
- નવી લઘુનવલ
- ...અને જમણા ગાલ પર હોઠના ખૂણા પાસે પેલું તલ! આ પાગલખાનામાં લગભગ અકુદરતી લાગે એટલી સુંદર સ્ત્રીને કેમ નોકરીએ રાખી છે આ લોકોએ?
- બારીમાં વન-વે ગ્લાસ નથી, પારદર્શક કાચ છે, અને આ ટીપાં નથી, વરસાદની આંખો છે જે મારી એકેએક હિલચાલ પર નજર રાખી રહી છે!
અ નિકેત ફાટી આંખે ઊભો હતો. સામે દરવાજા પાસે શિલ્પા જોશી ઊભી હતી. અનિકેતની અણધારી પ્રતિક્રિયા જોઈને એ સહમી ગઈ હતી.
સુપ્રિન્ટેન્ડન્ટ નજીક આવ્યા. અનિકેતના ખભે હાથ મૂકી કહ્યું, 'તમારી તબિયત ખરેખર બગડી લાગે છે. ચાલો, આપણે-'
'હં?' જાણે કોઈ ભયાનક સપનામાં બહાર આવ્યો હોય તેમ અનિકેત ઝબકી ગયો. 'નો નો, આઇ એમ ઓલરાઇટ...'
'આર યુ શ્યોર?' સુપ્રિન્ડેન્ટન્ટના અવાજમાં સહેજ ચિંતા ઉતરી આવી, 'જો તમારી તબિયત ઠીક ન હોય તો આપણે પછી આવીશું. કાનજી ક્યાંય નાસી જવાનો નથી. તમે આજે આરામ કરો.'
'એવી કશી જરૂર નથી, સર. થેન્ક્સ ફોર યોર કન્સર્ન...' પછી શિલ્પા સામે જોઈને અનિકેતે સ્મિત કરવાની કોશિશ કરી, 'હેલો, શિલ્પાજી. સોરી, આપણી ઇન્ટ્રોડક્શન અધૂરી રહી ગઈ.'
સુપ્રિન્ટેન્ડન્ટે તરત તંતુ સાંધ્યો, 'શિલ્પા, આ અનિકેત મહેતા છે - અવોર્ડ વિનિંગ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર.'
'એ તો હું સમજી ગઈ. તમે છેલ્લી મીટિંગમાં વાત કરી હતી કે અનિકેત મહેતા આપણે ત્યાં શૂટિંગ કરવા આવવાના છે.' શિલ્પાના અવાજમાં મીઠાશ અને ખારાશનું અજબ સંયોજન હતું.
'એક્ઝેટ્લી.'
શિલ્પા હજુ અનિકેતને વિચિત્ર નજરે તાકી રહી હતી. અનિકેતને લાગ્યું કે પૂરેપૂરા સહજ બનતાં પોતાને થોડી ક્ષણો લાગશે. એ શિલ્પાની આંખોમાં આંખ પરોવવાનું ટાળતો રહ્યો. જોકે એ એટલું જરૂર નોંધી શક્યો કે શિલ્પા જોશી પાંત્રીસેક વર્ષની આકર્ષક સ્ત્રી છે. એણે પહરેલાં સલવાર-કમીઝ સાદાં છે, પણ એને ખૂબ શોભે છે. છુટ્ટા, સરસ રીતે કપાયેલા વાળ. ખાસ ગોરો નહીં, પણ અતિશય નમણો ચહેરો... અને ખાસ તો એના જમણા ગાલ પર હોઠના ખૂણા પાસે પેલું તલ! આ પાગલખાનામાં લગભગ અકુદરતી લાગે એટલી સુંદર સ્ત્રીને કેમ નોકરીએ રાખી છે આ લોકોએ?
