
- પારિજાતનો પરિસંવાદ
- આગામી ત્રીસેક વર્ષમાં આ પૃથ્વી પર એટલું ઉષ્ણતામાન થશે કે માણસજાતનું જીવન અશક્ય બની જશે. અને ત્યારે આવતી સદીના આ ચિત્રમાં માણસ ક્યાં?
માનવજાતને જાણે એક પ્રચંડ ભૂખ જાગી છે અને તે છે યુદ્ધની ભૂખ. કોઈ સામ્રાજ્ય વધારવાની બદદાનતે યુદ્ધે ચડયા છે, તો કોઈ વિરોધીને સર્વથા ખતમ કરી નાખવા માટે યુદ્ધે ચડયાં છે. આજનું યુદ્ધ એ મહાભયાનક યુદ્ધ છે, કારણ કે હવે સૈનિકો સામસામા લડતા નથી, રણમેદાન પર જંગ ખેલાતો નથી, એકબીજાનાં શસ્ત્રોની કસોટી થતી નથી, સરહદો પર અથડામણો થતી નથી, પરંતુ આકાશમાંથી મિસાઈલોની વર્ષા થાય છે અને સઘળું પળ- બેપળમાં તો બિસ્માર બની જાય છે. એક બોમ્બ મોટી તબાહી સર્જે છે, ત્યારે આજે તો એક દિવસમાં કેટલાય બોમ્બ નખાય છે.
આજે વિશ્વનાં નવ દેશો પાસે ૧૨,૧૦૦ પરમાણુ શસ્ત્રો છે. રશિયા અને અમેરિકા એ બંને પાસે સાડા પાંચ હજારથી વધુ અણુશસ્ત્રો છે. આ બંને મહાસત્તાઓ વિશ્વનાં લગભગ નેવું ટકા પરમાણુશસ્ત્રો બનાવે છે અને એના જોરે આજે જગત પર પરમાણુબોમ્બ મહાભયનો ઓથાર સર્જી રહ્યો છે. પોતાના પ્રભુત્વ માટે વિરોધી દેશની પ્રજાને હણી રહ્યા છે. ચીન, ફ્રાન્સ, બ્રિટન, પાકિસ્તાન, ભારત, ઇઝરાયેલ અને ઉત્તર કોરિયા પાસે પણ આ પરમાણુશસ્ત્રો છે. બીજા દેશો પણ ધીરે ધીરે આ માર્ગે આગળ વધી રહ્યાં છે. એમાં વળી એમ કહેવાય છે કે એક પરમાણુશસ્ત્ર વિસ્ફોટથી ન્યૂયોર્કનાં આશરે પોણા છ લાખથી વધુ લોકો મૃત્યુ પામે. વળી અમેરિકાએ બેલ્જિયમ, ઈટલી, નેધરલેન્ડ અને તુર્કીમાં પણ પરમાણુશસ્ત્રોનું આયોજન કરે છે.
આજે જ્યારે મિસાઇલ્સથી મહાવિનાશ થઈ રહ્યો છે, ત્યારે એક પ્રસંગનું સ્મરણ થાય છે. અમેરિકામાં આતંકવાદથી ધ્વંસ પામેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરને એ સમયે 'ઝીરો ગ્રાઉન્ડ' તરીકે ઓળખવામાં આવતું હતું. આજે તો એની સિકલ બદલાઈ ગઈ છે. એની નજીક આવેલા યુનાઇટેડ નેશન્સના ચેપલમાં ૨૦૦૨ની ૨૫મી એપ્રિલે જુદા જુદા ધર્મના વિચારકો, ચિંતકો અને ધર્મોપદેશોની વચ્ચે 'જર્ની ઓફ અહિંસા: ફ્રોમ ભગવાન મહાવી૨ ટૂ મહાત્મા ગાંધી' એ વિષય પર મારું વક્તવ્ય હતું. ત્યારે એક મહાનુભાવે મને કહ્યું, 'ડો. દેસાઈ, મને બહુ ચિંતા થાય છે.'
મેં પૂછયું, 'શેની?'
તેમણે કહ્યું, 'સ્વિચની ચિંતા થાય છે. ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ ! આ સ્વિચ કોઈ ન ઓન કરે એ જોજો.'
