Home / GSTV શતરંગ : nice to hear music of reverse horn, but you keep listening it can be fatal accident

GSTV શતરંગ/ રિવર્સ હોર્નનું સંગીત સાંભળવું ગમે ખરું, પણ સતત સાંભળતા રહીએ તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે

GSTV શતરંગ/ રિવર્સ હોર્નનું સંગીત સાંભળવું ગમે ખરું, પણ સતત સાંભળતા રહીએ તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે

- વિન્ડો સીટ 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- રાકેશ દેસાઈની નવલિકાનું શીર્ષક પહેલી નજરે ન સમજાય તેવું છે, 'રિવર્સ હોર્ન.'

નરેશ અને ગીતા લગ્ન પછી છેક ત્રીસ વરસે ફરવા નીકળી શક્યાં હતાં. બધું જોવા છતાં તેમની નજર જાણે ખાલીની ખાલી- 'આ વાદળોને ચીરતા ઊંચા પહાડો; ક્યાંક ક્યાંક બૌદ્ધ મોનેસ્ટરીની ફરફરતી રંગીન પતાકાઓ.' ટેક્સીમાં બેસીને દંપતી દાર્જીલિંગથી ગંગટોક જતું હતું. નરેશે નાનપણે જ મા-બાપ ગુમાવેલાં. ભાઈ ગટુ નવ વરસે નાનો. નરેશને ક્લાર્કની નોકરી મળી પછી મામાએ પરણાવી દીધો. ગુણિયલ ગીતાએ શરૂઆતનો દાયકો દિયર પાછળ ખર્ચી નાખ્યો. દીકરી મંજરી ગયા વરસે પરણી. માઉન્ટ આબુ હનીમૂન પર જવાનું તો હતું પણ આગલી રાતે ગટુ મેલેરિયામાં પટકાતાં કેન્સલ કરવું પડયું. પછી ન જવાયું તે ન જ જવાયું.

દાર્જિલિંગના મોલ રોડ પર એમણે યુવાન યુગલોને એકમેકની કમરે હાથ રાખીને ફરતાં જોયાં. 'નરેશ ગીતાની કમરે હાથ વીંટાળવા મથ્યો, પણ એ બધું હવે ત્રીસેક વરસ મોડા પડયાના ખ્યાલે અટકી ગયો.. તિસ્તા (નદી)ની જેમ વહી જતા સમયને કેમ કરીને પાછો વળાય?'

ડ્રાઇવરે એંજિન ઠંડું કરવા ટેક્સી ઊભી રાખી, તેવામાં એક બસમાંથી ઉતારુઓની હો-હા ઊતરી. ચંપકભાઈ નામના વાતોડિયા મુસાફરે કહ્યું કે વાહન અકસ્માતને કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. નરેશ-ગીતાએ સવાલો પૂછયા. ચંપકભાઈએ માંડીને વાત કરી. ટી-એસ્ટેટના ધનવાન કુટુંબનો ડાયનેમિક દીકરો દોરજી લેપચા ગંગટોકની કોલેજમાં કાર લઈને આવે. બીજી બાજુએ ગંગટોકના હોટેલ-માલિકની દીકરી સાનવી ગુરંગ, વીજળી જેવી તેજ. બન્ને વચ્ચે કાર-રેસ જામી ગઈ. કોલેજ પહોંચીને દોરજીએ ગાડી રિવર્સમાં ચલાવી અને રિવર્સ હોર્નની ફિલ્મી ધૂન ગૂંજી રહી, 'તેરા મુઝસે હૈ પહલેકા નાતા કોઈ, યૂં હી નહીં દિલ લુભાતા કોઈ..'

નરેશ-ગીતાને પોતાની પહેલી મુલાકાત યાદ આવી. 'મંછામાસીના.. વધુ પડતા ઊંચા પલંગના ખૂણે નરેશ ઉભડક બેઠો હતો. બેડરૂમને લગભગ ભરી નાખતા એ પલંગ સિવાય બચીકૂચી જગ્યામાં સામે લોખંડના કબાટની બાજુમાં એક પતરાની ખુરશી પર ગીતા બેઠેલી હતી... બાજુના ફ્લેટની સામે જ દેખાતી કિચનની બારીમાંથી કુકરની ત્રણચાર વાર સીટી વાગતી સંભળાઈ.'

