
- ફેસબુકથી હાર્ટબુક સુધી
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખે આખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
- મનોજ ખંડેરિયા
છોકરાઓને અર્થશાસ્ત્ર વિષયમાં યુટિલિટી ભણાવતી વખતે હું એમને સમજાવું કે, ભૂખ લાગી હોય ત્યારે પહેલા કોળીયામાં જે સંતોષ મળે એ છેલ્લામાં ન મળે. પછી મને પોતાને જ ઘણીવાર થાય કે આમ તો સાહિત્ય હોય કે અર્થશાસ્ત્ર કે પછી પ્રેમ કે વૈરાગ્ય આ બધું અંતે તો એકનું એક જ ને!
ક્યારેક આપણો ભાવ તો ક્યારેક આપણો અભાવ ભેગા થઈને આપણો સ્વભાવ નક્કી કરે અને છેવટે આપણે બધા તો સાવ એક જેવા જ અને એક ના એક જ...ડાયરીમાં લખાયેલ ગોલ, હેપનિંગ લાઇફ, એડવેન્ચર કે પોતાનું મનગમતું વ્યક્તિ આ બધા સુધી પહોંચવાની ભૂખ લાગી હોય ત્યારે થતાં પ્રયત્ન પહેલા કોળીયા જેવા છે અને પછી થતા દરેક પ્રયત્નો ઓડકાર આવી જાય ત્યાં સુધીની સફર જેવા, પણ આપણને તો ઓડકાર પણ ક્યાં આવે છે? મનોજ ખંડેરિયાની પંક્તિમાં ‘આ પાછું વળેલ મન ફરી ફરીને એ રસ્તાઓ પર મૃગજળનો પીછો કરતું રહેતું હોય છે; કે પછી એ પણ અથડાતું રહેતું હોય છે - પોતાની ઝંખનાઓ વચ્ચે. બહુ બધો પ્રેમ મેળવ્યા પછી ફરી ફરીને બહુ બધો પ્રેમ મેળવવાની આપણી ઝંખના ક્યારેય સમાપ્ત થતી નથી. બહુ જ સમૃદ્ધ થાય પછી થોડું વધારે સમૃદ્ધ થવાની ઝંખના , એકવાર કોઈને મળ્યા પછી બીજીવાર મળી લેવાની ઝંખના સમાપ્ત થતી જ નથી. પણ એક તારણ અહીંયા એ પણ નીકળે છે કે ઝંખના તો ફક્ત મેળવવાની જ હોય છે, છોડવાની ઝંખના જેવું ક્યાં કશું હોય છે? બહુ બહુ તો છૂટી ગયા પછી ના છૂટકે કે ક્યારેક સહજભાવે થતો સ્વીકાર હોય.
છેવટે તો કેટલીય અધુરપો અને ખાલીપાનો ભાર લઈને આપણી જ જાત આપણને બહુ દૂર તાણી જતી હોય છે. આખી દુનિયા ભાગદોડમાં આગળ જતી જોઈને આપણે થંભી ગયા હોય એવું લાગે કે પછી આપણે થંભી ગયા એટલે દુનિયા દોડે છે એ જ નથી સમજાતું હોતું આપણને...નહીં? અંદર તો કેટલું બધું ભાગતું હોય છે સતત, ઘણું બધું જીરવી અને જીવી ગયા પછી સૂનકારમાં ગરકી રહેલ આપણો સમય એકમાત્ર સાક્ષી બની રહેતો હોય છે. એ એક-એક ઘટનાઓનો અને ચહેરાઓનો જેણે ના ઈચ્છવા છતાં આપણામાં કઈક બદલ્યું હશે અને કઈક સાવ અખંડ મુકીને ગયું હશે. આક્રોશ, પીડાઓ, અજંપો, થાક, ઉહાપોહ ભાગદોડનો અને સ્પોટ લાઈટનો હિસ્સો બનેલા આપણે આપણી કેટલી બધી હસી અને ઠાઠ પાછળ પોતાની સગી જાતને સાવ અજાણ્યા બનીને દબાવી દઈએ છીએ, શું આપણે બધા ખૂની છીએ નહીં! વળી આપણું એકાંત આપણને જાદુગરીના કેવા કેવા નવા રંગો બતાવે, એક પછી એક પડઘાઓ સંભળાવે, ક્યારેકને ક્યારેક એ લાગણીઓના ખેલ પણ બતાવે, અને ક્યારેક એ કામ કરે આપણા અંગત એકાંત જેવા લોકો… ઘણીવાર તો એવું લાગે કે વિષાદથી લઈને સંન્યાસની આખી યાત્રામાં આપણે ફક્ત નારદ બનીને ફાંફાં મારીએ છીએ. હરીન્દ્ર દવેએ પોતાના પુસ્તક 'માધવ ક્યાંય નથી'માં લખ્યું છે કે આમથી તેમ કૃષ્ણતેજ મેળવવા ફાંફાં મારતા નારદને ક્યાંય કૃષ્ણ નથી મળતા છેલ્લે મળે છે તો એ ગોપીઓના પ્રેમમાં, રાધાના વિરહમાં અને યશોદાની મમતામાં...