Home / GSTV શતરંગ : Short novel parallel chapter - 1

શતરંગ / લઘુનવલ: સમાંતર પ્રકરણ - 1

શતરંગ / લઘુનવલ: સમાંતર પ્રકરણ - 1

'આ એક અત્યંત ડેન્જરસ, હિંસક અને એનપ્રેડિક્ટેબલ જગ્યા છે તે સતત યાદ રાખજો. અહીં કંઈ પણ થઈ શકે છે...'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- મરતાં પહેલાં એ થોડી પળો માટે તરફડી હશે, છટપટી હશે. એની ફાટેલી આંખોમાં આતંકનો દરિયો ઉછળી ગયો હશે અને... 

...અને કાળા ડિબાંગ વાદળાંની કિનારીઓ મોટા કડાકા સાથે ફાટી. ક્યારનું ગોરંભાયેલું આકાશ ઝીણું ઝીણું વરસવા લાગ્યું. સૂર્ય દગાબાજ પ્રેમીની જેમ કશેક છુપાઈ ગયો હતો, પણ વાતાવરણમાં હજુ વહેલી સાંજનો દબાયેલો ઉજાસ પ્રસરેલો હતો. 

ડ્રાઈવરે કારની ચારેય બારીઓના કાચ થોડા નીચે સરકાવ્યા. ભીની હવાની એક આહલાદક લહેરખી ફૂંકાઈ ગઈ. અનિકેત સામે જોઈને ડ્રાઈવર બાળક જેવું હસ્યો, 'સીઝનનો પહેલો વરસાદ, સર! આ વખતે ચોમાસું વહેલું બેસી ગયું.'

'હમ્મ્...'  અનિકેત ટટ્ટાર થયો. એણે બારીની બહાર નજર કરી. મિઠ-ચોકી પાછળ રહી ગઈ હતી અને આઈએનએસ હમલાનું લશ્કરી મકાન નજીક સરકી રહ્યું હતું. છેલ્લે આ બાજુ ક્યારે આવ્યો હતો? અનિકેતે યાદ કરવાનો પ્રયત્ન કર્યો. કદાચ દોઢેક વર્ષ પહેલાં, એક દોસ્તની દિવાળી પાર્ટીમાં,  એના મઢ આઇલેન્ડના બંગલે. રિયા પણ સાથે આવી હતી. બંને બચ્ચાં ઘરે જ હતાં, આયા પાસે.

ડ્રાઈવરે સ્વિચ દાબી. કેટલાય મહિનાઓથી નિષ્ક્રિય પડી રહેલું વાઇપર એકાએક ચેતનવંતુ થઈને વિન્ડશિલ્ડ પર અર્ધવર્તુળમાં ચકરાવા મારવા લાગ્યું. સામેનું દ્રશ્ય ક્રમિક રીતે ભૂંસાતું રહ્યું, ઉપસતું ગયું. ક્યારેક ઓગળતી, ક્યારેક ઘનીભૂત થતી સ્મૃતિઓની જેમ.

વરસાદ એકાએક તેજ થઈ ગયો હતો. પાછલી સીટ પર બેઠેલો ચતુર્વેદી બોલી ઊઠયો, 'આ તમારા મુંબઈના ગાંડા વરસાદથી તો ભગવાન બચાવે...'

'સર, તમને મુંબઈનો વરસાદ કેવો લાગે - ગાંડો કે રોમેન્ટિક?' ખુરાનાએ જરાક હસીને સવાલ કર્યો. ખુરાના અને ચર્તુવેદી બન્ને બેકસીટ પર બેઠા હતા.

અનિકેતે પાછળ વળીને જોયું, 'મને તમારો આ સવાલ કેવો લાગ્યો એ કહું? બોરિંગ, ક્લિશે! તમારો સવાલ એ હોવો જોઈએ કે આવા માહોલમાં શૂટિંગ કેવી રીતે કરીશું?'

'કેમ સર? મને તો લાગે છે કે મેન્ટલ હોસ્પિટલની થીમ સાથે આવું વરસાદી વાતાવરણ વધારે જમાવટ કરશે - વિઝયુઅલી,'  ચતુર્વેદીએ કહ્યું.

