
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખની વરણીને લઇને કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યના ભાજપના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. આગામી સપ્તાહે ભાજપના પ્રદેશ પ્રમુખનું કોકડું ઉકેલાઇ શકે છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે?
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખને લઇને રાજ્યના ભાજપના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. આગામી સપ્તાહ સુધી ભાજપના પ્રદેશ પ્રમુખનું કોકડું ઉકેલાઇ શકે છે.ગોરધન ઝડફિયાએ પણ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે RSSનો ચહેરો હોઇ શકે છે. કોળી સમાજની મહિલાને પણ સ્થાન મળી શકે છે. આ પહેલા OBC મોરચાના નેતાઓએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને પણ નેતાઓ મળ્યા હતા.
OBC મોરચાના નેતાઓ અમિત શાહને મળ્યા
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની રેસમાં સામેલ બે નેતા દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા.મોદી સરકાર દ્વારા લોકસભામાં વકફ બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાની ટીમે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રાજ્યસભા સાંસદ મયંક નાયક અને ઉદય કાનગડ અમિત શાહને મળ્યા હતા.
સી.આર. પાટીલનો કાર્યકાળ પૂર્ણ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો છે. ટુંક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. સી.આર.પાટીલને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવતા અત્યારે તેઓ કાર્યકારી ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની પણ જવાબદારી નીભાવી રહ્યાં છે. સી.આર.પાટીલ જુલાઇ 2020માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા હતા.
ઉત્તર ગુજરાતમાંથી મળી શકે છે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ
ભાજપની પસંદગીમાં જ્ઞાતિ સમીકરણો (પાટીદાર, ક્ષત્રિય, OBC અથવા આદિવાસી) અને પ્રદેશવાર સંતુલન (ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત) મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ખાસ કરીને, ઉત્તર ગુજરાતમાંથી નેતાની પસંદગીની શક્યતા વધુ ચર્ચાઇ રહી છે, કારણ કે આ વિસ્તારમાંથી લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ આવ્યા નથી.જોકે, ભાજપે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આ નામ ચર્ચામાં
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કેટલાક નામ ચર્ચામાં છે. મયંક નાયક, જગદીશ વિશ્વકર્મા, ઉદય કાનગડ, વિનોદ ચાવડા, દેવુસિંહ ચૌહાણ, આઇ.કે.જાડેજા, શંકર ચૌધરી, બાબુભાઇ જેબલિયા, મહેન્દ્ર મુંજપરાના નામ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચામાં છે. જોકે, અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ કરશે.ભાજપ દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતમાં સરપ્રાઇઝ નામ જાહેર કરી શકે છે.
અત્યાર સુધીના ભાજપ પ્રદેશ પ્રમુખનો સમયગાળો
એ.કે.પટેલ - 1982થી 1985 - 3 વર્ષ
કાશીરામ રાણા - 1993થી 1996 - 3 વર્ષ
વજુભાઇ વાળા - 1996થી 1998 - 2 વર્ષ
રાજેન્દ્રસિંહ રાણા - 1998થી 2005 - 7 વર્ષ
વજુભાઇ વાળા - મે 2005થી ઓક્ટોબર 2006 - 1 વર્ષ 150 દિવસ
પરશોત્તમ રૂપાલા - ઓક્ટોબર 2006થી ફેબ્રુઆરી 2010 - 3 વર્ષ 98 દિવસ
આર.સી.ફળદુ - ફેબ્રુઆરી 2010થી ફેબ્રુઆરી 2016 - 6 વર્ષ 18 દિવસ
વિજય રૂપાણી - ફેબ્રુઆરી 2016થી જુલાઇ 2020 - 173 દિવસ
જીતુ વાઘાણી - ઓગસ્ટ 2016થી જુલાઇ 2020 - 3 વર્ષ 345 દિવસ
સી.આર.પાટિલ - જુલાઇ 2020થી અત્યાર સુધી