Home / GSTV શતરંગ : The Saptapadi system will crash

GSTV શતરંગ / સપ્તપદીની સિસ્ટમ ક્રેશ થઈ જશે

GSTV શતરંગ / સપ્તપદીની સિસ્ટમ ક્રેશ થઈ જશે

- ઝાકળઝંઝા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- 'ગમે ત્યારે લાગણીઓની ફાઈલો અપલોડ થાય છે અને ગમે ત્યારે ડાઉનલોડ થાય છે. વાતોમાં વાઈરસ આવી જાય છે અને વ્હાલનું વાઈફાઈ તો લગભગ આઉટ-ઓફ -નેટવર્ક જ હોય છે...'

'ભગીરથ, જલદી કરજે. આજે તેં બહુ મોડું કર્યું છે ઓફિસથી ઘરે આવવામાં. હું રાહ જોઈને થાકી ગઈ. તું ખરેખર કોર્પોરેટ સેક્ટરમાં છે કે પછી બીજું કંઈ છે? એક તરફ તું કહે છે કે, તને ખાવાનો પણ સમય નથી હોતો અને બીજી તરફ તારો ફોન સતત બિઝી આવે છે. તું કરતો શું હોય છે?'  ભગીરથે ઘરમાં પગ મૂકતાં જ નિવેદિતાએ પૂછવાનું શરૂ કરી દીધું.

'નિવેદિતા, તું થોડો શ્વાસ લે અને મને પણ શ્વાસ લેવા દે. મારે બહુ કામ છે, હું તારી જેમ ચાર-પાંચ કલાક કામ કરીને ઘરે નથી આવી જતો. મારી પાસે મલ્ટિપલ પ્રોજેક્ટ્સ છે,'  ભગીરથે સપાટ શબ્દોમાં કહી દીધું અને સીધો જ બેડરૂમમાં જતો રહ્યો. નિવેદિતાએ આવા જવાબની અપેક્ષા જ નહોતી. તે કશું જ બોલી નહીં.

ભગીરથ લગભગ પોણા કલાકે રૂમમાંથી બહાર આવ્યો. નિવેદિતાએ એક-બે વખત બૂમ મારી પણ ભગીરથે કોઈ જવાબ આપ્યો નહોતો. ભગીરથ નિયમ પ્રમાણે ટીવી ચાલુ કરીને ડાઈનિંગ ટેબલે ગોઠવાઈ ગયો. બંને વચ્ચે બહુ જ ઔપચારિક અને ટૂંકી વાત થઈ ના થઈ અને ડિનર પતાવીને ભગીરથ રૂમમાં જતો રહ્યો. નિવેદિતા બધું આટોપીને રૂમમાં ગઈ ત્યારે તો ભગીરથ ઘોરતો હતો.

છેલ્લાં છ મહિનાથી ભગીરથ અને નિવેદિતાના જીવનનો આ નિત્યક્રમ થઈ ગયો હતો. લગ્નને દાયકો વીતી ગયો હતો અને હવે દાંપત્યની ઉષ્મા કદાચ ગાયબ થઈ રહી હતી. બંનેએ જવાબદારી નહીં ઉઠાવવાના નામે સંતાન રાખ્યું નહોતું. હવે તેમને સંતાન કરવાની ઈચ્છા પણ નહોતી. ક્યારેક બંનેમાંથી કોઈનાં માતા-પિતા થોડા દિવસ આવી જતાં અને ઘરમાં વસતી દેખાતી. વીકેન્ડમાં ક્યારેક મિત્રો પાર્ટી કરવા આવતા, બાકી તો હુતો અને હુતી જ હતાં. 

કશ્યપ અને સુરભી બે સ્વજન જેવાં હતાં, જે પુણેમાં આ બંનેની સાથે સમય પસાર કરતા. કશ્યપ અને ભગીરથ સાથે જ ભણવા નડીયાદથી નીકળ્યા હતા અને આઈટી એન્જિનિયર થઈને પુણેમાં સેટલ થયા હતા. સુરભી મૂળ મહેસાણાની હતી પણ અમદાવાદી નિવેદિતા સાથે તેને ઘરોબો કેળવાઈ ગયો હતો. બોલીને તફાવત હવે રહ્યો નહોતો, કારણ કે એક દાયકા કરતા વધારે સમયથી તેઓ પુણેમાં રહેતા હતા. કશ્યપ અને સુરભીને પણ સંતાન હતાં નહીં, ઈન ફેક્ટ, થાય એમ જ નહોતાં. બંનેને સંતાન દત્તક લેવાની ઈચ્છા નહોતી. તેના કારણે ચારેય સરખેસરખા ભેગા થયાં હતાં. એક સાંજે સુરભી ઓફિસથી વહેલી નીકળીને મળવા આવી. 