સુપ્રિન્ટેન્ડન્ટે શિલ્પાનો પરિચય ટીમના અન્ય સભ્યો સાથે પણ કરાવ્યો. પછી કહ્યું, 'અનિકેત, તમારે કાનજીનું શૂટિંગ કરવું હોય, ઇન્ટરવ્યુ લેવો હોય કે કંઈ પણ... તમારે શિલ્પાનો સંપર્ક કરવાનો રહેશે. મારી સાથે કો-ઓર્ડિનેટ કરીને એ બધું પ્લાનિંગ કરી આપશે.'
'સર, અત્યારે કાનજીને મળવું શક્ય છે આઇ મીન... ઔપચારિકપણે?' અનિકેતેપૂછયું.
સુપ્રિન્ટેન્ડન્ટે શિલ્પા સામે જોયું. શિલ્પાએ એક પળ વિચારી લીધું. પછી બોલી, 'શક્ય તો છે. કાનજીને હજુ સિડેટિવ્ઝ આપી નથી એટલે એ અત્યારે જાગતો તો હશે જ.'
'ગુડ. તમે તૈયારી કરો.'
'ઓકે સર' કહીને શિલ્પા અંદર જતી રહી. સુપ્રિન્ટેન્ડન્ટ પુસ્તકોના કબાટ પાસે ઊભા રહી ગયા. અનિકેત પોતાની ટીમ પાસે ગયો.
'મને એક વિચાર આવે છે...' એણે કહ્યું, 'આપણે કાનજીનું શૂટિંગ અત્યારથી જ શરૂ કરી દેવું જોઈએ.'
'પણ સર, કેમેરા ક્યાં છે? આપણે તો અત્યારે ફક્ત કેમ્પસ જોવા નીકળ્યા હતા...' ચતુર્વેદીએ કહ્યું. એ સિનેમેટોગ્રાફર હતો.
'રૂમ પર જઈને કેમેરા લાવતા કેટલી વાર? અત્યારે કોઈ તામજામની જરૂર નથી. અવેલેબલ લાઇટમાં એક જ કેમેરાથી શૂટ કરીશું. જાઓ, ફટાફટ જઈને લેતા આવો...'
ચતુર્વેદી નીકળ્યો. ખુરાના પણ એની સાથે ગયો. અનિકેતે સુપ્રિન્ટેન્ડન્ટ પાસે જઈને કહ્યું, 'સર, હું અત્યારે થોડું શૂટિંગ પણ કરવા માગું છું.'
'પણ તમે તો કાનજીને ઔપચારિકપણે મળવા માગતા હતા...' સુપ્રિન્ટેન્ડન્ટના કપાળમાં એક સળ ઉપસી આવી,
'હા, પણ પછી મને લાગ્યું કે કાનજી સાથેની પહેલી મુલાકાતનું ફૂટેજ પણ અમારી પાસે હોવું જોઈએ. ફાઇનલ વર્ઝનમાં એમાંથી કેટલું વપરાશે, યા તો વપરાશે કે કેમ એની અત્યારે મને ખબર નથી, પણ કાનજીનું જેટલું વધારે ફૂટેજ અમારી પાસે હશે, એડિટરને વિઝયુઅલ્સ સાથે રમવાની એટલી વધારે મોકળાશ મળશે. આઇ હોપ ધેટ્સ ઓકે વિથ યુ.'
સુપ્રિન્ટેન્ડન્ટ સહેજ નારાજ થઈ ગયા. 'શૂટિંગ ને એ બધું પહેલેથી વ્યવસ્થિત રીતે પ્લાન થવું જોઈએ. તમે આમ અચાનક નક્કી નહીં કરી શકો. કાનજી કેટલો ડેન્જરસ અને અનપ્રેડિક્ટેબલ છે એનો તમને અનુભવ નથી. '
'યુ આર રાઇટ, સર. આઇ એમ સોરી.'
'ચાલો, ઠીક છે. તમે કરો શૂટિંગ. હું શિલ્પાને વાત કરું છું.'
દસેક મિનિટમાં ચતુર્વેદી અને ખુરાના કેમેરા લઈને આવી ગયા. થોડીવાર પછી શિલ્પા બહાર આવી, 'તમે રેડી છો, સર?'
