
- ચાલ જિંદગી મારી સાથે
તો ગયા અઠવાડિયે આપણે જોયુ કે આપણને કોઈ ગમતું હોય પણ એને આપણે ના ગમતા જોઈએ તો શું? કોઈ પણ લાગણી એક તરફી થઇ જાય એટલે એ હમેશા પીડા જ આપે. ધારો કે તમે કોઈના પર બહુ જ વિશ્વાસ મુક્યો હોય અને એક દિવસ એ જ વ્યક્તિ વિશ્વાસ તોડે તો આપણને એમ લાગે છે કે સામા વ્યક્તિ એ મારી સાથે આવું કેમ કર્યું? મારા સંબંધનું માન ના રાખ્યું. પણ જેને તમે સંબંધ સમજતાં હોવ છો એ તો સંબંધ હોતો જ નથી..સામેવાળો ના તમારી સાથે લાગણીથી જોડાયેલો હોય છે ના વિશ્વાસથી. એ એ તાંતણો હોય છે કે જેનો એક છેડો એકબાજુથી જ પકડાયેલો હોય છે. ઘણી વાર આવા સમયમાં આપણને એવો પ્રશ્ન પણ સાંભળવા મળે છે કે, “મેં તને કહ્યું હતું કે મારા પર વિશ્વાસ રાખ? મેં તને કહ્યું હતું કે મારા માટે લાગણી રાખ?” અને ત્યારે આપણને વધારે દુઃખ થાય છે પણ આમ જોવા જઈએ તો જગતનો એક નિયમ છે કે વિશ્વાસ તોડનાર ગુનેગાર નથી હોતો વિશ્વાસ રાખનાર જ ગુનેગાર હોય છે એટલે આપણે સમયાંતરે લાગણીઓનું વિશ્લેષણ કરી લેવું એ સમજવું પડશે.
આપણે જેના માટે લાગણી કે ગમો રાખીએ છીએ એના તરફથી આપણને મહત્વ આપવામાં નથી આવતું, આપણું અપમાન થાય છે ત્યારે ઘણી વખત સંબંધ બચાવવા ની લાલચે આપણે ઘણું બધું જતું કરીએ છીએ પણ જેને બચાવવો પડે એ બચાવેલા સંબધની તમારા જીવનમાં કેટલી જરૂર છે એ જરા ચકાસવું પડશે. એ ચકાસવું પડે કે આટલું અપમાન અને લાગણીનું શોષણ સહન કરીને શું આ બચાવેલા સંબંધનું કોઈ મુલ્ય હશે? અને આજે જે સંબંધને બચાવી લીધો એને કેટલી વાર અને ક્યાં સુધી બચાવશો? જયારે સામેવાળાને તમારા સુખ, દુઃખ, આંસુ તકલીફથી કોઈ ફર્ક જ નથી પડતો શું કરશો એ સંબંધને બચાવીને? એટલે હૃદય પર પથ્થર રાખીને જવા દેવું પડશે કારણ કે તમે નહિ પણ જવા દો તો એ તો જતું જ રહ્યું છે ઓલરેડી...આપણે શીખવું પડશે ‘આર્ટ ઓફ લેટીગ ગો’ ....બહુ અઘરું છે પણ કરીએ કે નહિ કરીએ પણ આવવું અને જવું એ એક અવિરત ચાલતી ઘટના છે જેને તમે કાબુ નથી કરી શકતાં. તો આવું થાય તો શું કરવાનું?
સૌ પ્રથમ આપણને કોઈ ગમાડે છે તો એના પ્રત્યે થોડું સંવેદનશીલ થવું. એવું ના કરવું કે એને હડધૂત કરવું, એને એવોઈડ કરવું કે એનું અપમાન કરવું, કોઈ વ્યક્તિ આપણને ગામડે છે એ એનો એટલો મોટો વાંક નથી કે જેના માટે આપણે એના મેસેજ જોઈએ પણ જવાબ ના આપીએ જાણી જોઇને એના ફોનને ટાળીએ કારણ કે તમને ખબર નહિ હોય પણ તમારી સાથે વાત કરવા, તમારા મેસેજને જોવા કોઈ આખો દિવસ રાહ જોતા હોય છે. કોઈના કલાકો તમારી મીનીટો માટે વેડફાઈ જતા હોય છે તો વધારે નહિ તો આપણે એટલા સારા તો બની જ શકીએ કે એ લોકો સાથે એવું વર્તન ના કરી બેસીએ કે એ લોકો ડીપ્રેશન કે બીજી અન્ય કોઈ માનસિક તકલીફ તરફ દોરાઈ જાય. કારણ કે એ ક્યારેય ના ભૂલવું કે એમની સાથે વાત કરીને, એમની સાથે સંપર્ક રાખીને જ ક્યારેક એમના મનમાં એ લાગણીનો જન્મ થયો છે. હા, જો એ લાગણી એવી હોય કે જે તમને કે સામેવાળાને હાની પહોચાડી શકે તો એ વાત અલગ છે. પણ જો એવું ના હોય તો એ સંબંધને અને એ ગમાને ખુબ સારી રીતે નોર્મલાઈઝ કરી શકાય છે.
આવી જ રીતે તમારા ઓળખીતા પારખીતામાં કે મિત્રવર્તુળમાં આપણને આવા કોઈ વ્યક્તિ મળે તો એને સલાહ સૂચન અને શિખામણો આપ્યાની જગ્યાએ એને સાંભળજો... એને સમજજો, કશું નહિ કરી શકો ને બિનશરતી એને થોડો સમય પણ આપી દેશો ને તો પણ એના માટે એ દવા બની જશે.
આપણે બધા જાણીએ જ છીએ કે સુગંધને મુઠ્ઠીમાં કેદ ના કરી શકાય. એને બસ અનુભવવાની હોય..કેટલાક સંબંધ આપણા જીવનમાં એવા હોય છે જેને તમે અનુભવી શકો પણ સ્થાયી ના કરી શકો અને આવી પરીસ્થિતિમાં જે આપણને ગમતું હોય એ ભલે આપણી સાથે હોય કે ના હોય એની એ યાદોંની સુગંધને અનુભવવી અને એને અનુભવીને મોઢા પર સ્મિત લાવી દેવું એ જ તો છે જીવન...અંતે જીવન યાદોંની પોટલી સિવાય બીજું છે શું? દરેક વ્યક્તિ એક યાદ છે, દરેક પ્રસંગ એક યાદ છે, દરેક અકસ્માત એક યાદ છે, દરેક ઘટના એક યાદ છે, દરેક લાગણીઓ પણ એક યાદ જ છે ને તો આ યાદોંને રડવાનું નહિ પણ હસવાનું કારણ બનાવીએ અને એમાંથી બહુ બધી એનર્જી મેળવીને દિલ ખોલીને જીવીએ અને કહીએ ચાલ જિંદગી મારી સાથે...
- અર્ચના તેજસિંહ ચૌહાણ