
- વામાવિશ્વ
- વ્યોમિકા ન્યાય માટે પણ લડનારી મહિલા હતી. લશ્કરમાં તેની કાયમી પસંદગી થઈ. પરંતુ તેના પુરૂષ સૈનિક કાઉન્ટર પાર્ટ જેટલું મહેનતાણું મળતું ન હતું. આથી લશ્કરી કોર્ટમાં આ પદ્ધતિને પડકારી
પરીણિત ભારતીય મહિલા માટે, તેની માંગનાં સિંદૂરનું મહત્વ, વિશેષ હોય છે. તે જ્યારે ભૂસાય ત્યારે, તેની વેદના, એક સ્ત્રી સારી રીતે સમજી શકે છે.
૨૨મી એપ્રિલે આતંકવાદીઓએ ભારતીય પ્રવાસી મહિલાઓનું સિંદૂર છીનવ્યું, તેનો જવાબ ભારતીય એરફોર્સે ઓપરેશન સિંદૂર દ્વારા આપ્યો તેની વિશ્વ સમક્ષ રજૂઆત, ભારતની બે લશ્કરી અને એરફોર્સની મહિલા ઓફિસરે કરી. સિંદૂર ઉજડયાનો જવાબ, સિંદૂર ઓપરેશન દ્વારા અપાયો.
આખા વિશ્વમાં, આ બે ઓફિસરે ભારતીય નારી શક્તિનો પરિચય આપી દીધો કે હમ કીસી સે કમ નહીં. તે બે ઝાબાંઝ ઓફિસર એટલે કર્નલ સોફિયા કુરેશી અને ઇન્ડિયન એરફોર્સમાંથી, વીંગ કમાન્ડર વ્યોમિકાસીંગ.
આજે વાત કરવી છે આ ભારતની બહાદુર બેટી અને નીડર તેમજ બાહોશ એરફોર્સ વીંગ કમાન્ડર વ્યોમિકા સીંગની.
વ્યોમિકાનો જન્મ લખનૌમાં થયો પરંતુ તેનું ભણતર અને ઉછેર તેમજ શિક્ષણ દિલ્હીમાં થયું. શિક્ષક અને નોકરીયાત માતાના મધ્યમ પરિવારમાં જન્મેલી વ્યોમીકા નાનપણથી જ કંઈક જીવનમાં કરશે તેવાં વર્તનનાં ચિન્હો સૂચવતી હતી.
વ્યોમિકાની માતા જણાવે છે કે ''નાનપણથી જ વ્યોમીકાનો આત્મવિશ્વાસ, દ્રઢમનોબળ અને નીડરતા કંઈ જુદા પ્રકારના અને આગવા હતા. એ સિસોટીઓ વગાડતી દાદરા ચડતી, છોકરાઓને રમતમાં હંફાવતી, તેના આ વર્તન અંગે તેઓ જ્યારે ટકોર કરતા તો વ્યોમીકાનો જવાબ રહેતો, 'છોકરાઓને આવું કરવાનું કોઈએ લાઈસન્સ આપ્યું છે ? તો છોકરીઓને કેમ નહીં ?' બે પ્રસંગો જણાવતા તેના માતા કહે છે કે, એકવાર દીલ્હીના બજારમાં લેવા ગયા, જ્યાં કોઈ સ્પર્ધા ચાલતી હતી, જેમાં બે છોકરાઓ સ્પર્ધક હતા, તેમાં વચ્ચે ઝંપલાવીને વ્યોમીકા સ્પર્ધક બની અને છોકરાઓ સામે સ્પર્ધા જીતી.
બીજો પ્રસંગ જણાવતા તેના માતા કહે છે કે, વ્યોમીકાની બેગ, પાડોશીએ બીજા માળના બંધ ઘરની અગાશીમાં નાખી દીધી. તો વ્યોમીકા પાણીના પાઈપ વાટે ચડીને બેગ લઈને પાછી આવી.'' આમ નાનપણથી વ્યોમીકા કંઈક આગવું નીડરતાથી કરવા ટેવાયેલી હતી.
