
- વહેતું જીવન
ડૉ. રવિ શુક્લાનું આખા શહેરમાં ન્યૂરોસર્જન તરીકે નામ હતું. ડિગ્રી મેળવીને દશ વરસમાં તો તેણે સિક્કો જમાવી દીધો હતો. પહેલાં દશ વરસ મેડીકલનાં અભ્યાસમાં સખત મહેનત અને પછી દશ વરસ પ્રેક્ટિસમાં દોડાદોડી અને સેવાનો અભિગમ, એમાં ડૉ. રવિને લગ્ન કરવાના જ રહી ગયા.
ઓપીડીમાં દર્દી તપાસતાં હતા ને તે ચોંકી ગયા, 'અરે અલ્કા તું, અહીં ક્યાંથી?' પોતાની જુની નાનપણની ખાસ મિત્રને સામે જ જોઈ નવાઈ પામી ગયા.
'અરે, રવિ, તું આટલો મોટો ડોક્ટર બની ગયો છે. તારૂ નામ તો મેં સાંભળ્યું જ હતું, પણ મળીને આનંદ થયો.' અલ્કા બોલી.
'અહીં કેમ આવવું પડયું ?' રવિને નવાઈ લાગી.
'મારા પતિ ગિરીશને ત્રણ મહિનાથી તકલીફ હતી. અચાનક ચાલતાં પડી જતા હતા, આંખે દેખાવાનું પણ ઓછું થઇ ગયું હતું, આપણા ગામના ડૉ. ચૌધરી ને શંકા જેવું લાગતા મગજના એમ આર આઈ કરાવવા અહીં અમદાવાદ મોકલ્યા. કાલે જ રીપોર્ટમાં મગજમાં મોટી ગાંઠ આવેલ છે. જે ઓપરેશનથી જ દુર થઇ સારૂ થઇ શકે તેમ છે. આખા ગામમાં બધાએ તારૂ જ નામ દીધું, મને પણ લાગ્યું કે તું મને ઓળખીશ કે નહીં ?' અલ્કાએ રડતાં અવાજે સઘળી વિગત જણાવી.
'તને તો ભુલાય જ કઈ રીતે?' કહેતા રવિ ભુતકાળમાં ખોવાઈ ગયો.
બાવળા તાલુકાના ગાંગડ ગામના ભુદેવ હરિહર શુક્લાનો એકમાત્ર દીકરો રવિ દેખાવે અને ભણવામાં હોશિયાર હતો. તેનો ક્લાસમાં હંમેશા પહેલો નંબર જ આવે. હરિહર શુક્લા ફક્ત લોકોને ઘરે યજમાનપણું કરીને જે મળે તેનાથી ઘર ચલાવતા. રવિને ભણવાની ફીના પૈસાના પણ ફાંફાં હતા. સામેના જ મોટા બંગલામાં સિત્તેર વીઘા જમીનના માલિક અંબાલાલ પટેલને ઘરે પૈસાની રેલમછેલ હતી. સારી ખેતી, દુધાળા ઢોરની આવક, આ ઉપરાંત વ્યાજ-વટાવનાં ધંધામાં પણ કમાણી સારી હતી. તેની એકની એક પુત્રી અલ્કા દેખાવે સુંદર અને ભણવામાં પણ હોશિયાર.
દશમાં ધોરણથી જ રવિ અને અલ્કાને એકબીજાથી ખેંચાણ થવા લાગ્યું. બારમાં ધોરણમાં આવતા જ બંનેના પ્રેમની ખબર અંબાલાલ પટેલને પડી ગઈ. તેણે અલ્કાને ધમકાવી, 'પેલા ગરીબ બામણના છોકરાને ભુલી જા.' એના ઘરમાં ખાવાના ય સાંસા છે, વળી આપણે પટેલ અને તે બ્રાહ્મણ. આપણો મેળ ન પડે.
મહિનામાં જ તેમણે બાજુના ગામના સરપંચના પુત્ર ગિરીશ જોડે તેના લગ્ન ગોઠવી દીધા. અલ્કાનું ભણવાનું રખડી પડયું. તે પોતાના સંસારમાં ગોઠવાઈ ગઈ.
રવિને તો સરકારી સ્કોલરશીપ મળતાં મેડીકલમાં ડોક્ટર બની આગળ ભણી ન્યુરો સર્જન બની ગયો. તે મનથી ક્યારેય અલ્કાને ભૂલી શક્યો નહીં. ડોકટર થતાં જ તેના બાપાએ બે ત્રણ બ્રાહમણ કન્યાઓ બતાવી પણ રવિના મનમાંથી અલ્કા નીકળી જ ના શકી. દરેક વખતે તે ના, ના, કરતો જ રહ્યો. ખાતા, ઊંઘતા અને સપનામાં તેને અલ્કા જ દેખાતી હતી. તેના જીવનનો પહેલો પ્રેમ તે ભૂલી જ ના શક્યો. આમને આમ તે ચાલીસ વરસનો થઇ ગયો, પણ લગ્નનો મેળ ના પડયો. સમયાંતરે માબાપનાં મોત થતાં તે જીવનમાં એકલો પડી ગયો.
અચાનક સામે અલ્કાને જોતાં તે આનંદથી ઉછળી પડયો. અલ્કા સામેથી તેને ઓપરેશન કરવા વિનંતી કરી રહી હતી. આનાથી ઉત્તમ મોકો શું કોઈ શકે?
ઓપરેશનનાં બે દિવસ પહેલા તે રાઉન્ડ લેવા જતો હતો, ને અંદરની વાત સાંભળતા તે ચોંકી ગયો, 'અલ્કા, તારા વરનું ઓપરેશન આ ડોકટરના હાથે ન કરાવાય. તારા લગ્ન મેં તેની ઈચ્છા વિરુધ્ધ ગિરીશકુમાર જોડે કરાવેલ, તેનો બદલો વાળશે તો?' અંબાલાલ પોતાની દિકરીને સમજાવી રહયા હતા.
