
- વિવિધા
- ચીન ભારત જેટલી જ લગભગ વસ્તી ધરાવે છે છતાં ભારત કરતા પાંચ ગણી જીડીપી ધરાવે છે. તેના વધતા જતા આર્થિક અને જીયોપોલિટિકસ કદ પર નજર અને નિયંત્રણ રાખીને ભારતે પ્રગતિ કરવાની છે
- કેટલા ટ્રિલિયનની ઈકોનોમી થઈ તે તો મહત્ત્વનું છે જ.. ભારત તે રીતે રાઇઝિંગ છે પણ માથાદીઠ આવકમાં હજુ ઘણી ધીમી ચાલે છે
ભારત જાપાનને પાછળ પાડીને વિશ્વનું સૌથી મોટું ચોથું અર્થતંત્ર બન્યું તે આવકારદાયક સમાચાર છે.ભારતની પ્રગતિના આ રીપોર્ટની ટીકા કરવાનો આશય નથી પણ દેશનો નાગરિક કેટલી આર્થિક સુખાકારી ભોગવે છે તેનો અંદાજ માથાદીઠ આવક પરથી આવે.
અમેરિકા ધાર્યા પ્રમાણે ટોપ
અમેરિકા આર્થિક તાકાતની રીતે ૩૦.૫ ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વમાં નંબર એક પર છે.(એક ટ્રિલિયન એટલે સાદી સમજ પ્રમાણે ૧,૦૦,૦૦૦ કરોડ). અમેરિકાની ૩૪ કરોડની વસ્તી જોતા માથા દીઠ ૮૯,૧૦૫ ડોલરની આવક થઈ.અમેરિકા છેક વીસમી સદીથી ટોપ પર રહેવામાં સફળ રહ્યું છે. ટેકનોલોજી, ફાયનાન્સ તેમજ વૈશ્વિક વેપારમાં તેઓ અગ્રતા જાળવી શક્યા છે તેનું આ પરિણામ છે.
ડ્રેગનની હરણફાળ
બીજા ક્રમે ચીન ૧૯.૨ ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે આગળ વધી રહ્યું છે. અમેરિકા ચેતી ગયું છે તેનું કારણ એ છે કે ચીન છેલ્લા ૨૫ વર્ષમાં હરણફાળ ભરતા અમેરિકા વચ્ચેનું અંતર ઘટાડી રહ્યું છે. ચીનની વસ્તી પણ ભારતની જેમ ૧.૪૦ કરોડની આસપાસ છે અને માથા દીઠ આવક ૧૩,૬૫૭ ડોલર છે.ચીન ઉત્પાદન,ઈન્ફ્રાસ્ટ્રક્ચર,ટેક્નોલોજીમાં અમેરિકા કરતા સરસાઇ ભોગવે છે. ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) અને ઇલેક્ટ્રિક કાર , વૈકલ્પિક ઊર્જા અને પિન ટુ પિયાનો કે એ ટુ ઝેડ ચીજવસ્તુઓમાં સસ્તામાં ઉત્પાદન કરીને વિશ્વને નિકાસ કરે છે.જિયોપોલિટિક્સમાં પણ વ્યૂહાત્મક રીતે અમેરિકા સહિત તમામ દેશોમાં પ્રભુત્વ ધરાવે છે. રશિયા, નોર્થ કોરિયા અને ભારત સિવાયના એશિયાના દેશોને દેવાદાર બનાવી લગભગ ખરીદી લીધા છે.