આપણા સમાજની કહેવત છે 'પુત્રના પારણામાંથી' જે સુધારવાનો હવે સમય આવી ગયો છે. 'પુત્ર અને પુત્રીનાં લક્ષણ પારણામાંથી' તેમ લખવું જરૂરી છે.
બસ વ્યોમિકાના આ બહાદુરીનાં લક્ષણો તેના બાળપણના પારણામાંથી જણાઈ આવતા હતા.
વ્યોમિકા છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે શાળામાં, નામના અર્થ અંગેની ચર્ચા ચાલતી હતી.
વ્યોમિકાને નામનો અર્થ પૂછવામાં આવ્યો ત્યારે તેનો જવાબ હતો, 'વ્યોમ' તેના ક્લાસના કોઈ વિદ્યાર્થીએ કહ્યું, 'વ્યોમી-કા એટલે આકાશને આંબનારી'
બસ નાની વ્યોમિકાના મનમાં આ વિચાર ઘર કરી ગયો અને મોટા થઈને હું આકાશમાં કંઈક આગવું કરી બતાવીશ તે વિચારના અંકુર રોપાયા. વ્યોમિકા દસમા ધોરણમાં આવી અને તે એન.સી.સી.માં જોડાઈ. અહીં તેને ભારતની લશ્કરી તાકાત, તેમાં ખાસ કરીને ભારતીય એરફોર્સ વિષે જાણવા મળ્યું. ધોરણ બાર સુધીમાં કેળવાયેલી સમજ સાથે, આકાશમાં ઉડાન ભરવાના અંકુરીત થયેલા સ્વપ્નો વૃક્ષ બન્યા અને વ્યોમીકાએ ઇન્ડીયન એર ફોર્સ (IAF) માં જઈ, પાઈલોટ બની દેશસેવાની ઊડાન ભરવાનું નક્કી કર્યું.
બારમાનું રીઝલ્ટ આવતા, તેણે ન્યુઝ એમ્પ્લોયમેન્ટમાં એરફોર્સની જાહેરાત જોઈ, પરંતુ તેમાં ખાસ નોંધ હતી કે, અપરિણીત યુવાનોએ જ અરજી કરવી. વ્યોમિકા નિરાશ થઈ ગઈ, અને તેણીએ એન્જીનીયરીંગ લેવાનું નક્કી કર્યું. થોડા સમય પૂરતો આઈએએફમાં જઈ ઉડાન ભરવાના તેના સ્વપ્નાની બોનસાઈ થઈ ગઈ.
પરંતુ જે ધ્યેયને સંપૂર્ણ સમર્પિત થઈ પ્રયત્ન કરે છે, તેને તેના સ્વપ્નોનું અવકાશ મળે જ છે.આવું જ વ્યોમિકા સાથે થયું.
એન્જીનીયરીંગનો અભ્યાસ કરતાં તેને માહિતી મળી કે, યુપીએસસીની પરીક્ષા આપી, SSB દ્વારા જો તમારી નિયુક્તિ થાય તો તમે એરફોર્સમાં જોડાઈ શકો છો અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર. વ્યોમિકાએ એ તૈયારી કરવા માંડી અને તેની માતાજીના કહેવા પ્રમાણે, દિલ્હીની આસપાસના ત્રણ સેન્ટરોમાં આવેલા ૭૦૦ કેન્ડીડેટ્સમાંથી એકલી વ્યોમિકાની પસંદગી થઈ.
વ્યોમિકાએ ટ્રેનિંગ લીધી અને ઇન્ડિયા એરફોર્સમાં તે દાખલ થઈ.
શરૂઆતમાં વ્યોમિકા સિંહને સામાન્ય કામો અપાયા પરંતુ તેની કાબેલિયત, ધગશ અને મહેનત, સ્વભાવ જોઈને તેને હેલિકોપ્ટર પાઈલોટ તરીકેની જોબની પસંદગી અપાઈ.
બસ, વ્યોમિકાને તેના સ્વપ્નનું વ્યોમ બન્યું, હવે ઊડાન ભરી તેને નાથવાનું હતું તે નામનો અર્થ સાર્થક કરવાનો હતો. વ્યોમીકા એક પછી એક આયામ ચડતી ગઈ.
