Home / GSTV શતરંગ / Tushar Dave : 'Indira is India...' India is Bharat... Modi is 'Mahabharat'! Tushar Dave

'ઈન્દિરા ઈઝ ઈન્ડિયા...' ઈન્ડિયા ઈઝ ભારત... મોદી ઈઝ 'મહાભારત'!

'ઈન્દિરા ઈઝ ઈન્ડિયા...' ઈન્ડિયા ઈઝ ભારત... મોદી ઈઝ 'મહાભારત'!

જેની રોપ ટ્રીક એક સમયે વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી એવા આ દેશમાં ભૂતકાળમાં એક જાદુગરણીએ આખા દેશને પાલતુ બનાવી દેવાનો ખેલ આદર્યો હતો! એના વર્ષો પછી એક વાંસળીવાળાએ આખા દેશને તળાવમાં કૂદવા જતા ઉંદરો જેવો બનાવવાનો પ્રયોગ આરંભ્યો છે એ કદાચ માત્ર જોગાનુજોગ ન પણ હોય. 

1950માં જન્મેલા નરેન્દ્ર મોદી સોળ વર્ષના થયા અને દેશમાં ઈન્દિરા ગાંધીનું શાસન આવ્યું. આપણામાં કહેવત છે કે બારે બુદ્ધિ, સોળે સાન અને વીસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા. મોદી 'સાનમાં સમજતા' થયા ત્યારથી ત્રણેક વર્ષનો અપવાદ બાદ કરતા લગલગાટ પંદર વર્ષ સુધી તેમણે ઈન્દિરા ગાંધીનું જ શાસન જોયેલુ. સોળ વર્ષના તરુણે મુગ્ધાવસ્થાથી માંડીને પંદર-પંદર વર્ષ સુધી જેની સત્તા જોઈ હોય એનો એના માનસપટલ પર કેટલો ઘેરો પ્રભાવ હોય! કદાચ એ જ કારણ હશે કે નરેન્દ્ર મોદી અને ઈન્દિરા ગાંધીના વાણી-વર્તન, કાર્યશૈલી અને 'રાજરમત'માં ગજબનાક સામ્યતા દેખાય છે. 

એવું લાગે કે સતત 'મન કી બાત' કરતા મોદીના ખુદના મનમાં ઈન્દિરા હોય. જેમ કે તમે આંખ બંધ કરીને મોદીએ કરેલી નહેરુની ટીકા યાદ કરો તો ડઝનબંધ યાદ આવી જશે, પણ મોદીએ ઈન્દિરાની ટીકા કરી હોય એવું જલદી યાદ નહિ આવે. 

આ પણ વાંચો: લેટરલ એન્ટ્રી અને કૉલેટરલ ડેમેજ: સરકાર મજબૂત સારી કે મજબૂર?

વસ્ત્ર પરિધાન માટેની સૂઝ અને પોતાના દેખાવ પ્રત્યેની બંન્નેની ચીવટ પણ નોંધનિય. ઈન્દિરા ગાંધીની સાડીઓ હોય કે હેરસ્ટાઈલ, દરેક બાબત હંમેશા એક ફેશન સ્ટેટમેન્ટ રહી છે. એ જ રીતે હાફ સ્લીવ્સના 'મોદી કુર્તા' હંમેશા ઈન ડિમાન્ડ રહ્યા છે. ઈન્દિરા ગાંધીનો કોઈ ફોટો લઘર-વઘર કે નબળો નહિ મળે અને મોદીસાહેબ તો જાણે લાગે કે જન્મ્યાં જ છે કેમેરા માટે... જો એ ફેશન ઈન્ડસ્ટ્રીમાં હોત તો અચ્છા અચ્છા મોડલ્સની છુટ્ટી કરી દેત.

ઈન્દિરા અને મોદી બંન્નેની સત્તા પર એન્ટ્રી ડ્રામેટિક અને એક્સીડેન્ટલ હતી. ઈન્દિરાને શરૂઆતમાં 'ગૂંગી ગૂડિયા' તરીકે ઓળખનારાઓએ તેમના રાજકીય વીલ પાવરને આંકવામાં થાપ ખાધી હતી. એ જ રીતે નરેન્દ્ર મોદી પણ રાજકીય અને બિન રાજકીય, બંન્ને પ્રકારના 'ભુકંપ' વચ્ચે સત્તા પર આવેલા અને આવ્યા ત્યારે બંન્નેના ખુદના પક્ષમાં પણ ઘોર વિરોધની સ્થિતિ હતી. મોદી અને ઈન્દિરા બંન્ને 'આફતોને અવસર'માં પલટતા ગયા અને મોટા મોટા નેતાઓને 'માર્ગદર્શક મંડળ' ભેગા કરીને પોતાનો માર્ગ મોકળો કરતા ગયા. ઈન્દિરા પણ શાસન દરમિયાન હંમેશા સત્તાના કેન્દ્રમાં રહ્યા. બધો પાવર હંમેશા પોતાના હાથમાં જ રાખ્યો. મોદીસાહેબ દાઢી અને દાઢમાં રાખેલા લોકો, બંન્નેને સમયસર ટ્રિમ કરવા-કરાવવાનું ચુકતા નથી! પક્ષના હોય કે વિપક્ષના, તમામ વિરોધીઓને વખતોવખત અને લોખંડી રીતે ડામી દેવામાં મોદીસાહેબ ઈન્દિરા ગાંધીના રાજકીય વારસદાર અને એ અર્થમાં ઈન્દિરા એમના માનસ ગોડમધર કહેવાય! 