'ના, પપ્પા, અમારો પ્રેમ સાચો હતો, રવિ આવું કરે જ નહીં, તે હજી પણ મને એટલો જ પ્રેમ કરે છે.' અલ્કા મક્કમ હતી. 'હું ઓપરેશન તો રવિના હાથે જ કરાવીશ.'
આ સાંભળી રવિ આનંદમાં આવી ગયો, 'વાહ! મારી જૂની પ્રેમિકાને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે.'
રાત્રે સુતા તેના દુરાચારી મને વિચાર્યું, આ સારો મોકો છે, ઓપરેશનમાં તેના વરનું ઢીમ ઢાળી દઉં, પછીતો અલ્કા મારી જોડે આવશે જ ને, ક્યાં જવાની છે!
તરત તેના સદાચારી મને લપડાક મારી, ગાંડા, તારા ઉપર સંપુર્ણ વિશ્વાસ રાખી તારી પ્રેમિકા, તેના વરનું ઓપરેશન કરાવી રહી છે,
અને તું આવું નીચ વિચારે છે. ડોકટરનો ધર્મ તો દર્દીનો જીવ બચાવવાનો છે, નહીં કે તેનું અહિત કરવાનો. અને તેણે મક્કમ મને ઓપરેશનની સફળતા માટે તૈયારી ચાલુ કરી. તેને એક જ ચિંતા હતી કે અલ્કાનાં પતિને બચાવવો કઈ રીતે?
દિવસ રાત તેણે તમામ ઉપલબ્ધ મટીરીયલનો ગુગલમાથી અને પુસ્તકોમાંથી અભ્યાસ કરી ગિરીશના ટયુમરને કાઢવાનો રેફેરન્સીસ ક્વેરી અને સોલ્યુશનો વિચારતો ગયો, બે દિવસ ખાવાનું અને ઊંઘવાનું ભુલાઈ ગયું. બસ મનમાં એક જ વિચાર કે ગિરીશનું ઓપેરેશન સફળ થવું જ જોઈએ.
ઓપરેશનના દિવસે નબળાઈથી તેને ચક્કર આવી રહયા હતા. બહાર તેણે અલ્કાને હૈયાધારણ આપી.
'અલ્કા, હું કોઈ પણ ભોગે ગિરીશને આંચ નહીં આવવા દઉં. જરાપણ ડર રાખીશ નહીં.'
અલ્કાને તો પોતાના જુના પ્રેમી રવિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો.
ઓપરેશન ચાલુ થયું. ટયુમર અંદર ઉડાણમાં ફેલાયેલું હતું. રવિ ખુબ જ ચીવટથી કોઈપણ નર્વને નુકશાન ન થાય તે રીતે ટયુમર કાઢતો રહ્યો. ઓપરેશન થીયેટરનો સ્ટાફ અને સિસ્ટર જોઈ રહયા. આજ રવિની ચોકસાઈ અને ચીવટ અજબ હતી. રવિ પણ ઉત્તેજિત હોવાથી અને ઊંઘ અને ખોરાક વગરનો હોવાથી ધુ્રજી રહ્યો હતો. આજુબાજુના બ્રેઈન મટીરીયલને જરાપણ નુકશાન ન થાય તેમ ટયુમર કાઢી રહ્યો હતો.
બહાર અલ્કાના માતાપિતા અને સાસુ સસરા ચિંતામાં આમતેમ આંટા મારી રહયા હતાં. પાંચ કલાક થઇ જતાં અંબાલાલ ચિંતામાં બોલ્યા, 'આ રવિથી ઓપરેશન સફળ તો થશે ને!'
'હા, હા, પપ્પા મને રવિ ઉપર સંપુર્ણ વિશ્વાસ છે.' અલ્કા બોલી.
ઓપરેશન સફળ થતાં છેલ્લાં ટાંકા લેતા રવિ ઉત્તેજિત થઇ ઉછળી પડયો ગાઉન અને ગ્લોવ્સ કાઢી સારા સમાચાર આપવાની ઉતાવળમાં, લીસી ફર્શ ઉપર લપસી પડયો. લપસતાં તે સામેના ટેબલ પર જોરથી અથડાઈને પડયો. માથામાં ટેબલની ધાર ઘુસી જતા અંદર હેમરેજ થઇ ગયું, અને તે પડયો.
બેભાન ડૉ.રવિને સ્ટ્રેચર પર લઇ જતા સિસ્ટરે અલ્કાને કહયું 'તમારા પતિ બચી ગયા છે, પણ ડૉ. રવિ પડી જતા બેભાન બની ગયા છે.' સઘળી હકીકત સાંભળી બધાના મુખમાંથી હાયકારો નીકળી ગયો.
ત્રણ કલાકે ભાનમાં આવેલ રવિના જમણા અંગમાં લકવો પડી ગયો હતો. અલ્કા તેના સગા સાથે મળવા આવી ત્યારે ફક્ત એટલું જ ફફડતાં હોઠથી બોલ્યાં, 'મેં તારા પતિને બચાવી લીધો છે.' સાચી વાત જાણી, અલ્કા અને તેના માતાપિતા, તથા સાસુ-સસરાની આંખો ભીની થઇ ગઈ. પ્રેમની પરીક્ષામાં રવિ પાસ થઇ ગયો હતો.
લાસ્ટ સ્ટ્રોક
પોતાની ઉપર સંપૂર્ણ વિશ્વાસ મુકનાર માણસનો ભરોસો કોઈપણ ભોગે તોડવો નહિ.
- ડૉ. હર્ષદ કામદાર