વ્યોમિકા સિંહએ ચેતક અને ચિત્તા જેવા હેલિકોપ્ટરો જમ્મુ-કાશ્મીર જેવા વિવાદવાળા રાજ્યની ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ આ હેલિકોપ્ટરો ઊડાડયા. નોર્ધન ઇસ્ટમાં પણ આ જ રીતે અવકાશી ઊડાન ભરી જોતજોતામાં તેણીએ ૨૫૦૦ કલાકોની મુસાફરીનો રેકોર્ડ તોડયો. નાનામોટા રેસ્ક્યુ (બચાવગીરી) કામો તેણે ઘણા કર્યા. અરૂણાચલ પ્રદેશમાં બચાવના કામમાં જબરજસ્ત સફળતા મેળવી. અને તેની આ પ્રગતિ જોતાં, ૨૦૧૯માં વિંગ કમાન્ડર તરીકે એરફોર્સમાં કમિશનમાં પસંદગી પામી. ૨૦૨૧માં ભારતના ૭૫ વર્ષ નિમિત્તે લશ્કરની ત્રણે પાંખની મહિલાઓ ચઢાણ કર્યું, તેમાં પણ વ્યોમિકા સિંહએ હિસ્સો લીધો. વ્યોમિકા ન્યાય માટે પણ લડનારી મહિલા હતી. લશ્કરમાં તેની કાયમી પસંદગી થઈ. પરંતુ તેના પુરૂષ સૈનિક કાઉન્ટર પાર્ટ જેટલું મહેનતાણું મળતું ન હતું. આથી લશ્કરી કોર્ટમાં આ પદ્ધતિને પડકારી તેની તરફેણમાં ચૂકાદો આવ્યો અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને તેના પુરૂષ કાઉન્ટર પાર્ટ વિંગ કમાન્ડર જેટલું જ મહેનતાણું મળવા લાગ્યું.
આટલી ઉજ્જવલને બાહોશ કારકિર્દી રહી અને એટલે જ જ્યારે સાતમીએ દુનિયા સમક્ષ ઓપરેશન સિંદૂર દુનિયા સમક્ષ રજૂ કરવાનું આવ્યું ત્યારે વ્યોમિકા સિંહની કર્નલ સોફિયા કુરેશી સાથે પસંદગી થઈ અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે દુનિયા સમક્ષ સિંદૂર ઓપરેશન વિષે જણાવ્યું અને ભારતની લશ્કરી બેટી આખા વિશ્વમાં તેની ઊંચી ઊડાનથી પ્રચલિત થઈ.
વ્યોમિકા સિંહ સાચા અર્થમાં વ્યોમિકા બની.
૭ મે સવારના સિંદૂર ઓપરેશન પછી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમીકાસંહ એ જે ભારતીય લશ્કરી સિંદૂર ઓપરેશનની કામગીરી બતાવી તેનું તારણ આ પ્રમાણે આવ્યું.
- ભારતીય મહિલાઓનું સિંદૂર હવે ફક્ત શૃંગાર નથી પરંતુ સિંદૂરમાંથી નીકળતી રણચંડી મહિલાઓની શક્તિની જ્વાળાઓ છે, જે દુશ્મનોને જમીન, આકાશ અને સમુદ્રમાં ખતમ કરી શકે છે.
- એક ચપટી સિંદૂરે આતંકવાદના માથા પર વિજયનું તિલક લગાવ્યું.
- સિંદૂરનો લાલ રંગ સમ્માન, બલિદાન અને સંકલ્પ શક્તિની નિશાની છે. જે આતંકવાદીઓ ભૂંસવા પ્રયત્ન કરશે તો મિસાઈલના લાલ ભડકાઓથી તેમને જવાબ સહન કરવો પડશે.
- જેમના પતિ આ આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા, તેઓ પણ આ બદલાથી ખુશ હતા કારણ કે બદલાની તેમની ઇચ્છા પૂરી થઈ છે.
ઊડાન ભરવા ઇચ્છતી અનેક ભારતીય યુવતીઓની પ્રેરણામૂર્તિ વ્યોમીકા એટલું છાતી ઠોકીને કહી જાય છે. ન ઝુકેગા સર હમારા, યે હિન્દુસ્તાન કે ઊડાન કી કસમ.