એવું કહેવાય છે કે આગામી અડધી સદીમાં એ.આઇ.ની રેસમાં જે દેશ આગળ હશે તે વિશ્વ પર રાજ કરશે.તો જણાવી દઈએ કે અમેરિકા કરતા ચીન બિલ્લી પગે ચાલીને એ.આઇ.માં સરસાઇ ધરાવતું થઈ ગયુ છે.ભારતના વિકાસમાં ચીન અને પાકિસ્તાન એ બે દેશો રોડા નાંખે છે. તેનું કારણ એ છે કે ભારતને તેનું સંરક્ષણ બજેટ વધારતા જ રહેવું પડે છે. ભલે આપણે ઓપરેશન સિંદૂરમાં છાતી ગજ ગજ ફૂલી જાય તેવી સફળતા મેળવી પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલો થયો તે પછી ભારતે જવાબ આપવાની ફરજ પડી. ભવિષ્યમાં પાકિસ્તાન સામે વધુ આક્રમકતાથી યુદ્ધ કરવું પડે તેને નજરમાં રાખીને જ ભારતે વધુ શો અને ફાઇટર વિમાનો ખરીદવાનું અને દેશમાં જ ઉત્પાદન કરવાના પ્રોજેક્ટને આગળ કરવો પડયો છે. પાકિસ્તાન પોતે તો નાદાર જેવો ગરીબ છે જ પણ આતંકી હુમલા કરી તેમજ યુધ્ધ માટેની ભૂમિકા
ચીનના પીઠબળથી જીવંત રાખીને ભારતનું જે બજેટ વિકાસ માટે ફાળવવાનું હોય તે સંરક્ષણ માટે આપવું પડે છે.ચીન તેનું બજેટ વધારે એટલે આપણે પણ તેમ કરવા ફરજ પડે છે.અમેરિકા, રશિયા. અને ફ્રાન્સ જેવા દેશ પણ શસ્ત્રો અને આધુનિક ફાઇટર વિમાનો અન્ય દેશોને વેચીને જ શ્રીમંત બનતા હોય છે તેઓ પણ વિશ્વ શાંતિ ડહોળાતી રહે તેમ રાજનીતિ ખેલે છે.ચીન ભૌગોલિક રાજનીતિ ખેલતા પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ વગેરે પાડોશી દેશોને લોન આપીને દેવાદાર બનાવી દે છે અને બદલામાં તેઓના સમુદ્ર, બંદરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મેળવે છે અને ભારત સામે કિલ્લેબંધી કરે છે.આ કારણે પણ ભારત આર્થિક તાકાત બનતું અટકે તેવું તેની રાજરમત છે. ભારત ત્રીજા ક્રમે આર્થિક સત્તા ન બને તે માટે ચીન તમામ હથકાંડા અજમાવશે.જો કે જર્મની અને જાપાન તેમજ યુરોપના દેશોને કોલ્ડ વોર કે હોટ વોરની ચિંતા નથી. ભારત, અમેરિકા, રશિયા અને ચીન આ ચાર મુખ્ય દેશો આસપાસ ભાવિ વિશ્વના ચક્કર ફરતા રહેશે.
જર્મની હજુ મક્કમ
જર્મની ત્રીજા ક્રમે ૭.૪૫ ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વમાં ત્રીજા ક્રમની અર્થસત્તા છે. યુરોપિયન યુનિયનનો તે મહત્વનો દેશ છે અને મિકેનિકલથી માંડી ઇન્સ્ટ્રમેન્ટ્સ ટેક્નોલોજી અને શોધ સંશોધનના તેઓ અગ્રણી છે. નિકાસલક્ષી અર્થતંત્ર તેઓ ધરાવે છે. જર્મનીની વસ્તી ૮.૪૫ કરોડ હોઈ તેઓની માથા દીઠ આવક ૫૫,૯૦૦ ડોલર છે.
ઇન્ડિયા રાઈઝિંગ પણ..