'આઇ એમ નોટ શ્યોર, ચતુર્વેદી,' અનિકેતે કહ્યું, 'હીરો-હિરોઇનને લઈને ફિચર ફિલ્મ બનાવતા હોત તો આ વાત બરાબર હતી, પણ આપણે ડોક્યુમેન્ટરી પર કામ કરી રહ્યા છીએ. આપણે ફેક્ટ્સ બતાવવાની છે. મને તો ડર છે કે વરસાદને કારણે આપણા શેડયુલમાં ગરબડ ન થઈ જાય. લેટ્સ સી.'    

કાર મઢ-માર્વે રોડ પર આગળ વધી રહી હતી. મઢ આઇલેન્ડ તરફ જતો ફાંટો અને મુંબઈનો ઘોંઘાટ પાછળ રહી ગયા. મકાનો ઓછાં થતાં ગયાં. હરિયાળી ઘટ્ટ બનતી ગઈ. ભીનો રસ્તો વધારે સાંકડો બનતો ગયો. થોડી વારમાં કાર માર્વે જેટી નજીક પહોંચી ગઈ. બધા કારમાંથી બહાર આવ્યા ત્યાં સુધીમાં વરસાદ થંભી ગયો હતો. જેટીના છેડે એક ફેરી રાહ જોતી ઊભી હતી. થોડે દૂર ત્રણ-ચાર નાની નાની ફિશિંગ બોટ્સ લાંગરેલી હતી. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં અરબી સમુદ્રના પાણીએ જાણે કે ચમકવાની તસ્દી લેવાનું માંડી વાળ્યું હતું. અનિકેત, ચતુર્વેદી અને ખુરાના જેટી તરફ ચાલવા લાગ્યા.

'આપણો સામાન?' અનિકેત એકદમ ઊભો રહી ગયો.

'આપણા બે માણસો બધા સામાન સાથે ગઈ કાલે જ લોકેશન પર પહોંચી ગયા છે. ડોન્ટ વરી,' ચતુર્વેદીએ કહ્યું.

લાકડાની જૂની જેટી અને ફેરી બન્ને ખખડી ગયાં હતાં. ફેરીમાં એમના સિવાય ચાર-પાંચ પ્રવાસીઓ હતા, જેમણે અકારણ ડાર્ક ગોગલ્સ પહેરી રાખ્યાં હતાં. બાકીના બધા સ્થાનિક માછીમાર લાગતા હતા, જે ઊભા ઊભા ગામઠી મરાઠીમાં વાતો કરી રહ્યા હતા. થોડી વારમાં ધીમા ખરખરાટ સાથે ફેરી ઉપડી.

મુંબઈનો મુખ્ય ભૂમિભાગ દૂર સરકવા લાગ્યો. મનોરી બીચ સામે જ દેખાતો હતો. માછીમારોનાં ટોપલાંમાં ભરેલાં મરેલાં માછલાંની તીવ્ર વાસ આખી ફેરીમાં પ્રસરી ગઈ હતી. અનિકેતે રૂમાલથી નાક દાબી દીધું. એનું ધ્યાન વારે વારે આ ટોપલાં તરફ જતું હતું.

માછલીઓની લાશો ખડકાયેલી છે આ ટોપલાંમાં. લિસ્સી, ચાંદીના રંગની માછલીઓ. મરતાં પહેલાં એ થોડી પળો માટે તરફડી હશે, છટપટી હશે. એમની ફાટેલી આંખોમાં આતંકનો દરિયો ઉછળી ગયો હશે અને...  

અનિકેતે નજર હટાવી લીધી.

ફેરી મનોરી જેટી પાસે અટકી. બધા ધીમે ધીમે બહાર આવ્યા. દરિયાકાંઠાને લગોલગ નાળિયેરીનાં ઝાડની કતાર દૂર સુધી ખેંચાયેલી હતી. કાચા રસ્તા પર કીચડ થયો નહોતો એનો  અર્થ એ થયો કે આ બાજુ વરસાદ પડયો નહોતો. થોડું પગપાળા ચાલ્યા પછી દૂર પાર્ર્ક કરેલાં વાહનો દેખાવા લાગ્યાં. અનિકેતને જોતાં જ એક યુવાન દોડતો નજીક આવ્યો. એ લોકેશ હતો - અનિકેતનો રિસર્ચ એન્ડ સ્ક્રિપ્ટ આસિસ્ટન્ટ.

'સર, આ બાજુ....'

