Home / GSTV શતરંગ : Some more tips for getting over the pain of a breakup

શતરંગ / બ્રેકઅપની પીડામાંથી બહાર આવવા માટેની કેટલીક વધુ ટીપ્સ

શતરંગ / બ્રેકઅપની પીડામાંથી બહાર આવવા માટેની કેટલીક વધુ ટીપ્સ

- વેદના-સંવેદના

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- મૃગેશ વૈષ્ણવ

- મોટા ભાગના લોકો સામેના પાત્રને સંપૂર્ણ  ભૂલી જવાની કે મનમાંથી ભૂસી નાંખવાના પ્રયત્નો કરતા રહે છે. પરંતુ આ એક ગંભીર ભૂલ છે

ગતાંકમાં આપણે બ્રેકઅપ અને તેને સંબધી ટીપ્સની ચર્ચા શરુ કરી છે. આ ચર્ચા આજે આગળ વધારીશું. સામાન્ય રીતે સંબંધ તૂટવાના મુખ્ય કારણોમાં વિશ્વાસઘાત, સંચારની અછત, જીવનશૈલીમાં અસમાનતા, પારિવારિક દબાણ, અને આર્થિક તણાવ મુખ્ય હોય છે.  આપણે ત્યાં જાતિ અને પરિવારની માન્યતાઓના કારણે પણ સંબંધો પર અસર પડે છે. આ ઉપરાંત, કારકિર્દી સંબંધિત તણાવ અને વ્યક્તિગત અસંતોષ પણ સંબંધ તૂટવાનું કારણ બની શકે છે. સંબંધમાં મુક્ત વાર્તાલાપ અને પરસ્પર સમજદારીથી મહત્વના છે. પરંતુ હવે તમારું બ્રેકઅપ થઇ જ ગયું છે તો પછી એની પીડામાંથી બહાર નીકળવાની બે ટીપ્સની ચર્ચા આપણે કરી ગયા વધુ ટીપ્સ આ રહી. 

૩. સામેના પાત્રને ભૂલવાના પ્રયત્નો ક્યારેય ન કરો.

મોટા ભાગના લોકો આ ભૂલ વારંવાર કરે છે અને સામેના પાત્રને સંપૂર્ણપણે ભૂલી જવાની કે મનમાંથી ભૂસી નાંખવાના સજાગપણે પ્રયત્નો કરતા રહે છે. પરંતુ આ એક ગંભીર ભૂલ છે. કારણ  તમારા મન પર જો તમે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લાદશો તો મન ફરીથી એજ વસ્તુના વિચારો કરશે. દા.ત. એક સ્કૂલમાં એક ક્લાસરૂમના બારણાને બંધ કરી એવું બોર્ડ લગાવવામાં આવ્યું કે આ બારણું ખોલીને અંદર જોવાની સખ્ત મનાઈ છે. પરિણામ એ આવ્યું કે બધા જ વિદ્યાર્થીઓ મોકો મળે ત્યારે બારણું ખોલીને અંદર જોવા લાગ્યા. અર્થાત મનમાં કોઈપણ વાત પર 'વર્જના'નું બોર્ડ લગાડશો તો એ વાત વારંવાર તમારા મનમાં આવશે. જો તમે એવું નક્કી કરશો કે વાંદરા વિશે હવે મારે કોઈ વિચાર કરવો નથી કે વાંદરાને મારે ભૂલી જવો છે તો તમારા મનમાં વાંદરો વારંવાર આવશે. આને મનની અવળચંડાઈ કે પછી  ‘Ironic Process of Mind' એટલે કે મનની વિડમ્બણાપૂર્ણ પરિસ્થિતિ કહે છે. તમે જેને ભૂલવા માંગો છો તે વારંવાર તમારી આંખ સામે આવીને ખડુ થાય છે એટલે સામેના પાત્રને ભૂલવાના સભાન પ્રયત્નો ક્યારેય ન કરો.

