Home / GSTV શતરંગ / Tushar Dave : Lateral Entry and Collateral Damage: Is Government Strong Good or Coercive? Tushar Daver Dave

લેટરલ એન્ટ્રી અને કૉલેટરલ ડેમેજ: સરકાર મજબૂત સારી કે મજબૂર?

લેટરલ એન્ટ્રી અને કૉલેટરલ ડેમેજ: સરકાર મજબૂત સારી કે મજબૂર?

છેલ્લા એક પખવાડિયામાં મોદી સરકારે વકફ બોર્ડ એમેડમેન્ટ એક્ટ, બ્રોડકાસ્ટિંગ બિલ અને લેટરલ એન્ટ્રી, એમ ત્રણ ત્રણ મામલે યુ ટર્ન મારવો પડ્યો. 

UPSCએ હજુ 17 ઓગસ્ટે 45 પદો પર લેટરલ એન્ટ્રીથી ભરતીની જાહેરાત બહાર પાડી, વિપક્ષે લેટરલ એન્ટ્રીના કારણે અનામતની ઐસી કી તૈસી થતી હોવાનો રાડબૂમ મચાવી અને 20મીએ તો નિર્ણય પાછો પણ ખેંચાઈ ગયો. હવે સરકાર ખુલાસા કરતી ફરે છે. કોઈ મોટું અને જરૂરી ઓપરેશન પાર પાડવામાં જે ખુવારી થાય એને 'કોલેટરલ ડેમેજ' કહેવાય. લેટરલ એન્ટ્રીના ચક્કરમાં SC, SC અને OBCની નારાજગીનું કોલેટરલ ડેમેજ લેટરલ એન્ટ્રીના ફાયદા કરતા વધુ થવાનો ભય સરકારને લાગ્યો અને ઉતાવળે ભરતી રદ કરીને ખુલાસાઓ કરવા પડ્યા. 

યે ડર અચ્છા હૈ! સ્પષ્ટ બહુમતી અને સાદી સરસાઈ વચ્ચે માત્ર આટલો જ ફરક હોય છે, અગાઉ સરકાર વાછૂટ કરે તો પણ માસ્ટર સ્ટ્રોક ગણાતો, 'લાંબા ગાળે ફાયદા દેખાશે' - એવું કહીને છટકી શકાતું. હવે સરકારના કોઈપણ પગલાંની 140 કરોડની વસતી ધરાવતા આ દેશ પર (અને ખુદ સરકાર પર) લાંબા ગાળે શું અસર થશે એના પર ખરેખર વિચારણા કરવી પડે છે. 2018થી જે પ્રથા ચાલતી હતી એના પર આધારિત ભરતી રાતોરાત રદ કરી દેવી પડે છે. દસ દસ વર્ષથી ઓલમોસ્ટ વિપક્ષમુક્ત ચાલી રહેલી સરકાર ફાઉલ પર ફાઉલ કરી રહી છે. કારણ કે વિપક્ષ અને સાથી દળો સહિત સૌને સાથે કે વિશ્વાસમાં લઈને ચાલવાના સંસદીય લોકશાહીના પાયાના ગુણનો આ સરકારને કોઈ અભ્યાસ જ નથી.

આ પણ વાંચો: કોલકાતા રેપ કેસ અને મમતાની નાગડદાઈ : ઈસ હમામ મેં સભી...

ઉપરોક્ત ત્રણેય નિર્ણયો સારા હતા કે ખરાબ એની ચર્ચા અહીં નથી કરવી. એ રોજબરોજ ઠેર ઠેર ચાલી જ રહી છે. પ્રશ્ન એ ચર્ચવો છે કે વિપક્ષો-સાથી દળો જેના પર આવું દબાણ સર્જી શકે એ સારુ કહેવાય કે ખરાબ? (2014 પછી જ લેખન-પત્રકારત્વ કે રાજકીય વિશ્લેષણ કરતા થયેલા કે હજૂ પણ માત્ર ગુજરાત કે હિન્દી બેલ્ટના દૃષ્ટિકોણથી જ ભારતની રાજકીય ભુગોળ જોનારાઓને કદાચ યાદ નહિ હોય પણ) જો યાદ હોય તો આ અર્થમાં મનમોહન સિંહની સરકાર 'મજબૂર' ગણાતી. સાથી દળો અને વિપક્ષો સરકારના નાકમાં દમ લાવી દેતા. કોઈપણ મોટો નિર્ણય લેવામાં સરકારે રાજકીય અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડતું. ત્યારે થતું કે સરકાર આટલી નબળી ના હોવી જોઈએ કે પાંચ-પંદર સાંસદ ધરાવતા ફાસફૂસિયા પક્ષો પણ ટેકાના બદલામાં વડાપ્રધાનને દબાવી જાય. એ સમયે એક નરેશન સેટ થયુ કે ગઠબંધનની સરકાર હોવાના કારણે જ દેશમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ફૂંફાડા મારી રહ્યો છે. જે મહદઅંશે સાચુ પણ હતું. 

પછી ભારતે મનમોહન સિંહની મજબૂર સરકારને ફગાવીને નરેન્દ્ર મોદીના હાથમાં એક મજબૂત સરકારની કમાન સોંપી. 

