
- ફેસબુકથી હાર્ટબુક સુધી
આજથી પારંપારિક ગૌરીવ્રતનો પ્રારંભ થયો.. ગૌરીવ્રત વિશે એક એવો ખ્યાલ પણ પ્રવર્તી રહ્યો છે કે નવી પેઢી , ભણેલ ગણેલ પેઢી પોતાને વધારે આધુનિક ગણવવા માટે આવા વ્રત કરતી નથી! હું પણ એ જ આધુનિકતા નો હિસ્સો છું છતાંય હમેશા કહેતી આવી છું કે મારો સશક્તિકરણ અને સ્ત્રી હોવાનો ખ્યાલ અત્યંત અલગ અને સાહજિક છે! અવાસ્તવિક વાતોને પણ વાસ્તવિક રીતે મૂકવી જ પસંદ છે મને!
મહેંદીના રંગ માં પોતાના પ્રિયપાત્ર ના પ્રેમની ઉતેજના શોધવી કે પછી હાથમાં પેરેલી ચૂડીના ખનકારમાં એના અવાજનો પડઘો સાંભળવો કે પછી ઝાંઝરના રણકાર માં એક અવાજ પોતાના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનનો ભરવો મને હંમેશા ગમતું જ આવ્યું છે...
નાના હોઈએ અને મોળાવ્રત કરતા હોઈએ અને સાથે સાથે રમતો પણ રમીએ! "ચકચલાનું ઓલે ઘેર ભાણું"....
ધીમે ધીમે પરિપકવ થતાં ગૌરીવ્રત કરતા કરતા એવું સમજાઈ આવે કે - આ જીવન પણ એક રમત છે...
કદાચ ગોરમા ને પુજવા જતી નાનકડી બાળાઓને તો ખબર પણ નઈ હોય આ રમતની . પોતાની આંખોમાં કેટલાય અભરખા સજાવીને હોંશે હોંશે વ્રત કરતી દીકરીઓ મોટી થઇને ગૌરીવ્રત કરે ત્યારે એ ઝંખતી શું હોય છે? પોતાના પ્રિયપાત્ર પાસેથી? ગાડી? બંગલો? આભૂષણો? .... કદાચ ના .. અમાનું કઈ પણ નઈ... એક નાયિકા તરીકે સમગ્રલક્ષી વિચારસરણી થી લખુ તો એવું થઈ આવે કે પોતાના જેવી કેટલીય સાચા અર્થમાં સ્વતંત્ર થઈને જીવતી કે ક્યાંક ને ક્યાંક જીવવા માગતી સ્ત્રીઓ મારી કલમ પર બેસી મને લખવા પ્રેરે છે .. હું છે ઇચ્છું છું એ જ ઈચ્છતી હોય છે દરેક સ્ત્રી! કારણકે દરેક સ્ત્રી અંતે તો સરખી જ હોય છે ભલેને ગમે તેટલી અલગ હોય!
ગૌરીવ્રત કરતી એ નાયિકા આંખો બંધ કરીને ગોરમા કે જયાં પાર્વતી પાસે કદાચ એટલું જ માગતી હશે કે -
કે જ્યારે ખુદ થી કંટાળીને ભાગી જાવ ત્યારે મને ખબર પણ ના પડે એ રીતે ઉઠાવીને દૂર લઈ જાય કોઈ...
મને કઈ નથી થયું, હું મને સારી રીતે સંભાળી શકું છું આવા શબ્દો જ્યારે જુઠા સ્મિત સાથે નીકળે ત્યારે પ્રેમથી ટપલી મારી કોઈ એવું કહી જાય - કે મને ખબર છે તું એકલી કરી શકે છે અને કરી પણ લઈશ! પણ હું છું ને તારી સાથે અને તારો જ! તો ચાલને આપડે બંને કરીએ...