લોકેશ સૌને પાર્ક કરેલી એક એસયુવી તરફ દોરી ગયો. સૌ ગાડીમાં ગોઠવાયા. અનિકેતે એક-બે વાર નોંધ્યું કે ડ્રાઇવર રિઅર વ્યુ મિરરમાંથી એને વિચિત્ર રીતે તાકી રહ્યો છે. અનિકેતે એના તરફ ધ્યાન ન આપ્યું.

'લોકેશ, રેકી કરી લીધી?' અનિકેતે પૂછયું.

'હા, સર. ખાસ્સી મોટી જગ્યા છે. આખું કેમ્પસ વીસેક એકરમાં ફેલાયેલું છે. અમુક ડિપાર્ટમેન્ટ્સમાં જવાની મનાઈ છે. એમણે જોકે કહ્યું છે કે અનિકેત સર આવશે પછી પ્રતિબંધિત જગ્યાએ જવાની પરમિશન મળી જશે.'

'ઠીક છે.' અનિકેત બારીની બહાર જોવા લાગ્યો. સાધારણ મકાનો અને નાની નાની હોટલો પસાર થતી ગઈ. રસ્તો ખાસ્સો ઉબડખાબડ હતો. પચ્ચીસેક મિનિટના ડ્રાઇવ પછી લગભગ નિર્જન કહી શકાય એવા વિસ્તારમાં દૂરથી મેન્ટલ હોસ્પિટલનું વિરાટ મકાન દેખાવા લાગ્યું. ફરતે ઊંચી પથરીલી દીવાલ હતી, જે કદાચ આખા કેમ્પસને આવરી લેતી હોવી જોઈએ. સુરક્ષાસૂચક ઇલેક્ટ્રિક ફેન્સના કાંટાદાર ગુંચળાં આખી દીવાલ પર પથરાયેલાં હતા. મોટા લોખંડી દરવાજાની સહેજ ઉપર દીવાલ પર પાટિયામાં મોટા અક્ષરોમાં લખ્યું હતંુ:

'ઇન્ડિયન ઇન્સ્ટિટટયુટ ઓફ મેન્ટલ હેલ્થ'

ગાડી ઊભી રહી. લોકેશ ઝડપથી બહાર નીકળ્યો અને સિક્યોરિટી કેબિનમાં જઈને કશીક વાત કરવા લાગ્યો. એક સિક્યોરિટી ઓફિસરે ઇન્ટરકોમમાં કોઈક સાથે વાત કરી, રજિસ્ટરમાં વિગતો ટાંકી અને દરવાજા પાસે ઊભેલા બે માણસોને ઈશારો કર્યો. દરવાજો બે હિસ્સામાં ખૂલ્યો. લોકેશ ત્વરાથી આવીને ગાડીમાં બેસી ગયો. ગાડી અંદર પ્રવેશી. મેન્ટલ હોસ્પિટલનું મકાન નજીક સરકવા લાગ્યું. રસ્તાની બન્ને તરફ થોડા થોડા અંતરે ઊભેલા લેમ્પ પોસ્ટ આ માહોલ સાથે મેળ ન ખાય એટલા કલાત્મક દેખાતા હતા. દૂર સુધી ફેલાયલી હરિયાળી લૉનનું ઘાસ જે રીતે આડેધડ વધી ગયું હતું તેના પરથી લાગતું હતું કે તેનું મેન્ટેનન્સ બરાબર કરવામાં આવ્યું નથી. સફેદ પોષાક પહેરેલાં કેટલાક માનસિક દર્દીઓ - સ્ત્રીઓ અને પુરુષો બન્ને - શાંતિથી આમતેમ ટહેલતાં હતાં. કોઈ લાકડાની બેન્ચો પર ચુપચાપ બેઠાં હતાં. આ બધાં 'ડાહ્યાં' માનસિક દર્દીઓ હોવા જોઈએ, ઉત્પાત ન મચાવતા હોય તેવા... અનિકેતે વિચાર્યું.       