આના કરતાં તમે બીજા મિત્રો સાથે સમય વિતાવો, સારું વાંચન કરો. તમારા શોખ પૂરા કરો. તમારી તંદુરસ્તી તરફ ધ્યાન આપો. જીમમાં જવાનું શરુ કરો એટલે કે તમારા મનને કોઈપણ હકારાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો જેથી બ્રેકઅપ થયેલા પાત્રને યાદ કરવાની મનને ફૂરસદ જ ન મળે. શરૂઆતમાં આમ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે પણ ધીરે ધીરે એને સરળ બનાવી શકાય છે. યાદરાખો મનના કેન્દ્રમાં એક સમય એક જ વિચાર રહી શકે છે. પ્રેમ કરવાનો થોડોક જ સમય મળે છે પણ એને ભૂલવાનો પ્રયત્ન કરવાથી એને વાગોળવામાં ક્યારેક આખી જિંદગી પણ નીકળી જાય છે. તમે આવી ભૂલ ક્યારેય ન કરશો.

૪. બ્રેકઅપ માટે પોતાની જાતને ગુનેગાર ન સમજો.

મોટાભાગે લોકો બ્રેકઅપ માટે પોતાની જાતને જવાબદાર ગણાવી એવું વિચારે છે કે 'આમાં મારી જ ભૂલ છે. આ બધું મારા કારણે જ થયું છે.' હકીકતમાં બ્રેકઅપ માટે પોતાની જાત વિશે આવું ક્યારેય ન વિચારવું. માત્ર એવુ જ વિચારવું કે અમારા બંને વચ્ચેની કેમેસ્ટ્રી, આદતો, સ્વભાવ અને શોખોનો સુમેળ ન સધાયો. કેમેસ્ટ્રી મેચ થાય એ માટે તમે કોઈકને પ્રેમ કરતા હોવ એટલુ જ પૂરતું નથી.

મનમાં એક વાત જડબેસલાક રીતે ઠસાવી દો કે અમે બંને એકબીજા માટે બન્યા જ નહતા. આ વાત ઘણી મોડી સમજાણી અને જો અમે એકબીજા માટે બન્યા હોત તો સંબંધો તૂટવાની નોબત જ ન આવી હોત. એક સત્ય તમને સમજાવી દઉં કે તમે એને મળ્યા એ પહેલા પણ ખુશ હતા અને એ પછી પણ ખુશ રહી શકો છો એટલે જ તમારા બંને વચ્ચે જે કઈ પણ થયું એ માટે તમારી જાતને દોષ ક્યારેય ન આપો.

૫. સામેના પાત્ર પર ક્યારેય ગુસ્સો ન કરો.

એવું વિચારવાની ભૂલ તો ક્યારેય ન કરો કે હવે હું એની દગાબાજીનો બદલો લઈશ. એણે મારો પ્રેમ જોયો છે, આતંકના ઓછાયા નથી જોયા. હું એને હું શું છું એ બતાવી આપીશ. આવા બધા વિચારો ક્યારેય ન કરશો કારણ નફરત કરવાથી ભૂલવાની સ્પીડ ઓછી થાય છે. જો તમે કોઈને ભૂલવા માંગતા હોવ તો એને નફરત ક્યારેય ન કરો. કારણ તમે જેને નફરત કરો છો એ તમારા દિલો દિમાગ પર વધારે છવાઈ જાય છે. 

નફરત પછી ગુસ્સો આવવો સ્વાભાવિક છે કે 'સામેવાળાએ તમામ પ્રકારના સંબંધો પર પાણી ફેરવી દીધું. અમે એકબીજાથી કેટલા ખુશ હતા. એણે રાઈનો પર્વત બનાવી નાખ્યો. મેં એને માટે શું નથી કર્યું અને એના બદલામાં એણે મને શું આપ્યું.' આવું બધું જો વિચાર્યા કરશો તો તમને ગુસ્સો ચોક્કસ આવશે પણ ગુસ્સો આવવાથી તમારું ભલું થવાનું નથી. એટલેજ ગુસ્સો ક્યારેય ન કરશો કારણ ગુસ્સાથી તમારી સમસ્યાનો ઉકેલ તો નહીં આવે પરંતુ નવી સમસ્યા ચોક્કસ ઉભી થશે. ગુસ્સો કરવાં કરતા સામેના પાત્રને માફ કરી દો અને જીવનમાં આગળ વધો.

૬. ટીવી અને ગીતો સાંભળવાના બંધ કરો.

