Home / GSTV શતરંગ / Archana Chauhan : Hey, what does a woman want? Archana Chauhan

શતરંગ / “અરે, ચાહિયે ક્યા ઔરત કો?”

શતરંગ / “અરે, ચાહિયે ક્યા ઔરત કો?”

- કાગળ પરના પંખી ટહુકયાં

 વર્ષોથી આપણે એક વાત સાંભળતા જ આવ્યા છીએ કે, “એક એક સ્ત્રીના મનને તો ભગવાન પણ નથી સમજી શક્યા.”તો શું ખરેખર સ્ત્રીના  મનને સમજવું આટલું અઘરું હશે કે ભગવાન જેવા ભગવાન પણ એના મનને ના સમજી શકે એવા અતિશયોક્તિવાળા શબ્દોનો ઉપયોગ કરવો પડે? આ વાક્ય કોણે અને ક્યારે લખ્યું હશે? શું આ કોઈ સ્ત્રી એ લખ્યું હશે કે સ્ત્રીના મનને સમજવું જ શું કરવા જોઈએ એવી માનસિકતા ધરાવતાં કોઈ વ્યક્તિ એ લખ્યું હશે? એવી ઘણી બધી વાતો, માન્યતાઓ, કહેવતો અને લોકવાયકાઓ છે કે જે ક્યારે, કોણે, કેમ અને કઈ જગ્યા એ કહી છે એના કોઈ પ્રમાણ આપણી પાસે ના હોવા છતાંય આપણે એને એટલે માની લઈયે છીએ કારણ કે આપણી દાદીની દાદીની દાદી એ આપણને સમજાવ્યું અને શીખવાડ્યું હતું.. જેમ કે વર્ષોથી સ્ત્રીઓને સમજાવવામાં આવ્યું છે કે ‘પતિ એટલે પરમેશ્વર’ પણ એમ ક્યારેય ના સમજાવ્યું કે એ પતિ જો દરરોજ દારૂ પીને આવતો હોય તો પણ પરમેશ્વર? એ પતિ જો રોજ મારઝુડ કરતો હોય તો પણ પરમેશ્વર? એ જ પતિ જો પરસ્ત્રી સાથે સંબંધ રાખતો હોય તો અને પત્નીને અવગણતો હોય તો પણ પરમેશ્વર? એ જ પતિ સ્ત્રીની ઓળખ, આત્મસન્માન, પ્રયાસો બધાને સાવ માટીમાં મળાવી દે તો પણ પરમેશ્વર? આપણને એક વસ્તુ બાળપણથી શીખવાડવામાં આવી પણ આ તો કોઈએ શીખવાડ્યું જ નહિ કે આવી પરિસ્થિતિ આવે તો પછી એને શું કહેવું? બસ આવું જ કંઈક છે..વર્ષોથી એવું કહી દીધું કે સ્ત્રી એટલે પૃથ્વી પરનું સૌથી જટિલ પ્રાણી એટલે થઇ ગયું પૂરું? તો શું ખરેખર સ્ત્રીઓ આટલી જટિલ હોય છે? શું ખરેખર સ્ત્રીઓને શું જોઈએ છે એ એમને જ ખબર નથી હોતી? શું ખરેખર સ્ત્રીઓ સૌથી વધારે કન્ફયુઝ હોય છે? ખરેખર શું સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોય છે? તો આજે આપણે પ્રયત્ન કરીએ એ શોધવાનો કે સમજવાનો કે આખરે સ્ત્રીઓને જોઈએ છે શું?      