ચંપકભાઈએ વાત આગળ વધારી. 'કોઈ ભૂખ્યો, ખુદાબક્ષ મુસાફર રેલવે પ્લેટફોર્મ પર લટકાવેલા ટીવીમાં આવતા રસોઈ શોમાં મલાઈ કોફતા બનતું જોઈ રહ્યો હોય તેમ નરેશ ને ગીતા આ રૂપેરી પ્રેમકથાને સાંભળી રહ્યાં.' મજાક-મસ્તીમાં દોરજી-સાનવીનાં કોલેજનાં ત્રણ વરસ નીકળી ગયાં. કંચનજંગાની સાક્ષીએ બન્નેએ પરણવાના કોલ આપ્યા. પણ સાનવીની મમ્મીની તબિયત લથડી. ડેડીએ પ્રેશર કર્યું કે ચીફ સેક્રેટરીના દીકરા સાથે પરણી જા. 'ડેડીએ કાઢેલા પાઇપના ધુમાડાએ.. કંચનજંગાના ચળકતા શિખરને પળભર ઝાંખું કરી દીધું.' સાનવી દોરજીને કહે, 'હો સકે તો માફ કર દેના, મજબૂર હૂં.'

ચંપકભાઈ ક્લાઇમેક્સ પર આવ્યા. ગંગટોકથી દાર્જીલિંગ જતાં દોરજીની ગાડીએ હોલ્ટ લીધો હતો, ત્યાં બાજુની ગાડીમાંથી સાનવી અને એનો ફિયાન્સ બહાર નીકળ્યાં. દોરજીએ રિવર્સનું ગિયર પાડયું, રિવર્સ હોર્ન વાગવા માંડયું, 'તેરા મુઝસે હૈ પહલેકા નાતા કોઈ..' દોરજીને ઝનૂન ચડયું, તે ગાડીને રિવર્સમાં લેતો રહ્યો,લેતો જ રહ્યો, ગાડી કરાડની ધાર પરથી ખીણમાં ખાબકી.' નરેશ-ગીતાને આંચકો લાગ્યો. 'આટલા મજેદાર, દમદાર રોમેન્સની આવી કરુણ પરાકાષ્ઠા!' બન્ને તાકી રહ્યાં, 'એક જ ફૂટ દૂર આ ઊંડી ખીણ છે.. રિવર્સમાં જઈને ચૂકી જવાયેલા રોમેન્સ માટે ઝૂરીશું તો- નરેશ ને ગીતા અનાયસ ખીણથી દૂર હટયાં... નરેશે ગીતાની કમરે પ્રૌઢ હાથ લંબાવ્યો.. તિસ્તા એના પાછળથી આવતાં બધાં જ પાણીને સમાવતી ધસારાબંધ વહેતી રહી, આગળ ને આગળ.'

વાર્તા વિશે:

કસબી કલાકાર હોય તે નાકની દાંડીએ સીધી વાર્તા ન કહે. અહીં ઘડીક નરેશ-ગીતાના ત્રીસ વર્ષ પહેલાંના પ્રસંગો વર્ણવાય છે, તો ઘડીક વર્તમાનનો દાર્જિલિંગ પ્રવાસ. એમાં વળી વચ્ચે વચ્ચે દોરજી- સાનવીની કથા ગૂંથાતી જાય છે. આમ વાચકનું કુતૂહલ જળવાઈ રહે છે. બે વિરોધી પરિસ્થિતિને લેખક અસરકારક રીતે સામોસામ મૂકી આપે છે:  એક તરફ મોલ રોડ પર પ્રણયકેલિ કરતાં નવપરિણીતો અને બીજી તરફ પાકટ ઉંમરનાં નરેશ-ગીતા. એક બાજુ દોરજી-સાનવીની રિવર્સ હોર્નના સંગીતમાં પહેલવહેલી મુલાકાત અને બીજી બાજુ નરેશ-ગીતાની કૂકરની સિસોટીના અવાજમાં પહેલી મીટિંગ. કથાનકના ભાવને ઉપકારક હોય તેને 'ઉદ્દીપન વિભાવ' કહે છે, જેમ કે અહીં દાર્જિલિંગનો સૂર્યાસ્ત, તિસ્તાનું (સમયની જેમ) આગળ વહી જતું પાણી. લેખક ઉપમા/ રૂપક અલંકારો ચાલતી કલમે પ્રયોજી શકે છે. (મલાઈ કોફ્તા બનતું જોતો ખુદાબક્ષ મુસાફર, ડેડીની પાઇપના ધુમાડાથી ઝંખવાતું કંચનજંગા શિખર.) લેખનશૈલી ગૌરવયુક્ત છે,લાંબા અર્થપૂર્ણ વાક્યો રચાયાં છે. ગંગટોક જતા રસ્તાનું હોય કે નરેશ-ગીતાના ચહેરાનું હોય, વર્ણનમાં સચોટ નિરીક્ષણ વરતાય છે. આપણે ભૂતકાળમાં નહિ પણ વર્તમાન ક્ષણમાં જીવવું રહ્યું- આ વાત લેખકે કલાપૂર્ણ રીતે કહી છે. રિવર્સ હોર્ન એક નવલું પ્રતીક બની રહે છે; તેનું સંગીત સાંભળવું ગમે ખરું, પણ સતત સાંભળતા રહીએ તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે.

- ઉદયન ઠક્કર

Related News

Icon