
- કેમ છે, દોસ્ત
- 'રસ્તાની ધૂળને કંકુ માની એને મસ્તકે ન ચઢાવાય. એનું સ્થાન તો પગને લાયક ગણાય... યત્ન, જે થાળીમાં તેં ભોજન કર્યું એ જ થાળીમાં છેદ કરતાં તને શરમ નથી આવતી ?'
પ્રશંસાએ હતાશ વદને વિજ્ઞાનના મેગેઝિનનાં પાનાં ઉથલાવવા માંડયાં. કોઇકે ધૂમકેતુ વિષે લાંબોલચ લેખ લખ્યો હતો. પ્રશંસાને પોતાના દાદીમાએ કરેલી વાત યાદ આવી. દાદીમાએ કહ્યું હતુંઃ 'પ્રશંસા, ધૂમકેતુ એટલે પૂંછડિયો તારો. મારી વાત તું માને કે ન માને પણ ધૂમકેતુનો ઉદય અમંગળ ગણાય છે.'
પ્રશંસાએ તરત જ મેગેઝીન બાજુમાં મૂકી દીધું. એના મનમાં રોષ જન્મ્યો શા માટે પ્રયત્નને પોતે જીવનસાથી તરીકે પસંદ કર્યો? શા માટે મમ્મીની વાત માની યત્નને જાકારો આપ્યો? પ્રશંસા પોતાની જાતને કોસતી રહી. પ્રશંશાને લાગતું હતું કે પ્રયત્ન નામના ધૂમકેતુને કારણે પોતાનું જીવતર ઝેર બની ગયું છે. પ્રયત્ન પણ પોતાના જીવનાકાશમાં આકસ્મિક રીતે ઊગેલા ધૂમકેતુ જેવો જ હતો ને?
પ્રશંસાને યાદ આવે છે એ સાવ નાની હતી માત્ર આઠ વર્ષની. યત્નનાં મમ્મી પપ્પાનું આકસ્મિક અવસાન થતાં પોતાની મમ્મીએ યત્નની આંગળી પકડીને પોતાના ઘરનો અનાથ-અતિથિ બનાવ્યો હતો. યત્ન છ વર્ષનો હતો.
પ્રશંસા પ્રતિભાદેવીની એકની એક પુત્રી હતી. લાડકોડમાં ઉછરેલી હોવાને કારણે થોડીક જિદ્દી, અધિકારપ્રિય અને તોફાની પણ. યત્નનું આગમન એને લેશમાત્ર રુચ્યું નહોતું પરંતુ પ્રતિભાદેવીએ પોતાના સોગંદ નાખીને પ્રશંસાને સમજાવ્યું હતું કે 'યત્નનાં મમ્મી-પપ્પાનાં અવસાન સમયે પોતે યત્નને સાચવાનું તેમને વચન આપેલું છે માટે યત્ન આપણા ઘરમાં જ રહેશે અને તુ કહીશ એમ બધુ એ કરશે, તને ક્યાંય નડશે નહીં.'
બસ, પછી તો પ્રશંસાએ યત્ન પર બોસિંગ ચાલુ કરી દીધું હતું. યત્ન આમ તો સાવ નિર્દોષ અને ઓછાબોલો હતો. પ્રશંસા અને યત્ન એક જ સ્કૂલમાં ભણતાં હતાં પણ પ્રશંસા યત્નની ઘોર ઉપેક્ષા કરતી હતી. સ્કૂલમાં યત્નને જાણે પોતે ઓળખતી પણ ન હોય તેવું વર્તન કરતી હતી. ઘરમાં પણ પ્રશંસા યત્ન જાણે એનો નોકર હોય એવું વર્તન કરતી હતી. ક્યારેક એને અન્યાય કરે, વિના કારણે ધમકાવે, પાણી મંગાવે પીવા માટે અને પછી પીધા વગર પાણી ઢોળી દે, અને યત્નને પોતું કરવાનો ઓર્ડર આપે. પ્રશંસાના આવા અપમાનજનક વર્તનથી યત્નનું મોં એકદમ પડી જતું હતું, પરંતુ તેની રોજિંદી પ્રવૃત્તિઓ પર કોઈ અસર પડતી નહોતી.
દરરોજ પ્રશંસાના સ્કૂલના બૂટને પોલિશ કરવી, તેની સ્કૂલ બેગ ટાઈમટેબલ પ્રમાણે તૈયાર કરવી, લંચબોક્સ સ્કૂલબેગમાં સાચવીને મૂકી દેવો - આવાં બધાં જ કામ યત્ન મૂંગા મોઢે કર્યા કરતો. ત્યારે પ્રશંસાનો થોડો રોષ અદ્રશ્ય થઇ જતો, પણ યત્ન 'અનાથ' છે એટલે એના તરફ વધુ લાગણી દેખાડવાનો શો અર્થ? એવા પ્રતિભાદેવીના શબ્દો પ્રશંસાના મનમાં યત્ન પ્રત્યે જન્મેલા સદભાવને ભૂલી જવાનું નિમિત્ત બની જતા.