સ્ત્રીની માટી જ કંઈક અલગ છે. લાગણીની માટીથી બનેલી સ્ત્રીની સૌથી પહેલી જરૂરીયાત જ લાગણી છે. ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ ફિલ્મમાં આપણે એક ગીત “મેરી જાન” માં જોયું કે નાયક નાયિકાની નજીક જવાનો પ્રયત્ન કરે છે ત્યારે નાયિકા જે એક પ્રોસ્ટીટયુટ હોય છે એ નાયકનો હાથ લઈને એના માથા પર ફેરવવા માંડે છે. સતત પુરુષોની વચ્ચે રહેતી એ નાયિકા એ પુરુષનો શારીરિક સ્પર્શ નહિ પણ એની હુંફ ઈચ્છતી હતી. તાજેતરમાં એક વેબસીરીઝ આવી છે જેનું નામ છે ‘સી.એ.ટોપર.’ જેનો વિષય અને આખી વેબસીરીઝ પણ ખુબ જ બોલ્ડ છે. જે આખી વેબસીરીઝ જ આપણને સ્ત્રીઓ વિષે ઘણું બધું સમજાવી જાય છે પણ એના ઘણાં બધા એવા ડાયલોગ છે કે જે સીધેસીધું આપણને કહી જાય છે કે ચાહિયે ક્યાં ઔરત કો? એમાં એક ડાયલોગ છે કે, “અરે વો સી.એ.ટોપર ઔરતો કો સુનતા ભી હૈ”.... બીજા એક ડાયલોગમાં જયારે નાયક એની એક કલાઈન્ટને સોરી કહે છે તો એ કલાઈન્ટ સામેથી એમ કહે છે કે, અરે તમે તો તમારો વાંક નથી તો પણ સોરી કહો છો અને મારા પતિ તો એમનો  વાંક હોય છે તો પણ સોરી નથી કહેતા....આવા ઘણાં બધા ડાયલોગ અને સિક્વન્સ છે કે જે બુમો પાડીને કહે છે કે સ્ત્રીઓને શું જોઈએ છે..         

એક નવી સાડી ભલે સસ્તી જ કેમ ના હોય પણ પુરુષ એની પસંદગી થી લઇ જાય ને એ, એ કોઈ નવું કપડું પહેરે તો એક નજર કરીને માત્ર  એક ઈશારો કરી દેવો કે આજે તો તું બહુ સુંદર લાગે છે. સ્ત્રીને એમ ના સમજાવવું કે તું મેચ્યોર બન કે હવે બે છોકરાની માં બની હવે ક્યાં સુધી છોકરમત રાખીશ? એની જગ્યા એ એને એમ સમજાવવું કે એ જગતભરમાં તો મેચ્યોર બનીને ફરે છે. ઘર સાચવે છે, એના પ્રોફેશનલ કમીટમેન્ટ સાચવે છે, બાળકો અને પરિવારને સાચવે છે. કોઈ જ જગ્યા તો નથી કે જ્યાં એ બાળક બનીને રહી શકે, એની ઈચ્છાઓ અને પાગલપન દર્શાવી શકે  તો કેમ હું એને એ જગ્યા ના આપું કે એ બાળક બની જાય...એને એમ કહેવાની જગ્યાએ કે હવે તું ચાલીસની થઇ ગમે તેટલો મેકઅપ લગાવીશ ડોશી જ લાગવાની છે એની જગ્યા એ એમ કહેવું કે તું મેક અપ કરે કે ના કરે મને તારા ચહેરા પરની દરેક કરચલી સુંદર લાગે છે. એના ઈમોશનલ હોવા પર હસવાની જગ્યાએ એ એવી કેમ છે એ સમજવાની જરૂર છે..એના હાથમાં હાથ નાખી બેસવની જરુર છે..એના માટે ભલે કંઈ ના કરી શકીએ પણ એટલું કહી દેવું કે હું છુ ને તારી સાથે એ પણ એના માટે બહુ છે. એના માટે પચાસ રૂપિયાની કાચની બંગડીઓ અને વીસ રૂપિયાનો ગજરો પણ બહુ છે જો એ તમે પ્રેમથી લાવ્યા હશો...તમારા માટે અઠવાડિયાથી માંડ શીખીને બનાવેલી રેસીપીમાં કોઈ ઉણપ હોય તો પણ ખાલી એના પ્રયત્નને એપ્રીસીયેટ કરી દેશો તો પણ એને લાગશે કે એ ઓલમ્પિક જીતી ગઈ છે. દરેક સ્ત્રીની માનસિક, શારીરિક, આર્થીક પરિસ્થિતિ અલગ હશે..જો તમે એને સમજી ના શકો તો કંઈ નહિ પણ એને એના નિર્ણયો માટે જજ નહિ કરો ને તો પણ બહુ હશે એના માટે...એના સફેદ વાળને એની સુંદરતા ના ગણી શકો તો કંઈ નહિ પણ એના પર હસશો નહિ તો પણ બહુ થઇ ગયું..અને એક સ્ત્રીની સૌથી મોટી જરૂરીયાત છે સન્માન...એક સ્ત્રી દસ દિવસ  ભૂખી બેસી રહેશે તમારી સાથે પણ સતત એના સ્વમાન અને સન્માન પર થતાં ઘા એનાથી સહન નહિ થાય...સ્ત્રીમાં તાકાત હોય છે કે એ કડવામાં કડવું સત્ય સાંભળી શકે છે પણ સુંદરમાં સુંદર જુઠ એને બહુ અંદર સુધી તોડી નાખે છે. સ્ત્રી ઓછા દેખાવડા પુરુષને ચલાવી લેશે, ઓછું કમાતો હશે તો પણ એને ચાલશે, ઓછું ભણેલો હશે તો પણ દુઃખી નહિ થાય પણ મુશ્કેલીના સમયમાં એને છોડીને ભાગી જનાર કાયર પુરુષ એ નહિ ચલાવી શકે..