'નિવેદિતા, આજે જમવાનો અને રાત્રે અહીં જ રોકાવાનો વિચાર છે. કશ્યપ ત્રણ દિવસ માટે બેંગ્લોર ગયો છે. ખબર નહીં કેમ પણ આ વખતે એકલા રહેવાનો કંટાળો આવે છે,'  સુરભીએ સોફા ઉપર પગ લાંબા કરીને બેસતા કહ્યું. 

'તારે ક્યાં ખુલાસા આપવાના છે? અહીં રહેવાનો તારો અધિકાર છે. બેસ, ચા બનાવું છું તો બંને સાથે જ પીએ,' નિવેદિતાએ રસોડામાંથી જ જવાબ આપ્યો. 

થોડી વારમાં નિવેદિતા ચા બનાવીને લાવી અને બંનેએ ચા-નાસ્તાને ન્યાય આપ્યો. નિવેદિતા એક ટ્રસ્ટની સ્કૂલમાં એજ્યુકેશનલ કાઉન્સેલર તરીકે કામ કરતી હતી અને સુરભી એક આઈટી કંપનીમાં જ એચઆરમાં જોબ કરતી હતી. બંનેની પ્રોફાઈલ સાવ અલગ છતાં મનમેળ ઘણો હતો.

બંનેએ થોડીવાર પોતપોતાના ઘર,પરિવાર,સંસાર,નોકરી,આડોશપડોશની વાતો કરી. ત્યાં સુધીમાં સાડા સાત થઈ ગયા. બંનેએ રસોઈની તૈયારીઓ શરૂ કરી અને નિવેદિતાએ નિયમ પ્રમાણે ભગીરથને ફોન લગાવ્યો. ભગીરથનો ફોન બિઝી આવતો હતો. અડધો કલાકના પ્રયાસ પછી ભગીરથનો ફોન લાગ્યો. નિવેદિતાએ સુરભી આવ્યાની વાત કરી અને ઘેર આવતી વખતે ડેઝર્ટ લઈને આવવા કહ્યું.

ભગીરથ નિયમ પ્રમાણે ઘરે આવી ગયો અને ફોન ઉપર વાત કરતો કરતો જ ઘરમાં ઘુસ્યો. ઘરમાં આવીને પણ બેડરૂમમાં જતો રહ્યો. લગભગ એક કલાક પછી બહાર આવ્યો. બંને સ્ત્રીઓ તેની ડિનર માટે કાગડોળે રાહ જોઈ રહી હતી. આખરે સાડા નવ વાગ્યે ડિનર થયું. 

'તમે બંને બેડરૂમમાં સુઈ જજો, આજે હું સોફા ઉપર આરામ કરીશ. મારે ટીવી જોતા જોતા ઊંઘવાની જૂની આદત છે,' ભગીરથે કહ્યું.

'ના, તમે બંને બેડરૂમમાં સુઈ જાઓ, હું મહેમાન છું, હું સોફામાં બહાર સુઈ જઈશ,' સુરભી બોલી.

'ના, ભગીરથ તમે અંદર સુઈ જાઓ. હું અને સુરભી બહાર ઊંઘી જઈશું. અમારે વાતો કરવી છે અને ટીવી પણ જોવું છે,' નિવેદિતાએ કહ્યું અને સુરભી પણ માની ગઈ. ભગીરથ માત્ર માથું ધુણાવીને રૂમમાં જતો રહ્યો. થોડીવાર પછી બહેનપણીઓ સોફા પાસે ગાદલા પાથરીને ગોઠવાઈ. લગભગ અડધી રાત થઈ ત્યાં સુધી જાતભાતના વિષયોની વાતો ચાલી. વાતવાતમાં લગ્નેતરની વાત આવી અને નિવેદિતા થોડી ઢીલી થઈ ગઈ. સુરભી વાત પામી ગઈ પણ તે કશું સીધું બોલી નહીં.

'નિવેદિતા, કશ્યપનો એક મિત્ર છે, જે લગ્નેતરમાં સેટ છે. તેની પત્નીને કેવી રીતે સમજાવવી અથવા તો તેમનાં લગ્ન કેવી રીતે બચાવવા તે સમજાતું નથી. કાઉન્સેલર તરીકે તું શું સલાહ આપે તેમને?' સુરભીએ સવાલ કર્યો. એ જ વખતે ભગીરથ પાણી પીવા માટે બેડરૂમમાંથી ધીમે રહીને બહાર આવ્યો. તેના કાને વાતચીત પડી. તે દીવાલની આડશે વાત સાંભળવા ઊભો રહી ગયો.

