
લેખક : સંજય વિ. શાહ
મારી જાણ પ્રમાણે, સંજય ગોરડિયાની કારકિર્દીનો સંઘર્ષરથ જે નાટકથી સુવર્ણરથમાં પરિવર્તિત થવાની શરૂઆત થઈ, એ નાટક હતું ‘બા રિટાયર થાય છે.’ એક નખશિખ સુંદર, લાગણીસભર નાટક. પદ્મારાણી જેવાં દિગ્ગજ અભિનેત્રી અને શફી ઇનામદાર જેવા વિચારશીલ દિગ્દર્શકનું નાટક હતું એ. સંજય ગોરડિયા નિર્માતા હતા. મુદ્દે, કોઈકને ગોરડિયા આજે જે લાગી રહ્યા હશે એ તેઓ નથી. સંજય ગોરડિયા ખરેખર તો એવા કલાકાર છે જેઓ સર્જનની આવડતને સમયના પ્રવાહમાં જારી રાખવા સમર્પિત છે. એ વળી શું, એવું કોઈ વિચારે તો એનો જવાબ આગળ આવશે, માત્ર ગોરડિયાના મુદ્દે નહીં, આપણી રંગભૂમિના, ભાષાના મુદ્દે આવશે.
સિદ્ધાર્થ રાંદેરિયા ‘ગુજ્જુભાઈ’ થયા એ પહેલાં હાડોહાડ સત્ત્વશીલ નાટકોના માણસ હતા. એનો એવો અર્થ નહીં જ કરવાનો કે એમનાં હાલનાં નાટકો મનોરંજક નથી. એમનાં આજનાં નાટકો બસ એ રીતે મનોરંજન પીરસી રહ્યાં છે જેવી દર્શકોની હાલની અપેક્ષા છે. તો, એમણે ઘણાં સુંદર, વિચારશલ નાટકો આપ્યાં છે. ગુજરાતી રંગભૂમિ પર, દર્શકોને જીતવા આ ‘કોમેડા’ અને ‘કોમેડો’નો પ્રવાહ અનિવાર્ય જ થઈ ગયો એ પહેલાંનાં એમનાં અનેક નાટકો અલગ હતાં. અને હાલના દોરની પા પા પગલી વચ્ચે પણ એમણે ‘મિશન ઇસ્ટ પાકિસ્તાન’ નામે એક જૂના પણ ગુણવત્તાયુક્ત નાટકનું નવસર્જન કરીને દર્શકો રીઝવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો હતો. સાથે દર્શકોને એ કહેવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે ભલે અર્થવિહોણાં રમૂજી નાટકો જુઓ પણ બાપડા, સાથોસાથ સારાં નાટકો, ગુજરાતી ભાષા, નાટ્યલેખન, રંગભૂમિની ગરિમાનો ગુલાલ કરે એવાં નાટકો પણ અવશ્ય જુઓ. પણ ના. કોને ખબર કેમ પણ એ સમયથી દર્શક નામનો વા ફર્યો એ ફર્યો. એ સ્થિતિ કોઈનેય સમજાય એ પહેલાં તો હાથથી નીકળી ગઈ. આજે એ પહોંચી છે એવા મુકામે જ્યાં સૌને લાગી રહ્યું છે કે રંગભૂમિની આ પડતી અમુક ચોક્કસ કલાકાર-કસબીઓને આભારી છે. એવું કેવી રીતે થઈ શકે? મુંબઈ અને આખું ગુજરાત પણ ઉમેરીએ તો ગુજરાતી રંગકર્મીઓ કેટલા? પાંચસો? હજારથી વધુ તો નથી જ. આટલા રંગકર્મીઓની, છ-સાડાછ કરોડ ગુજરાતીઓ પર, “અમુકતમુક જ નાટક જોવાનાં” એવો કોરડો વીંઝવાની તાકાત, એવી ઓકાત છે ખરી? ના, નથી. ખરેખર નથી.
હાલની જ રંગભૂમિ પર, હજી હમણાં જ, ‘માણસ માત્ર લફરાંને પાત્ર’ નાટકનું રિવાઇવલ થયું હતું. ભૂતકાળમાં એ નાટક સુપર ડુપર હિટ હતું. આ વખતે શું થયું? નહીં ચાલ્યું. કેમ? કારણ દર્શકોની રુચિ તો બદલાયા કરે. એકનું એક નાટક, ક્યારેક અમુક કારણોસર એને ગમી જાય એટલે દર્શક એને માથે ચડાવી લે તો ક્યારેક ના ગમે તો પછાડી પણ દે. સમય સમયની વાત છે.
