
- મીડ વીક
- 2017માં અમેરિકાએ અહમદ અલ-શારા ઉર્ફે અબુ અહમદ જોલાની પર 85 કરોડ રુપિયાનું ઇનામ જાહેર કર્યુ હતું.2003માં ખાડી યુધ્ધ દરમિયાન જેહાદી લડાઇ લડવા બદલ અમેરિકાએ 5 વર્ષ જેલમાં પુર્યો હતો. આ પૂર્વ ગ્લોબલ ટેરરિસ્ટ સીરિયાનો રાષ્ટ્રપતિ બનતા ટ્રમ્પે વખાણ કર્યા છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વના દેશોની પ્રથમ મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયાના રિયાધ ખાતે સીરિયાના અંતરિમ રાષ્ટ્રપતિ અહમદ હુસેન અલ-શારાની મુલાકાત લેતા ભારે ચર્ચા જાગી છે.અહમદ હુસેન અલ-શારાનું બીજુ નામ અબુ અહમદ અલ જોલાની પણ છે.અહમદ અલ શારાનો ભૂતકાળ જેહાદી અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદીનો રહયો છે.૨૦૧૭માં અમેરિકાએ અહમદ અલ-શારા ઉર્ફે અબુ અહમદ જોલાની પર ૮૫ કરોડ રુપિયાનું ઇનામ જાહેર કર્યુ હતું.૨૦૦૩માં ઇરાકમાં ખાડી યુધ્ધ દરમિયાન અમેરિકાના દળો સામે જેહાદી લડાઇ લડયો હતો.અમેરિકાએ ઇરાકમાંથી ધરપકડ કરીને ૫ વર્ષ કારાવાસમાં નાખ્યો હતો.એક સમયે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનો પણ ખાસ હતો.આ અહમદ અલ-શારાના ટ્રમ્પે ભરપેટ વખાણ કરીને મહાન યુવાન આકર્ષક વ્યકિત ગણાવ્યો હતો.વિશ્વમાં જાન્યુઆરી ૨૦૦૭થી અત્યાર સુધી ૬૬૦૦૦ થી વધુ આતંકવાદી ઘટનાઓ બની છે.અમેરિકા હંમેશા માનતું રહયું છે કે દુનિયામાં ધર્મના નામે જેહાદી માનસિકતા ધરાવનારી વિચારસરણી માનવતાની દુશ્મન રહી છે.લોકતંત્રની સ્થાપના અને રક્ષણ માટે અમેરિકા અવાજ ઉઠાવવાનો દાવો કરે છે પરંતુ જો કોઇ આતંકવાદી દેશના સર્વોચ્ચ પદ પર પહોંચી જાય તો તેની સાથે હાથ મિલાવવામાં વાંધો જણાતો નથી.
સીરિયામાં સત્તા પરિવર્તન થઇ રહયું હતું ત્યારે જો બાયડેન વિદાય લઇ રહયા હોવાથી નવા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની મધ્યપૂર્વની ખાસ તો સીરિયા નીતિ કેવી રહેશે તેના પર દારોમદાર હતો ત્યારે ટ્રમ્પે સીરિયાના પૂર્વ જેહાદીના નેતૃત્વ સાથે વેપાર કારોબારનો રાગ આલાપ્યો છે.વાઇટ હાઉસ અને સાઉદી અરબ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને અહમદ અલ-શારા હસતા જોવા મળ્યા હતા.
સિરીયામાં ગત નવેમ્બર મહિનામાં અહમદ અલ-શારાએ હયાત તહરીર અલ શામ (એચટીએસ)નામના વિદ્વોહી જુથોનું નેતૃત્વ કરીને માત્ર ૧૧ દિવસમાં ૫૦ વર્ષથી જળોની જેમ શાસન કરનારા અસદ પરિવારના બશર અલ અસદની સરકારને ઉથલાવી હતી.બશર અલ અશદને વર્ષોથી રશિયા અને ઇરાનનું સમર્થન હતું પરંતુ અણીના સમયે બેમાંથી એક પણ દેશની મદદ મળી નહી.૨૦૧૫ના વર્ગ વિગ્રહમાં અમેરિકા અને સાથી પક્ષોને બશર સરકાર ઉથલાવવાની તક મળી ન હતી પરંતુ અહમદ અલ-શારાએ સીરિયામાં એક નવો જ અધ્યાય લખ્યો છે.બશર અલ અસદ શાસનનો અંત રશિયા અને ઇરાનની મધ્યપૂર્વમાંથી પીછેહઠ થઇ છે ત્યારે અમેરિકા સીરિયામાં નવા શાસક સાથે સંબંધો સ્થાપવાની તક ઝડપી લેવા ઉત્સુક છે.પૂર્વ જેહાદી અહમદ અલ-શારા સીરિયાનો રાષ્ટ્રપતિ બની ગયો છે ત્યારે પશ્ચિમી મીડિયા માને છે કે તે હવે પહેલા જેવો નથી રહયો તેનામાં પરિવર્તન આવી ગયું છે.૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ હમા શહેર પર કબ્જો કર્યા પછી પોતાનું અસલી નામ અહમદ અલ શારા હોવાનું જાહેર કર્યુ હતું.સફળ બળવા પછી અહમદ અલ શારાએ દમિશ્કની ૧૩૦૦ વર્ષ જુની પવિત્ર મસ્જિદ ઉમય્યદે પાસેના સંબોધનમાં સીરિયા બધાનું છે અને કોઇની પણ સામે બદલો લેવામાં નહી આવે એવી જાહેરાત કરીને ઉદારમતવાદી ચહેરો રજૂ કર્યો હતો.સીરિયામાં અનેક ધાર્મિક જૂથો અને સમુદાયોની સત્તામાં ભાગીદારીની વાત કરી હતી.
