
- પોપટલાલ પંચાતિયા
સવાર સવારના પોપટલાલનો ફોન આવ્યો.
હજી હું ફોન ઉપાડું છું ત્યાં તો એ ફોનમાં ગાવા લાગ્યા, 'તુમ 'પાસ' રહો યા દૂર રહો... નજરોં મેં સમાયે રહેતે હો... ઇતનાં તો બતા દો કોઈ હમેં, ક્યા પ્યાર ઇસી કો-'
મેં વચમાંથી જ ગાયન કાપી નાખતાં કહ્યું, 'પોપટલાલ, આ શું માંડ્યું છે?'
'ઉખાણું છે! ગાયનમાં જ ઉખાણું છે!'
હજી આ ઉખાણાંમાં ઉખાણાં જેવુ શું છે એવું વિચારું એ પહેલાં પોપટલાલે બીજું ગાયન લલકાર્યું,'તુમ 'પાસ' આયે... યું મુસ્કુરાયે... તુમને ન જાને ક્યા સપને દિખાયે...'
મેં કહ્યું, 'એક તો તમારો અવાજ ભેંસને પણ ગભરાવે એવો છે અને ઉપરથી રાગડા તાણીને શું સાબિત કરવા માંગો છો?'
'અચ્છા, ગાયન છોડ, મને એ કહે કે નવરાત્રિના પાસ શેના માટે હોય છે?'
'શેના માટે એટલે? કોઈ પાર્ટી પ્લોટમાં ગરબા ચાલતા હોય એમાં એન્ટ્રી લેવા માટે હોય છે!'
'સહી જવાબ!' પોપટલાલે કરોડપતિનાં સંચાલક બચ્ચન સાહેબની અદામાં ઉદ્દઘોષણા કરી, 'ઈનામ કે તૌર પર મિલતે હૈ આપ કો 'પાસ' કે પાસ!'
'પાસ કે નાપાસ?' હું ગુંચવાયો. 'યાર પોપટલાલ, તમે અવળા હાથે કાન પકડવાને બદલે સીધી વાત કરો.'
'સીધી વાત એમ છે મિત્ર...' પોપટલાલ હવે લાઇન પર આવ્યા. 'થોડા વરસો પહેલાં પાટીદારોને અનામત અપાવવાના નામે જે આંદોલન ચાલ્યું હતું... અને જે સંગઠનનું નામ પાસ હતું એ જ 'પાસ' આજે હવે ભાજપમાં જોડાવા માટેના 'ફ્રી એન્ટ્રી પાસ' બની ગયા છે!'
'અચ્છા એટલે પેલા બે ગાયનો ગાયાં... તું 'પાસ' રહો યા દૂર રહો...'
'...ભાજપ કી નિગાહ મેં રહતે હો!'
'અને બીજું, તુમ 'પાસ' આયે...'
'...ભાજપનો ખેસ પહેરીને ફોટા પડાવવા માટે યું મુસ્કુરાયે!'
'હવે તાળો બેસી ગયો.'
'તાળો નહીં તાળાં...'
'શેનાં તાળાં?'
'પેલા 'પાસ' ઉપર જાતે દહાડે વાગશેને તાળાં!' પોપટલાલે કહ્યું 'ભાજપમાં વાજતે ગાજતે જોડાવા માટે 'પાસ' એક સરક્યુલર રૂટ બની ગયું.'
'કેમ, સરક્યુલર રૂટ શા માટે?'
'કેમ કે પછી તો ગરબા જ ગાવાના છે ને, મહાન નેતાની આજુબાજુ!'
'અને જે વરસોથી ભાજપમાં પોતાની વફાદારી બતાડીને બેઠા છે એમનું શું?'
'એમનું બિચારાઓનું 'રૂટ-કોઝ' જ ગાભો છે!'
- લલિત લાડ