
- પંચાતિયા પોપટલાલ
પોપટલાલ ક્યારના મારી સામું આંગળી ઊંચી કરી કરીને વિચિત્ર રીતે દાંત કાઢી રહ્યા હતા, મેં અકળાઈને કહ્યું,
'પોપટલાલ, આમ મને તમારી આંગળી કેમ બતાવી રહ્યા છો?'
પોપટલાલ હસ્યાં, 'મિત્ર, સુરતના મતદારોને આ આંગળી ઉપર લોશાહીની શાહી લગાડવાથી મુક્તિ મળી ગઈ!'
હું જરા ગુસ્સામાં હતો. મેં કહ્યું, 'એમાં આટલા બધા ખુશ થવા જેવુ શું છે?'
'કેમ નહીં? આખા ગુજરાતનાં લોકોને જે કામ માટે આખા દહાડાની રજા મળવાની છે એ કામ સુરતીઓએ કર્યા વિના જ રજાની ટોટલ મજા લેવા મળશે! આહાહા.... જલ્સા જ જલ્સા...'
સુરતમાં જે કઈ થયું એ બાબતે મારુ મગજ તપેલું હતું, ' યાર, આ તે કઈ રીત કહેવાય? બસપાનો ઉમેદવાર પાછલા બારણેથી આવીને ઉમેદવારી પાછી ખેંચી જાય?'
'બધું જ પાછલા બારણે થયું લાગે છે દોસ્ત!' પોપટલાલનું દાંત પ્રદર્શનવાળું હાસ્ય રોકાતું જ નહોતું. 'પેલા ચાર ટેકેદારો પાછળે બારણેથી ખસી ગયા, બાકીના ઉમેદવારો પાછલે બારણેથી બેસી ગયા.... કુંભાણી પોતે જ કોંગ્રેસની ટિકિટ પાછલે બારણેથી કોની ભલામણથી લઈ આવેલા? એની ચર્ચા પણ પાછળે બારણે જ થઈ રહી છે! હીહીહી...'
'આમ દાંત ના કાઢો!' મેં બળાપો કાઢ્યો 'યાર, આ રીતે ચૂંટણી પહેલા જ પાણીમાં બેસી જવું હતું તો ઉમેદવારી નોંધાવવાના નાટકો કરવાની શી જરૂર હતી? પ્રજાને મજબૂત વિપક્ષ પૂરો પાડવાની જવાબદારી શું આ રીતે નિભાવશે?'
પોપટલાલ અચાનક બનાવટી રીતે ગંભીર થઈ ગયા. 'મિત્ર, વિપક્ષ તો પોતાની ભવિષ્યવાણીને સાચી પાડવાની એક નમ્ર કોશિશ કરી રહ્યો છે.'
'ભવિષ્યવાણી?'
'હાસ્તો! અમુક વિપક્ષી નેતાઓ વારંવાર કહ્યા કરે છે ને, કે જો ભાજપ જીતશે તો હવે ચૂંટણીઓ થશે જ નહીં! બસ, તો સમજી લે, આ એનું નાનકડું ટ્રેલર છે! ચૂંટણીઓ આ જ રીતે નહીં થાય!'
પોપટલાલ ફરી વિચિત્ર રીતે દાંત કાઢીને મારી સામું આંગળી બતાડવા લાગ્યા...
મને હજી નથી સમજાતું કે આમાં લોકશાહીની દયા આવી કે વિપક્ષોની? કેમ કે મતદારોની દયા ખાનારા તો આમ પણ ઘટતા જાય છે.
- લલિત લાડ