Home / GSTV શતરંગ : What is this "Lo Shu Grid" in Numerology?

શતરંગ / અંકશાસ્ત્રમાં આ "લો શુ ગ્રીડ" શું છે?

શતરંગ / અંકશાસ્ત્રમાં આ "લો શુ ગ્રીડ" શું છે?

અંકશાસ્ત્ર - મૂલાંક, ભાગ્યાંક, એન્જલ નંબર્સ વિષે થોડું ઘણું જાણનારને ખ્યાલ હશે કે આ "લો શુ ગ્રીડ" અથવા "લો શુ ચાર્ટ" શું છે. ચાલો આજે આપણે એ વિષે વિગતવાર માહિતી મેળવીએ.

લો શૂ ગ્રીડ એ ચાઇનીઝ અંકશાસ્ત્ર પર આધારિત પદ્ધતિ છે.  1 થી 9 નંબરો લો શુ ગ્રીડની ત્રણ પંક્તિઓ અને ત્રણ કૉલમમાં વિશિષ્ટ ઓર્ડરમાં ગોઠવાયેલા હોય છે. જેમાં આડી, ઊભી કે ત્રાંસી એમ દરેક હરોળનો સરવાળો 15 થાય છે. ( નીચે સ્ટાન્ડર્ડ લો શુ ગ્રીડનો ફોટો મુકેલ છે.) દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત લો શુ ગ્રીડ હોય છે. આ ગ્રીડ અથવા ચાર્ટમાં રહેલ અંક તથા મીસિંગ અંક પરથી વ્યક્તિની લાઇફ જર્ની વિશે અનુમાન લગાવી શકાય છે.

કેવી રીતે બને છે આ "લો શુ ગ્રીડ".

આ લો શુ ગ્રીડ વ્યક્તિની જન્મ તારીખમાં રહેલ આંકડાઓ પરથી બનાવવામાં આવે છે.  જો તમે તમારા "લો શુ ગ્રીડ"ના અંકોની ગણતરી અને અનુમાન કરતાં શીખી જાઓ તો તમે જીવનમાં આવનારી નિષ્ફળતાને સફળતામાં પલટાવી શકો છો. 

લો શુ ગ્રીડ નંબરની ગણતરી કેવી રીતે કરશો?

ગ્રીડ તૈયાર કરવા માટે સૌથી પહેલા તો તમારે તમારી જન્મ તારીખના અંકોની જરૂર પડશે. તદુપરાંત મૂલાંક અને ભાગ્યાંકની સાથોસાથ પાકુઆ નંબરની પણ જરૂર પડશે. આ પાકુઆ નમ્બર કેવી રીતે શોધવો, એ પણ આપણે આ લેખમાં જોઇશું. 

સૌ પ્રથમ તમારી જન્મ તારીખના અંકો ઉમેરો.  ઉદાહરણ તરીકે, જો તમારી જન્મ તારીખ 15મી ફેબ્રુઆરી 1983 હોય તો 1, 5, 2, 1, 9, 8 અને 3 નંબર લેવા. ત્યાર પછી તમારા મૂલાંક અને ભાગ્યાંક નંબરો શોધો. 

મૂલાંક નંબર જોવા માટે તમારી જન્મ તારીખ- 15 ને સિંગલ આંકમાં ફેરવો. જે 1+5=6 થશે. હવે તમારે ભાગ્યાંક શોધવા માટે સમગ્ર જન્મતારીખનો સરવાળો કરવો, અહીં ભાગ્યાંક 1+5+0+2+1+9+8+3 = 29 = 2+9 = 11 = 2 થશે 

હવે આપણે શોધીશું કૂઆ અથવા પાકુઆ નંબર !

લો શુ ગ્રીડમાં ગેમચેંજર ગણાતો આ નમ્બર વ્યક્તિના જન્મના વર્ષ અને લિંગ પર આધાર રાખે છે. ફેંગશુઈ અનુસાર, વ્યક્તિના જન્મનું વર્ષ વ્યક્તિના ચોક્કસ ગુણો, ક્ષમતાઓ અને લાક્ષણિકતાઓને વિશેષ પ્રભાવિત કરે છે.  

પાકુઆ નંબરની ગણતરી - 
તમારા જન્મના વર્ષના તમામ અંકોનો સરવાળો કરો.  1+9+8+3=21=2+1= 3 (યાદ રહે! આ પાકુઆ નમ્બર નથી!)

મહિલા માટે કુઆ નંબર - જન્મ વર્ષમાંથી મળેલ અંકમાં 4 ઉમેરવા. 3+4=7

પુરુષો માટે કુઆ નંબર - જન્મ વર્ષ માથી મળેલ અંકને 11 માંથી બાદ કરવા.  11-3=8

આમ 1983ના વર્ષમાં જન્મેલ મહિલાનો કુઆ નંબર 7 થશે જ્યારે આ જ વર્ષે જન્મેલ પુરુષનો કુઆ નંબર 8 થશે.

હવે તમારી પાસે તમામ અંકો આવી ગયા છે.  1, 5, 2, 1, 9, 8, 3, 2 (ભાગ્યાંક), 6 (મૂલાંક) અને 7( સ્ત્રીનો પાકુઆ નંબર).  એ તમારી લો શુ ગ્રીડની સંખ્યાઓ છે.  હવે સ્ટાન્ડર્ડ લો શૂ ગ્રીડમાં દર્શાવેલ અંકો પ્રમાણે ઉપર મેળવેલા અંકો યોગ્ય જગ્યાએ મૂકતા જાઓ. જો તમારી જનમ તારીખમાં કોઈ નંબર એક કરતાં વધુ વખત આવતો હોય તો ગ્રીડમાં પણ તે નંબર ફરીથી લખવો. 

અહીં ઉદાહરણ તરીકે લીધેલ જન્મ તારીખને ગ્રીડમાં મૂકતા 1 અને 2નો અંક બે વખત આવે છે, જ્યારે 4 નંબર મીસિંગ છે.

અહીં આપેલ ઉદાહરણ પરથી તમે પણ તમારી લો શુ ગ્રીડ સરળતાથી બનાવી શકશો. ગ્રીડમાં સમાવિષ્ટ આંકોનો અર્થ અને તેનું મહત્વ, વિવિધ પ્લેન અને રાજયોગ વિશેની જાણકારી મેળવીશું આગામી લેખમાં! ત્યાં સુધી લો શુ ગ્રીડનો મહાવરો કરતાં રહેજો!
આપનો દિન મંગલમય બનો.....

- શૈલી જાની



Icon