સૌને મુખ્ય મકાનની નજીક ઉતારીને કાર નીકળી ગઈ. અનિકેત ઊંડો શ્વાસ લઈને મેન્ટલ હોસ્પિટલને જોઈ રહ્યો. આઝાદીનાય વીસેક વર્ષ પહેલાં ઊભા કરવામાં આવેલા આ મકાનનું કોલોનિઅલ શૈલીનું સ્ટ્રક્ચર હજુય પ્રભાવશાળી લાગતું  હતું. પથ્થરનો ઝળુંબતો મુખભાગ, ઊંચી કમાનાકાર બારીઓ અને મુખ્ય પ્રવેશના સીધાણમાં ખાસ્સું ઉપર જાણે કોઈ અલાયદા ક્લોક ટાવરનો શીર્ષ ભાગ છેદીને જડી દીધો હોય એવી એક વિરાટ ઘડિયાળ. ઘડિયાળના કાંટા જોકે થંભી ગયા હતા. આ જગ્યા પણ જાણે સમયના પ્રવાહથી કપાઈને સ્થગિત થઈ ગઈ હતી. આ દર્દીઓ પણ.   

અનિકેતના પગ ન ઊપડયા એટલે લોકેશે પૂછવું પડયું, 'સર, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળી લઈએ?'

'હં?' અનિકેત સહેજ બેધ્યાન થઈ ગયો, 'અત્યારે? આઇ મીન... ફ્રેશ થઈને પછી મળીએ?'

'અત્યારે જ મળી લઈએ. એ રાહ જોતા હશે. છ-સાડા છ પછી એ નીકળી જશે.'

'તો મળી લઈએ. શું નામ છે એમનું?'

***

ડૉક્ટર અર્જુન ત્રિપાઠી

મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ

ચેમ્બરની બહાર દીવાલ પર જડેલા લાકડાના બોર્ડ પર વાંચવામાં કષ્ટ પડી જાય એવા ફેન્સી અંગ્રેજી ફોન્ટ્સમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનું નામ અને હોદ્દો લખાયાં હતાં.

ત્રિપાઠી એટલે... યુપીના હશે? ગુજરાતી પણ હોઈ શકે. અનિકેતના મનમાં પ્રશ્ન જાગીને વિરમી ગયો. મેન્ટલ હોસ્પિટલના મુખ્ય મકાનની લાંબી કોરિડોરમાં આશ્ચર્ય થાય એટલી શાંતિ પ્રસરેલી હતી. ખાસ કરીને બીજા માળે, કે જ્યાં સુપ્રિન્ટેન્ડન્ટની ચેમ્બર છે. કદાચ આ બિલ્ડિંગમાં ફક્ત એડમિનિસ્ટ્રેટિવ કામ થતું હશે, પેશન્ટ્સને અહીં નહીં રાખવામાં આવતા હોય, અનિકેતે વિચાર્યું. 

પાંચેક મિનિટની પ્રતીક્ષા પછી એક પ્યુન જેવો લાગતો માણસ વેઇટિંગ એરિયામાં આવ્યો, 'આવો.'

અનિકેત ઊભો થયો. સાથીઓને વેઇટિંગ રૂમમાં છોડીને એ ચેમ્બરમાં પ્રવેશ્યો. ઊંચી છતને કારણે ચેમ્બર વધારે મોટી અને અલ્પ-પ્રકાશિત લાગતી હતી. જમણી દીવાલની બંઘ બારીઓના અર્ધપારદર્શક કાચમાંથી સાંજના પ્રકાશ અંદર ધસી આવ્યો હતો. સામે વચ્ચોવચ્ચ મોટું ટેબલ, રિવોલ્વિંગ ચેર, પાછળ દીવાલ પર ઓઇલ પેઇન્ટિંગ, ટેબલની સામે ચાર ખુરસીઓ, ડાબી તરફ થોડે દૂર એક સોફાસેટ-ટિપોઈ અને ચિક્કાર પુસ્તકો ભરેલા ખૂબ બધા કબાટો.

ચેમ્બરમાં કોઈ નહોતું. અનિકેતને આશ્ચર્ય થયું. સુપ્રિન્ટેન્ડન્ટ કદાચ અટેચ્ડ બાથરૂમમાં હશે. અનિકેત એક ખુરસી ખેંચીને બેઠો. એની નજર સામે દીવાલ પર જડેલા ઓઇલ પેઇન્ટિંગ પર ચોંટી ગઈ. એક અત્યંત સ્વરૂપવાન, લગભગ સ્વર્ગીય સૌંદર્ય ધરાવતી સ્ત્રી. એણે ધારણ કરેલું નીલા રંગનું લાંબું વસ્ત્ર અને એના લાંબા સોનેરી કેશ હવામાં લહેરાઈ રહ્યાં છે. એક હાથમાં સુશોભિત દર્પણ પકડયો છે. પશ્ચાદભૂમાં નદી ખળ ખળ વહી રહી છે. અનિકેતે સ્ત્રીના ચહેરાનું ઝીણવટભર્યું અવલોકન કર્યું. ક્યો ભાવ છે આ ચહેરા પર - નિર્લેપતા, કરુણતા, કે પછી...? અને આ ગહન બ્લુ આંખો... અનિકેતને લાગ્યું કે જો આ આંખોને વધારે સમય જોતો રહેશે તો વશીભૂત થઈ જશે.