ઈન્દિરા ગાંધી પર CBIનો દુરુપયોગ કરવાના આક્ષેપ લાગ્યા હતા અને મોદી અત્યારે 'ઈડી અમીન' બની બેઠા છે! 1977માં વિપક્ષોએ 'ઈન્દિરા હટાઓ, દેશ બચાવો'નો નારો આપ્યો હતો, હાલ સોશિયલ મીડિયા પર 'મોદી હટાઓ, દેશ બચાવો'ના કેમ્પેઈન ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: કોલકાતા રેપ કેસ અને મમતાની નાગડદાઈ: ઈસ હમામ મેં સભી...

એમનું નિશાન ભલે પંજો હોય, પણ ઈન્દિરાજીને આંદોલનો પાછળ હંમેશા 'વિદેશી હાથ' જ દેખાતો અને મોદી સરકાર આંદોલન કરનારા ખેડૂતોને પણ ખાલિસ્તાની ગણાવવામાં પાછીપાની કરતી નથી. 

ઈન્દિરાની વિદેશનીતિ સ્ટ્રોંગ હોવાનું કહેવાય છે અને મોદીસાહેબની વિદેશનીતિ પણ ખુબ મજબૂત હોવાનો પ્રચાર થઈ રહ્યો છે. 

ઈન્દિરા અને મોદી બંન્નેની કાર્યશૈલીમાં તમને એક વૈશ્વિક નેતા બની જવાના અભરખા ઉડીને આંખે વળગે. યાદ છે? એપ્રિલ 2021માં આપણે ત્યાં પૂરતી વેક્સીનના અભાવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનો કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ કરવાના ફાંફા હતા ત્યારે પણ ભારત ઝામ્બિયા, ગામ્બિયા, રવાંડા, સિરિયા, અલ્બાનિયા, પપૂઆ ન્યુગિની, યેમેન, પેલેસ્ટાઈન, ઈરાન, તાજીકિસ્તાન અને અંગોલા સહિતના વિશ્વના 95 દેશોને વેક્સીન સપ્લાય કરીને બેઠું હતું. આપણે કંઈ અમસ્તા જ વેક્સીન ગુરુ ગણાતા હતા અને એમ જ વિશ્વગુરુ બન્યાં છીએ?! 

બંન્નેએ પોતાના આર્મી જનરલોને છુટ્ટો દોર આપ્યો. ઈન્દિરાએ પ્લાન કરીને પાકિસ્તાન સાથે યુદ્ધ કરેલુ અને મોદીસાહેબે 'પ્લાન કરીને' પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. બંન્નેને પાકિસ્તાન બહુ ફળ્યુ છે!

આ પણ વાંચો: શતરંગ / કુલવિંદર કૌરનો કંગનાને લાફો : ઈસ ઘોર નિંદનિય કૃત્ય કા હમ ઘનઘૌર સમર્થન કરતે હૈ...!

