
- ગુફતેગો
- સાધના કરવાનું કામ આપણું છે. સિદ્ધિ પ્રદાન કરવાનું કામ પરમશક્તિનું છે. આપણને તેની કૃપામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે
ખાલી હાથે જવાનું છે, છતાં માણસ અનીતિનું ધન કમાવા કેમ ધમ્મપછાડા કરે છે ?
પ્રશ્નકર્તા : સુરેશ આર. શાહ, 201 સૌમ્ય ફ્લેટ, ભૈરવનાથ, અમદાવાદ.
માણસ જીવનની વાસ્તવિકતાઓ ભૂલી જાય છે, તેનું મૂળ કારણ છે અજ્ઞાન, આસક્તિ, વિલાસવૃત્તિ અને લોભ તથા મોહ. માણસ ભાગ્યને જંકશન નહીં પણ ફ્લેગ સ્ટેશન બનાવે એ જરૂરી છે. જીવાત્મા સાથે ત્રણ પ્રકારનાં કર્મો જોડાએલાં છે. ૧. પ્રારબ્ધકર્મ, ૨. ક્રિયમાણકર્મ, ૩. સંચિત કર્મ. જિંદગી ઇશ્વરદત્ત વરદાન છે. એની ઇજ્જત રાખવી એ આપણો પ્રથમ ધર્મ છે. એ ધર્મ સત્કર્મો દ્વારા નિભાવી શકાય સાધના કરવાનું કામ આપણું છે. સિધ્ધિ પ્રદાન કરવાનું કામ પરમશક્તિનું છે. આપણને તેની કૃપામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે. ગમે તેટલી સાવધાની રાખો છતાંય મન-વચન-કર્મમાં ક્યાંકને ક્યાંક ઉણપ રહી જવાની. એ ઉણપને માણસ નફિકરો બની પોતાની સિધ્ધિ ગણે છે. દુ:ખોનું કારણ બીજાને ગણે છે. તો પછી સુખી કોણ ?
પોતાનામાં પરિતુષ્ટ રહે, પરધનને સ્પર્શ ન કરે, રાગદ્વૈષથી મુક્ત રહે, એનામાં અવિવેકને સ્થાન નહીં હોય. એ ઇન્દ્રિય સુખોનો દાસ નહીં હોય, ભોગ માટે એ પાપ નહીં કરે, તેનામાં એક પ્રેમાળ દ્રષ્ટિનો ઉદય થયો હશે. માણસ જાતજાતનાં દર્શનો કરે છે, પણ આત્મદર્શન કરી શક્તો નથી. પરિણામે પોતાનાં કાર્યોનું જાતે મૂલ્યાંકન કરી ત્યજવા યોગ્ય દુર્ગુણોને જાકારો આપી શક્તો નથી. જીવન પોતે જ સાધ્ય છે. એને નિર્મળ રાખવાનાં સાધનો પણ માણસના હાથમાં જ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ત્રણ પ્રકારના માણસો વર્ણવાયા છે.
સાત્વિક, રાજસિક અને તામસિક. આને આધારે ત્યાગના પણ ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે.
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે હે અર્જુન શાસ્ત્રવિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરવામાં આવે છે તે સાત્વિક ત્યાગ મનાય છે. જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો અને શુધ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો, બુધ્ધિશાળી અને ખરો ત્યાગી છે. શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે કર્મો ત્યજવાં શક્ય નથી. એટલે કર્મફળનો ત્યાગી જ સાચો ત્યાગી છે.
જ્ઞાનના ત્રણ પ્રકારો છે. જે જ્ઞાનથી માણસ ભિન્ન-ભિન્ન જણાતાં બધાં પ્રાણીઓમાં પરમાત્માનું દર્શન કરે છે એ જ્ઞાન સાત્વિક જ્ઞાન છે. પરંતુ જે જ્ઞાન સકળ પ્રાણીઓમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા રૂપે જુએ તે જ્ઞાનને હે અર્જુન, તું રાજસ જ્ઞાન જાણ એ વાત ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના ગળે ઉતારવા માંગે છે અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ છે. સંપૂર્ણની જેમ આસક્ત રહેનાર છે એટલે કે અવળાજ્ઞાન વડે માણસ એક ક્ષણભંગુર નાશવંત શરીરને. જાણે એ જ સર્વસ્વ છે. એમ માની દેહ અને સ્વજનો પ્રત્યે આસક્ત રહે છે તે ભ્રમમાં પડેલો માણસ છે. એનું પ્રથમ કાર્ય એ ભ્રમને દૂર કરી શુદ્ધિપૂર્ણ સાત્વિક દ્રષ્ટિ વિકસાવવાનું છે.