'ભગીરથ અને માધુરી વચ્ચે લગ્નેતર સંબંધ છે તેની વાત તને પણ ખબર છે. મને હતું કે કદાચ મિત્ર તરીકે કશ્યપને જ ખબર હશે,પણ કશ્યપે તને પણ કહ્યું છે, તે સારું કહેવાય.' નિવેદિતાની વાત સાંભળીને સુરભી અને ભગીરથ બંનેને આંચકો લાગ્યો.

'સુરભી, યાર, વાત એવી છે કે, આ આઈટીના માણસો જોડે રહી રહીને હવે જિંદગી પણ એક કમ્પ્યૂટર જેવી થઈ ગઈ છે. ગમે ત્યારે લાગણીઓની ફાઈલો અપલોડ થાય છે અને ગમે ત્યારે ડાઉનલોડ થાય છે. વાતોમાં વાઈરસ આવી જાય છે અને વ્હાલનું વાઈફાઈ તો લગભગ આઉટ ઓફ નેટવર્ક જ હોય છે.'

એણે ઉમેર્યું, 'તને મજાની વાત ખબર છે? ભગીરથ અને મારા ફોનમાં અમારા બંનેની ફિંગરપ્રિન્ટ સેટ કરેલી છે પાસવર્ડ માટે. લગભગ ચાર મહિના પહેલા કામ હતું તો મેં ભગીરથનો ફોન હાથમાં લીધો તો મારી ફિંગરપ્રિન્ટ કામ કરતી નહોતી. પહેલાં મને ફોનમાં ખોટ હોવાનું લાગ્યું પણ જેમ જેમ ભગીરથના વાણી અને વર્તન બદલાવા લાગ્યા ત્યારે સમજાયું કે, ટ્રોજન પ્રવેશી ગયો છે. ભગીરથ દરરોજ ઘરે આવીને પણ કલાક કલાક સુધી કંપનીના બેટરમેન્ટ માટે મલ્ટિપલ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે, ક્લાયન્ટ્સ સાથે વાતો કરે છે. જે વ્યક્તિને કામ કરવામાંથી નવરાશ ન મળતી હોય તેનો કલાકો સુધી ફોન વ્યસ્ત આવતો હોય તે કેવી રીતે માની શકાય? તમે ક્લાયન્ટના નામે નંબર સેવ કરો, તેની સાથે વાતો કરો ત્યાં સુધી બરોબર છે પણ ક્યારેક ક્લાયન્ટ મેસેજ કરી દે કે આજે તારું ફેવરિટ દમ આલુનું શાક લેતો આવું? તારે બ્લૂ શર્ટ નહીં પહેરવાનો, તને બરાબર નથી લાગતો. તારું શું કહેવું છે, કશ્યપને તેનો ક્લાયન્ટ આવા મેસેજ કરતો હશે? કશ્યપને તો દાળઢોકળી વધારે ભાવે છે, તેનો ક્લાયન્ટ બિચારો કેવી રીતે બનાવે નહીં?' નિવેદિતા આટલું બોલીને હસી પડી. સુરભીએ હળવેકથી તેના ખભે હાથ મુક્યો અને નિવેદિતાનો ચહેરો રડમસ થઈ ગયો.

'તને ખબર છે, ભગીરથ છેલ્લા છ મહિનાથી આ ક્લાયન્ટ સાથે વાતો કરે છે અને સવારે જાગીને બધું જ ડિલીટ કરી નાખે છે. તે પોતાની ભુલો ડિલીટ કરે છે અને હું મારી લાગણીઓ ડિલીટ કરું છું. મેં પ્રયાસ ચાલુ રાખ્યા છે કે, આશાવાદનું એન્ટિવાઈરસ કામ લાગશે ત્યાં સુધી અમારું સંસારનું સોફ્ટવેર કામ કરશે. જે દિવસે વ્યથાનો વાઈરસ વકરશે તે દિવસે આ સપ્તપદીની સિસ્ટમ ક્રેશ થઈ જશે. જીવનના ફોલ્ડરમાંથી આ કરપ્ટેડ ફાઈલને શિફ્ટ-ડિલીટ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં વધે,'  નિવેદિતાએ કહ્યું. સહેજ ત્રાંસી નજરે રસોડાની ઓથે ઊભેલા ભગીરથને ખબર પડી ગઈ કે નિવેદિતા તેને જોઈ ગઈ છે...

-  રવિ ઈલા ભટ્ટ

Related News

Icon