'બિલકુલ. તમે અંદર બોલાવો એટલી વાર,' અનિકેતે કહ્યું.
શિલ્પાએ આખી ટીમને ઉદ્દેશીને કહ્યું, 'હું તમને બધું સમજાવી દઉં. અંદર બે ભાગ છે. એક છે, આઇસોલેશન રૂમ, જેમાં કાનજીને રાખવામાં આવ્યો છે, અને બીજો છે ઓબ્ઝર્વેશન રૂમ. બન્ને રૂમ વચ્ચે કાચનું મોટું પાર્ટિશન છે. કાચની દીવાલ જેવું. એ વન-વે ગ્લાસ છે, એટલે ઓબ્ઝર્વેશન રૂમમાંથી કાનજી શું કરી રહ્યો છે તે બધું જોઈ શકાય છે, પણ કાનજી ઓબ્ઝર્વેશન રૂમમાં શું ચાલી રહ્યું છે તે જોઈ ન શકે. તમારે ઓબ્ઝર્વેશન રૂમમાં તમારો કેમેરા ગોઠવવાનો રહેશે.'
ચતુર્વેદીએ અનિકેત સામે જોયું. 'સર, આ રીતે વિઝયુઅલ્સ તો મળી જશે, પણ ઓડિયોનું શું?'
'એની ચિંતા ન કરો,' શિલ્પાએ કહ્યું, 'આઇસોલેશન રૂમમાં નાનામાં નાનો અવાજ થાય તો તે પણ કેપ્ચર થઈ જાય તેવી વ્યવસ્થા છે. એટલે કાનજી જે કંઈ બોલતો હોય કે ઇવન ઊંઘમાં પણ બબડતો હોય તે બધું ઓબ્ઝર્વેશન રૂમમાં ચોખ્ખું સાંભળી શકાય છે. ઘણીવાર પેશન્ટે ેઊંઘમાં બોલેલી વાતોમાંથી અમને મહત્ત્વની ઇન્ફર્મેશન મળી જતી હોય છે.'
'પરફેક્ટ.'
શિલ્પા સૌને અંદર લઈ ગઈ. એન્ટ્રેન્સ હોલનો દરવાજો એક નાની અંધારી લોબીમાં ખૂલતો હતો અને સામે જ એકબીજો દરવાજો દેખાતો હતો. આ દરવાજો સીધો ઓબ્ઝર્વેશન રૂમમાં ખૂલતો હતો. સુપ્રિન્ટેન્ડન્ટ સહેજ ઉચાટભર્યા ચહેરે સૌની રાહ જોઈ રહ્યા હતા. બે હટ્ટાકટ્ટા વોર્ડબોય પણ હાજર હતા. સામેની લગભગ પોણી દીવાલ અત્યંત મજબૂત વન-વે કાચની બનેલી હતી. આઇસોલેશન રૂમ પૂર્ણપ્રકાશિત હતો અને ઓબ્ઝર્વેશન રૂમમાંથી તેનું તસુએ તસુ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું.
અનિકેતની નજર સીધી કાનજી પર પડી... ને એનું હૃદય ધબકારો ચૂકી ગયું!
