Home / GSTV શતરંગ : India should fight a war like Israel

શતરંગ / 'ભારતે તો ઇઝરાયેલ જેમ યુદ્ધ કરવું જોઈએ'

શતરંગ / 'ભારતે તો ઇઝરાયેલ જેમ યુદ્ધ કરવું જોઈએ'

- ભારતના નાગરિકોના શબ્દશૌર્યને સલામ પણ યુદ્ધ થાય તો તેઓ સૈનિકોને સાથ આપવા સમર્થ છે ખરા?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- સ્વામી સ્વામી સચ્ચિદાનંદે વર્ષો પહેલા કહેલું કે 'અહિંસા પરમો ધર્મ'નો મંત્ર ન ચાલે... 'વીરતા પરમો ધર્મ' જ સમયની માંગ છે

- ઇઝરાયેલ અને કેટલાક દેશોની જેમ ભારતમાં પણ ડિગ્રી મળે તે પહેલા બે વર્ષ ફરજિયાત લશ્કરી તાલીમ હોવી જોઈએ

- રશિયામાં નવદંપતિ શહીદ સ્મારકને ફુલ ચઢાવીને પછી જ હનીમૂન માટે જાય છે

- ઈઝરાયેલમાં યુવાનો લશ્કરી તાલીમ લઈ રહ્યાં છે

પહલગામના આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને વળતો જડબાતોડ જવાબ આપવો જોઈએ તેવા નાગરિકોના ભભૂકેલા રોષ વચ્ચે જ દંતાલીના  સ્વામી  સચ્ચિદાનંદની થોડા વર્ષો પહેલાની આગ ઝરતી મુલાકાતનું વિડિઓ રેકોડગ સાંભળવા મળ્યું. સ્વામીજીએ સ્તબ્ધ થઈ જવાય તેવું નિવેદન બેધડક કર્યું કે 'ભારતે ગાંધીજીનો ફોટો ગંગા નદીમાં પધરાવી દેવો જોઈએ.અહિંસા પરમો ધર્મનું રટણ ચાલુ રાખીશું તો ભારત ગુમાવવાનો વારો આવશે. ખરેખર તો 'વીરતા પરમો ધર્મ' નો મંત્ર અને સંસ્કાર રગેરગમાં વહેતો કરવાની જરૂર છે.'

તે પછી સ્વામીજી ઉમેરે છે કે 'આપણે ક્યારેય યુદ્ધ લડયા જ નથી.ભૂતકાળમાં જે યુદ્ધ થયા તેમાં પાકિસ્તાને હુમલો કર્યો હતો. આપણે (સરકાર કે આપણી પ્રજા)માં ક્યારેય યુદ્ધ કરવાનું શૌર્ય જ નથી જોવા મળ્યું કેમ કે 'અહિંસા .. અહિંસા' જ ગળથૂથીમાં ઉતારવામાં આવ્યા છે. તમે ઇતિહાસ તરફ નજર નાંખો જેઓએ રંજાડનારને તાકાત બતાવી છે તેઓનું જ વિશ્વમાં ધાક અને પ્રભુત્વ રહ્યું છે. મહમ્મદ ગઝનીએ આપણા પર ૧૭ વખત આક્રમણ કર્યું આપણે એક પણ વખત તેના પર હલ્લો નથી કર્યો. અહિંસા એટલે ચાલી કે સામે અંગ્રેજો હતા હવે તમારા જે દુશ્મનો છે તેની સામે આ રીતે લડત કરી ન શકાયધ

વર્ણ વ્યવસ્થા જવાબદાર

સ્વામી સચ્ચિદાનંદે ભારતની આવી પાણી વગરની કાયર સ્થિતિ માટે વર્ણ વ્યવસ્થાને પણ જવાબદાર ગણાવી છે.તેમણે કહ્યું કે  'આપણા દેશમાં પચીન સમયથી ચાર વર્ણ પૈકી એકલા ક્ષત્રિયોને જ લડવાની ફરજ સોંપાઈ. પરિણામે દેશની ૭૫ ટકા વસ્તીને તો શૌર્ય, યુદ્ધ કળા, શસ્ત્રો ચલાવવાની ફાવટ કે તેવો વારસો જ નથી મળ્યો. દેશ  કે રાજ્ય પર કોઈ પણ આક્રમણ થાય તો ક્ષત્રિય સિવાય કોઈની તેમાં જોડાવવાની ફરજ પણ નહીં અને તેવી બહાદુરી પણ નથી હોતી. દેશમાં છ ટકા વસ્તી માની લો કે ક્ષત્રિયની હોય તો આપણી પ્રતિકારક શક્તિ કેટલી નિમ્ન સંખ્યાની હોય. આ છ ટકામાં પણ ત્રણ ટકા મહિલાઓ હોય. બે ટકા બાળકો અને વયસ્કો હોય તો યુદ્ધ માટે માંડ એક ટકો વસ્તી બચી.'