રંગભૂમિની કળા પણ સમય સમયની વાત છે. ભાંગવાડીનાં સંગીતમય, ગીતપ્રચુર નાટકોના દોર પછી પ્રવીણ જોશી, અરવિંદ ઠક્કર, અરવિંદ જોશી, કાન્તિ મડિયા, વિજય દત્ત, વિષ્ણુકુમાર વ્યાસ… કેટલાંય નામ લઈ શકાય… એમનો દોર આવ્યો ત્યારે પણ રંગભૂમિએ કરવટ બદલી હતી. ભાંગવાડીનાં નાટકો કરતાં એ દોરનાં નાટકો સારાં હતાં કે ખરાબ હતાં? કે પછી એ દોર જ્યાં અટક્યો એ પછી આવેલાં નાટકો આજનાં નાટકોથી ચડિયાતાં હતાં કે ઊણાં ઊતરતાં હતાં? આજે પણ કાર્યરત અને રંગભૂમિને દિલથી સમર્પિત ફિરોઝ ભગત, હોમી વાડિયા વગેરેનો પણ સમય હતો. ક્યારેક સામાજિક નાટકોનો ડંકો તો ક્યારેક થ્રિલરનો, ક્યારેક ચોખ્ખી રમૂજનો તો ક્યારેક છીછરા ‘કોમેડા’નો. સમય સમયની વાત છે. દરેક સમયમાં એક વાત શિરમોર છે કે રંગભૂમિ પોતાના દમ પર ટકી શકી છે, ટકી રહી છે. આપણા રેડિયોની જેમ, લાંબો સમય તળિયે પહોંચેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ કે બિનફિલ્મી સંગીતના છેક મોળા દોરની જેમ સદંતર નિષ્ક્રિયતા રંગભૂમિએ જોઈ નથી. એનો જશ જેટલો જોશી, મડિયા, ઠક્કર વગેરેને આપવો જોઈએ એટલો જ એમના પછીના તમામ રંગકર્મીઓને આપવો જોઈએ. એમાં, બેશક, સંજય ગોરડિયા અને સિદ્ધાર્થ રાંદેરિયા પણ આવી ગયા.
રંગભૂમિએ અનેક તડકીછાંયડી જોઈ છે. અનેક અખતરા જોયા છે. કારણ, દિગ્દર્શક રાજેશ જોશી કહે છે એમ, નાટક એટલે જ ના-ટક. પોરસાવા જેવી વાત એ છે કે દરેક સંજોગોમાં રંગભૂમિએ પોતાનો માર્ગ કાઢ્યો છે. એ સત્ય સમજી શકાય તો આજની રંગભૂમિ માટે થતી ઘૃણા કદાચ ઓછી થશે.
આ લેખ લખવાનું કારણ સંજય ગોરડિયાના નવા નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ના એક પોસ્ટરને લીધે એમના પર પસ્તાળ પડી એ પછી આવેલા વિચાર છે. એમ તો આ નાટકના હાલમાં ગાજેલા પોસ્ટર પહેલાં એક અન્ય પોસ્ટર પણ આવ્યું હતું. એ જુઓ, આ પોસ્ટ સાથે મૂક્યું છે. એમાં ત્રંબકને ત્રણ સ્ત્રીઓના હાથનું રમકડું થયેલું બતાવાયો છે. નવા પોસ્ટરમાં એનાથી અલગ માહોલ છે. બની શકે વાર્તા સાથે બેઉ પોસ્ટરને સંબંધ હોય. બની શકે નાટક જોયા વિના એનો જે વિરોધ થઈ રહ્યો છે એ સાવ અસ્થાને હોય. તો પછી પહેલેથી હાય હાય અને ઘૃણા શાને?
નાટકો કેવી રીતે બને છે? એમાં નિર્માતા સહિત સૌ કેવી રીતે આવક રળે છે? રંગભૂમિની હાલત બેહદ પ્રવાહી છે. આજકાલની નહીં, ઘણા સમયથી છે. અંદરની વાત કરીએ તો લગભગ તમામ કલાકાર-કસબીઓ જાણે છે કે નિર્માતા બાપડો ત્રણ-પાંચ ચેરિટી શોમાં જે કમાશે એ રવિવારે જાહેર પ્રયોગમાં લગભગ મૂકીને જ આવશે. અપવાદરૂપ બે-ત્રણ કલાકારોનાં (હા, એમાં ગોરડિયા-રાંદેરિયા ટોચ પર છે, પણ તો શું?) અને નિર્માતાઓનાં નાટક એવાં ખરાં કે જે રંગભૂમિની બોક્સ ઓફિસની દારુણ પરિસ્થિતિથી પોતાને બચાવી શક્યા છે. એ સિવાય મુંબઈ હોય કે અમદાવાદ, સુરત હોય કે રાજકોટ, સ્થિતિ બધે ભયાવહ છે. નાટક એટલે ખોટનો ધંધો એવો એક વણલખ્યો મત છે. છતાં, જેઓ નાટકઘેલા કલાકાર-કસબીઓ સતત નાટક બનાવ્યે જાય છે. એ પણ એવા સમયમાં જ્યારે એક મહિનો રિહર્સલ્સના તોડા કરવાને બદલે તેઓ ટીવી સિરિયલમાં, એડમાં કે અહીંતહીં ‘રોજગારી’ પર પણ કામ કરે તો ઘણું વધારે કમાઈ શકે છે. કોને ખબર કેમ પણ એમનાથી રંગભૂમિ છૂટતી નથી. તો પણ, એમની સરાહના કરવાને બદલે એમને ભાંડવા, કે ગુજરાતી રંગભૂમિ ખાડે ગઈ એવું બધું કહેવું એ ક્યાંનો ન્યાય?