મેં કહ્યું, 'તમે કોઈ ઇલેક્ટ્રિશિયનની વાત કરો છો? આપ તો પાદરી જેવા લાગો છો.'
તેમણે કહ્યું, 'હા, હું પાદરી છું, પણ હું જાણું છું કે જો આ માણસ પછી તે અમેરિકાનો કે રશિયાનો પ્રમુખ હોય, પરમાણુશસ્ત્રો ધરાવતા નવ દેશોમાંથી કોઈ દેશનો અગ્રણી હોય, અને તે એક સ્વિચ 'ઓફ'ની 'ઓન' કરી દેશે તો આ ધરતી પરથી મનુષ્યજાતિનું અસ્તિત્વ કેટલા મોટા પ્રમાણમાં નષ્ટ થઈ જશે !
અને હા, અમેરિકાએ ૧૯૪૫ની છઠ્ઠી ઓગસ્ટે 'લીટલ બોય' નામનો રૂપકડું નામ ધરાવતો અણુબોંબ હિરોશિમા પર ફેંક્યો અને નવમી ઓગસ્ટે જાપાનના બીજા શહેર નાગાસાકી પર બોમ્બ નાખ્યો. ચાલીસ હજાર નિર્દોષ માનવીઓનો ભોગ લેવાયો. એ પછી અહીં રચાયેલા સ્મારક પર લખ્યું કે, 'માનવજાત ફરી કદી બોબ ફેંકવાની મૂર્ખાઈ નહિ કરે' અને આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયે તો માનવજાત રોજેરોજ સતત બોબ ફેંકવાની મૂર્ખાઈ કરી છે!
છેલ્લાં પાંચ હજાર વર્ષમાં ઓછાંમાં ઓછાં નાનાં-મોટાં થઈને પંદર હજાર યુદ્ધો થયાં છે. માણસજાત એક એવી જાત છે કે એણે જેટલા એના જાતભાઈઓને મારી નાખ્યા છે, એટલા બીજી કોઈ જાતિએ એના જાતભાઈઓને મારી નથી નાખ્યા. જગતમાં આજે બે જ પરિસ્થિતિ છે. એક યુદ્ધની અને બીજી છદ્મ યુદ્ધની. આતંકવાદ, ટેરિફ વોર અને વિસ્તારવાદી દેશોનું ઠંડું યુદ્ધ જગત પર ભરડો લઈને બેઠું છે.
એક ઘટનાનું સ્મરણ કરીએ. વર્ષો પૂર્વે રશિયન લેખક મેક્સિમ ગોર્કી ગામડાંઓમાં જઈને વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ આણવા માટે અભિયાન ચલાવતા હતા. એક વાર એક ગ્રામસભામાં મેક્સિમ ગોર્કીએ કહ્યું,
''થોડા સમયમાં વૈજ્ઞાનિક સંશોધનને પરિણામે માનવી આકાશમાં ઊડશે અને છેક પાતાળ લગી આસાનીથી પહોંચી શકશે. દરિયાના પેટાળની અંદર શું ચાલે છે એની રજેરજની માહિતી માનવી મેળવી શકશે. તમને કલ્પના નહીં આવે એવાં કામો માણસ દ્વારા શક્ય બનશે. એ ધરતીના પેટાળની અંદર જઈને, ખાણોની અંદર છેક નીચે સુધી જશે. એના પેટાળમાં શું ચાલે છે એનાં સંચલનો જાણીને આપણને કહેશે.''
આ સાંભળીને એક વૃદ્ધ ગ્રામજને મેક્સિમ ગોર્કીને પ્રશ્ન કર્યો,
''મિસ્ટર મેક્સિમ ગોર્કી ! તમે કહ્યું કે માણસ આકાશમાં ઊડશે, માણસ પાતાળ સુધી પહોંચશે. જ્યારે વિજ્ઞાન દ્વારા આટલું બધું અદ્ભૂત થવાનું છે, તો કંઈક એવું નહીં થાય કે આ પૃથ્વી ઉપર માણસે સારી રીતે કઈ રીતે જીવવું એ એને કોઈ શીખવે? માણસના જીવનનો મહત્ત્વનો પ્રશ્ન છે આ પૃથ્વી પરનું એનું જીવન.''