'એ નેમોસિની છે - ધ ગોડેસ ઓફ મેમરી!'

એક ઘૂંટાયેલો પૌરુષિક અવાજ અનિકેતના કાને અથડાયો. એ ધ્યાનભંગ થઈ થયો. એણે અવાજની દિશામાં જોયું. સામે સુપ્રિન્ટેન્ડન્ટ ઊભા હતા.

'હેલો, મિસ્ટર અનિકેત... સોરી, હું જરા વોશરૂમમાં હતો.'

'ગુડ ઇવનિંગ, સર!' અનિકેતે હાથ લંબાવ્યો.   

સુપ્રિન્ટેન્ડન્ટે મજબૂતીથી હાથ મિલાવ્યો. પછી પેઇન્ટિંગ તરફ જોઈને કહ્યું, 'આ ગ્રીક ગોડેસ છે... સ્મૃતિની દેવી! આપણી જેમ ગ્રીક સંસ્કૃતિમાં પણ શ્રુતિ અને સ્મૃતિને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એવું કેટલુંય જ્ઞાાન છે, જે માત્ર મૌખિક પરંપરાથી પેઢી દર પેઢી વહેતું રહ્યું છે. તેને સાચવવા માટે સ્મૃતિ જોઈએ.... અને નેમોસિની દેવી માનવજાતની સામૂહિક સ્મૃતિની, એના ડહાપણની રક્ષા કરે છે. ગ્રીક પ્રજા આ દેવીને પૂજે છે તેનું કારણ આ જ.'  

'ઇન્ટરેસ્ટિંગ!' અનિકેતે કહ્યું.

'બેસો,' કહીને સુપ્રિન્ટેન્ડન્ટે પણ પોતાની ચેર પર સ્થાન લીધું.

અનિકેતે એમની સામે ધ્યાનથી જોયું. સુપ્રિન્ટેન્ડન્ટની ઉંમર હશે સાઠેક વર્ષ. માથા પર વાળનો ભરપૂર જથ્થો છે, જે સંપૂર્ણપણે સફેદ થઈ ચૂક્યો છે. જાડી કાળી ફ્રેમનાં ચશ્માં. એમના અવાજમાં, એમના વ્યક્તિત્વમાં એક પ્રકારનું અધિકારી વજન છે.

'કેમ્પસ સુધી પહોંચવામાં કોઈ તકલીફ તો નથી થઈને?' સુપ્રિન્ટેન્ડન્ટે પૂછયું.

'બિલકુલ નહીં.'

'અરે, મેં ખોટો સવાલ પૂછી નાખ્યો,' સુપ્રિન્ટેન્ડન્ટ હસ્યા, 'તમે તો મુંબઈગરા જ છો. તમારું ઘર જુહુમાં છે, રાઇટ?'

'રાઇટ. જેવીપીડી સ્કીમ, ટેન્થ રોડ પર.'

સુપ્રિન્ટેન્ડન્ટે ડ્રોઅરમાંથી એક ફાઇલ બહાર કાઢીને ટેબલ પર મૂકી. 'આમાં ન્યુઝ કટિંગ્સ છે. ભારે મહેનતથી મારા સ્ટાફે આ ફાઈલ તૈયાર કરી છે. તમારી અચીવમેન્ટ્સ, ઇન્ટરવ્યુઝ, બીજાં રાઇટ-અપ્સ... બધું જ આમાં છે.' સુપ્રિન્ટેન્ડન્ટ ફાઇલનાં પાનાં ઊથલાવતાં ગયા, 'આ જુઓ. તમારી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું ત્યારનો રિપોર્ટ. આ બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ... એન્ડ ધિસ - કાન ફિલ્મ ફેસ્ટિવલ! તમે તો કાનમાં અવોર્ડ જીતી લીધો હતો, ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં. મને બરાબર યાદ છે, તમે મીડિયામાં છવાઈ ગયા હતા તે વખતે.'