જો કે અહમદ અલ-શારાની આખી જીંદગી જેહાદી લડાઇ લડવામાં ગઇ હોવાથી અલકાયદાનો સંપર્ક છોડયા પછી ખરેખર તેનામાં કેટલું પરિવર્તન આવ્યું છે તે જાણવા મળતું નથી.અહમદ અલ-શારા જન્મ સાઉદી અરબમાં થયો હતો.તે ૭ વર્ષનો હતો ત્યારે પિતા અહમદહુસેન ૧૯૮૯માં પરિવાર સાથે સીરિયા પાછા આવી ગયા હતા.૨૦૦૦ના વર્ષમાં દમિશ્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધું ત્યારે ઇસ્લામવાદી કટ્ટરપંથી વિચારસરણી ધરાવનારા લોકો સાથે સંપર્ક થયો હતો.
આ સમયગાળામાં ઓસામા બિન લાદેનની લીડરશીપમાં આતંકી સંગઠન અલ કાયદા મિડલ ઇસ્ટમાં પગપેસારો કરી રહયું હતું.૨૦૦૩માં અમેરિકા ઇરાક પર હુમલો કરવાનું છે તેવી માહિતી મળતા તે મેડિકલનો અભ્યાસ છોડીને જંગ લડવા ઇરાક જતો રહયો હતો.ઇરાકમાં અલકાયદાના નેતાઓના સંપર્કમાં આવ્યો હતો.ઇરાકમાં યુએસ દળો સામે લડવામાં વર્ષો વિતાવ્યા હતા.૨૦૦૬માં અમેરિકી સેનાએ પકડીને પાંચ વર્ષ જેલમાં પુરી દીધો હતો.પાંચ વર્ષ પછી વર્ષ ૨૦૧૧માં જેલમાંથી છુટયા પછી બગદાદી સાથે મુલાકાત થઇ હતી.સીરિયાની ભૂગોળથી સારી રીતે વાકેફ હોવાથી બગદાદીએ અલકાયદા સંગઠનના વિસ્તાર માટે સીરિયા મોકલ્યો હતો.
અહમદ અલ-શારા ઉર્ફે જોલાનીએ ૨૦૧૧માં સીરિયામાં અલ કાયદાની એક શાખા તરીકે જ જબાત અલ-નૂસરા અથવા તો નુસરા ફ્રન્ટની સ્થાપના કરી હતી.અલ નુસરા ફ્રન્ટનું મુખ્યકામ આત્મઘાતી હુમલાઓ કરીને બશર અલ અસર સરકારની ઉંઘ હરામ કરવાનું હતું.બગદાદીએ પછીથી ૨૦૧૪માં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ)ની રચના કરી હતી.
બગદાદીએ ચેલાને આ સંગઠનમાં જોડાઇ જવાનો આદેશ કર્યો હતો પરંતુ અહમદ અલ-શારાએ ઇન્કાર કરીને સીરિયામાં સ્વતંત્ર સંગઠન હયાત તહરીર અલ શામ (એચટીએસ)ની સ્થાપના કરી હતી.૨૦૧૭માં અહમદ અલ-શારાએ એક વીડિયો બહાર પાડીને પોતાના કટ્ટરપંથી વિદ્રોહી સંગઠનનો એક માત્ર ઉદ્દેશ બશર અલ-અસદ સરકારને ઉથલાવવાનો હોવાનું જાહેર કર્યુ હતું.૨૦૧૬માં સીરિયામાં ગૃહયુદ્ધ બંધ થયું તો પણ અહમદ અલ-શારા એ પોતાના લડવૈયાઓને સંગઠીત કરવાનું ચાલું રાખ્યું હતું.