કાનજીને લોખંડની વજનદાર ખુરસી પર જકડી દેવામાં આવ્યો હતો. જાણે કોઈ ખૂંખાર માનવભક્ષી જંગલી જાનવરને કચકચાવીને બાંધી રાખ્યું ન હોય! એના બન્ને હાથ પીઠ પાછળ હતા, બન્ને પગ લેધર સ્ટ્રેપ્સથી બાંધી દેવામાં આવ્યા હતા. જાણે અજગરે ભરડો લીધો હોય તેમ એની છાતી ફરતે અડધો ફૂટ પહોળો લેધર બેલ્ટ વીંટળાયેલો હતો. આ બેલ્ટને કારણે એનું ધડ ખુરસી સાથે ચસોચસ ભીડાઈ ગયું હતું. આવી હાલતમાં પણ કાનજી ખાસ્સો ઊંચો-પહોળો લાગતો હતો. એ માથું નીચું કરીને બેઠો હોવાથી એના વધી ગયેલા લાંબા વાળ નીચે આંખો ઢંકાઈ ગઈ હતી. દાઢી અસ્તવ્યસ્ત વધી ગઈ હતી અને-
'તમે કેમેરા ફટાફટ ગોઠવી દો,' સુપ્રિન્ટેન્ડન્ટે કેમેરામેનને સૂચના આપી, 'આપણી પાસે બહુ સમય નથી.' અનિકેતની નજર કાનજી પરથી હટતી ન હતી. સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, 'હવે શિલ્પા તમને કાનજી પાસે લઈ જશે. તમે એના જૂના મિત્ર છો એ રીતે ઓળખાણ આપશે. તમે વાત કરવાની કોશિશ કરજો. એ રિસ્પોન્ડ કરે, ન પણ કરે. એને શાંતિથી સાંભળજો. વિરોધ કે દલીલ ન કરતા. એ ખુરસી સાથે બંધાયેલો છે એટલે હલી પણ નહીં શકે.
યુ વિલ બી સેફ, ઓકે?'
'યાહ... બટ લૂક એટ હિમ, સર!' અનિકેતે કહ્યું, 'બિચારાને કેવી રીતે બાંધી રાખ્યો છે તમે લોકોએ...'
'બિચારો?' સુપ્રિન્ટેન્ડન્ટનો અવાજ એકદમ ઊંચો થઈ ગયો, 'આને તમે બિચારો કહો છો? હત્યારો છે એ... પોતાની વાઇફ અને બચ્ચાંનાં મર્ડર કરી નાખ્યાં છે એણે...'
'આઇ અન્ડરસ્ટેન્ડ, સર-'
'નો, યુ ડોન્ટ! એનીવે... નાઉ, ડોન્ટ વેસ્ટ ટાઇમ. આને અંદર લઈ જાવ, શિલ્પા.'
'ચાલો...' શિલ્પાએ કહ્યું.
અનિકેતે ચતુર્વેદી સામે જોયું. ચતુર્ર્વેદીએ થમ્સ અપની સંજ્ઞાા કરી. એનો કેમેરા ટ્રિપોડ પર ગોઠવાઈ ચૂક્યો હતો. અનિકેત શિલ્પાની પાછળ ચાલવા માંડયો. આઇસોલેશન રૂમમાં જવા માટે અલગ દરવાજો હતો, જે બહારની લોબીમાંથી ખૂલતો હતો. દરવાજાનું ઇલેક્ટ્રોનિક લાક ખોલતાં પહેલાં શિલ્પા અટકી. 'જુઓ, કાનજી સાથે વાત કરતી વખતે તમને ક્યારેક દયા આવશે, ક્યારેક ભય લાગશે, તમે અકળાઈ જશો, ક્યારેક ગુસ્સો આવશે... તમને અલગ અલગ ફીલિંગ થશે, પણ એ દેખાડવી નહીં. આજે પણ નહીં ને પછી પણ નહીં. એકદમ નોર્મલ રહેવું. રેડી?'
અનિકેતની નજર એક પળ માટે શિલ્પાના જમણા ગાલના તલ પર અટકી ગઈ. એણે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. પછી કહ્યું, 'રેડી.'
શિલ્પાએ ઇલેક્ટ્રોનિક લૉકનો કોડનંબર એન્ટર કર્યો. પછી ધીમેથી દરવાજો ખોલીને અંદર પ્રવેશી. પાછળ અનિકેત આવ્યો. હળવેથી દરવાજો અટકાવ્યો.
'કાનજીભાઈ.... જુઓ તો, તમને મળવા કોણ આવ્યું છે...' શિલ્પાએ મધુર અવાજ કહ્યું.