'થેન્ક્યુ, સર.'

'એટલે જ તમારા જેવા 'એ'-લિસ્ટ ફિલ્મમેકર તરફથી અહીં શૂટિંગ કરવા માટે રિકવેસ્ટ આવી ત્યારે મારે ઘણું બધું રી-કન્સિડર કરવું પડયું.'

'હું સમજ્યો નહીં.'

'આ હોસ્પિટલમાં અગાઉ ક્યારેય કોઈ પ્રકારના શૂટિંગની પરવાનગી આપવામાં આવી નથી,' સુપ્રિન્ટેન્ડન્ટે ફાઇલ બંધ કરી, 'ઇટ્સ અવર પોલિસી.'

'આવી પોલિસીનું કોઈ કારણ?' અનિકેત પ્લાસ્ટિકની ફાઇલની તીક્ષ્ણ ધારને તાકી રહ્યો હતો.

'કારણ એ છે, મિસ્ટર અનિકેત મહેતા કે...' સુપ્રિન્ટેન્ડન્ટનો ચહેરો ગંભીર થઈ ગયો, 'ભારતના સૌથી ખતરનાક, સૌથી હિંસક સાઇકિએટ્રિક પેશન્ટ્સ આ હોસ્પિટલમાં છે. ધે આર સો અનપ્રિડિક્ટિબલ. તમને કદાચ યાદ હશે, બે વર્ષ પહેલાં અહીં એક પેશન્ટે એક નર્સનું મર્ડર કરી નાખ્યું હતું.'

કાંપી ગયો અનિકેત. એનું ધ્યાન ફાઇલ પરથી હટી ગયું.

'ડોક્ટર્સ અને સપોર્ટ સ્ટાફ પર નાનામોટા હિંસક હુમલા થવા અહીં સામાન્ય ઘટના છે. એટલે જ તમારા જેવા આઉટસાઇડરને અહીં શૂટિંગ કરવા માટે પરમિશન આપવી લગભગ અશક્ય હતું અમારા માટે. ખૂબ ડિસ્કશન-ડિબેટ કરવા પડયાં. આખરે નક્કી કર્યું કે તમને સ્પેશિયલ કેસ ગણીને પરવાનગી આપવી. માઇન્ડ યુ, તમારું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ છે એટલે આ પરવાનગી અપાઈ રહી છે. જો કોઈ સામાન્ય ફિલ્મમેકર હોત તો હા પાડવાનો કોઈ સવાલ જ નહોતો. વળી, તમારી ડોક્યુમેન્ટરીનું ફલક ખાસ્સું મોટું છે એટલે પણ અમને રસ પડયો.'

'જી, બિલકુલ. હું એશિયાની ટોપ ફાઇવ મેન્ટલ હોસ્પિટલ્સને આવરી લેવાનો છે. એક તો આપણી હોસ્પિટલ - ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ હેલ્થ. બીજી સિંગાપોરની ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ 

હેલ્થ - આઇએચએમ, ટોકિયોની નેશનલ સેન્ટર ઓફ ન્યુરોલોજી એન્ડ સાઇકિએટ્રી, ચીનની એફિલીએટેડ હોસ્પિટલ ઓફ ઝેઝીઆંગ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીન અને પાંચમી સાઉથ કોરિયાની એસેન મેડિકલ સેન્ટર.'

'સરસ. તમે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં શૂટિંગ કરી આવ્યા?'

'અહીંથી જ શરૂઆત કરી રહ્યો છું. એક વર્ષમાં પાંચેય જગ્યાએ શૂટિંગ કરી લેવા ધારું છું.'

'ગુડ,' સુપ્રિન્ટેન્ડન્ટે ફાઇલ ડ્રોઅરમાં મૂકી અને સિગારેટનું બોક્સ બહાર કાઢી અનિકેત સામે ધર્યું.

'આઇ ડોન્ટ સ્મોક. થેન્ક્સ.'

'ડુ યુ માઇન્ડ ઇફ આઇ...?'

'ઓહ, નો. પ્લીઝ કેરી ઓન.'