હવે વિચારો કે સરકાર મજબૂત સારી કે મજબૂત? જવાબ છે - સરકાર જવાબદાર સારી. એ એટલી મજબૂર ન હોવી જોઈએ કે સતત અસ્થિરતાના કારણે જેમાં કોલેટરલ ડેમેજની શક્યતા હોય એવા અનિવાર્ય નિર્ણયો ન લઈ શકે. એ વધારે પડતી મજબૂત પણ ન હોવી જોઈએ કે એનું ખુદનું વજન લોકશાહી પર ભારે પડવા માંડે. બંન્ને સ્થિતિ જોખમી છે અને આ દેશે બંન્નેના સારાં-માઠાં પરિણામો જોયા-ભોગવ્યા છે. દેશનો વડાપ્રધાન સાવ નબળો લાગે એવું પણ ન થવું જોઈએ અને એ એટલો મુસ્તાક પણ ન રહેવો જોઈએ કે એક લોકશાહી રાષ્ટ્રનો વડો બબ્બે ટર્મ એટલે કે એક આખો દાયકો એક સાદી પત્રકાર પરિષદ સંબોધવી પણ જરૂરી ન માને. અરે, મૌનમોહન ગણાતા મનમોહન સિંહે તો એમની વડાપ્રધાન તરીકેની કારકિર્દીના સૌથી કપરા સમયે પત્રકાર પરિષદ કરવાનું જીગર બતાવેલું. જ્યારે દરેક વિષયનું જ્ઞાન ધરાવતા હોવાની અને હાજરજવાબી હોવાની છાપ જેમની બનાવાઈ છે એવા મોદીજીએ કોરોનાકાળમાં જ્યારે ભલભલા રાષ્ટ્રોના પ્રમુખો પત્રકાર પરિષદો કરતા હતા ત્યારે પણ પ્રેસ કોન્ફરન્સ નહોતી કરેલી. અરે, 2019ની ચૂંટણી જીત્યા બાદ પત્રકાર પરિષદમાં બેઠા, પણ એક પણ સવાલ ન લીધો. મને વાંધો ડોશી મરે એનો નહિ, પણ જમ ઘર ભાળી જાય એનો છે. મોદીજી એમના વડાપ્રધાન તરીકેના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન પત્રકાર પરિષદ ન કરે એનો પ્રોબ્લેમ નથી, પણ મને ચિંતા એ વાતની છે એમનું ઉદાહરણ લઈને ભવિષ્યના તમામ વડાપ્રધાનો એવું ન માની બેસે કે એક લોકશાહી રાષ્ટ્રનો વડોપ્રધાન પત્રકાર પરિષદ ન સંબોધે ને સતત એકતરફી 'મન કી બાત' કરે રાખે તો ચાલે. 

આ પણ વાંચો: મરતાં બાળકો અને ભાજપના MLAનું '156 ઈંચ'નું હાસ્ય : બાળકો ભલે ભુંજાઈ મર્યાં, પણ ભેંસ તો સલામત છે ને?

વેલ, ભારત સંસદીય લોકશાહી છે, અમેરિકાની જેમ અહીં પ્રેસિડેન્શિયલ ડેમોક્રસી (સિસ્ટમ) નથી. ભારતની વિશાળતા અને વિવિધતાનું પ્રતિનિધિત્વ પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં સચવાય પણ નહીં. જોકે, આપણી પ્રજા મૂળત: વ્યક્તિપૂજક હોવાના કારણે આપણે જાણ્યે-અજાણ્યે મનોમન પ્રેસિડેન્શિયલ સિસ્ટમથી આકર્ષાતા રહીએ છીએ. આપણને ક્યારેય સિસ્ટમ બનાવવા કે સુધારવામાં રસ હોતો નથી, આપણને હંમેશા કોઈ એક હીરોની ખોજ હોય છે કે એ જાદુની લાકડી ફેરવે અને તમામ સમસ્યાઓ હલ થઈ જાય. ગાળો દેવા માટે પણ એક વિલન જોઈતો હોય છે. ખેર, એ અલગ ચર્ચા અને લેખનો મુદ્દો છે. 

પોઈન્ટ એ છે કે દિલ્હીના પોશ વિસ્તારમાં બિરાજતા મુઠ્ઠીભર માણસોનો નિર્ણય એકસો ચાલીસ કરોડ લોકોના ભવિષ્ય પર અસર કરવાનો હોય એ સંજોગોમાં સરકાર પર વિપક્ષનો ચેક રહે એ જરૂરી છે. સરકારની પ્રશંસા માટે માહિતી ખાતુ હોય છે, મીડિયા વૉચ ડોગની ભૂમિકા ભજવે અને નીતિઓનું સ્કેનિંગ કરે એ મહત્ત્વનું છે. તંદુરસ્ત લોકશાહી માટે મજબૂત વિપક્ષ પણ જરૂરી છે. જેથી સરકારો ઈલ્લોજિકલ કે 'નોન બાયોલોજિકલ' ન થઈ જાય. અસ્તુ.

આ પણ વાંચો: શતરંગ / કુલવિંદર કૌરનો કંગનાને લાફો : ઈસ ઘોર નિંદનિય કૃત્ય કા હમ ઘનઘૌર સમર્થન કરતે હૈ...!

ફ્રી હિટ: 

આજ-કાલ 56 ઈંચની સરકાર સમર્થકોને ટ્વિટ કે પોસ્ટ ડિલિટ કરવાનો પણ સમય નથી આપતી ને યુ ટર્ન મારી લે છે! ભક્તો બાપડા હજુ ડિસીઝનને જસ્ટિફાઈ કરવા હવામાં તર્કની તલવારો વીંઝતા હોય ને પાછળ જોવે તો સિંહ 'અડધી પીચે'થી પાછો આવીને ખડ ખાતો હોય!

- તુષાર દવે