કાનજી માથું ઢાળીને નિષ્પ્રાણ પૂતળાની જેમ બેસી રહ્યો. એણે કશી પ્રતિક્રિયા ન આપી એટલે શિલ્પા ફરી બોલી, 'કાનજીભાઈ... તમને મળવા કોઈક રાજકોટથી આવ્યું છે...'
રાજકોટ નામ કાને પડતાં જ કાનજીએ મોઢું ઊંચું કરીને સામે જોયું. પહેલાં શિલ્પા તરફ, પછી અનિકેત તરફ. કાનજીની દ્રષ્ટિ સાથે સંધાન થતાં જ અનિકેત કાંપી ઉઠયો. કાનજીની આંખોમાં ન સમજાય એવી તીક્ષ્ણતા હતી. જાણે નશો કરીને બેઠો હોય એવી લાલઘૂમ આંખો. અનિકેતે હસવાનો પ્રયત્ન કર્યો.
'કાનજી... તું કેમ છે, ભાઈ? ઓળખાણ પડી?'
કાનજી એકીટશે જોતો રહ્યો.
'હું બાલુ... તારો નાનપણનો દોસ્તાર. આપણે રાજકુમારમાં સાથે ભણતા હતા. યાદ આવ્યું?'
કાનજીનો ચહેરો સહેજ બદલાયો. બાજુમાં પડેલી પ્લાસ્ટિકની મોલ્ડેડ ખુરસી ધીમેથી ખેંચીને અનિકેત બેસી ગયો. એણે કાળજીપૂર્વક પોતાની ખુરસી એવા એંગલ પર ગોઠવી હતી કે જેથી પોતે કાનજી અને કેમેરાની વચ્ચે ન આવે અને ફ્રેમ ન બગડે. શિલ્પા અનિકેતની પાછળ ઊભી હતી.
અનિકેત બોલતો ગયો, 'જાગનાથ પ્લોટમાં આપણાં ઘર પણ પાસે-પાસે હતાં. વેકેશનમાં આપણે બધા બહુ ક્રિકેટ રમતા. યાદ છે ને? તું, હું, દીપક, ભાવેશ... પેલો લાલીયો...'
'કેતન... રાજેશ... પાર્થ....' કાનજીની આંખો ધીમે ધીમે ચમકવા માંડી, 'પાર્થનો નાનો ભાઈ પ્રણવ પણ આપણી સાથે રમવા આવ તો...'
'હા... ને પછી આપણે બધા મૂળજીભાઈના ગોલા ખાવા જાતા!'
'બધા મને બહુ મારતા...'
'તને કોણ મારતું, કાનજી?'
'આ બધા...' કાનજીએ શિલ્પા સામે જોઈને કહ્યું. એનું મોઢું અચાનક રડું-રડું થવા માંડયું, 'મને બહુ મારે છે આ લોકો. મને કેવો બાંધી દીધો છે, જોતો નથી? મને લાફા મારે, લાતું મારે, આવડાં મોટાં ઈંજેક્શન મારે... બે જણા મારા પગ પકડી રાખે, બે જણા હાથ પકડે ને પછી મને કરંટ મારે, બોલ! મને ખાવાનું ન દ્યે... મને પાણી પીવા ન દ્યે... એકવાર છેને... આ લોકોએ મને એવો માર્યોને કે...'
કાનજી બાળકની જેમ મોટેથી રડી પડયો. અનિકેત ઊભો થવા ગયો. શિલ્પાએ એના ખભે હાથ દબાવીને એને બેસાડી દીધો.
'તને કોઈ નહીં મારે, હં! તું દુખી ન થા,' અનિકેત બોલ્યો, 'હું કહીશ આ લોકોને... સમજાવીશ કે મારા ભાઈબંધને હાથ ના લગાડતા...'
'હાથ તો લગાડે!' કાનજી ગરજી ઉઠયો. પળે પળે એ રંગ બદલી રહ્યો હતો. એની આંખોમાંથી હવે આગ વરસવા માંડી. 'કોઈનામાં તાકાત છે મને હાથ લગાડવાની?'