ચોથા ક્રમે ભારત જાપાન કરતા ખાસ સરસાઇ નથી ધરાવતું પણ તેનો ચોથો ક્રમ આંચકી લેવામાં સફળ થયું છે. ભારત ૪.૧૮૭ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હવે ધરાવે છે અને જાપાનને થોડા દિવસો પહેલા જ પાછળ ભલે પાડયું પણ ભારતની ૧.૪૦ કરોડની વસ્તી હોઈ જીડીપીનો વસ્તી વડે ભાગાકાર કરતા ભારતના નાગરિકની માથાદીઠ આવક ૨,૯૩૫ ડોલર જ છે. ભલે ભારત નંબર ગેમથી ખુશ થતો પણ માથાદીઠ આવક ઘણી મહત્વની છે.ભારતના સરેરાશ નાગરિક સુધી હજુ વિકાસના ફળ નથી પહોંચી શક્યા.વિશ્વમાં ચોથા ક્રમે હોવા છતાં ભારત હજુ વિશ્વની ટોચની વીસ આર્થિક તાકાત ધરાવતા દેશો કરતા પણ ૨૦માં ભાગની માથાદીઠ આવક ધરાવે છે. ભારત ચાર આંકડાની માથાદીઠ ધરાવતો દેશ છે જ્યારે બીજા બધા પાંચ આંકડાની તે પણ ૧૫થી વીસ ગણી માથાદીઠ આવક ધરાવે છે. ચીનની લગભગ ભારત જેટલી જ વસ્તી છે પણ માથાદીઠ ૧૩,૬૫૭ ડોલર આવક છે.ચીનનું અર્થતંત્ર ભારત કરતા ચાર ગણાથી વધારે છે અને માથાદીઠ આવક ચાર ગણી વધુ છે.
જાપાનનું ઉત્તમ જનજીવન
જાપાન હવે ૪.૧૮૬ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર સાથે પાંચમાં ક્રમે છે પણ તેઓની વસ્તી ૧૩ કરોડની નજીક હોઈ માથાદીઠ આવક ભારત કરતા ૧૫ ગણી એટલે કે ૩૩,૯૫૫ ડોલર છે. તેઓના જીવનની ગુણવત્તા ભારત જ નહીં એરિક અને યુરોપીય દેશો કરતા પણ ઉત્તમ છે.
બાકીના પાંચ ક્રમ અને છઠ્ઠા ક્રમે ૩.૮૩ ટ્રિલિયન ડોલર અને ૫૪,૯૦૦ ડોલરની માથાદીઠ આવક સાથે યુનાઇટેડ કિંગડમ છે. તે પછી અનુક્રમે ફ્રાન્સ, ઇટાલી, કેનેડા અને દસમા ક્રમે બ્રાઝિલ આવે છે.
ભારતે વિચારવાનું છે
માથાદીઠ આવક વિકાસના ફળ નાગરિક સુધી કેટલા પહોંચે છે તેનો માપદંડ છે. માલિક કે રાજા પાસે ભલે તિજોરી છલકાતી રહે પણ તેના કર્મચારીઓ કે પ્રજાના હાથમાં કેટલો રૂપિયો આવે છે, તેઓનું હજુ અગાઉ જેવું કે કથળેલું સ્તર હોય તો દેશની ઇમેજ વિશ્વની નજરે અલ્પ વિકસિત કે વિકસી રહેલ ત્રીજા વિશ્વના દેશ જેવી જ રહે છે.
જોકે માથાદીઠ આવક ઓછી હોવા અંગેનો દોષનો ટોપલો માત્ર સરકારને માથે ઓઢાડવો જ યોગ્ય નથી. ધારો કે દસ વ્યક્તિઓના એક પરિવારમાં ત્રણ જણા તનતોડ મહેનત કરીને મહિને કુલ દસ લાખની કમાણી કરે છે. બીજા ત્રણ જણા મહિને બે લાખની કમાણી કરે છે અને ચાર જણા રખડી ખાય છે અથવા તો સિસ્ટમની ત્રૂટીને કારણે કંઈ યોગદાન નથી આપતા. આમ પરિવારના દસ સભ્યોની આવક ૧૨ લાખ છે અને માથાદીઠ આવક ૧.૨ લાખ થાય છે પણ તેમાં ચાર જણા તો કંઇ પ્રદાન આપ્યા વગર જ ૧.૨ લાખ તેના નામે કરે છે.જે ત્રણ જણા સરેરાશ અંદાજે ૭૦, ૦૦૦ જેટલી કમાણી કરે છે તેઓને પણ માથાદીઠ ૧.૨ લાખ મળશે. નુકશાન પેલા ત્રણ કે જેઓ દસ લાખનું માસિક યોગદાન આપે છે તેઓને છે. તેઓને માથાદીઠ ૩.૩૩ લાખની જગ્યાએ રૂ.૧.૨૦ લાખથી સંતુષ્ટ રહેવું પડે છે.