ટીવી પર બધી જ ફિલ્મો અને સિરિયલો રોમાન્સથી ભરેલી હોય છે. આ બધું જોવાથી તમારા દિલના ઘા ફરીથી તાજા થઇ જશે. અને ઘા તાજા થશે તો પીડા વધશે. એવી જ રીતે ગીતો સાંભળવાના પણ બંધ કરી દો. તેમાં પણ ખાસ કરીને મુકેશ, કિશોર, રફી, લતા કે અરિજિતના દર્દભર્યા ગીતો સાંભળવા પર થોડા સમય માટે પ્રતિબંધ મુકો. જોકે આ બધા જ ગાયકોનો હું પણ ઘણો મોટો પ્રશંસક છું. એમના ગીતો બહુજ ચોટદાર અને મધુર હોય છે પરંતુ થોડા સમય માટે એને લોક કરી દેવા જરૂરી છે. આના બદલે પુસ્તકો વાંચો. શક્ય હોય તો મારા જ મોટીવેશનલ પુસ્તકો વાંચો અને વિડીયો જુઓ. એનાથી જિંદગીમાં તમને ઘણી જ મદદ મળશે.

૭. કોઈપણ પ્રકારના નશાની ચુંગાલમાં ન પડો.

દેવદાસ પિક્ચર ઘણું સારું છે, એ જોઈ શકાય પણ પ્રેમભગ્ન થયા પછી દેવદાસ બનવું ઘણું હાનીકારક છે. આ સમયમાં દેવદાસને તમારો આદર્શ બનાવશો તો તમે બ્રેકઅપની પીડાને ભૂલવા માટે શરાબનો સહારો લઇ લેશો. આમ કરવાથી તમે ઉલમાંથી ચૂલમાં પડશો. એક પીડાને ભૂલવા જતાં તમે બીજી મોટી પીડા વહોરી લેશો. શરાબ, ગાંજો કે અન્ય કોઈપણ પ્રકારનો નશો કરવાથી કોઈપણ દર્દથી થોડા સમય માટે છૂટકારો મેળવી શકાય છે પરંતુ નશો ઉતરતા એ દર્દ બેવડું થઈને તમને જકડી લે છે. એટલે બ્રેકઅપને ભૂલવા કોઈપણ પ્રકારનો નશો ક્યારેય ન કરશો. કારણ આનાથી તમારું સ્વાસ્થ્ય કથળશે.

૮. સામેના પાત્રને સોશિયલ મીડિયા પર શોધવું. 

આ ભૂલ લગભગ બધા જ લોકો કરે છે. સામેના પાત્રની તમામ પ્રવૃત્તિ સોશિયલ મીડિયા પર વોચ કરી એનો પીછો કરવાનું શરુ કરે છે. તે ક્યા જાય છે? કોની સાથે મેસેજ કે ચેટ કરે છે? શું કરે છે, કોની સાથે કરે છે ? એવી તમામ વસ્તુઓનો પીછો કરવાનું શરુ કરે છે. હકીકતમાં આવું કંઈ જ કરવાની જરૂર નથી. કારણ આવું કરવાથી જો તમે એને સોશીયલ મીડિયા પર ખુશીના સ્ટેટ્સમાં જોશો તો તમે  વધારે ને વધારે બળી ઉઠશો. તમને એમ થશે કે મારી તો અહિયા જિંદગી ઝેર જેવી થઇ ગઈ છે અને એતો મજા કરે છે. આમ તમારી પીડા વધશે. અને જો તમે એને દુઃખી જોશો તો પણ તમારી પીડા વધશે.

જુઓ ભાઈ, હવે એ સુખી હોય કે દુઃખી, તમારે એની સાથે શું નિસ્બત? એટલા માટે એનું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ સ્ટેટ્સ ચેક ન કરો. એના વિશે તમારે જે જાણવાનું હતું તે બધું જ તમે જાણી લીધું છે. હવે  Stop That! જો તમને એ ઉદાસ દેખાય તો એના વિશે તમારા મિત્રોને ન પૂછો કે એ કેમ આમ ઉદાસ દેખાઈ રહી છે? તમારે હવે એના પર નહીં પણ તમારા પર ધ્યાન આપવાની અને તમારી દયા ખાવાની શરુ કરવાની છે.