'થેન્ક્યુ.'

સુપ્રિન્ટેન્ડન્ટે સિગારેટ સળગાવીને ઊંડો કશ લીધો. એક તીખી કડવી વાસ ચેમ્બરમાં ફેલાઈ ગઈ. 

'મિસ્ટર મહેતા...'

અનિકેતે એમને આગળ બોલતાં અટકાવ્યા, 'તમે મને અનિકેત જ કહો.'

'આલરાઇટ. અનિકેત, મારી વાત ધ્યાનથી સાંભળજો. આ તમને પહેલાં પણ કહેવાઈ ગયું છે અને અત્યારે ફરીથી કહી છું. અહીં તમારી સલામતી માટે પૂરી તકેદારી રાખવામાં આવશે જ, પણ આ એક અત્યંત ડેન્જરસ, હિંસક અને એનપ્રેડિક્ટેબલ જગ્યા છે તે સતત યાદ રાખજો. અહીં કંઈ પણ થઈ શકે છે...' 

અનિકેત એક પળ કંઈ ન બોલ્યો. પછી કહ્યું, 'આઇ સી-'

'તમારે અને તમારી આખી ટીમે એક ડોક્યુમેન્ટ પર સહી કરવી પડશે.'

'કેવો ડોક્યુમેન્ટ?'

સુપ્રિન્ટેન્ડન્ટે એક દસ્તાવેજ અનિકેત તરફ સરકાવ્યો. જાણે ત્રાટક કરતા હોય એમ એમણે અનિકેત સામે જોયું. 'આ લીગલ ડોક્યુમેન્ટ છે. આમાં લખ્યું છે કે તમારા જાનમાલની સલામતીની પૂરેપૂરી જવાબદારી તમે ખુદ લો છો, તમે આ જગ્યાએ શૂટિંગ કરવાના જોખમથી પૂરેપૂરા વાકેફ છો, અહીં તમારી સાથે કંઈ પણ થાય, તમારી હત્યા સુધ્ધાં થઈ જાય તો એની જવાબદારી આ હોસ્પિટલના સત્તાવાળા કે સ્ટાફની રહેશે નહીં.'

અનિકેત સ્તબ્ધ થઈ ગયો.           

'આ ડોક્યુમેન્ટ તમારી પાસે રાખો, ધ્યાનથી વાંચજો અને જો સહમત હો તો જ સહી કરજો. ઇઝ ધેટ ક્લીઅર?'

'યેસ,' અનિકેતે કહ્યું.

'ગુડ. એની ક્વેશ્ચન્સ?'

'વેલ, અત્યારે તો નહીં, પણ એક વાર કામ શરૂ થશે પછી તમારા માર્ગદર્શનની જરૂર પડતી રહેશે.'

'શ્યોર. આપણે મળતા રહીશું. તમારી રહેવાની વ્યવસ્થા ગેસ્ટ ક્વાર્ટર્સમાં થઈ ગઈ છે.'

'થેન્ક્યુ સો મચ,' અનિકેત ઊભો થયો. 'હું હવે રજા લઉં.'

સુપ્રિન્ટેન્ડન્ટ પણ ઊભા થયા અને અનિકેતને ચેમ્બરના દરવાજા સુધી વળાવવા આવ્યા. એકદમ જ અનિકેત થોભ્યો. પીઠ ફેરવીને એણે સુપ્રિન્ટેન્ડન્ટ સામે જોયું, 'સર, એક સવાલ છે. આ હોસ્પિટલનો સૌથી ખતરનાક પેશન્ટ કોણ છે?'

સુપ્રિન્ટેન્ડન્ટે અનિકેતની આંખોમાં સીધું જોયું. 'છે એક, કાનજી નામનો પેશન્ટ.'

'શું કર્યું છે, આઇ મીન, શું થયું છે કાનજીને?'

'કાનજીએ પોતાના આખા પરિવારને ખતમ કરી નાખ્યો છે. પોતાના દીકરા, દીકરી અને પત્નીનું એકસાથે મર્ડર કરી નાખ્યું છે.'   

ધૂ્રજી ઉઠયો અનિકેત!

એની નજર અનાયાસ સ્મૃતિની દેવી તરફ ગઈ. એને લાગ્યું કે દેવી આંખોમાંથી આગ વરસાવી રહી છે... (ક્રમશ:)

Related News

Icon