શીખધર્મીની પ્રસંશા

ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર આતંકીઓએ હુમલો કર્યો તે ઘટના યાદ કરતા સ્વામીજી નીડરતાથી કહે છે કે 'તે હુમલા વખતે મંદિરના સંકુલમાં જે સાધુઓ હતા તેઓ પ્રતિકાર માટે બહાર આવવાની જગ્યાએ તેમના રુમમા સલામત રીતે  દોડી ગયા હતા. આની જગ્યાએ જો આવો હુમલો શીખોના મંદિર પર થયો હોત તો ત્યાં ઉપસ્થિત એક એક શીખ કે ધર્મ ગુરુ કમાન્ડો બનીને વળતો જવાબ આપત. શીખ ધર્મીઓ પૈકી ઘણા તો વૈશ્ય છે તો પણ ક્ષત્રિયો જેવી બહાદુરી બતાવે છે.'

આપણે સૌ શબ્દશુરા

આપણે પણ દેશની રક્ષાની જવાબદારી ગુરખા, મરાઠા, શીખ વગેરે રેજિમેન્ટને  જ સોંપી દીધી હોય તેવું વાતાવરણ છે અને બાકીનું ભારત બેફિકરાઈથી ફરે છે.

ભારતના નાગરિકો  જેહાદીઓ વિરુદ્ધ કે સરકારની ટીકા કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં ઠપકારીને શબ્દશૌર્ય બતાવીને પછીની પોસ્ટમાં  કેરીનો રસ, પૂરી, શાક, ફરસાણની થાળીનો ફોટો મૂકીને લખે છે કે 'વાહ, આવું ભોજન હોય અને બપોરના મસ્તીથી રજાના દિવસે ઊંધી જવાનું હોય તો સ્વર્ગ પ્રાપ્તિની શું જરૂર છે.'

ભારતના દર પાંચમાંથી બે નાગરિકો જે તે દેશની પ્રજાની ખુમારીનો ઇતિહાસ અને ભૂગોળ જાણ્યા વગર આઇ.પી.એલ.માં ધોનીના ભવિષ્ય અંગેની દલીલબાજી પૂરી કર્યા પછી વિષયાંતર લાવતા પોતે જાણે અગ્ર હરોળમાં શસ્ત્ર સાથે ઊભા રહીને યુદ્ધ માટે તૈયાર હોય તેમ કહેતા સાંભળી શકાય છે કે 'આ પાકિસ્તાન પર તો ઇઝરાયેલે પેલેસ્ટાઈન પર હુમલો કર્યો હતો તેમ ભારતે જવાબ આપવો જોઈએ.'

યુદ્ધનો વારસો 

ઇઝરાયેલ જેવા હુમલાની વાત કરતી વખતે  આપણા નાગરિકોને મનમાં તો એવી ખાતરી અને નિશ્ચિંતતા જ હોય ને કે ઇઝરાયેલ જેમ યુદ્ધ કરવું  એટલે આપણે નથી કરવાનું પણ સૈનિકોએ જ આક્રમણ કરવાનું છે. આપણે તો ખાલી 'આપણે' શબ્દ સાથે શરૂ કરીને વાક્ય જ બોલવાનું છે.