સીરિયામાં બહારના સ્વાર્થી જેહાદી જૂથો,રશિયા,અમેરિકા અને ઇરાન જેવા દેશો ઘૂસવા માટે બશર સરકારને જવાબદાર ગણતો હતો.૨૦૨૧માં તેણે અમેરિકા અને સાથી દેશો સાથે લડવા નહી ઇચ્છતો હોવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.તેણે દેશી વિદેશી શકિતઓને ટાર્ગેટ બનાવવાના સ્થાને બશર અલ અસદ સરકાર સામે મોરચો માંડયો હતો.રશિયા યુક્રેન યુધ્ધમાં વ્યસ્ત રહયું અને લેબનોનમાં સુપ્રિમ લિડર હસન નસરલ્લાહના મોત પછી હિજબુલ્લાહ સંગઠનના નબળુ જણાતું હતું. આ તકનો ફાયદો ઉઠાવીને સત્તા પરિવર્તન કરીને અમેરિકા માટે હવે વધુ ખાસ બની ગયો છે.
૧૬ મે ના રોજ રિયાધ ખાતે છેલ્લા ૨૫ વર્ષમાં અમેરિકા અને સીરિયા વચ્ચે પ્રથમ બેઠક થઇ હતી જેમાં ટ્રમ્પે નિર્ણાયક તબક્કે સીરિયાની પડખે ઉભા રહેવા પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.સીરિયા પરના વર્ષો જુના આર્થિક પ્રતિબંધો હટાવી લેતા વેપાર કરવાનો માર્ગ મોકળો બન્યો છે.સીરિયામાં રોકાણ કરીને અર્થ વ્યવસ્થાને ટેકો આપવા ઉત્સુક ખાડી દેશોએ પણ અમેરિકી પ્રતિબંધો દુર થતા રાહત અનુભવી છે.
તમામ પ્રકારના અવરોધો દૂર થવાથી સીરિયામાં અબજો ડોલરના રોકાણ માટે માર્ગ ખુલશે.ટ્રમ્પ અને અહમદ અલ-શારાની મુલાકાત ગોઠવવામાં સાઉદી અરબનો મોટો ફાળો હતો.ટ્રમ્પે શ્રેણીબદ્ધ પગલા લેવાનો પ્રસ્તાવ મુકયો જેમાં ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો,વિદેશી અને પેલેસ્ટાઇન આતંકવાદીઓને સીરિયામાંથી હાંકી કાઢવા અને ઇસ્લામિક સ્ટેટના પુનરુથ્થાનને રોકવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે.૧૯૭૯થી અમેરિકાએ સીરિયાને આતંકવાદને પોષતો દેશ જાહેર કર્યો હતો.સીરિયાનું અર્થતંત્ર લાંબા સમય સુધી ચાલેલા આર્થિક પ્રતિબંધોના પગલે અપંગ બની ગયું છે.
સીરિયામાં ગૃહયુધ્ધની શરુઆત થઇ ત્યારે જીડીપી ૬૭૫૩.૯૪ કરોડ ડોલર હતો જે ગૃહયુધ્ધ ખતમ થવાની સાથે માંડ ૭૯૮.૦૧ રહયો હતો.છેલ્લા ૧૩ વર્ષમાં સીરિયાના જીડીપીમાં ૫૮૫૫.૯૩ કરોડ ડોલરનો ઘટાડો થયો છે.વિશ્વબેંકના જણાવ્યા મુજબ ૨૦૨૨ સુધીમાં ગરીબી સીરિયાની ૬૯ ટકા વસ્તી છે. દર ચારમાંથી એક સીરિયન ભૂખમારની સ્થિતિનો સામનો કરી રહયો છે. ફેબુ્રઆરી ૨૦૨૩માં આવેલા વિનાશક ભુકંપ પછી પરિસ્થિતિ વધારે બગડી હતી. ટ્રમ્પ આર્થિક રીતે ખતમ થઇ ગયેલા સીરિયાને પાટે ચડાવવા માટે ઇચ્છે છે પરંતુ સીરિયાના નવા શાસન સાથેના સંબંધોમાં સૌથી મોટો અવરોધ ઇઝરાયેલ પણ છે.શારા સાથે ટ્રમ્પના સારા સંબંધો સ્થાપિત કરવાના પ્રયાસોથી ઇઝરાયેલ નાખૂશ છે.
અસદના પતન પછી પણ ઇઝરાયેલે સીરિયા પર હુમલા ચાલુ રાખ્યા છે.ઇઝરાયલને અશદ શાસનના રેઢા શસ્ત્રો આતંકીઓના હાથમાં ના પડે તેની ચિંતા રહે છે.ઇઝરાયેલ સીરિયા પરના પ્રતિબંધો ઉઠાવી લેવા બાબતે અમેરિકાથી નારાજગી વ્યકત કરી છે.ઇઝરાયેલને ડર છે કે આનાથી ૭ ઓકટોબર ૨૦૨૩ ના રોજ હમાસના નેતૃત્વ હેઠળના હુમલા જેવી ઘટનાઓનું પુનરાવર્તન થઇ શકે છે.ઇઝરાયેલની ચિંતા છતાં અહમદ અલ-શારા જેવા જેહાદી સામે વાંધો ના હોયતો કાલે ઉઠીને પાકિસ્તાનના હાફિઝ સૈયદ સાથે પણ અમેરિકા હાથ મિલાવી શકે એવી પણ ટીકા થવી સ્વભાવિક જ છે.