એમ વર્ષો પસાર થવા લાગ્યાં. પ્રશંસા સાયન્સમાં અને યત્ન આર્ટસમાં અભ્યાસ કરતો હતો. પ્રશંસા પાસે રૂપ હતું, અનોખી અદા હતી, નજાકત હતી, આધુનિકતા હતી. અને આ બધાંનો તેને ઘમંડ પણ હતો. જ્યારે યત્ન શાંત સરળ અને ક્ષમાશીલ સ્વભાવને કારણે તે સૌને ખૂબ વહાલો લાગતો હતો. યત્નનો સૌમ્ય ચહેરો, સાદાં વસ્ત્રો ગોરો વાન, નમ્રતા અને સંસ્કારોથી ઓપતું વ્યક્તિત્વ... હતું એટલે પ્રશંસા પણ યત્ન પ્રત્યે થોડી નરમ પડી હતી.
પ્રશંસા અને યત્ન બન્ને યુવાનીને ઊંબરે આવીને ઊભાં હતાં. એટલે સમય પારખીને પ્રતિભાદેવીએ બન્ને જણાં પર પોતાની વૉચ ગોઠવી દીધી હતી. પ્રતિભાદેવી પ્રશંસાના મનમાં ઠસાવતાં રહ્યાં કે યત્ન એક અનાથ છોકરો છે અને આ ઘરમાં એમની દયા પર જ એનો ઉછેર થયો છે. ક્યાં પ્રશંસા અને ક્યાં યત્ન ! પ્રશંસાએ કોઈ અમીર પરિવારના પુત્ર સાથે મૈત્રી કેળવવી જોઇએ. પિકનિક પ્રોગ્રામ કે બર્થ ડે પાર્ટી જેવા પ્રસંગોમાં પરિચય વધારવો જોઇએ. અને એ રીતે પ્રશંસાના જીવનમાં આવ્યો હતો પ્રયત્ન. એક ધનાઢ્ય પિતાનો લાડકો દીકરો. પ્રતિભાદેવીને પણ પ્રયત્ન પસંદ હતો. મમ્મીની સંમતિ મળતાં પ્રશંસાએ પ્રયત્ન સાથે સગાઈ કરવાનું નક્કી કર્યું હતું.
પ્રયત્ન યત્નની કોલેજમાં તેની સાથે જ અભ્યાસ કરતો હતો. પ્રયત્નને યત્ન સારી રીતે ઓળખતો હતો. તે એક અહંવાદી પિતાનો બગડી ગયેલો પુત્ર હતો. તેણે નમ્રતાનો દેખાવ કરીને પ્રતિભાદેવીનું દિલ જીતી લીધું હતું. પરંતુ હકીકતમાં પ્રયત્નને લાગણીમાં નહિ, અધિકારમાં રસ હતો. સુખ વહેંચવામાં નહિ એકલપેટ થઇને સુખ ભોગવવામાં આનંદ આવતો હતો. તેના સામ્રાજ્યમાં દલીલને સ્થાન નહોતું. તે તો એકચક્રી શાસનમાં માનતો હતો. સ્વચ્છંદતાના રવાડે ચઢનારને સ્નેહ, સૌજન્ય અને સદવ્યવહારનું સ્મરણ પણ ક્યાંથી રહે?
યત્ન બરાબર જાણતો હતો કે પ્રતિભાદેવી પ્રશંસાને કેન્દ્રમાં રાખીને જ જીવવા ટેવાયેલાં હતાં. પ્રશંસાને મૂકીને ક્યારેય તેઓ જમતાં નહોતાં. પ્રશંસા જમે પછી જ પ્રતિભાદેવી જમતાં. પ્રશંસા તેમના કાળજાનો કટકો હતી. પ્રશંસા જ તેમનું સર્વસ્વ હતી. તેઓ હંમેશાં કહેતાં કે દીકરી હોય તો મારી પ્રશંસા જેવી હોવી જોઇએ. પ્રશંસા પણ પોતાની મમ્મી પ્રતિભાદેવીને એટલો જ આદર આપતી હતી. મમ્મીના દરેક વાક્યને એ ઇશ્વરના આદેશ સમાન ગણતી હતી.