પિરામિડ મોડેલ અયોગ્ય
દેશ માટે પણ કંઈક આવું જ હોય છે.અડધો ભારત દેશ એવો છે જેઓ પાસે કાં તો રોજગારી નથી, કે પછી તેઓ પૂરતું શિક્ષણ નથી પામી શક્યા કે પછી તેઓની ક્ષમતા છતાં મર્યાદિત કંપનીઓ કે પ્રોજેક્ટની ફાળવણીનો ભાગ જૂજ વેપારી, ઉદ્યોગપતિઓ કે કોન્ટ્રાક્ટરોને જ મળે છે.
હા, એક બહોળો વર્ગ એવો છે જેઓની કામ કરવાની દાનત જ નથી. તેઓને શોર્ટ કટમાં પૈસા કમાવવા છે. ગુનાખોરી કરવી છે અથવા તો એમ જ દાંડની જેમ બેઠા રહેવું છે.
વિકાસ બે હાથે જ થઈ શકે. સરકારે માત્ર જીડીપી વધારવા કરતા દેશના નાગરિકની માથાદીઠ આવક વધે તે માટે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવું પડે. દેશના પાંચ ટકા નાગરિકો પાસે દેશની ૯૫ ટકા જીડીપી હોય તેવું ન હોવું જોઈએ. કમાણી કરનારા અને જીવન ધોરણ સુધર્યું હોય તેવા નાગરિકોનો વિસ્તાર થવો જોઈએ. પિરામિડની ટોચ મુઠીભર શ્રીમંતો છે અને તે પછી નીચે તરફ ફેલાયેલા દેશના નાગરિકો છે. આ પિરામિડ મોડેલ સહેજ પણ આદર્શ તરીકે સ્વીકાર્ય ન હોવું જોઈએ. નાગરિકો સુધી શિક્ષણ, રોજગારી, આરોગ્ય અને સ્કીલ પહોંચવી જોઈએ.
તો બીજી તરફ તમામ જાતિ કે ધર્મના નાગરિકોએ પણ દેશ પર બોજ બનીને ન રહેવું જોઇએ. પ્રગતિ અને પ્રદાનની આકાંક્ષા હોવી જોઈએ.
દેશનું અર્થતંત્ર અને પ્રગતિ કુદરતી સંપદા, શ્રમિકોનો પુરવઠો , કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારની નીતિઓ પર અવલંબન રાખતું હોય છે.
હવે પ્રત્યેક રાજકીય પક્ષો નાગરિકો માટે અન્નથી માંડી આરોગ્યમાં મફત યોજનાઓ બહાર પાડે છે તે પ્રગતિ માટે બાધારૂપ છે.ભારતનું આર્થિક કદ વધતું જાય છે પણ મત મેળવવાના રાજકારણમાં નાગરિકો આળસુ બનતા જાય છે. બધુ મફતમાં કે રાહત દરે મળતું હોય તો નાગરિકોની શ્રમ કે કે પ્રગતિ કરવાની દાનત જ નથી રહેતી. તેવી જ રીતે જો વેપાર, કામ કે કોન્ટ્રાક્ટ જૂજને જ મળતા હોય તો લાખો પ્રતિભાશાળી નાગરિકોનો ઉત્સાહ મંદ પડી જાય છે.અત્યારે જે પણ વસ્તી ઉમેરાય છે અને જે વસ્તી છે તે નિષ્ક્રિય કે બોજરૂપ બનતી જશે તો જીડીપીના ગુલાબી આંકડાઓના કેફમાં જ રાચતા રહીશું અને પરિવારોના જીવનધોરણ પ્રગતિ નહીં કરી શકે.
ભારત હેપીનેસ ઇન્ડેક્સમાં પ્રગતિ કરે અને ભ્રષ્ટાચાર ઇન્ડેક્સમાં પાછળ તરફ ધકેલાય તેને પણ સફળતાના માપદંડ તરીકે મહત્તા મળે તે જરૂરી છે.
- ભવેન કચ્છી