સંસારમાં પડેલો જીવ સંસારમગ્ન રહી અંતે પોતે ત્યાગીને જવાનું છે એ વાત ભૂલી જાય છે.
આ બાબતમાં સંત કબીરની એક રચના (ભજન) ખૂબ જ પ્રેરક સંદેશો આપે છે કબીર કહે છે હે મનુષ્ય, ભગવાન સિવાય તારું કોઈ નથી.
'હરિ બિન તોરે મોરે મનવા અપના કોઈ નહી'
અજ્ઞાનવશ તું મોટા મહેલો બનાવે છે અને માને છે કે આ મારું છે પણ તે તારું નથી જ નથી. તારું અવસાન થશે ત્યારે,
'છહ માસ તકે રોયે માતા
તેરહ દિન તક ભાઈ રે
જનમ-જનમ કી રોયે પ્રિયા
કર ગયે આસ પરાઈ રે
અપના કોઈ નહીં.'
ઇસ જગમેં હૈ નહીં
કોઈ તેરા,
ના કોઈ સગા-સગાઈ
લોગ કુટુંબી મરઘટકે
સાથી,
પ્રાણ અકેલા જાઈ રે
અપના કોઈ નહીં'
અત્યાર સુધી રાખવાની વાત હતી. મરણ થતાં ક્યારે કાઢવાના છે એ પ્રશ્ન મહત્ત્વનો બની જાય છે. સ્મશાન યાત્રાનું વર્ણન કરતાં કબીર કહે છે
'પાંચ પચીસ ભયે હૈ
બારાતી,
લે ચલ - લે ચલ
હોઈ રે, કહત
કબીરા બૂરો ના
માનો,
યે ગત સબકી
હોઈ રે,
અપના કોઈ નહીં.'
માણસ સાથે કોણ જાય છે, તેનો ધર્મ. પરમાત્માના ઘેર માણસ જશે ત્યારે એ પૂછવામાં નહીં આવે કે કેટલી મૂડી લઇને આવ્યા છો. પણ એ પૂછવામાં આવશે કે સત્કર્મ અને પુણ્યનું કેટલું ભાથું લઇને આવ્યા છો ? શ્રીમદ ભાગવતની વાત માનીએ તો જેનાથી માણસનું પેટ ભરાય એટલું જ ધન તેનું કહેવાય.
ધનથી ભોગવિલાસ સંભવ બને છે. સમાજમા પ્રતિષ્ઠા વધે છે, પોતે પંચમાં પૂછાય એવો દરજ્જો પ્રાપ્ત થાય છે માટે માણસ પરિગ્રહ કે સંચયવૃત્તિનો ઉપાસક બને છે અને અર્થનો દાસ બની જાય છે આમ વિવેકદ્રષ્ટિનો અભાવ અને ઐહિક સુખો મનભરીને માણી લેવાની વૃત્તિ તેને ભવિષ્યની સ્થિતિનો વિચાર કરવા દેતી નથી. પરસેવો પાડયા વગરનું ધન આજે નહીં તો કાલે પણ માણસને બરબાદ કરે જ છે એ વાત માણસે યાદ રાખળી જોઇએ. કબીર કહે છે કે જીવનનો ઉધ્ધાર કરે એ રીતે ધન એકઠું કર, રૂપીઆની પોટલી માથે મૂકીને જતું આ જગતમાં કોઈ જાણ્યું નથી. મહાત્મા ગાંધીના શબ્દોમાં આજના જમાનામાં એવું જોવા મળે છે કે ઘણી વાતો કાયદાની દ્રષ્ટિએ અનુકૂળ હોવા છતાં ન્યાયબુધ્ધિને પ્રતિકૂળ હોય છે. એટલે ન્યાયબુધ્ધિથી ધન કમાવું એ જ યોગ્ય છે.