'પણ ધારો કે કોઈ તને મારવાની કોશિશ કરે તો?'
'તો એના હાથ-પગ કાપીને ફેંકી ન દઉં? કૂતરાંને ન ખવડાવી દઉં? મને કૂતરાં બહુ વહાલાં, હોં!'
'એમ?'
'મેં હાઇક્લાસ કૂતરો પાળ્યો'તો... પછી એ મરી ગ્યો... હું બઉ રોયો'તો...'
કાનજી પાછો રડવા જેવો થઈ ગયો. શિલ્પાએ સમજાવટથી કહ્યું, 'એમ રોવાનું નહીં, કાનજીભાઈ. મજબૂત બનવાનું! ચાલો, તમારો આરામ કરવાનો ટાઇમ થઈ ગયો છે. અમે હવે જઈએ...'
શિલ્પાએ ખભો દબાવીને સંકેત કર્યો એટલે અનિકેત ખુરસી પરથી ઊભો થયો. 'હું તને પછી નિરાંતે મળવા આવીશ, કાનજી. ચિંતા ન કરતો...' અનિકેતનો અવાજ દ્રવી ઉઠયો, 'આવજે, ભાઈ...'
કાનજી બાઘ્ઘાની જેમ જોતો રહ્યો. પછી માથું ઢાળી દીધું. અનિકેત અને શિલ્પા આઈસોલેશન રૂમમાંથી બહાર આવ્યાં. અનિકેતે ખિસ્સામાંથી રૂમાલ કાઢયો અને શિલ્પાને ખબર ન પડે તેમ પોતાનાં આંસુ લૂછી નાખ્યાં.
***
વરસાદ એકદમ જ તેજ થઈ ગયો. બારીમાંથી આવતી વાંછટને કારણે ટેબલ પર રાખેલી ચીજવસ્તુઓ ભીંજાવા લાગી હતી. અનિકેત ઊભો થયો. બારીની બહાર ફેલાયેલું આકાશ કાળું પડી ગયું હતું. અનિકેતે બારી બંધ કરી. વરસાદનાં ટીપાં જાણે ક્રોધે ભરાયાં હોય તેમ બારીના કાચ પર જોરથી પછડાવા લાગ્યાં. આ વન-વે ગ્લાસ નથી, પારદર્શક કાચ છે, અને આ ટીપાં નથી, વરસાદની આંખો છે જે મારી એકેએક હિલચાલ પર નજર રાખી રહી છે, અનિકેતના મનમાં વિચાર ઝબકી ગયો. એણે બારીનો પડદો ખેંચી લીધો. પ્રકૃતિનું સત્ય અને અંદરનું વાસ્તવ કપાઈને એકબીજાથી છુટ્ટાં પડી ગયાં. અનિકેત પાછો પથારીમાં લાંબો થયો. સામાન્યપણે એ દિવસે સૂઈ શકતો નહોતો, પણ આજે લન્ચ પછી સરસ ઊંઘ આવી ગઈ હતી. અચાનક ત્રાટકેલા વરસાદના અવાજના કારણે જ કદાચ એની ઊંઘ તૂટી ગઈ હતી. નાનો હતો ત્યારે એને વરસાદ બહુ ગમતો, પણ મોટા થયા પછી વરસાદ ત્રાસજનક લાગવા માંડયો હતો. હવે જોકે એ વરસાદ પ્રત્યે ઉદાસીન થઈ ગયો છે...
ખરેખર? જો ઉદાસીન થઈ ગયો હોત તો અત્યારે વરસાદથી ભય કેમ લાગ્યો? ના, કશો ભય નથી. વરસાદ પડે કે ન પડે, મને કશો જ ફરક પડતો નથી!
મને કશો ફર્ક પડતો નથી...
ફર્ક-પડતો-નથી-મને...
