વડોદરાવાળા ડુબકાં ખાઈ રહ્યા હતા ત્યારે બોટ્સ સહિતની બચાવ સામગ્રી ધૂળ ખાઈ રહી હતી. આ બંન્ને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. ધૂળ પ્રજાના ઝમીર પર ચડેલી છે. આવું જ બને જ્યારે તમે લોક પ્રતિનિધિઓને બેજવાબદાર કરી મુકો. ફટવી મારો.
આ પણ વાંચો: ઈન્દિરા ઈઝ ઈન્ડિયા...' ઈન્ડિયા ઈઝ ભારત... મોદી ઈઝ 'મહાભારત'!
આ એ જ શહેર છે જેણે નરેન્દ્ર મોદી સહિતના ભાજપના ઉમેદવારોને પાંચ પાંચ લાખની લીડથી જીતાવ્યા છે. લોક પ્રતિનિધિમાંથી પ્રજાનો રોષ વિરોધી મતોમાં તબદિલ થવાનો ભય ગાયબ થઈ જાય ત્યારે એમની ચામડી વિશ્વામિત્રીમાંથી વડોદરાની સોસાયટીઓમાં ઘુસી આવતા મગરો જેટલી જાડી થઈ જતી હોય છે. શાસકોમાં વિરોધી મતદાનનો ભય એ પાણી પહેલાની પાળ હોય છે એ ન બાંધો તો પાણી ઘરમાં ઘૂસે જ ને?
આવું માત્ર વડોદરા નહિ આખા ગુજરાત સાથે થઈ રહ્યુ છે. ગુજરાત ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાઈ રહ્યુ છે કે મોરબીમાં બ્રિજ તૂટી પડે, વડોદરામાં બોટ પલટે કે રાજકોટમાં અગ્નિકાંડ થાય, છતાં ત્યાં તો જીતી જ જવાના.
આ પણ વાંચો: મરતાં બાળકો અને ભાજપના MLAનું '156 ઈંચ'નું હાસ્ય : બાળકો ભલે ભુંજાઈ મર્યાં, પણ ભેંસ તો સલામત છે ને?
પ્રજા શાસકોને કેટલી હદે બેફિકર કરી શકે અને ભાજપની ડેમેજ કન્ટ્રોલ મશીનરી કેટલી પાવરફૂલ છે એનું સૌથી વરવું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું. રાજકોટ અગ્નિકાંડના મોટાભાગના પીડિતોએ કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાનું ટાળ્યું. એટલું જ નહિ, પણ રેસકોર્સમાં પત્રકાર પરિષદ પણ કરી કે અમને સરકારે ન્યાયનો વિશ્વાસ આપ્યો છે, અમારે રાજકારણ નથી કરવું. કેન યૂ ઈમેજિન કે આનાથી વિપક્ષના મોરલ પર કેવડો મોટો ફટકો પડે? પડ્યો ફટકો... ને કોંગ્રેસની ન્યાય યાત્રાનું સૂરસૂરિયુ થઈ ગયુ. રાહુલ ગાંધી ગુજરાત આવવાના હતા એના પર પણ પાણી ફરી વળ્યુ ને અત્યારે આખા ગુજરાતમાં ઠેર ઠેર પાણી ફરી રહ્યુ છે ને અવાજ ઉઠાવનાર કોઈ નથી.
પ્રજાએ સત્તાપક્ષ અને વિપક્ષ બંન્નેને દોડતા રાખવાના હોય છે. સત્તાપક્ષ અને વિપક્ષ બંન્ને લોકશાહીને સમતોલ રાખવાના ટૂલ્સ છે. પ્રજાએ સમયે સમયે બંન્નેને ચૂંટીયો ખણતા રહેવો પડે. બાકી ઈતિહાસ ઉઠાવીને જોઈ લો કે જ્યાં જ્યાં કોઈ પક્ષ અમુક તમુક ટર્મ સુધી અનબિટેબલ થયો ત્યાં ત્યાં પ્રજાની હાલાકી અથવા ભ્રષ્ટાચાર વધતા ગયા. શિલા દિક્ષિતનું દિલ્હી યાદ કરો કે મમતા બેનર્જીનું હાલનું બંગાળ જોઈ લો. નહિ તો સામ્યવાદીઓના સમયના બંગાળનો કે લાલુના સમયના બિહારનો કે સપા-બસપાના સમયનો ઉત્તર પ્રદેશનો ઈતિહાસ જોઈ લો. હાલનું મધ્યપ્રદેશ જ જોઈ લો. વ્યાપમં કૌભાંડ અને એમાં પડતી લાશો યાદ છે? ક્યાંથી યાદ હોય! આપણને આપણા ખુદના ઝખ્મો યાદ નથી રહેતા ત્યાં બીજાના શું ધૂળ યાદ રહેવાના?
આ પણ વાંચો: કોલકાતા રેપ કેસ અને મમતાની નાગડદાઈ : ઈસ હમામ મેં સભી...