ગોરડિયા-રાંદેરિયાની વાત. આજે બેઉ ગુજરાતી ફિલ્મોમાં મોટું નામ છે. બેઉ ધારે તો નાટકો પડતાં મૂકીને, અન્યત્ર કામ કરીને ખાસ્સું વધારે કમાઈ શકે છે. એવું એમણે નથી કર્યુંને? બેઉ સતત નાટકો બનાવ્યે જાય છેને? તો પછી?
બની શકે કે સાંપ્રત નાટકો અને વીતેલા સમયનાં નાટકોને સરખાવતાં પહેલાંનાં નાટકો બહેતર લાગે, સત્ત્વશીલ લાગે, અર્થપૂર્ણ લાગે. પણ જો નાટકો બનવાનાં જ બંધ થઈ જશે તો આવી તુલના થઈ શકશે ખરી? એટલે, નાટકો બનવાં જ જોઈએ એવો અભિગમ વધુ સારો છે. હા, જે નબળાં લાગે એને બોક્સ ઓફિસ પર, અરે, ચેરિટી શોમાં પણ કચકચાવીને જાકારો આપતા કોણ કોને રોકે છે? પબ્લિક શોમાં તો દર્શકોએ આમ પણ જાકારો આપવાની ચરમસીમા કરી છે. દર્શકોનો આ અભિગમ જ નાટ્યજગતનું દિશાસૂચન કરશે એ વિશ્વાસ રાખો. સાથે વિશ્વાસ રાખો કે તમામ કલાકાર-કસબીઓ પણ આ દિશાસૂચનની, દમદાર પરિવર્તનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. મુશ્કેલી એટલી કે કઈને ખબર નથી કે પરિવર્તન ક્યારે આવશે.
એનું એક કારણ ચેરિટી શોઝ છે. એક તરફ બને એટલા પ્રયોગ કરવા છટપટિયાં મારતા રંગકર્મીઓ છે તો બીજી તરફ યેનકેન રીતે, ‘બજેટ’વાળું નાટક બતાવીને પોતાના ચેરિટી ગ્રુપ્સ ટકાવી રાખવા તરફડિયાં મારી રહેલા ગ્રુપ્સના સંચાલકો છે. એમાંના મોટાભાગનાં ગ્રુપ્સ વળી એવા ગુજરાતીઓએ ઊભા કર્યા છે જેઓ મૂળે વેપારી ખરા પણ આ પ્રવૃત્તિમાં એમણે ભાષાપ્રેમ માટે, સાહિતય-કળાના પ્રેમને લીધે ઝંપલાવ્યું છે. બેઉ પક્ષ જાણે છે કે નવો દોર લાવવો પડશે પણ બેઉને પડકારો નડે છે. તો પણ, દર્દ કા હદ સે ગુઝર જાના હૈ દવા હો જાના… એ નાતે પરિવર્તન તો આવશે જ આવશે.
એક આડવાત. આપણે ગુજરાતીઓએ આપણાં જ ગીત-સંગીત, ફિલ્મ, ટીવી, રેડિયો, સામયિકો અને અખબારોનું કાસળ કાઢ્યું છે. હવે આપણે આદુ ખાઈને રંગભૂમિની પાછળ પડવાની ગુસ્તાખી ના કરવી જોઈએ. ફિલ્મો માંડ બેઠી થવાને મથી રહી છે. રેડિયોનું કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યું નથી. ગુજરાતી ટીવી ખાડે ગયું છે. આપણી સિરિયલ્સના નિર્માણ માટે પ્રતિ એપિસોડ જે પૈસા અપાતા રહ્યા છે એ સાંભળીને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થાય. ગુજરાતી કરતાં અન્ય લગભગ બધી ભાષામાં ટીવી સિરિયલ્સના નિર્માણ માટે ક્યાંય સારું બજેટ ફાળવાતું રહ્યું છે. માનપાનના મામલે પણ બિલકુલ એવી જ અવદશા છે ગુજરાતી સિરિયલ્સની. આવું શાને થયું? કારણ ગુજરાતીઓએ વરસોથી હિન્દીને પોતીકી અને ગુજરાતીને ઓરમાયી કરી. ગુજરાતીઓ ભણતરમાં અંગ્રેજી અને વહેવારમાં હિન્દીના એવા ઓશિયાળા થયા કે ના પૂછો વાત. એમાં ને એમાં માતૃભાષા પીંખાઈ ગઈ. એનું સાહિત્ય, મનોરંજનનાં માધ્યમો બધું ગરક થયું. ગુજરાતીઓને કારણે હિન્દી ફિલ્મો અને ટીવી ચેનલ્સ જંગી કમાણી કરે છે. એના પાંચ ટકા પણ આપણી ફિલ્મો-ચેનલ્સને કમાતા નવ નેજાં પાણી ઊતરે છે.
