Home / GSTV શતરંગ / Prerana Dave : Love is an art that sometimes has to be learned Prerana Dave

શતરંગ / પ્રેમ એ કળા છે જે ક્યારેક શીખવી પડે છે

શતરંગ / પ્રેમ એ કળા છે જે ક્યારેક શીખવી પડે છે

- ફેસબુકથી હાર્ટબુક સુધી

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,

ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?

તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

- ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી સાહેબની ખ્યાતનામ ગઝલની આ મારી અમુક પ્રિય પંક્તિઓ છે - ખુમારીથી ભરપૂર. પણ કેવી ખુમારી? પ્રેમની ખુમારીની વાત છે અહીંયા તો...

બોલીવુડ આપણને બે રસ્તાઓ બતાવે. એક કબીરસિંહ જેવા એસ્ટ્રા પસેસિવ પાત્રો અને એક આદિત્ય જેવા જે પોતાની ગીતને એના જ પ્રેમી સાથે મેળવવાની કોશિશ કરે. in short - તું મારી/મારો છે અને તું ફક્ત મારી/મારો છે આ બધા ચક્કરમાં સાહિત્ય આપણને એવો ખ્યાલ સમજાવે કે - તું મારી/મારો અને બધાની/બધાનો છે પણ સૌથી પહેલા મારી છે! બસ ફક્ત એટલું જ તો સમજવાનું હોય છે આપણે આ પ્રેમકલામાં.

પ્રેમ અને લાગણીઓ એકમાત્ર એવી વસ્તુ છે જ્યાં નાની નાની વાતની અપેક્ષાઓ આપણને હોય. Smallest things making big differences. બાકી તો આપણને બહુ મોટી મોટી વસ્તુઓ જોઈતી હોય છે જીવન પાસેથી. આપણા અંગત જીવનમાં રહેલ અમુક વ્યક્તિઓ કે પછી એક વ્યક્તિ પાસેથી જ સાવ અંગત અને બાળક જેવી અપેક્ષાઓ આપણને હોય.  અને જ્યારે એ પણ આપણે પૂરી ના કરી શકીએ કે ના થાય ત્યારે સંબંધનો શ્વાસ રુંધાય. કેમ કે લાગણીઓ જ આપણને આદર્શવાદ મુકીને અસલ બનવાની છૂટ આપે છે.  ખરેખર તો એ નાની નાની વસ્તુઓ જ કેટલો મોટો ફરક પાડી દેતી હોય છે નહિ?

સાંજ પડે કોઈ એક વ્યક્તિ પાસેથી બધું જ સાંભળી લેવાની કે કહી દેવાની અપેક્ષા કેટલી સહજ રીતે આપણી અંદરથી સ્ફૂરતિ રહેતી હોય છે! ભલે દિવસ સારો - ખરાબ કે પછી સાવ અર્થવિહિન કેમ ન રહ્યો હોય! પણ એ એક વ્યક્તિ આપણને સાંભળે અને બધું જ કહે એવી કોઈ ઈચ્છા એ સંબંધને બીજા સંબંધોથી અલગ પાડતી હોય છે! કે પછી વધારે મજબૂત બનાવતી હોય છે. કારણકે ભાઈ પ્રેમ તો પોતાનું અલગ ખાસ સ્થાન માગે છે. સમાજમાં પણ અને પ્રિયપાત્રના હદયમાં પણ.

જ્યારે ટોળામાં એ પોતાના એક પ્રિયજનની પાસે /સાથે બેઠા હોઈએ ત્યારે કોને કેટલુ રાજકારણ કે શાસ્ત્રોનું જ્ઞાન છે એ matter નથી કરતું. પણ સાવ અડોઅડ બેઠેલી વ્યક્તિની પસંદ અને નાપસંદ વિશેનું જ્ઞાન આપણને જમીનથી બે વેત અધ્ધર ચલાવે છે. કારણકે એ જાણી લીધેલી એની પસંદ - નાપસંદ , અન્ય ટોળામાં રહેલ વ્યક્તિઓની લાગણીઓ કરતા આપણી એના માટેની લાગણીઓ ને અલગ પાડતી હોય છે. કે પછી એમ પણ કહી શકાય કે આપણી લાગણીઓનું અને એ સંબંધનું માન ત્યાં જળવાઈ જતું હોય છે.એવે સમયે કોઈ પરિપક્વતા નહિ પણ એ અપરિપક્વ સંવાદો વ્હાલા લાગતા હોય છે.