યત્નએ એક દિવસ પ્રતિભાદેવીને કહ્યું: 'આન્ટીજી, મારે આપની સાથે પ્રયત્ન વિષે કેટલીક વાત કરવી છે. એ આપના ઘરને લાયક નથી.'
યત્ન આગળ બોલે તે પહેલાં જ પ્રતિભાદેવી તાડૂકી ઉઠયાં: 'યત્ન, ખબરદાર જો પ્રયત્ન વિષે એક પણ અપશબ્દ બોલ્યો છે તો. હું તને બરાબર ઓળખી ગઈ છું તેં મારી દીકરી પ્રશંસાને દાઢમાં ઘાલી છે. એટલે તું પ્રયત્નના દોષો ગણાવવા તૈયાર થઇ ગયો છે. કાન ખોલીને સાંભળી લે. તારી મમ્મીને મેં તને ઉછેરી મોટો કરવાનું વચન આપ્યું હતું. આ ઘરનો જમાઈ બનાવવાનું નહીં. તારું એક એક રૃંવાડું મારું કર્જદાર છે. નમકહરામ બનતાં પહેલાં તારે સાત વાર વિચાર કરવો જોઇએ. તારા જેવા અનાથ છોકરાના હાથમાં મારી દીકરીનો હાથ સોંપીશ એવી કલ્પના કરવાનું તું સાહસ પણ કેવી રીતે કરી શકે ? જે થાળીમાં ભોજન કર્યું એ જ થાળીમાં છેદ કરતાં તને શરમ નથી આવતી? રસ્તાની ધૂળ કંકુ માનીને મસ્તક પર ન લગાવાય. એનું સ્થાન તો પગમાં જ હોય. ચાલ્યો જા મારા ઘરમાંથી હમણાં જ.' મમ્મીનો સંવાદ પ્રશંસા મૂંગામોડે સાંભળી રહી હતી. એણે યત્નને રોકવાની હિંમત પણ ન કરી.
અને યત્ન ચૂપચાપ પ્રશંસાનું ઘર છોડીને નીકળી ગયો હતો. કોઈ એની દાનત પરત્વે શંકા સેવે એ એને મંજૂર નહોતું. એણે મનોમન કહ્યું: 'પ્રતિભાઆન્ટી મને માફ કરજો.'
અને યત્નના ગૃહત્યાગને છ મહિના વહી ગયા. પ્રતિભાદેવીએ પ્રશંસાના લગ્ન પ્રયત્ન સાથે ધામધૂમથી પતાવી દીધાં હતાં. બસ, ત્યારથી જ પ્રતિભાદેવી અને પ્રશંસાના ઘર પર આપત્તિના વાદળ ઘેરાવાં શરૂ થઇ ગયાં હતાં. પ્રતિભાદેવીને એકલું ના લાગે એટલે પ્રયત્નએ પ્રશંસાને પોતાને ઘેર લઇ જવાને બદલે પોતે જ સાસરામાં ઘરજમાઈ તરીકે રહેવાનું શરૂ કરી દીધું હતું. સવારે અને સાંજે પુત્રી પ્રશંસા સાથે જમવાનો પ્રતિભાદેવીનો નિયમ પ્રયત્નએ એક ઝાટકે સમાપ્ત કરી દીધો હતો. પ્રયત્ન એ પોતાના બેડરૂમમાં જ ફોલ્ડીંગ ડાઇનિંગ ટેબલ લગાવી દીધું હતું. પ્રશંસાએ તેને સમજાવવાની કોશિશ ખૂબ કરી પણ પ્રયત્ન પોતાની જિદ જતી કરવા તૈયાર નહોતો.
પ્રશંસા જ્યારે પણ મમ્મી સાથે લાગણીથી વાત કરતી હોય ત્યારે પ્રયત્ન વ્યંગ કરતો: 'શ્રવણકુમારી, તીર્થયાત્રા માટે કાવડનો ઓર્ડર આપી દઉં?'
પ્રશંસા રોષે ભરાતી ત્યારે તેનાં મમ્મી વાત વાળી લેતાં. જો કે પ્રયત્ન તો કાગળના ફૂલ જેવો હતો. એમાં અત્તર છાંટો તો ઘડીક મહેકે, પણ અંતે તો સુગંધ વગરનું જ !
પ્રયત્ન પ્રતિભાદેવીને ખૂબ જ મસકા મારતો હતો. 'મમ્મીજી, તમે આખી જિંદગી મહેનત કરીને ઘર ચલાવ્યું પણ આ તમારી લાડકી પ્રશંસા કશું સમજતી જ નથી. હવે તમારે કામમાંથી નિવૃત્તિ લઇ લેવી જોઇએ. ઘરનો બધો વહીવટ આપ મને સોંપી દો. હું આપના દીકરા જેવો જ છું ને ! આપના માટે તો હું મારા માતા-પિતાને છોડીને અહીંયા રહેવા આવ્યો છું.'