ભારતના જે નાગરિકો  સોશિયલ મીડિયા પર પાકિસ્તાન કે મોદી સરકાર માટે બળાપો કાઢે છે તેઓએ તેમની શૂરવીરતા, શારીરિક ફીટનેસ, રાષ્ટ્રપ્રેમ, દેશદાઝ અને કોઈપણ સુવિધા વગર રહી શકવાની ક્ષમતા તરફ જોવું જોઈએ. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, રશિયા, વિયેતનામ, ઇઝરાયેલ કે ટચૂકડા યુક્રેનની સેના જોમ અને જુસ્સા સાથે દુશ્મનો પર ભૂતકાળ કે વર્તમાનમાં યુદ્ધભૂમિ પર તૂટી પડયા છે તેમાં નાગરિકોના શૌર્ય અને સહનશક્તિનું પીઠબળ હોય છે. આ બધા રાષ્ટ્રોની અગાઉની પેઢીઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો કે પછી તેઓએ તેમના. સૈન્યને જુસ્સો આપ્યો હતો કે તમે અમારા જાનમાલની  પરવા ન કરો. અમે મુસીબત વેઠીશું, શહાદત વહોરીશું. જરૂર પડયે સૈનિકનો  યુનિફોર્મ પહેરીને તમારી ઢાલ  બની યુદ્ધભૂમિમાં ઉતરીશું.

આ દેશોના હાલના સંતાનો તેમના બાપ દાદાના શૌર્યની વાતો સાંભળીને મોટા થયા છે.

ફરજિયાત લશ્કરી તાલીમ

આપણે ઇઝરાયેલના સૈનિકો, શસ્ત્ર ટેકનોલજી અને મોસાદ જેવી જાસૂસી એજન્સી જાણે આપણી પોતાની હોય તેમ તેઓની બહાદુરીની વાતો કરીને પોરસાતા હોઈએ છીએ. ઘણા એવી પણ દલીલ કરે છે કે ઈઝરાયેલને તો આધુનિક શસ્ત્રો, મિસાઈલ, ડ્રોન વગેરેમાં અમેરિકાનું પીઠબળ છે. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે શસ્ત્ર આપવાથી કંઈ ન થાય.યુદ્ધ ભૂમિમાં તો તે શસ્ત્રો સાથે આખરે સૈનિકો ફ્રન્ટ પર  જતા હોય છે. આપણને કોઈ તલવાર કે બંદૂક આપે તો પણ કેટલા નાગરિકો  દુશ્મન સામે ઊભા રહેવા જાય.

 ઇઝરાયેલ આવો મિજાજ કેળવી શક્યું તેનું કારણ તેઓ વીરતાને ધર્મ માનીને ઉછેર પામ્યા છે. ઇઝરાયેલ જ નહીં ઘણા દેશોમાં અભ્યાસમાં ડિગ્રી મળવા સુધીમાં બે વર્ષની લશ્કરી તાલીમ ફરજિયાત છે. જો આવી કઠિન તાલીમ લીધી હોય તો જ શૈક્ષણિક ડિગ્રી મંજૂર થાય. ઇઝરાયેલના ઘણા વિધાર્થીઓ હાઈસ્કૂલ બાદ વિદેશમાં  અભ્યાસ કરવા જતા હોય છે. તેઓને માટે લશ્કરી તાલીમ ફરજિયાત નથી તો પણ તેવા વિધાર્થીઓ પણ છે જેઓ ઇઝરાયેલ સરકાર સમક્ષ એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે અમે બે વર્ષની લશ્કરી તાલીમ લઈને વિદેશ અભ્યાસ માટે જઈશું.

ઇઝરાયેલના ઘણા નાગરિકો એવા છે કે જેઓ વિદેશથી તેમના દેશ આવે ત્યારે એરપોર્ટ પર ઉતરતા જ નીચા નમીને  તેમની માતૃભૂમિને રીતસર ચુંબન કરે છે. યહૂદી પ્રજાની ધાર્મિક શ્રદ્ધા પણ આમ કરવા સાથે જોડાયેલી છે.

બન્કરમાં રહેવાની તૈયારી

ઇઝરાયેલ અને યુક્રેન કે યુદ્ધમાં ઉતરેલ કોઈપણ દેશના નાગરિકોની વસાહત પર પણ દુશ્મન દેશ મિસાઈલ કે બોમ્બથી હુમલો કરે ત્યારે નાગરિકોને તેમના જમીનદોસ્ત થયેલ ઘરનો આઘાત અને કોઈ સ્વજનના મૃત્યુનું  દુઃખ ત્યજી અંધારપટ સાથે ઓરડા કે બંકરમાં રહેવાનું આવે  છે. ત્યાં પાણી, પંખા કે ઠંડી હોય તો ધાબળા પણ ન હોય. પણ પરિવારજનોમાં બાળક સિવાય તમામે આવી લશ્કરી તાલીમ લીધી હોય છે અને દુશ્મનને હંફાવી હરાવવાનો છે તે જ ધર્મ હોય છે. નાગરિકોને પણ બંદૂક આપવામાં આવે તો તાલીમ લીધી હોઈ ચલાવી શકે છે. આપણે લાકડી પણ ફેરવી ન શકીએ.પગમાં જ પાણી ભરાઈ જાય. યુક્રેનમાં નાગરિકોને રશિયા સામે લડવા બંદૂક આપવામાં આવતી હતી ત્યારે મહિલાઓ પણ લાંબી હરોળ સાથે  બંદૂક મેળવવા ઊભી હતી.