બહુ સુંદર તૈયાર થઈને બહાર નીકળીએ કે પછી હવે તો સોશિયલ મીડિયાનો સમય એટલે સ્ટોરી કે પોસ્ટ મુકીએ ત્યારે કેટલા બધા લોકો પાસેથી વખાણ સાંભળ્યા પછી પણ આપણી નજર એ એક નોટીફિકેશન પર અટકેલી હોય કોઈ બંધ પડી ગયેલ ઘડિયાળના કાંટાની જેમ. જેમાં પાવર પૂરી દેવામાં આવે- થોડું attention અને appreciation આપી દેવામાં આવે તો સાચા સમય સુધી પહોંચી જ જવાતું હોય છે! 
કોઈને પોતાના પ્રિયપાત્રથી નજીક આવતા જોઈએ ત્યારે પણ આપણને વાક આપણા જ પ્રિયપાત્રનો દેખાય આવી રમૂજી અને તર્કવિહીન દાદાગીરી આપણને પ્રેમ બતાવે. અને જોવા જઈએ તો આમ ગુસ્સાથી વરસી પડવું એનો પણ અલગ દબદબો અને જાહોજલાલી છે. તમે ક્યારેય observe કર્યુ છે? કે હકીકતમાં તો આ વરસી પડવા પાછળ આપણી છુપી રુસ્તમ અપેક્ષા શું હોય છે? કદાચ એટલી જ કે - જે વાત કે પ્રેમની આપણને ખબર છે એ ફરીથી સામેવાળી વ્યક્તિ આપણને યાદ કરાવે! અને હાથ પકડીને એના બીજાથી સેજ એવા ઉચા હદયસિંહાસન પર સંવાદ કરીને બેસાડે.

કોઈપણ સારા કે ખરાબ સમાચાર સૌથી પહેલા આપણને ખબર પડે એવી અપેક્ષાઓ જ સાબિત કરતી હોય છે કે આ દુનિયામાં ઈશ્વરીય સ્થાન પહેલા પણ જો કોઈનું સ્થાન હોય તો એ વ્યક્તિનું છે જો આપણને દેખાય તો! કોઈ તમારી પાસે સ્વાર્થ વિના સમય માગે , સતત માગે અને આપે ત્યારે એની ઝોળીમાં એ સમય એવી રીતે મૂકવો કે તમારો આપેલો સમય એને દાન કે ઉપકાર નહિ પણ વ્હાલ લાગે. આમતો માગવાની જરૂર પણ પડવી ના જોઈએ નહિ?

પ્રેમ - લાગણીઓ થોડું વધારે માગે છે એ વાત સાચી પણ એની સુંદરતા એ છે કે એ બહુ નાનું નાનું રોકાણ માગે છે. જો બહુ મોટું માગે તો એ પ્રેમ જ ક્યાં કહેવાય!!! આ નાની નાની વસ્તુની આમાન્યા જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે જો એ જળવાઈ શકે તો દુનિયામાં પ્રેમ , સહજ સ્વાર્થ વગરનો પ્રેમ પણ જળવાઈ રહે! અને જે પેઢી જન્મે એ પણ પ્રેમના ગીતો ગાય. પછી તો ફક્ત એક જ ધર્મ રહે પ્રેમ નામનો! બીજા બધા ધર્મ આપણને યાદ છે બાકી તો..!! કોઈ એક અંગ્રેજી ઓથરનું વાક્ય ક્યાંક વાંચેલું કે જો મારે ધર્મ વિષયક કોઈ પુસ્તક લખવાનું હશે તો એ ૧૦૦ પાનાનું હશે , એમાં નવ્વાણું પાના કોરા હશે અને ૧૦૦માં પાને લખેલું હશે કે હું એક જ ધર્મ જાણું છું - પ્રેમ કરવાનો! તો વાત કઈક એમ છે કે આ નાની નાની લાગણીઓ કે વસ્તુઓની આમાન્યા જાળવવા ક્યાં વધારે કઈ કરવાનું હોય છે??