અને પ્રયત્નની મીઠી વાતોમાં આવીને પ્રતિભાદેવીએ પોતાનો બિઝનેસ અને બધી મિલકત પ્રયત્નના નામે કરી દીધી. બસ ત્યારથી પ્રયત્નનો મિજાજ એકદમ ફરી ગયો હતો. એણે પ્રશંસાને પોતાને ઘેર લઇ જવા રાજી કરી દીધી. પોતાનાં મમ્મી-પપ્પા પ્રત્યે પણ એક પુત્રવધૂ તરીકે પ્રશંસાએ ફરજ બજાવવી જોઇએ. એમ કહીને પ્રશંસાને પોતાને ઘેર લઇ ગયો.
સદાય હસતી પ્રશંસાના જીવનમાંથી એકાએક આનંદનું ઝરણું સુકાઈ ગયું. એકલાં પડેલાં પ્રતિભાદેવી પ્રયત્નની દગાખોરીને પારખી ગયા હતાં. પ્રશંસા સાસરે આવી પણ ત્યાં એને જરાપણ સન્માન નહોતું મળતું. પ્રયત્ન એને વાતવાતમાં ઉતારી પાડતો હતો અને તેનાં મમ્મી-પપ્પા પ્રશંસા સાથે એક નોકરાણી હોય તેવું વર્તન કરતાં હતાં. પ્રયત્ન આખો દિવસ છોકરીઓ સાથે રખડયા કરતો હતો. કામધંધો કરવાની તો જરૂર જ નહોતી. પ્રશંસાની બધી મિલકતનો એ માલિક બનીને બેઠો હતો.
અંતરને કોરી ખાતી વેદનાએ પ્રતિભાદેવીના આયુષ્યમાં ક્રમશઃ ઘટાડો કરવાનું શરૂ કરી દીધું હતું. સાજા-સમા પ્રતિભાદેવીનું શરીર એકાએક ગળતું જતું હતું. સારા ડૉક્ટર પાસે જઈ દવા કરાવવાના પણ તેમની પાસે પૈસા નહોતા.
યત્ન એક હોસ્ટેલમાં રહેતો હતો અને એક બેંકમાં પાર્ટટાઈમ જોબ કરતો હતો. પ્રતિભાદેવી બીમાર છે અને એકલાં રહે છે એવી વાત ઊડતી ઊડતી તેને સાંભળવા મળી.
એક દિવસ સવારના પહોરમાં એ તેમના ઘરે પહોંચી ગયો. પ્રતિભાદેવી ઓટલા પર ખુરશી નાખીને સૂનમૂન બેઠાં હતાં. પ્રતિભાદેવીનાં અકાળે શ્વેત બનેલા વાળ, જીર્ણ થઈ ગયેલી કાયા અને ઉદાસ ચહેરો જોઇ યત્નનું હૃદય હચમચી ઊઠયું. તે પ્રતિભાદેવીના પગ આગળ બેસીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો અને કહ્યું: 'આન્ટીજી, તમે મને આટલો બધો પરાયો માની લીધો? તમે તો મારી મા છો. તમે જ મને મોટો કર્યો, ભણાવ્યો, મારા પગ પર ઊભા રહેવાને લાયક બનાવ્યો. હવે હું અહીંથી જવાનો નથી. તમારી આજીવન સેવા કરીશ.'
પ્રતિભાદેવી બોલ્યા: 'બેટા, મેં પ્રયત્ન વિશેની તારી વાત ના સાંભળીને ભૂલ કરી છે. મને ક્ષમા કરી દે.'
'ના, મા, એવું ના બોલો. તમારે ક્ષમા માગવાની ના હોય અને પ્રશંસાદીદી તો લાખોમાં એક છે. એના પતિ થવા તૈયાર થાય એવા ડઝન છોકરા મળી જાય, પણ મારા જીવનમાં બહેનની ખોટ પૂરી કરી શકે એવાં તો પ્રશંસાદીદી જ છે. હું તો મારી બહેનના જીવનમાં કોઈ દુઃખ ન આવે તે માટે પ્રયત્ન વિષે વાત કરવા માંગતો હતો. પણ તમારું ઋણ કદી ભૂલીશ નહીં. આજથી હું તમારી સેવામાં અને પ્રશંસાદીદીનો રાખડીબંધો ભાઈ. હું કશુંક આપવા આવ્યો છું, લેવા માટે નહીં.'
- ડૉ.ચન્દ્રકાન્ત મહેતા