નથી-પડતો-ફર્ક-મને-સહેજે... ઓલરાઇટ?
અનિકેતનું માથું ત્રમ્ ત્રમ ત્રમ્ થવા લાગ્યું. લગભગ યાંત્રિકપણે એણે મોબાઇલ હાથમાં લઈ લીધો. મોબાઇલની હોમ સ્ક્રીન પર બન્ને બાળકોની તસવીર ખડખડાટ હસી રહી હતી-
રિયાએ નાયેગરા ફાલ્સના ફોટા શેર કર્યા છે.... અનિકેતને એકદમ યાદ આવ્યું. એણે તરત ઇન્સ્ટાગ્રામ ખોલ્યું. ફોટા ખરેખર સરસ હતા. રાતે ઝગમગ પ્રકાશમાં નહાઈ રહેલા વિરાટ ધોધ તરફ આંગળી ચીંધીને ઊભેલો ખુશખુશાલ આર્જવ, દિવસે નાયેગરા ક્રુઝમાં આસમાની રંગના પોન્ચો પહેરીને મમ્મી સાથે સેલ્ફી ખેંચાવી રહેલાં બાળકો, એક રીલમાં ઝારા કેમેરા સામે જોઈને 'ડેડી... ડેડી... ડેડી...' કરતી ઉછળકૂદ કરી રહી છે અને એની બાજુમાં રિયા ખડખડાટ હસી રહી છે... અનિકેતને સતોષ- સંતોષ થઈ ગયો. આ જ સુખ છે, આ જ સાર્થકતા છે! એણે રિયાને વોટ્સએપ પર મેસેજ કર્યો: 'નાયેગરા રોક્સ! તમે લોકો અત્યારે ક્યાં છો? ન્યુ યોર્ક જવાનાં છો?'
ત્રણ-ચાર મિનિટ પછી રિયાનો રિપ્લાય આવ્યો. એણે તસવીર મોકલી હતી, જેમાં એ અને બન્ને બાળકો આઇસક્રીમ ખાઈ રહ્યાં હતાં. તસવીરની નીચે ટાઇપ કરેલું હતું - 'રિચીંગ ન્યુ યોર્ક ટુનાઇટ....!!!' અનિકેતે સામે થમ્સ અપની સ્માઇલી મોકલી.
દરવાજે ટકોરા પડયા. લોકેશ અંદર આવ્યો. એના હાથમાં લેપટોપ હતું.
'ગુડ ઇવનિંગ.'
'ગુડ ઇવનિંગ, લોકેશ.'
લોકેશે લેપટોપ પલંગ પર મક્યું, 'તમે કાનજીનું શૂટિંગ કરવાનું ડિસીઝન લીધું એ સારું કર્યું, સર. સરસ ફૂટેજ મળ્યું આપણને.'
'ગુડ,' અનિકેતે કહ્યું, 'હું રાત્રે સૂતાં પહેલાં જોઈ લઈશ.'
'સર, તમે કાનજી સાથે એની સ્કૂલ, ઘર, દોસ્તારો એ બધા વિશે કેવી રીતે વાતો કરી? આઈ મીન, તમે ઓલરેડી જાણતા હતા એ બધું?'
'નહીં રે! હું અને શિલ્પા આઇસોલેશન રૂમમાં ગયાં એની પહેલાં સુપ્રિન્ટેન્ડન્ટે મને કાનજીની ફાઈલ જોવા માટે આપી હતી - છાપાંનાં કટિંગ્સની. મેં જસ્ટ થોડાં પાનાં ફેરવેલાં ને એમાં આ બે- ચાર ડિટેલ્સ મારી નજરે ચડી ગઈ હતી. એ જ બધી ઇન્ફર્મેશન મેં કાનજી સામેં ફેંકી,' અનિકેત હસ્યો, '...અને ભાવેશ, દીપક, પાર્થ - આ બધાં બહુ કોમન નામો છે. આ નામનાં દોસ્તારો સૌ કોઈને હોવાના. કમસે કમ મારી જનરેશનના લોકોને તો હોવાના જ!'