૯. પ્રેમીપાત્રના ફોટાઓ અને વિડીઓઝ જોયા કરવા.

જ્યારે ડીજીટલ ક્રાંતિ નહોતી થઇ ત્યારે બ્રેકઅપ થયા બાદ પ્રેમીપાત્રો સામેના પાત્રના ફોટાઓ અને પત્રો જાળવી રાખતા. તેમની દલીલ એ જ હતી કે અમે તો પ્રેમ કર્યો છે. અમારા પ્રેમની છેલ્લી નિશાનું અસ્તિત્વ અમે ક્યારેય નહીં મીટાવીએ. હાલના જમાનામાં સોશિયલ મીડિયા પરની તસ્વીરો, પ્રેમભર્યા કે ન્યુડ આપેલા વિડીઓ ઘણાં મહત્વના હોય છે, અને યાદોમાં જીવતા લોકો તેને વારંવાર જોયા કરે છે. મનમાં એમજ વિચાર્યા કરે છે કે 'મારા નસીબમાં દુઃખ જ દુઃખ લખાયેલું છે અને કદાચ એના પ્રેમમાં વફાદારીની પણ થોડીક કમી હતી નહી તો જિંદગીની બાજી હું હારી ગયો ન હોત.'

ક્યારેક એવું પણ વિચારે છે કે 'છાતીમાં જબરજસ્ત ઝટકો આવે છે, શ્વાસ રૃંધાય છે છતાં પણ મોત આવતું નથી. હકીકતમાં મને એની બેવફાઈ કરતા મારા પર વધારે શરમ આવે છે. જો અમારી પાસે  વિતાવેલી ક્ષણોના ફોટોસ, વિડીઓસ કે ચેટ્સનો સહારો ન હોત તો ક્યારનાય મરી ગયા હોત.'

આ વિચારધારા અને એને કારણે કરાયેલા તમામ પ્રયત્નો મૃગજળમાં માછલી શોધવાના ફાંફાં મારવા જેવું છે. આ ફોટાઓ અને વિડીયો તમને એકલતાના સાથી લાગી શકે છે અને એના સહારે તમે જીવન જીવી શકશો એવો એક આભાસ ઉભો થાય છે પરંતુ તે તદ્દન ખોટી વાત છે. આમ કરવાથી તમે એને ભૂલી તો ક્યારેય નહિ શકો પણ મનની ગહેરાઈઓમાં વધારેને વધારે ઊંડે ઉતરતા જશો. સોશિયલ મીડિયાની યાદો દલદલ જેવી છે. એમાં એકવાર પગ પડયો એટલે અંદરને અંદર ઉતરતા જશો. 

બ્રેકઅપ પછી એના ફોટાઓ કે વિડીયો સાચવી રાખવાથી હૃદયની પીડા વધે છે. જો તમારે પીડામાંથી બહાર આવવું હોય તો એના ફોટા, એના વિડીયો એની ગીફ્ટ કે પછી એને આપેલી તમામ વસ્તુઓ હટાવી દો. શક્ય હોય તો ભસ્મીભૂત કરી નાંખો. સોશિયલ મીડિયા સાઈટ્સ પર દિલ પર દસ કિલોનું વજન રાખી ડીલીટ બટન દબાવી દો. એટલે નહીં રહે વાંસ અને નહીં વાગે વાંસળી. તમે ફિલ્મના કેટલાક સીન્સ યાદ કરો. જબ વી મેટમાં કરીના કપૂર એના પ્રેમીની તસ્વીર બાળી નાંખે છે યાદ છે? તમે પણ આવુ જ કરો.

ઉપરની વાતો ધ્યાનમાં રાખી આજે જ વાયદો કરો કે તમારું બ્રેકઅપ થઇ ગયું છે હવે બધું જ ખતમ થઇ ગયું છે અને તમારે હવે જિંદગીમાં આગળ વધવાનું છે.

ન્યુરોગ્રાફ: 

વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકીન

ઉસે એક ખુબસુરત મોડ દે કર છોડના અચ્છા 

એક સુંદર મઝાની નવી સવારની શરૂઆત કરો.

Related News

Icon