
- ચાલ જિંદગી મારી સાથે
શાહરૂખનો એક તાજેતરનો ઈન્ટરવ્યું જોયો હતો જેમાં એ કહેતા હતા કે “આઈ એમ સ્કેર્ડ ઓફ અટેચમેન્ટસ... મને અટેચમેન્ટથી બહુ બીક લાગે છે અને જયારે હું મારા ગમતાં લોકોને ગુમાવું છુ તો એવું બન્યું છે કે એકલામાં ઘણી વાર રડ્યો છું” આ શાહરૂખ ખાન એ કહ્યું છે પણ શું આવું એમને જ થતું હશે? ‘અટેચમેન્ટ’ એવી વસ્તુ છે કે જે ક્યારેય પણ કોઈની પણ સાથે, વસ્તુ, વ્યક્તિ, જગ્યા કે કામ સાથે પણ થઇ શકે છે. એ કોઈ જાતે કરતું હશે કે થઇ જતું હશે? ‘લાઈફ ઓફ પાઈ’ નામની ફિલ્મના એક દ્રશ્યમાં નાયક એમ કહે છે કે એક જ નાવડી પર સવાર નાયક અને વાઘ જયારે બંને જયારે સર્વાંઈવલ માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે એ વાઘ કે જેનાથી એ ક્યારેક ડરતાં હતાં કે એ એને મારીને ખાઈ ન જાય, એ જ વાઘ સાથે એમને એટલું અટેચમેન્ટ થઇ ગયું હતું કે જયારે એ વાઘ જાય છે ત્યારે એ એને પાછુ વળીને નથી જોતો એ વાતનું એમને દુઃખ થાય છે. એક એવું પ્રાણી કે જે એનો જીવ પણ લઇ શક્યું હોત...એના માટેનું જોડાણ જ એક દિવસ એના દુઃખનું કારણ બની જાય છે. સરકારી નોકરીઓમાં કામ કરતાં મોટા ભાગના કર્મચારીઓ / અધિકારીઓ આ દુઃખ ખુબ અવારનવાર ભોગવતા હોય છે. જે જગ્યા એ નોકરી કરે ત્યાંના લોકો, તે જગ્યા, એનું ખાન-પાન બધા સાથે એમનું જોડાણ થઇ જાય છે. પણ દર બે કે ત્રણ વર્ષે એમની બદલીઓ થઇ જતી હોય છે એટલે વખત જતાં એ શીખી જાય છે કે બધાની સાથે રહીને પણ અલગ કેવી રીતે રહી શકાય? તો શું આપણે આ અટેચમેન્ટથી ભાગવાનું છે? કોઈની નજીક જ નથી આવવાનું કે કોઈને નજીક જ નથી આવવા દેવાના? અને આવું કરવાથી શું અટેચમેન્ટથી બચી શકાય છે?
આના માટે સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે આપણને ત્યાં સુધી એ વસ્તુની ખબર નથી પડતી કે આપણને કોઈની સાથે અટેચમેન્ટ છે કે નહિ જ્યાં સુધી આપણે એનાથી દુર ના થઇ જઈએ. અને એની સાથે એ પણ સમજવું પડશે કે કોઈની સાથેનું જોડાણ એ કૃત્રિમ નથી હોતું...એ એની જાતે જ થઇ જાય છે. તમે એને રોકી પણ ના શકો અને કાબુ પણ ના કરી શકો અને જો એ તમારા હાથમાં જ નથી તો તમે કરશો શું? એના માટે એ પણ સમજવું રહ્યું કે અટેચમેન્ટથી ભાગવાની એટલે જરૂર નથી કે દર અટેચમેન્ટ ખરાબ જ હોય એ જરૂરી નથી.. ધારો કે કોઈ વ્યક્તિને આધ્યાત્મ સાથે અટેચમેન્ટ થઇ ગયું તો કદાચ એ એના જીવનમાં એ સુખ અને શાંતિનો અનુભવ કરી શકશે કે જેની એને ઝંખના હતી... ધારો કે કોઈને એના કામ સાથે અટેચમેન્ટ થઇ ગયું તો એ એના કામમાં શ્રેષ્ઠતાના શિખરો સર કરી શકશે. એટલે ક્યાં કોની સાથે અને કઈ રીતનું અટેચમેન્ટ થયું છે એ પણ ખુબ અગત્યનું છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે કોઈ વ્યક્તિ સાથે એટલું અટેચમેન્ટ થઇ જાય કે એની કહેલી દરેક વાત આપણે માનવા લાગીએ અને કરવા લાગીએ જે આપણા જીવનની દિશા પણ બદલી શકે છે. અહીં એ પણ સમજવું રહ્યું કે દરેક લાગણીની જેમ અટેચમેન્ટ એ આભાસી છે ..ના એને જોઈ શક્યા છે ના પકડી શકાય છે બસ અનુભવી શકાય છે. પણ દરકે લાગણી ત્યાં સુધી જ સારી જ્યાં સુધી એના માઠા પરિણામો આપણે કે અન્ય કોઈને ના ભોગવવા પડે અને અટેચમેન્ટ ત્યાં સુધી જ સારું જ્યાં સુધી એ આદત ના બની જાય. અટેચમેન્ટ અને આદત વચ્ચે બહુ નાની રેખા છે જે ભુંસાઈ જાય ત્યારે એ પીડામાં પરિણમી જાય છે.
કોઈની સાથે વાત કરવી ગમવી એ અટેચમેન્ટ અને કોઈની સાથે વાત કર્યા વગર ના ચાલવું એ આદત...વાત બહુ નાની છે પણ એ સકારાત્મક અને નકારતામ્ક બંને પરિણામો બાજુ વ્યક્તિને દોરી શકે છે અને એટલે જ ના અટેચમેન્ટથી ભાગવાનું છે ના ટાળવાનું છે. એને બસ સ્વીકરવાનું છે અને એને મેનેજ કરવાનું છે. કારણ કે આ નાની નાની લાગણીઓ જ તો છે કે જે જીવનને જીવન બનાવે છે. જો એ દરેક લાગણીઓને આપણે દબાવીશું કે એનાથી દુર ભાગીશું તો લાગણીવિહીન જીવન કેવી રીતે જીવી શકીશું...
એટલે અટેચમેન્ટને અનુભવો, સ્વીકારો, અને સાથે એ પણ સ્વીકારો કે જે આજે છે એ કાલે હોય અને ના પણ હોય કારણ કે અંતિમ સત્ય જ એ છે કે બધું હંમેશા નથી રહેવાનું..કશું હમેશા નથી રહેવાનું... રહેવાની છે બસ યાદો..તો એ યાદોને હાથ ખોલીને બોલાવો અને બાથમાં ભરીને કહો ચાલ જિંદગી મારી સાથે...
- અર્ચના તેજસિંહ ચૌહાણ