ઘણી વાર આપણાં પૌરાણિક કથાનકોમાં ગૂંથાયેલાં રહસ્યો ખૂબ ગમે છે. દક્ષ-મહાયજ્ઞા યોજાયો, ત્યારે એમાં એક વ્યક્તિને નિમંત્રણ નહોતું મળ્યું અને એ હતા શિવ. શિવ એ કલ્યાણનું પ્રતીક છે. કલ્યાણના દેવ છે. યજ્ઞા એ સર્જન કરે, એને બદલે આપણે જાણીએ છીએ કે દક્ષયજ્ઞામાં માનવસંહાર થયો. એમ આજે દક્ષ-દક્ષતા -સ્કીલ-ટેકનોલોજી-નો એક મહાયજ્ઞા આરંભાયો છે. પણ આપણે એક વસ્તુ ચૂકી ગયા છીએ અને તે છે માણસજાતના કલ્યાણને માટે નિમંત્રણ આપવાનું. યજ્ઞામાં તો સર્જન થાય, પણ અહીં સંહાર થયો !
ગાઝાની બેહાલ હાલત જુઓ, ઈરાન અને ઇઝરાયેલમાં થયેલા વિનાશનાં દ્રશ્યો નિહાળો, લાંબા સમયથી ઝઝૂમતા અને યુદ્ધના પ્રહારની વચ્ચે જીવતા નહીં, પણ માત્ર શ્વાસ લેતા યૂક્રેનનો વિચાર કરો કે પછી જગતમાં યુદ્ધની પરિસ્થિતિથી એક યા બીજી રીતે ઘેરાયેલા દેશોનો વિચાર કરો તો ખ્યાલ આવશે કે માનવજાતિએ યુદ્ધના ઘોર વિનાશની સાથે પર્યાવરણને એટલી બધી હાનિ પહોંચાડી છે!
આ ધરતી ઉપર માણસજાતે જે બળાત્કાર કર્યો છે અને એને પરિણામે એણે કુદરતી સંપત્તિનો એવો વિનાશ કર્યો છે કે એ આજે કુદરતી આપત્તિ રૂપે એનું વળતર ચૂકવે છે. મેક્સિકોના પર્યાવરણવાદી હોમ્સ ઓડિજરની તો ફરિયાદ છે કે, 'આપણે પૃથ્વીના ગ્રહ પરની માનવજીવનની ઉત્તમ કૃતિઓનો સંહાર કરીએ છીએ અને આપણી જીવન-સહાયક સિસ્ટમનો નાશ કરીએ છીએ.'
વનમાંથી રણ તરફ ગતિ કરીએ છીએ. હિમાલયનું વૃક્ષો કાપીને મુંડન કરી નાખ્યું છે. લીલાછમ અ૨વલ્લને સૂકો ભઠ્ઠ કરી નાખ્યો. કારખાનાંઓના ધુમાડાને કારણે હવે વરસાદમાં પાણીને બદલે એસિડ વરસશે. જાપાને તો એનો અનુભવ પણ કરી લીધો.
વિશ્વની આર્થિક અસમાનતા, વસ્તીવિસ્ફોટ અને પ્રદૂષણ પણ વિશ્વના ભાવિને માટે પ્રશ્નાર્થરૂપ છે.
આજના માણસે આવતી પેઢીને યયાતિ સંસ્કૃતિ આપી છે. એ પૌરાણિક કથા કહે છે કે શુક્રાચાર્યના શાપથી વૃદ્ધ બનેલા યયાતિની ભોગવિલાસની ઇચ્છા અપૂર્ણ હોવાથી એને પુનઃ યૌવન પ્રાપ્ત કરવું હતું. એમના પુત્ર એમનું તારુણ્ય આપે તો જ યયાતિની વૃદ્ધાવસ્થા દૂર થાય તેમ હતી. યયાતિએ ચારે પુત્રોને એમનું તારુણ્ય આપીને એમની વૃદ્ધાવસ્થા લેવાનું કહ્યું. ત્રણે પુત્રોએ ના પાડી. સહુથી નાના પુત્ર પુરુએ પોતાનું તારુણ્ય આપ્યું અને પિતાની જરા અર્થાત્ વૃદ્ધત્વ પોતે લીધું. એ તારુણ્ય વડે યયાતિએ દેવયાની સાથે યથેચ્છ વિષયસુખ ભોગવ્યું એમ આપણા ગ્રંથો કહે છે. આજે યયાતિ યૌવનને ભોગવવા માટે અર્થાત્ પોતાનાં વિલાસી સુખોને માટે આવતી પેઢીને જરા(વૃદ્ધત્વ) આપી રહ્યો છે. આજે માનવી પોતાના અંગત સ્વાર્થ ખાતર આવતી પેઢીને વિનાશ આપી રહ્યો છે.
