ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં મેઘરાજા સતત 48 કલાકથી બેટિંગ કરી રહ્યા છે. એવામાં ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક જાનહાનિ અને માલહાનિના સમાચાર પણ સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 21 લોકોના મોત નિપજ્યા છે, 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ સિવાય 45થી વધુ પશુના મોત નિપજ્યા છે.
ભારે વરસાદના કારણે ખેડૂતનો મોઢે આવેલો કોળિયો છીનવાયો
ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુકસાન સર્જાયું છે. જેમાં આણંદમાં તૈયાર બાજરી-ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. બીજી બાજું વડોદરામાં બે ઈંચ વરસાદ ખાબકતાં તુલસીવાડીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં.
હવામાન વિભાગની આગાહી
નોંધનીય છે કે, હજુ સુધી વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરૂવારે (8 મે) 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની સંભાવના છે.ગુરૂવારે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યભરમાં 50-60 કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે. શુક્રવારે, નવમી તારીખે આખા ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શનિવારે, 10મી તારીખે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને રવિવારે, 11મી તારીખએ આખા ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.