ટૂંકમાં, કરવું છે શું? ગુજરાતી પતાવી જ નાખવી છે? કે એને ટકાવી રાખવામાં ઉદ્વીપકનું કામ કરતાં સાહિત્ય-મનોરંજનનાં માધ્યમોને હૂંફ આપીને, જતન કરીને નવી દિશાએ દોરી જવાં છે? રંગભૂમિ કે ફિલ્મ સહિત જે માધ્યમથી જે પણ વ્યક્તિ, જે કાંઈ કરી રહી છે એમાંનું ગમતું સ્વીકારી લેવાનું અને અણગમતું નકારી દેવાનું. એટલું સરળ છે આ. પણ કોઈના માથે વ્યક્તિગત માછલાં ધોવાનો અર્થ શો? યાદ છે એક સમયે મરાઠીમાં દાદા કોંડકે જેવા સર્જક પણ હતા. એમનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે એમની કદર કરવાને બદલે એમના માથે પણ માછલાં ધોવાતા હતા. અરે સાહેબ, દાદા કોંડકેની સર્જનાત્મકતા એમની આગવી હતી. દર્શકોને ગમતી હતી ત્યાં સુધી ચાલી. એમની ફિલ્મો પણ પીટાઈ હતી. એમની વિદાય પછી લોકોને સમજાયું કે હાળું, એમના ટાઇપનું સર્જન કરનારું કોઈ બચ્યું જ નહીં, લે!
અને… આ જે બૂમાબૂમ થઈ છે એ ખરેખર ઉત્સફુર્ત જ હશે. એવી બૂમાબૂમ એક નહીં એક કરોડ વખત થવી જોઈએ. એમ થશે તો નાટકો સહિતનાં આપણાં સર્જનો ચર્ચામાં રહેશે. એના તરફ સૌનું ધ્યાન અને દર્શકો ખેંચાશે. એનાથી દર્શકો સારા-નરસાનો, હિટ અને ફ્લોપનો નિર્ણય વધારે ધારદાર રીતે લેશે. એ નિર્ણય સર્જકોને સતર્ક કરશે, વધુ પ્રયોગાત્મક થવા પ્રેરશે. આ બધું સકારાત્મક દ્રષ્ટિકોણથી થવું જોઈએ. નહીં કે અન્ય કારણોસર. આપણે આ કામમાં સોશિયલ મીડિયાનો પણ અસરકારક ઉપયોગ કરતા રહેવું જોઈએ. નથિંગ રૉન્ગ.
ફાઇનલી… અંગતપણે મને પણ ઘણાં સાંપ્રત નાટક નથી ગમતાં. અંદરની વાત કરું તો મારી જેમ અનેક રંગકર્મીઓને નથી ગમતાં. છતાં, જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ-શામ અને જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા - એ નાતે મારો મત છે કે નાટકો બનવાં જ જોઈએ, જોવાવાં જ જોઈએ, એમના વિશે નુકતાચીની થવી જ જોઈએ. બાકી જેમ આજે આપણી પાસે સમ ખાવા પૂરતાં સામયિક બચ્યાં છે, ભાગ્યે જ જેના માટે ગર્વ લઈ શકાય એવી ટીવી સિરિયલ્સ છે એમ એક દિવસ જોવા માટે નાટકો નહીં બચે. આપણે એવી સ્થિતિમાં ગુજરાતીને બિલકુલ મૂકવી નથી. બિલકુલ એટલે બિલકુલ નહીં.
સમંત છો તમે? ના હોવ તો પણ ઉત્તમ… પણ એક શરતે કે કે અહીં અસંમતિના વિચાર તો માંડો. એ પણ અંગત બળાપાવાળા નહીં પણ રંગભૂમિના સર્જનાત્મક ઉત્થાનમાં ઉપયોગી થાય એવા વિચાર. ખરેખર ગમશે.
(નોંધઃ આ લેખ લખવાની પ્રેરણા આપવા બદલ વૈભવી જોશીનો આભાર)