ફક્ત એ જ તો જોવાનું હોય છે કે જયારે જ્યારે પોતાના વ્યક્તિના શ્વાસ રૂંધાઇ રહ્યા હોય ત્યારે ઑક્સિજન જેવી તમારી હાજરી એને મળી રહે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. જ્યારે જ્યારે એ ચીસો પાડીને તમને નજીક બોલાવવાની કોશિશ કરે ત્યારે કદાચ નજીક ન જઈ શકાય એમ હોય તો પણ તમને એ સાદ સંભળાયો છે એવો પડઘો એને આપી દેવાનો હોય છે. પોતાના "હું" કે સ્વાર્થની આગળ , પોતાના સમયની પહેલા એ વ્યક્તિનું સ્થાન છે એવી ખાતરી આપી દેવાની હોય છે ફક્ત. પછી ભલે ને કદાચ એ સ્થાન સૌથી આગળ હોય કે ન હોય પણ ખાસ તો છે જ એવી ખાતરી. જ્યારે જ્યારે પ્રેમમાં સહજ ઈર્ષ્યા પ્રવેશે ત્યારે ત્યારે એની નજીક જઈને થોડો વધારે હાથ દબાવીને એને કહેવાનું હોય છે એ બધું જ , જેની એને ખબર જ છે. પોતાનું પાત્ર રડતું હોય ત્યારે એના આંસુઓ તમારી જ હથેળીમાં પડે એવું શક્ય ન પણ હોય , એવે સમયે કદાચ આપણે જાણ બહાર બીજે હસતા ના હોઇએ એટલું જ ધ્યાન રાખવાનું હોય છે. પ્રેમ બિઝનેસ નથી એનું કોઈ નાણાંકીય મૂલ્ય નથી એક સમયે આપેલી બધી જ ભેટ જર્જરિત થઈ જાય ત્યારે મહત્વ રહેતું હોય છે ફક્ત ભેટમાં આપેલી રેશમી ગુલાબી સમૃદ્ધ ક્ષણોનું. બે નજર ભેગી થઈને એક દૃષ્ટિકોણથી આખી દુનિયા જુવે અને એમાં કેટલા ચઢાવ ઉતાર પણ આવે. પણ આ બધાજ ચઢાવ અને ઉતારમાં આપણી અંદર નિસ્વાર્થ સ્વયંસ્ફુરીત પ્રેમ અખંડ રાખે અને રહેવા દે  , આપણને બાંધીને પણ મુક્ત રહેવા દે અને vice versa એવી એક વ્યક્તિ આપણે બધા deserve કરતા હોઈએ છીએ. અને ઘણીવાર તો એ સાવ આપણી બાજુમાં હોય છે એને ઓળખી અને સમજી શકવાનું સામર્થ્ય પણ કેળવાઈ જાય તો છીછરા બની રહેલ આખાય પ્રેમને પુન: સ્થાપિત કરી શકાય.

એક વાત સાવ સાચી છે કે - બે માણસની અપેક્ષાઓ ક્યારેય વધારે નથી હોતી કે પછી અપેક્ષાઓને કારણે કોઈ સંબંધ તૂટતો પણ નથી. એ સંબંધ કા તો શોર કરીને અથવા તો શૂળ જેમ વાગી ગયેલ કોઈ ઊંડા તીર જેવા સ્મિત સાથે તુટે છે. અને ફક્ત ત્યારે તુટે છે જ્યારે અપેક્ષાઓ સમજી કે જાણીને પણ ક્યાંક સ્વાર્થી બનીને આપણે એને અનદેખી કરી હોય. જાણી જોઈને અનદેખી કરેલી અપેક્ષાઓ , ઝંખનાઓ , ગળી ગયેલ ફરિયાદો , સાવ અધવચ્ચે મૂકી દીધેલા કે અચાનક ઓછા કરી દીધેલા સંવાદો અસંતોષની ચિનગારી ચાંપે અને એક સમય પછી એ આગનો તાપ કૂણી લાગણીઓ જીરવી ના શકે અને સંબંધ ભરડો બનીને રહી જાય.

આ પ્રેમ તો સફેદ કપડાં પહેરેલાં બધા જ વ્યક્તિઓની હરોળમાં લાલ રંગ પહેરીને બેઠેલા એક વ્યક્તિ જેવો છે. એનું અલગ અસ્તિત્વ હોય. એમાં વાંધો પણ નથી હોવું જોઈએ. અને એ અસ્તિત્વની ખુલ્લેઆમ ઉજવણી પણ થવી જોઈએ કારણકે trust me દુનિયામાં ૮૦% લોકો પાસે એ સદભાગ્ય નથી. અને જેની પાસે છે એનું દુર્ભાગ્ય એ છે કે એ લોકોને કા તો ઓળખી નથી શકતા અને કા તો સાચવી નથી શકતા.

ચાલો , આપણે બંને કરી જાણીએ! Its lil late but never too late to begin…!! 

તમને બધાને અપેક્ષાથી પર થયેલ વૈરાગ્ય વાળો નહિ પણ અપેક્ષાથી ભરપૂર શ્રૃંગાર પ્રેમ મુબારક…!! 

- પ્રેરણા દવે