દરેક પ્રજાને એવો જ રાજા મળતો હોય છે જેને એ લાયક હોય. પ્રજાજનોનું આવું જ વલણ હોય તો કોઈપણ વિપક્ષ પ્રજાના પ્રશ્ને રસ્તા પર શા માટે ઉતરે? વિપક્ષના નેતાઓ પણ પોતાની ફાઈલો આગળ કરીને સત્તાપક્ષ સાથે 'ઘરઘરણું' શા માટે ન કરતા રહે? વિવિધ આંદોલનોમાંથી મળેલા યુવા નેતાઓ એક પછી એક સત્તાપક્ષમાં શા માટે ન જોડાતા રહે?
હરણી કાંડ હોય, મોરબી બ્રિજ કાંડ હોય, રાજકોટ અગ્નિકાંડ હોય કે પૂર આવે... કોઈ પણ સરકારે કે તંત્રએ આપણી સુરક્ષાનું ધ્યાન શા માટે રાખવું જોઈએ? જ્યારે આપણે જ એ મુદ્દે ગંભીર ન હોઈએ. મોરબીના બ્રિજમાં સુરક્ષા સર્ટિફિકેટના ધાંધિયા હતા, હરણી કાંડમાં બાળકોને લાઈફ જેકેટ વિના ચડાવી દેવાયેલા, રાજકોટમાં એનઓસી વિના ગેમ ઝોન ધમધમી રહ્યુ હતુ અને હવે વડોદરામાં બચાવ સામગ્રી ધૂળ ખાઈ રહી છે. આવું વારંવાર થાય જ છે એટલા માટે કારણ કે જાહેર સુરક્ષા, જાહેર આરોગ્ય, શિક્ષણ કે સારી આરોગ્ય સેવા ક્યારેય આપણા મુદ્દા હોતા જ નથી. આપણા મુદ્દા નથી હોતા એટલે એ ચૂંટણી મુદ્દા નથી હોતા અને જે ચૂંટણી મુદ્દો ન હોય એમાં કોઈ પણ સરકાર, તંત્ર કે અધિકારીઓ શા માટે ગંભીર થાય? વિધાનસભા ચૂંટણી પહેલા મોરબી કાંડનો કે લોકસભા ચૂંટણી દરમિયાન હરણી કાંડનો મુદ્દો સમ ખાવા પૂરતો સહેજ પણ ચર્ચામાં પણ આવ્યો હતો ખરો? અને ભૂલથી ક્યાંક થોડો આવ્યો હોય તો પણ પરિણામ શું આવ્યું? મેસેજ એ જ નીકળ્યો કે પચ્ચીસ મરે કે એકસો પચ્ચીસ, જનતાને એનાથી ફર્ક નથી પડતો. જનતાને ફર્ક નહિ પડતો હોય તો નેતાઓને પણ નહિ જ પડે. પ્રજાને એ તો મળી જ રહ્યું છે ને કે જેના માટે વૉટ આપ્યા હતા. ગુજરાત ભલે ડુબકાં ખાય, પણ ભેંસ તો સલામત છે ને? રાહુલ ગાંધી તમારું મંગલસૂત્ર તો નથી છીનવી ગયા ને?
આ પણ વાંચો: લેટરલ એન્ટ્રી અને કૉલેટરલ ડેમેજ: સરકાર મજબૂત સારી કે મજબૂર?
વાત એમ બિલકુલ નથી કે રાજ્યમાં સરકાર આના બદલે બીજા કોઈની હોત તો કોઈ ડ્રાસ્ટિક ચેન્જ હોત કે આવું ન બનેત. સવાલ એ છે કે જ્યાં નેતાઓ આંધળી બહુમતી પચાવવા જેટલા મેચ્યોર્ડ ન થયા હોય એમને આપવી શા માટે? ને કયો પક્ષ ચૂંટાય છે અને શાસન કરે છે એના કરતા પણ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે એ ચૂંટાય છે કયા મુદ્દાઓ પર? ચૂંટણી દરમિયાન જનતા ક્યારેય જાહેર સુરક્ષાના મુદ્દા માર્કેટમાં લાવે છે ખરી? જનતાને ખુદને જ કેટલાક રાજકીય ઈચ્છાખોરો પ્રેરિત આંદોલનોમાં ' ચલક ચલાણુ ને પેલે ઘેર ભાણું' રમવાની મજા પડતી હોય છે. ચૂંટણી ટાણે જ આપણે પ્રજામાંથી ક્ષત્રિય, કોળી, પાટીદાર અને બ્રાહ્મણ વગેરે થઈ બેસીએ છીએ. બધી જ્ઞાતિઓના ગૌરવ ફૂટી ને ફાટી નીકળે છે. અને 21મી સદીમાં પણ જો જનતા ધર્મ અને જ્ઞાતિના આધારે મતદાન કરતી હોય ત્યાં શું કંકોડા ભલુ થાય?
ફ્રી હિટ:
વડોદરાની જનતા હવે ક્યારેક કોર્પોરેટર તો ક્યારેક ધારાસભ્યને દોડાવી રહી છે, પણ અબ પછતાયે હોત ક્યા જબ ચિડીયા ચુગ ગઈ ખેત? (ને રાજકોટે તો સૌથી મોટું ઉદાહરણ બેસાડ્યુ જ છે કે પ્રજાને જરૂરી વિરોધ કરવામાં પણ ખાસ રસ નથી.) ફરીથી ચૂંટણી આવે ત્યારે વળી જ્ઞાતિવાદ ને ભેંસ-મંગલસૂત્રમાં મશગૂલ થઈ જવાનું. હોવ...