંમત નહોતી.
લાગણી અને સત્ત્વ જ્યારે પણ મળતાં ત્યારે લાગણી એક જ પ્રશ્ન પૂછતી : 'સત્ત્વ, તેં તારા પપ્પાજીને આપણા લગ્ન વિષે વાત કરી ? શું કહ્યું પપ્પાજીએ તારી વાત સાંભળીને ?'
'લાગણી, કેટકેટલી સદીઓ, વીતી ચૂકી જાતજાતના મંત્રો-યંત્રો શોધાયાં પણ માણસ માણસને સમજી શકે એવાં યંત્ર કે મંત્ર કેમ શોધાતાં નથી ? શા માટે લોકોની નજર ચાંદનીને બદલે ચંદ્રકલંક પ્રત્યે જાય છે? લાગણી, મને દુનિયાની પડી નથી.' સત્ત્વ આવેશપૂર્વક બોલ્યો.
'મહારાજ, આપ રંગમંચ પર નહીં, કુમારીમાંથી શ્રીમતી બનવા તત્પર લાગણી સમક્ષ ઊભા છો સમજ્યા ? બોલો પૂજ્ય પિતાશ્રી ઉર્ફે મારા ભાવિ શ્વશુરજીએ આપણા સંબંધને કઈ રીતે મૂલવ્યો ?' લાગણી નિષ્પાપ નજરે સત્ત્વને નીરખી રહી હતી.
'લાગણી, સાંભળ મારા પપ્પા વેપારી છે. એમને મન 'પ્રેમ' પણ એક વેપાર છે. અને વેપારમાં માણસ ફાયદા નુકશાનનું ગણિત માંડયા વગર રહે ખરો ? તારાં જેવી મા-બાપ વગરની અને અભિનયના ચાળે ચઢેલી છોકરીને એ પુત્રવધૂ બનાવવા તૈયાર નથી. એમના કહેવા મુજબ તેં મને ખોટા રવાડે ચઢાવ્યો છે. તેમ છતાં તારી મરજી હોય અને રિહર્સલ વગરના તળપદા સંવાદો મારા પપ્પાને મુખે સાંભળવા હોય તો તને તેમ કરવાની છૂટ છે.'
'સત્ત્વ, તારે ખાતર અપમાનનો પ્યાલો તો શું સાગર પણ ગટગટાવી જાઉં, પણ એ બધું કોઈક મને સમજવાની કોશિશ કરે તો. સત્ત્વ, તમે એમ નથી લાગતું ને કે મેં તને તારી પાસેથી ઝૂંટવી લીધો છે ?' લાગણીએ પૂછ્યું :
'ના લેશમાત્ર નહીં. કલાકાર સોદાગર નહીં ખેરાતી હોય છે. આપણે સ્ટેજ પર સાથે કામ કર્યું, વર્ષાભીની સાંજોએ નવાંકુરિત હરિત ઘાસનો મુલાયમ સ્પર્શ માણતાં પ્રકૃતિની ગોદમાં આપણે ઘૂમ્યાં, એનો અર્થ એ નથી કે એવો સાથ આપણને એકબીજાના ગળે પડવાનો પરવાનો આપે. સાથે સેવેલી અપેક્ષાઓ ન ફળે એટલે સાથ વંધ્ય નથી બની જતો. લાગણી, આવી કલેશ અને કોલાહલની દુનિયામાં લાગણીનું પ્રશાન્તક સંગીત સાંભળવા મળે, હૈયાની હેતભીની વાતો કરવા માટે વહાલનિતર્યો વિસામો મળે, એય ઓછા સંતોષની વાત નથી. અને એક ઉપાયથી હું મારા પપ્પાના નિર્ણયને વિચલિત કરી શકું એમ છું' સત્ત્વએ લાગણીને ઉત્તર આપતાં કહ્યું હતું.
'સત્ત્વ, એકબાજુ તું તારા પપ્પાને ગણતરીબાજ ગણે છે અને બીજી બાજું તું એમના હૃદય - પરિવર્તનમાં શ્રધ્ધા રાખે છે ?' લાગણીએ વિસ્મયપૂર્વક પૂછ્યું હતું.
'એટલા માટે મને મારી મમ્મીમાં શ્રધ્ધા છે. મમ્મીનો સ્વભાવ ખૂબ જ લાગણીશીલ છે. એણે પોતે નાનપણથી જ માતા-પિતાની શીળી છાયા ગુમાવેલી, એટલે મા-બાપ વગરનાં બાળકો પ્રત્યે એને વિશેષ લાગણી છે. અને તારી કથા પણ એવી જ છે. મમ્મીને અવશ્ય તારી અનાથ સ્થિતિ પ્રત્યે કરૂણા ઉપજશે. બાકી બધું મમ્મી સંભાળી લેશે.' સત્ત્વએ પોતાની યોજના જાહેર કરતાં કહ્યું હતું.
'સત્ત્વ, મારાં માતા-પિતાનું અવસાન અવશ્ય થયું છે. પણ હું 'અનાથ' નથી કે 'અબળા' પણ નથી. મારી કોઈએ દયા ખાવાની જરૂર નથી. કારણ કે મારી પાસે બે હાથ છે, હૈયું છે, દિમાગ છે અને સ્વમાનપૂર્વક જીવવાના કોડ પણ છે. મારા માટે રોટી-કપડાં-મકાનની વ્યવસ્થા કરનાર મા-બાપ ના હોય એટલે હું અનાથ નથી બની જતી. અને સત્ત્વ, સાંભળ, તને હું મારો 'નાથ' બનાવવા કે જીવનસાથી તરીકે સ્વીકારવા તૈયાર નથી. તારો સંગ મને ગમે છે, તું મારા મનની નિકટ છે, તું મારી ભાવનાઓને સમજી શકે છે, માટે તારી સાથે મૈત્રીભર્યો ઘરસંસાર શરૂ કરવાના મને અભરખા છે અને એ પણ મારા અનાથપણાની દયા કે કરુણાને વચ્ચે લાવ્યા વગર તું વિચાર કરવા તૈયાર થઈશ તો જ હું એ દિશામાં આગળ વધીશ. સત્ત્વ, લગ્નએ હોદ્દાની નિયુક્તિ નથી, જેમાં સામાજિક શરતો સ્વીકારવાનું જરૂરી હોય!