સહજ ભાવે સમર્પિત થયા પછી અને મારો સમય , મારી જાત , મારી સમજણ , મારી સંવેદના , મારી મદદ , મારું અસ્તિત્વ અર્પણ કર્યા પછી મને સ્વાર્થની દુર્ગંધથી પીડાવું ના પડે..માત્ર દુઃખ અને દર્દ માં નહિ પણ સુખમાં મારો સંગાથ ઈચ્છે એવું કોઈ....
લીસ્સા ભાષણો અને શિખામણો ની પેલે પાર હૂફ જેવું કંઇક મળે જ્યાં હું પોતે સામાન્ય નિર્દોષ બાળક બનીને એક પોતાનું સ્ત્રીત્વ પોષી શકું! કે પીડાને થોડી ક્ષણો માટે વિસામો આપી શકું... મારું અસ્તિત્વ ન જોખમાય એક એવો ખૂણો .... હું સ્ત્રી છું મારા સહજ ભાવો અને કોમળ અપેક્ષાઓ સચવાય એવો એક ખૂણો....
જે મને મંઝિલ સુધી પહોંચવાનું સાધન નહિ પણ સાધ્ય ગણાવી શકે! જે મને પ્રશ્ન નહિ પણ જવાબ ગણી શકે! જે મને સમજે નહિ તો ચાલે પણ બસ ચાહી અને જીવી શકે મનભરીને.... જેનો પ્રેમ માત્ર બાહ્ય સુંદરતા અને એની વાતોમાં નહિ પરંતુ એના મારા પરત્વેના કાર્ય કે કર્મો માં છલકે ; હાજરી રૂપે , સમય રૂપે , સમર્પણ રૂપે....
મને મારી ભૂલો ગણાવી શકે એ રીતે કે મને મારા પ્રત્યેનો આદર જળવાઈ રહે મારામાં રહેલું મનુષ્યત્વ ઘવાય નહિ અને હું ખુદથી દૂર જવાને બદલે મારી નજીક આવી જાવ અને એની પણ!
શરીર ને જોતા પેલા આંખોનું ઊંડાણ અને તેજ તેમજ સ્મિતમાં રહેલી નિર્મળતા ને સ્પર્શવાની જેની ઝંખના હોય....
"હું" અને મારું"મૂકીને જે "તારું" અને "આપણું" એવું એક સુખ નું સરનામું શોધી શકે એવું કોઈ....
આખાય દિવસની રજાપાટ પછી તો ક્યારેક અત્યંત પ્રેમ વહેંચ્યા પછી જ્યારે અણગમો કે ખાલીપો અનુભવાય ત્યારે એના પ્રેમમાં ડૂબી જઈને જાતને ભરી શકાય થોડી ને હદયને ભીંજવી શકાય!
એક એવું પુરુષત્વ જેને સ્ત્રીત્વને સ્વીકાર્યું હોય! જેને સ્ત્રીત્વને સતત ઝંખ્યું હોય સ્વભાવ રૂપે , ભાવ રૂપે અને જેને સ્વતંત્રતા ની કે સ્વતંત્ર અસ્તિત્વની અનુભૂતિ કરી હોય! જે મારી સફળતાને એની સફળતા ગણાવતા પહેલા એની સફળતાને મારા નામે કરી શકવાનું સામર્થ્ય ધરાવે!
અને બસ એટલી જ તમન્ના અંતે તો કે - ના મળે કોઈ આટલું પ્રિય તો સ્વને ઉઠાવીને આખી જિંદગી એકલા ચાલવાની હિંમત અને શક્તિ મળે પણ કોઈ દિવસ સમાધાન ની અગ્નિમાં સ્વને હોમવાની નોબત નાં આવે કોઈના ખોટા પ્રેમ પ્રપંચ રૂપી ક્ષણિક નાટક કે અભિનય સામે ઝૂકીને સર્વસ્વ ગુમાવી ના બેસાય એટલી જ શક્તિનું સામર્થ્ય અને પ્રાર્થના ઈશ્વર તવ ચરણે ધરું!
- પ્રેરણા દવે