
Gujarat's Dams Updates : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે રવિવારે (6 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 206 ડેમમાંથી 20 ડેમ સંપૂર્ણ ભરાયા છે અને 29 ડેમને હાઈ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
20 ડેમ છલકાયા, 29 ડેમને હાઈ ઍલર્ટ
હવામાન વિભાગ મુજબ, આજે 06 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે, રાજ્યના 20 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 43 ડેમ 70-100 ટકા, 49 ડેમ 50-70 ટકા, 46 ડેમ 25-50 ટકા અને 48 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં 29 ડેમને હાઈ ઍલર્ટ, 17 ડેમને ઍલર્ટ અને 17 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે.
જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ
બોટાદ જિલ્લાના ગઢડા શહેર સહિત આસપાસના 15 જેટલા ગામોની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ આજે ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ગઢડા શહેરમાં માત્ર બે કલાકમાં સવા બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાતા ડેમ છલકાયો છે.
ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા સારા વરસાદને કારણે રમાઘાટ ડેમ બીજી વખત છલકાતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ ડેમ છલકાવાથી ગઢડા, લાખણકા, અડતાળા, તતાણા, પીપળ સહિતના પંદર જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનો ભરપૂર લાભ મળશે, જેનાથી આ વર્ષે સારા પાકની આશા બંધાઈ છે.રમાઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો થતા આ મનોરમ્ય દ્રશ્ય જોવા માટે આસપાસના શહેરીજનો ઉમટી પડ્યા હતા. ડેમ છલકાવાના કારણે ખેડૂતો અને નગરજનો એમ બંનેમાં આનંદનો માહોલ છવાયો છે.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તા 100% ભરાઈ જતા 59 દરવાજા ખોલાયા
આજરોજ સવારથી ભાવનગર જિલ્લામાં વરસાદ વરસતા શેત્રુજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી.શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.