લોકેશે સ્મિત કર્યુંર્ં. એણે કહ્યું, 'આ લેપટોપ મૂકતો જાઉં છું. આમાં કાનજીનું બધું જ ફૂટેજ છે. અને હા...' એણે ખિસ્સામાંથી એક પેન ડ્રાઇવ કાઢી, 'આ સુપ્રિન્ટેન્ડન્ટ સરે મોકલાવી છે. આમાં કાનજીએ પોલીસ સામે મર્ડરની કબૂલાત કરેલી એનું વીડિયો રેકોર્ડિંગ છે.'
'ઓકે.'
લોકેશનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર જોઈને એ બોલ્યો, 'સર, આ કાલ લઈ લઉં? અગત્યનો છે...' અને પછી કાને ફોન માંડીને 'હલો...' કહેતો બાલ્કનીમાં ચાલ્યો ગયો.
અનિકેત લેપટોપ અને પેન ડ્રાઇવ લઈને હૉલમાં આવ્યો. અહીંથી વરસાદનો ખ્યાલ નહોતો આવતો. એ સોફા પર ગોઠવાયો. લેપટોપ સેન્ટર ટેબલ પર મૂકી તેમાં પેન ડ્રાઇવ ઇન્સર્ટ કરી. સ્ક્રીન પર કાનજી ઊપસ્યો. વીડિયો વ્યવસ્થિત લાઇટિંગ વગર અણધડ રીત શૂટ થયેલો હતો, પણ એમાં કાનજી થોડો સાફસૂથરો અને જુદો દેખાતો હતો. કેમેરા કાનજી પર તકાયેલો હતો. એની સાથે વાત કરી રહેલા પોલીસ અધિકારીનો ફક્ત અવાજ સંભળાતો હતો.
- તમારું નામ?
'કાનજી.'
- આખું નામ બોલો.
'કૃષ્ણકાંત.'
- ફાધરનું નામ? અટક?
કાનજી ચુપ રહ્યો. એ થોડો થોડો હાંફી રહ્યો હતો.
- શું ગુનો કર્યો છે તમે?
કાનજી હજુય મૌન.
- બોલો?
'મેં મારી નાખ્યા સૌને. પતાવી નાખ્યા.'
- કોને મારી નાખ્યા?
'બૈરીને, મારાં છોકરાંવને.'
- કેમ આવું કર્યું?
'ત્રાસી ગયો હતો હું.'
- શાનાથી ત્રાસી ગયા હતા?
'બૈરીથી.'
- કેમ?
કાનજી ધૂંધવાવા લાગ્યો.
- બોલો? કેમ ત્રાસી ગયા હતા બૈરીથી?
'બદચલન હતી, મારી પીઠ પાછળ લફરાં કરતી ફરતી હતી-'
અનિકેતે ધડ્ દઈને લેપટોપ બંધ કરી દીધું. ઓચિંતા એના પેટમાં જાણે લાવારસ ઉછળ્યો. એણે જોરથી ઉલટી કરી. એનું આખું શરીર ચૂંથાઈ રહ્યું હતું. કશું વિચારી શકે તે પહેલાં એ ફર્શ પર પછડાયો. એની આંખો ઊંચી ચડી ગઈ. હાથ-પગ ખેંચાવા લાગ્યા.
અનિકેતના પછડાવાનો અવાજ કાને પડતાં જ બાલ્કનીમાંથી લોકેશ દોડતો આવ્યો. અનિકેતની હાલત જોઈને એ ચોંક્યો.
'સર...'
અનિકેત કશીય પ્રતિક્રિયા આપી શકે તેવી સ્થિતિમાં નહોતો. બીજી જ પળે લોકેશે મોબાઇલમાં નંબર જોડયો, 'જલદી ઉપર આવો... સરને આંચકી ઉપડી છે!'
(ક્રમશ:)