
ગુજરાતમાં અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં રાજકોટમાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. રાજકોટ જિલ્લામાં જેતપુરના સાંકળી નજીક થાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. થાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, ધોરાજી તાલુકાના પરબડી ગામના 40 વર્ષીય જયંતીભાઈ નાનજીભાઈ મોઢવાણીનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. બાઈક ચાલકને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ધોરાજી તાલુકા પોલીસ દ્વારા અકસ્માત મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
નર્મદામાં ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના દેવલીયા ચાર રસ્તા આગળ ગેંગડીયા નજીક ઇકો ગાડી અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે યુવકના ઘટના સ્થળે મોત નિપજ્યા છે ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
નસવાડી તાલુકાના કોલંબા ગામના વતની દેવદતસિંહ હિતેન્દ્રસિંહ સોલંકી તથા પ્રતીકસિંહ સરદારસિંહ સોલંકી જેવો આજે વહેલી સવારે પોતાનું બાઈક લઈ અંકલેશ્વરથી પોતાના વતન કોલંબા ખાતે જવા નીકળ્યા હતા. ત્યારે ગેગડીયા નજીક પહોંચતા પૂર ઝડપે આવતી ઇકો ગાડી ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને યુવકના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.