અને ક્યારેક તો આપણે હોઈએ છીએ એ ઉદ્ધવની અવસ્થામાં જે જ્ઞાનના ભારથી ભરપૂર છે છતાંય એ ભાર એને સાવ પોતાનો લાગતો હોય છે. શ્રેષ્ઠ અને ભલો લાગતો હોય છે. બહુ દૂરનું જોવામાં સાવ નજીકનું ઝાંખું થઈ ગયાના દાખલા તો અખંડ દીવા જેમ આપણાં સૌમાં બળતા રહેતા હોય છે. કોઈ અનહદ અને અતિશયમાં સંડોવાયેલું છે તો કોઈક નહિવતમાં…કોઈ અતિશય છલોછલ છે એટલે પીડાય છે તો કોઈ છીછરા ખાબોચિયામાં છે એટલે. અને આ બધાની વચ્ચે માપસર જેવું તો ક્યાં કઈ છે જ? જ્યાં જ્યાં માપસર જેવું લાગે ત્યાં ત્યાં બધું અવાસ્તવિક લાગે, કેમ કે વાસ્તવિક છે એ સ્થિર નથી. ને સ્થિર છે એ સમુદ્ર પણ ક્યાં વાસ્તવિક છે? એના ગર્ભમાં જઈને જોઈએ તો આપણાં અંતરમાં જ્વાળામુખી હોય છે એ પણ એટલો જ નીકળે કદાચ....
હરતી ફરતી વાર્તાઓ બનીને ફરતા આપણે અચાનક પૂતળું થઈ જઈએ અને vice versa! દુનિયા ગોળ છે એટલે જ ક્યાંક કોઈ સ્મિત આપણને રડાવે તો ક્યાંય કોઇના આંસુ આપણને રડાવે. લાગણીઓની ભિન્ન અવસ્થાઓ અને આખું રચાતું અખંડ ભાવવિશ્વ! આ દુનિયાની નહિ પણ દુનિયા ઘડનારે આપણામાં મુકેલી અજાયબી! અને પછી એણે ધોઈ નાખેલા એ હાથ…
પામી લેવામાં સુખ છે કે છોડી દેવામાં? લડી લેવામાં જીત કે હથિયાર હેઠા મૂકી દેવામાં? જ્ઞાનમાં સુખ કે મૂર્ખતામાં? આ બધી ગૂંચવણોના જવાબ ક્યારેય સરખા નથી હોતા કેમ કે એ સંજોગોને આધીન હોય છે. તોય આજે એટલું સમજાય છે કે લડ્યા પછી છોડી દેવામાં કદાચ જીત છે. પામી લેવાની ચાહ કરતા આપી દેવામાં મજા છે. છોડી દેવા કરતા સહજ છૂટી ગયેલ વ્યક્તિ કે વસ્તુઓ કે તક છૂટી ગઈ છે એવું સ્વીકારી લેવામાં સુખ છે. સંપૂર્ણ જ્ઞાનથી ભરાઈ ગયેલી જાતમાં એક સમર્પણની નાની હવાબારી રાખવાની ક્ષમતા સુખ છે જ્યાંથી અહમ બહાર જઈ શકે અને શુદ્ધ લાગણીઓ અંદર પ્રવેશી શકે. ગમતી વસ્તુ/વ્યક્તિ મેળવવાની હોડમાં કેટલી બધી ખોજ કર્યા પછી, જ્ઞાન મેળવ્યા પછી જ્યારે એ ના જડે ( અને જો જડે તો સુખ ના આપે) ત્યારે એ ખોજ મુકીને જ્ઞાનશૂન્ય થઈ જવામાં પણ સુખ છે, કારણ કે, કોઈપણ ખોજ જ્ઞાનથી શરૂ થઈને આત્મસમર્પણ પર પૂરી થતી હોય છે. આ વાત મૌલાના, મીરા, કબીરા, નારદ, ઉદ્ધવ,ગોપી રાવણ રામ પરથી આપણને આત્મસાત કરવા મળે છે.
એટલે છલ્લે તો ખૂબ બધું લડીને, મથીને, ઝિદ કરીને, છોડી દેવા વાળા અને સહર્ષ સહજ સ્વિકાર કરવા વાળા ક્યારેય હારતા નથી હોતા. તો ચાલો જે કામનું નથી તોય જકડીને પકડ્યું છે એ છોડી જ દઈએ - સમય પર, ઈશ્વર પર અને ક્યારેક ક્યારેક તો પોતાના અને પોતાનાઓ પર.
- પ્રેરણા દવે