થોડાં વર્ષો પૂર્વે લોકો ભાગ્યે જ ઋતુપલટાની વાત કરતા. એમ કહેવાતું કે સતત બદલાતી ઋતુની વાત તમારે સાંભળવી હોય તો તમારે ઇંગ્લેન્ડ જવું. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ! એક દિવસમાં ત્રણે ઋતુનો અનુભવ થાય છે, પણ ભારતમાં આવું નથી. આજે આપણે ત્યાં પણ વારંવાર જોઈએ છીએ કે ઋતુઓ કેવી અનિયમિત થઈ ગઈ છે ! એનું નિયમિત ચક્ર કેવું ખોરવાઈ ગયું છે. પૃથ્વીનું વધતું તાપમાન કે ઓઝોન લેયરમાં થતા ફેરફારોથી ત્રાટકનારા ભયની બીક માનવજાતને માથે સવાર છે. આગામી ત્રીસેક વર્ષમાં આ પૃથ્વી પર એટલું ઉષ્ણતામાન થશે કે માણસજાતનું જીવન અશક્ય બની જશે. અને ત્યારે આવતી સદીના આ ચિત્રમાં માણસ ક્યાં? માનવજીવન ક્યાં? ધર્મ અને અધ્યાત્મ ક્યાં? પૃથ્વી પર સુખ-શાંતિ ક્યાં?
મનઝરૂખો
ચીનના મહાન ચિંતક કોન્ફયૂશિયસ સત્યના ઉપાસક હતા અને એમનું અંગત જીવન નમ્ર, ગૌરવશાળી, વિવેકી અને સ્વસ્થ્ય હતું. એવા જ્ઞાની સંત કોન્ફયૂશિયસને ચીનના સમ્રાટે બોલાવીને પૂછયું, 'હે જ્ઞાની પુરુષ, આ પૃથ્વી પર સૌથી મહાન વ્યક્તિ કોણ છે ?'
કોન્ફયૂશિયસે હસીને કહ્યું, 'સમ્રાટ, આપ વિશાળ સામ્રાજ્ય ધરાવો છો અને સામર્થ્યવાન છો, માટે મહાન છો.'
સમ્રાટે વળતો પ્રશ્ન કર્યો, 'મારાથી મહાન કોણ હશે ?'
ત્યારે કોન્ફયૂશિયસે કહ્યું, 'ક્ષમા કરજો સમ્રાટ. હું સત્યનો ઉપાસક છું. ક્યારેય અસત્ય ઉચ્ચારતો નથી અને એ કા૨ણે જ હું તમારાથી મહાન ગણાંઉ.' સમ્રાટે વળી પ્રશ્ન કર્યો, 'આપણા બંનેથી પણ ચડિયાતી કોઈ મહાન વ્યક્તિ આ જગતમાં હશે ખરી ?'
કોન્ફયૂશિયસે કહ્યું, 'હા સમ્રાટ, ચાલો, જરા મહેલની બહાર એક લટાર મારી આવીએ.' સંત અને સમ્રાટ મહેલની બહાર નીકળ્યા. ધોમધખતો તાપ હતો. એ સમયે નાનકડા ગામના પાદરે એક માણસ કોદાળી લઈને એકલો કૂવો ખોદી રહ્યો હતો. કોન્ફયૂશિયસે એ માણસ તરફ આંગળી ચીંધી કહ્યું,
'સમ્રાટ, કોઈ પણ દેશના સમ્રાટ કે સંત કરતાં આ માનવી વધારે મહાન છે, કારણ કે એ કોઈનીય મદદ લીધા વિના બીજાના ભલા માટે કાર્ય કરી રહ્યો છે. એ એકલે હાથે જે કૂવો ખોદશે એનો લાભ આખા ગામને મળશે. સહુની તૃષા તૃપ્ત થશે, આથી બીજાની સેવામાં જીવન વ્યતીત કરનાર માણસ સૌથી મહાન કહેવાય.'
- ડૉ. કુમારપાળ દેસાઈ