એક સ્ત્રી માત્ર એટલું ઈચ્છતી હોય છે કે એને વસ્તુ નહિ પણ માણસ સમજવામાં આવે..માત્ર એના શરીરને નહિ પણ એના મનને નીરખવામાં આવે...એને પ્રાયોરીટી ના બનાવી શકો તો કંઈ નહિ પણ વિકલ્પ ના બનાવો...એ માત્ર  ઈચ્છે છે કે કોઈ એને સ્પેશ્યલ ફિલ કરાવે ભલે એ શબ્દોથી જ કેમ ના હોય..એને મોઘી ભેટ નથી જોઈતી હોતી..એને જોઈતો હોય છે એના પસંદગીના પુરુષનો સમય....એને જોઈતું હોય છે કે કોઈ એક વ્યક્તિ માટે એ એનું જગત હોય જે એક વ્યક્તિ એ સ્ત્રીનું જગત હોય..બાકી સ્ત્રી તો એની પસંદગીના પુરુષ સાથે પાણીપુરી ખાઈને પણ મોલમાં ફિલ્મમાં જોઇને હજારો રૂપિયા ખર્ચ્યા જેટલો આનંદ મેળવી લે છે...એની સામે એની પસંદગીનો પુરુષ જો એકીટસે જોઈ પણ રહે ને તો પણ એ ખીલખીલાટ હસી પડે છે...

સ્ત્રીઓ ઉર્મિલા જેવી હોય છે કે જે એના ભાઈ સાથે ૧૪ વર્ષનો વનવાસ ભોગવવા ગયેલા પતિ લક્ષ્મણની રાહ જોતી રહે... આટલી સરળ હોય છે સ્ત્રીઓ કે જે કોઈ એક વ્યક્તિને એની આખી દુનિયા બનાવી લે અને પછી એને કોઈ ફેર નથી પડતો કે એ એક વ્યક્તિ સિવાયની બીજી દુનિયા એના માટે શું કહે છે પણ સ્ત્રી જેને એ દુનિયા બનાવીને બેસી હોય એ એની દુનિયા જો એને એની દુનિયામાં ક્યાંય નથી જોતી તો સ્ત્રીઓ વિખરાય જાય છે અને એના માટે આખી દુનિયા નકકામી બની જાય છે. હા, સ્ત્રીઓ લાગણીશીલ હોય છે એટલે મૂરખ બને છે, હોતી નથી મૂરખ. સ્ત્રીઓ બાળક જેવી ભોળી હોય છે પાગલ નથી હોતી..સ્ત્રીઓ તો યુગયુગાંતરથી સ્પષ્ટ જ રહી છે કે એને જોઈએ છે પ્રેમ, લાગણી અને મનગમતાં પુરુષના જીવનની વાર્તામાં  સ્થાન અને માન,  ભલે મીરાંના સ્વરૂપમાં મળે, રાધાના સ્વરૂપમાં કે રુકમણીના સ્વરૂપમાં...ક્યાંક આપણે જ તો કોઈક બીજા નંબરના ચશ્માં નથી પહેરી લીધા ને કે આપણને દેખાતું જ નથી કે સ્ત્રીઓને જોઈએ છે શું? કે પછી આપણે જોવું અને સમજવું જ નથી કે અરે, ચાહિયે ક્યાં ઔરત કો?  

- અર્ચના તેજસિંહ ચૌહાણ