આ બંન્ને નેતાઓની વાકછટા ખુબ જ પ્રભાવક રહી છે. એમના વાકચાતુર્યના પગલે એમને જે જનસમર્થન મળ્યું છે એ જોતાં બંન્ને 'મતના સોદાગર' ગણાય! ઈન્દિરા ગાંધીને પણ જ્યાં જાય ત્યાં પોતાનું લોકલ કનેક્શન જોડી દેવામાં ફાવટ હતી. ઈન્દિરાએ ગુજરાતમાં આવીને ફિરોઝ ગાંધીનું સૂરત કનેક્શન યાદ કરીને માથે ઓઢીને એમ કહેલું કે મેં તો 'ગુજરાત કી બહુ હું...'! મુંબઈમાં જન્મેલા ફિરોઝ પોતે ગુજરાતમાં કેટલા રહ્યાં હશે એ અલગ જ સવાલ છે. નરેન્દ્ર મોદીની જેમ જ ઈન્દિરાને પણ પોતાના પરના દરેક પ્રહાર સામેના વિક્ટિમ કાર્ડને નારામાં ફેરવી દેવાની ફાવટ હતી જેમ કે - 'ચિકમંગલૂર ભાઈ ચિકમંગલૂર... એક શેરની સો લંગૂર...' કે પછી - 'વો કહેતે હૈ કિ 'ઈન્દિરા હટાઓ... મેં કહતી હું ગરીબી હટાઓ.' મોદીસાહેબના 'ગરીબ કા બેટા' અને 'ચા વાળા' તરીકેના પ્રચાર જગજાહેર છે. આશ્ચર્યની વાત એ છે કે 2014ના કેમ્પેઈન વખતે મોદી ચાવાળા હોવાની વાત દેશભરમાં ઘર ઘર સુધી પહોંચી ગઈ, પણ અગાઉની ત્રણ ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહ્યા હોવા છતાં ગુજરાતમાં એ વાત ભાગ્યે જ કોઈને ખબર હતી. એ પહેલાના કોઈ ભાષણમાં પણ મોદીસાહેબ ક્યાંય એ બોલ્યા હોવાનુ ખાસ નોંધાયુ નથી. છે ને કમાલ!?

મોદીજીએ આયાસે તો ઈન્દિરાજીએ અનાયાસે કોંગ્રેસને વિખેરી નાંખવાની ગાંધીજીની નેમ પૂર્ણ કરવાની દિશામાં પગલાં ભર્યાં. મોદીએ દેશમાં કોંગ્રેસને મરણતોલ ફટકો મારીને ખત્મ થવાના આરે લાવી દીધી તો ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસના ભાગલા કરીને મૂળ કોંગ્રેસને ખત્મ જ કરી નાંખેલી. નવી પેઢીને તો કદાચ ખબર પણ નહિ હોય કે જૂની કોંગ્રેસને ઈન્દિરા ગાંધીએ 1969માં જ પતાવી દીધેલી અને નવીને મોદીજી પતાવવા બેઠા છે. હોવ... 

એટલે કુલ મળીને એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે કોંગ્રેસીઓ નહેરુનો વારસો જાળવી શક્યા હોય કે ન હોય, પણ નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધીનો વારસો બરાબર જાળવી રાખ્યો છે!

આ પણ વાંચો: મરતાં બાળકો અને ભાજપના MLAનું '156 ઈંચ'નું હાસ્ય : બાળકો ભલે ભુંજાઈ મર્યાં, પણ ભેંસ તો સલામત છે ને?

ઈન્દિરા વડાંપ્રધાન બન્યાં એ પહેલા જ તેમણે ફિરોઝ ગાંધીનો સાથ ગુમાવી દીધેલો અને મોદીજી...

બંન્નેની સરકાર મજબૂત અને શાસન કડક ગણાય. પ્રજાજનોને એ સુંદર શાસન કદી ગુમાવવું ન પડે એ હેતુસર ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી દીધેલી અને મોદીજી...

ફ્રી હિટ્સ:

1. રાજકારણમાં કશું પણ કારણ વગર નથી થતું.

2. રાજકારણમાં 'ના'નો મતલબ ના નથી હોતો, ને માત્ર 'ના' તો ક્યારેય નથી જ હોતો.

3. 'બંધ બારણે' થતી રાજકીય બેઠકોમાં બારી ઘણીવાર ખુલ્લી રહી જતી હોય છે ને ઘણીવાર તો જાણી જોઈને જ ખુલ્લી રખાય છે!

4. રાજકારણમાં ખખડાવવાના અને ખોસી દેવાના ખાંડા અલગ અલગ હોય છે...!

5. ચૂંટણીઓ માત્ર લોકોની સમજદારી અને ઈમાનદારી પરના વિશ્વાસથી ન જીતી શકાય. તમારે લોકોની બેઈમાની અને નાસમજીમાં પણ થોડો વિશ્વાસ મુકવો પડે.

6. ચૂંટણીમાં રિસાવાની સાથોસાથ માની જવાના ટાઈમિંગ્સ પણ મહત્ત્વના હોય છે. તમને એ બરાબર ખબર હોવી જોઈએ કે ક્યારે માની જવાનું છે!

7. રાજકારણમાં સ્વચ્છ-પારદર્શક વ્યક્તિત્વ કે સફસુથરા નેતા તરીકેની છબી બનાવાય જ છે એટલા માટે કે સમય આવ્યે એ છબીને વટાવી ખાઈ શકાય.

(મારા વનલાઈનર્સના પુસ્તક 'હમ્બોરિયાં'માંથી રાજકારણ વિશે ચૂંટેલા અવતરણો)

- તુષાર દવે