Home / Gujarat / Gandhinagar : Gujarat Political Parties Tension Between India And Pakistan

સરહદ પર યુદ્ધ: કમલમ્-કોંગ્રેસ કચેરીઓ સૂમસામ; નેતાઓ નવરાધૂપ 

સરહદ પર યુદ્ધ: કમલમ્-કોંગ્રેસ કચેરીઓ સૂમસામ; નેતાઓ નવરાધૂપ 

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ઉભી થયેલી તણાવભરી સ્થિતીને પગલે ગુજરાતના રાજકારણનું ચિત્ર બદલાયુ છે. ગમે તે ઘડીએ ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તે વાત હાલ પડતી મૂકાઇ છે. સાથે સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક પણ અનિશ્ચિત બની છે. આ ઉપરાંત મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા હાઇકમાન્ડે નવુ જીલ્લા માળખુ બનાવવા પૂરજોશમાં તૈયારીઓ આદરી હતી પણ આ મુદ્દો યુદ્ધને કારણે રખડી પડ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ગુજરાતનું રાજકારણ ઘવાયું

ટૂંકમાં, ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ગુજરાતનું રાજકારણ પણ ઘવાયું હોય તેવી સ્થિતી પરિણમી છે. અત્યારે કમલમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી પણ સૂનસાન ભાસી રહી છે. કાર્યકરો પણ હાલ નવરાધૂપ બન્યાં છે. હાલ માત્ર ચોરેને ચૌટે યુદ્ધની ચર્ચા ચાલી રહી છે જેથી ગુજરાતનું રાજકારણ કોરાણે મુકાયુ છે.

યુદ્ધ પહેલાં ગુજરાતમાં રાજકારણ હોટ ટોપિક બની રહ્યું હતું કેમકે, ખુદ મુખ્યમંત્રી દિલ્હી આંટો મારી આવ્યા હતાં અને વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તે વખતે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એવી અફવાએ જોર પકડ્યુ હતું. રાજકીય પંડિતોનું માનવુ છે કે, જે રીતે હાલ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું શાસન ચાલી રહ્યુ છે તે જોતાં હવે મંત્રીમંડળમાં બદલાવ કરવો જરૂરી બન્યો છે તેમ ખુદ ભાજપના ધારાસભ્યોથી માંડીને બિલ્ડર લોબી- વેપારી આલમમાં ગણગણાટ ચાલી રહ્યો છે પણ યુદ્ધની સ્થિતીને પગલે હાલ મંત્રીમંડળની વાત પર પૂર્ણવિરામ મૂકી દેવાયુ છે. મંત્રી બનવા થનગની રહેલાં ધારાસભ્યો પણ પ્રાર્થના કરી રહ્યાં છે કે, સરહદે શાંતિ થાય તો, કઇક મેળ પડે.

ગુજરાત ભાજપને ક્યારે મળશે પ્રદેશ પ્રમુખ?

આ ઉપરાંત ભાજપના સંગઠનને નવો ઓપ તો આપી દેવાયો છે. મંડળપ્રમુખથી માંડીને જીલ્લા પ્રમુખની નિયુક્તિ કરી દેવાઇ છે પણ ગુજરાત ભાજપનું સુકાન કોને સોંપવુ તે હજુ નક્કી થઇ શક્યુ નથી. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક માટે દિલ્હીમાં હાઇકમાન્ડની બેઠકો પણ યોજાઇ ગઇ છે. હવે માત્ર લીલીઝંડી મળે એટલી જ વાર છે. હવે સરહદે તણાવભરી સ્થિતી છે ત્યારે પ્રદેશ પ્રમુખ ક્યારે નિમાશએ તે અનિશ્ચિત બન્યુ છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન લાવવા બીડુ ઝડપ્યુ છે. ગુજરાતની બે ત્રણ મુલાકાત લઇને જીલ્લા કોંગ્રેસનું માળખુ બનાવવા આદેશ આપ્યો હતો. પ્રભારી-નીરીક્ષકોએ જે તે જીલ્લા-શહેર પ્રમુખ માટે કાર્યકરોનો મત સુદ્ધાં જાણી લીધો હતો પણ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાતાં કોંગ્રેસની આ આખીય કવાયત પર પાણી ફરી વળ્યુ છે. વાત અધવચ્ચે અટકી ગઇ છે. હવે યુદ્ધની સ્થિતી થાળે પડે પછી જ કઇક આગળ વધે તેમ છે. આમ, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાતાં ગુજરાતનું રાજકારણ જાણે લકવાગ્રસ્ત બન્યુ છે. કારણ કે, બધાયનુ ધ્યાન સરહદે ખેંચાયુ છે. સરકાર અને તંત્ર પણ યુદ્ધની સ્થિતી સર્જાય તો તેની તકેદારીના પગલાં લેવાના કામે લાગી છે. આ કારણોસર રાજકીય ગતિવિધી શૂન્ય થઇ છે.

યુદ્ધને કારણે વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચારમાં પંચર પડ્યુ, ભાજપને આશા જાગી

કડી અને વિસાવદરની પેટા ચૂંટણી હજુ જાહેર થઇ નથી. જોકે, આમ આદમી પાર્ટીએ તો ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે પણ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતીને પગલે પેટાચૂંટણીના પ્રચારમાં જાણે પંચર પડ્યુ છે. હાલ બધાનું ધ્યાન યુદ્ધ તરફ આકર્ષિત થયુ છે તે જોતાં પેટાચૂંટણીનો પ્રચાર લગભગ ફિક્કો પડ્યો છે. રાજકીય પક્ષોના કાર્યકરોને પણ પેટાચૂંટણીમાં નહીં, યુદ્ધની સ્થિતી જાણવામાં રસ જાગ્યો છે. નિરસજોકે, ભાજપને એવી આશા જાગી છેકે, વિસાવદર અને કડી પેટાચૂંટણીમાં ભારત-પાકિસ્તાન યુદ્ધનો રાજકીય લાભ મળી શકે છે.

Related News

Icon