યુક્રેનમાં યુવા પેઢીએ તેમના વડીલોને પાડોશી દેશમાં મોકલી દીધા હતા અને યુદ્ધમાં ઉતર્યા હતા. જેઓને કમ્પ્યુટરમાં ફાવટ હતી તેઓએ લશ્કરના ટેક્નોલોજી વિભાગમાં અને જેઓ ડોક્ટર કે નર્સ હતા તેઓ સૈનિકોની હોસ્પિટલમાં ફરજ માટે જોડાઈ ગયા હતા.

100 મીટર દોડી શકીએ છીએ?

ભારતમાં પણ સરકારે હાઈસ્કૂલ પછી બે વર્ષ ફરજિયાત સૈન્ય તાલીમ લીધી હશે તો સંઘર્ષ અને પડકાર માટે ભાવિ પેઢી તૈયાર થશે. આજે ભારતના કેટલા યુવાનો ઝડપથી ખભા પર સમાન કે બાળક મૂકીને ૧૦૦ - ૨૦૦ મીટર  દોડી શકે તેવી ક્ષમતા ધરાવે છે. બંદૂક પકડીને પણ દોડી ન શકે.ઇઝરાયેલ, યુક્રેન કે અન્ય દેશોના નાગરિકો કુદરત અને અભાવ સાથે ઉછર્યા છે અને તાલીમ પણ લીધી છે તેને કારણે તેઓના બાવડા અને પગમાં જોમ છે.

પાકિસ્તાન કે ચીન જોડે યુદ્ધ થાય તે માટે આપણા નાગરિકોની સજ્જતા કેટલી? શું આપણે એમ માનીએ છીએ કે સૈનિકો લડતા રહેશે આપણે શું? પણ એવું નથી આપણા શહેર પર પણ મિસાઈલ ફેંકાય જ. ત્યારે આપણી શારીરિક અને માનસિક સજ્જતા હોવી જોઈએ. અને હા.. મોબાઈલ ટાવર પણ ખોરવાઈ ગયા હોઈ આપણને વ્યસનની જેમ જીવાડતી વાણી વિલાસ કરતી પોસ્ટ પણ નહીં મૂકી શકીએ.

ભારતમાં તો આપણે સરકાર વિરુધ્ધ કે દેશના વડાપ્રધાન સામે આવા કપરા કાળમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી શકીએ છીએ પણ ઇઝરાયેલમાં નાગરિકોએ તેમના વડા નેતાન્યાહુ સામે આંતરિક બળવો પોકારેલ તો પણ સરકાર અને સૈન્યનો  જુસ્સો ભાંગી ન પડે તે માટે પેલેસ્ટાઈન સામે યુદ્ધ જાહેર કરતા કોઈએ સ્વયં શિસ્ત સાથે ટીકા કે વિરુદ્ધની પોસ્ટ નહોતી કરી. ચીનમાં તો આવા નાગરિકોને જેલભેગા જ કરી દેવાય. 

રશિયામાં હજુ પણ મોટી સંખ્યામાં નવા પરણેલ દંપતી પરંપરા પ્રમાણે હનીમૂનમાં જતા પહેલા યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના સ્મારકને ફુલ ચઢાવી વંદન કરવા જાય છે.તેઓ સૈનિકોનો મનોમન  આભાર માનતા  કહે છે કે 'તમારા બલિદાનને લીધે આજે અમે આવી ખુશીની પળો મેળવી શક્યા છીએ.'

આપણે વિદ્યાર્થીઓને  મુઘલ ઇતિહાસ ભણાવવા કરતા વિશ્વ યુદ્ધ, વિશ્વના યુદ્ધો, જુદા જુદા દેશની પ્રજાની તાસીરને અભ્યાસક્રમમાં સામેલ કરવાની જરૂર છે. 

- વિવિધા

- ભવેન કચ્છી

Related News

Icon