તારા પપ્પાની સમક્ષ હું લગ્નની ઉમેદવારણ તરીકે ઉપસ્થિત થવા માગતી નથી' લાગણીએ સત્ત્વને લાંબુલચ ભાષણ આપતાં કહ્યું હતું.
'પણ લાગણી, તને નથી લાગતું કે જે પાણીએ મગ ચઢે એ પાણીએ આપણે મગ ચઢાવવા જોઈએ. આપણે મમ્મી-પપ્પાને આપણી તરફેણમાં લેવાં જ પડશે ને ! એમની દ્રષ્ટિમાં પસંદગીપાત્ર ઠરવાથી આપણે અનેક આફતોમાંથી આપોઆપ ઊગરી જઈશું.' સત્ત્વએ કહ્યું હતું.
'એટલે સત્ત્વ, શું તું આર્થિક જવાબદારીમાંથી છટકવા માંગે છે ? પપ્પાના પૈસે ભવિષ્યમાં આપણે બન્ને આરામથી જીવન જીવી શકીશું એમ કહેવા માંગે છે ? સત્ત્વ પ્લીઝ.....' લાગણીની વાત અધવચ્ચે જ કાપી નાખતાં સત્ત્વએ કહ્યું : 'લાગણી, આમ આટલી બધી ઉત્તેજિત કેમ થઈ જાય છે. હું પપ્પાજીનો એકનો એક દીકરો છું. તેમની સંપત્તિ પર મારો હક છે અને ભવિષ્યમાં આપણે બન્ને એમની સંપત્તિ વાપરીએ એમાં ખોટું પણ શું છે ? જો એમનું કહ્યું હું નહીં માનું તો મારી ઘરની બહાર નીકળી જવું પડશે. એના કરતાં મમ્મીને મસકા મારીને આપણા લગ્નની વાત પાકી કરાવીએ તો ખોટું પણ શું છે ?' સત્ત્વએ લાગણીને વાસ્તવિકતા સમજાવવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું.
'સત્ત્વ, આ તું બોલે છે ? મારા માન્યામાં નથી આવતું. આજે તું એક પુરુષની જેમ વાત નથી કરતો સત્ત્વ! તારા પૌરુષને આર્થિક ચિંતાની નાગણી ડસી ગઈ હોય એમ લાગે છે. તું શા માટે પરાવલંબી બનવા ઈચ્છે છે ? કલાકાર ભૂખ પસંદ કરશે, ભીખ નહીં., ઝઝૂમશે પણ ઝૂકશે નહીં. સર્જક કદી બોદો નથી હોતો. હું તને બોદો જોવા નથી ઈચ્છતી. હું તને ઘડવા પણ નથી ઈચ્છતી કારણ કે હું માનું છું કે તારા માં રહેલા સત્ત્વને તું જ બહાર લાવ. એ માટે તારે ટીપાવુ પડે તો ટીપાજે, ખપવા તૈયાર રહેજે, પણ મર્દ બનીને જ જીવન સમક્ષ ઉભો રહેજે. હું ક્યાંય જવાની નથી. કારણ કે હું કોઈના માટે જન્મી જ નથી. હું જન્મી છું મારે માટે, લાગણી નામની વ્યક્તિ બનવા માટે આપણો સાથ આપણી શક્તિઓના આવિર્ભાવનું, વિકાસનું નિમિત્ત બને એ જ લગ્ન.' બાકી બધું તો માત્ર નાટક! 'લાગણી મરક-મરક હસી રહી હતી.'
'તારામાં અને મારામાં એટલો ફેર છે લાગણી ! તું આફતોના નિભાડામાં પરિપક્વ થયેલી માટલી છે. અને હું ઘર-આંગણાના ખૂણાની માટી, ટપલા ખાવા માટેની તાકાત હજી મારામાં જન્મી નથી. મમ્મી-પપ્પાને કહ્યા વગર લગ્ન કરીને હું તને ક્યાં લઈ જાઉં ? ક્યાં અને કેવી રીતે રાખું ? એ વાતની કલ્પના કરતાં જ મારા પગ ધૂ્રજવા માંડે છે.'
'સત્ત્વ, તો હું પ્રતીક્ષા કરીશ...પણ બોદા માણસના પાણિયારે તો નહીં જ ગોઠવાવું. મૈત્રીને લગ્નની ઉતાવળના પડછાયાથી દૂર રાખીને ભવિષ્યમાં તારામાં પ્રગટનાર પૌરુષની પ્રતીક્ષા કરવા હું તૈયાર છું. હું તારી જીવનકથાનો એક અધ્યાય બનવા તૈયાર છું, પણ 'ભોગ' બનવા તૈયાર નથી.' લાગણીના શબ્દો સાંભળીને સત્ત્વના શિથિલ ચરણોમાં જાણે કે નવું જોમ પ્રગટયું....
એણે સંકલ્પ કર્યો, પોતાનામાં નવી વ્યક્તિ જન્માવવાનો અને લાગણીના જીવનમાં એક નવો સૂર્યોદય થયો, જેમાં હતો પ્રકાશ, પ્રકાશ અને પ્રકાશ....